પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘મુંબઈ ઇન મિનિટ્સ’નાં વિઝન સાથે અનેકવિધ મુંબઈ મેટ્રો પરિયોજનાઓ માટે શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યા. આ પરિયોજનાઓ શહેરના મેટ્રો ઇન્ફ્રાસ્ટ્રક્ટરને વેગ આપશે અને મુંબઈકરોને વધુ સુરક્ષિત, વધુ ઝડપી અને વધુ સારા આવાગમનની સુવિધા પ્રદાન કરવામાં યોગદાન આપશે.
મુંબઈકરોના ઉત્સાહની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે લોકમાન્ય તિલક દ્વારા શરુ કરવામાં આવેલ ગણેશ ઉત્સવ ભારતમાં અને વિદેશમાં પણ ખૂબ પ્રખ્યાત બની ગયો છે.
ઈસરો અને તેના વૈજ્ઞાનિકોની દ્રઢસંકલ્પ અંગે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ત્રણ પ્રકારના લોકો લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ઝંપલાવે છે: એવા લોકો કે જેઓ નિષ્ફળતાના ભયના લીધે કોઈ વસ્તુ શરુ જ નથી કરતા, બીજા એવા લોકો કે જેઓ શરૂઆત તો કરે છે પરંતુ પડકાર સામે આવતા નાસી જાય છે અને અન્ય એવા પ્રકારના લોકો કે જેઓ અનેક પડકારોનો સામનો કરીને પણ સતત લાગેલા રહે છે. ઈસરો અને તેની સાથે સંકળાયેલા લોકો આ ત્રીજી શ્રેણીના છે. તેઓ જ્યાં સુધી મિશન હાંસલ ન થઇ જાય ત્યાં સુધી અટકતા નથી અને થાકતા કે રોકાતા પણ નથી. જોકે આપણે મિશન ચંદ્રયાન 2માં એક પડકારનો સામનો કર્યો છે, તેમ છતાં ઈસરોના વૈજ્ઞાનિકો જ્યાં સુધી લક્ષ્ય હાંસલ નહી થઇ જાય ત્યાં સુધી અટકશે નહિં. ચંદ્રને જીતવાનું સપનું અવશ્ય પૂર્ણ થશે. ઓર્બિટરને સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરી દેવામાં આવ્યું તે એક ઐતિહાસિક સિદ્ધિ છે.”
પ્રધાનમંત્રીએ કહ્યું કે મુંબઈમાં આજે 20,000 કરોડ રૂપિયા સુધીના પ્રોજેક્ટ્સની શરૂઆત કરવામાં આવી છે, જ્યારે 1.5 લાખ કરોડ રૂપિયા અગાઉથી જ મુંબઈ મેટ્રોમાં રોકાણ કરી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે નવી મેટ્રો લાઈન્સ, મેટ્રો ભવન અને મેટ્રો સ્ટેશનો પર નવી સુવિધાઓ મુંબઈને એક નવો આયામ આપશે અને મુંબઈકરોના જીવનને વધુ સરળ બનાવશે. “બાંદ્રા અને એક્સપ્રેસવે વચ્ચેનું જોડાણ વ્યવસાયિકો માટે જીવનને વધુ સરળ બનાવશે. આ પરિયોજનાઓ દ્વારા ‘મુંબઈ ઇન મિનિટ્સ’નાં વિઝનને સિદ્ધ કરી શકાશે.” ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં લાવવામાં આવેલ પરિવર્તન માટે તેમણે રાજ્ય સરકારને અભિનંદન આપ્યા.
એક તરફ ભારત જ્યારે 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણા શહેરો પણ 21મી સદીના શહેરો બનવા જોઈએ. આ ઉદેશ્યોની સમાંતરે સરકાર આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવા માટે આગામી 5 વર્ષમાં 100 લાખ રૂપિયાનો ખર્ચ કરવા જઈ રહી છે, કે જે મુંબઈ અને અન્ય શહેરોને લાભ આપશે. પ્રધાનમંત્રીએ ભવિષ્ય માટે તૈયાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્વને ભારપૂર્વક દર્શાવ્યું અને એ બાબત નોંધી કે જ્યારે શહેરોનો વિકાસ કરવામાં આવી રહ્યો ત્યારે જોડાણ, ઉત્પાદન, સંતુલિતતા અને સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ.
વાહનવ્યવહારને વધુ સરળ બનાવવા માટે, સરકાર સંકલિત ટ્રાન્સપોર્ટ સિસ્ટમનું નિર્માણ કરવા માંગે છે. મુંબઈ મેટ્રોપોલિટન રીજન માટે વધુ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા માટે એક વિઝન દસ્તાવેજ જાહેર કરવામાં આવ્યો હતો. આ દસ્તાવેજમાં મુંબઈ લોકલ, બસ સિસ્ટમ વગેરે જેવા પરિવહનના જુદા–જુદા માધ્યમોનો કેવી રીતે શ્રેષ્ઠતમ ઉપયોગ કરી શકાય તેની ચર્ચા કરવામાં આવી છે. મુંબઈ મેટ્રો માટે એક માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો છે.
મુંબઈ મેટ્રો માટે વિસ્તૃતિકરણ પ્લાન અંગે શહેરીજનોને જણાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે; “અત્યારના 11 કિલોમીટરથી લઇને 2023-24 સુધીમાં શહેરનું મેટ્રો નેટવર્ક હવે 325 કિલોમીટર જેટલું વિસ્તૃત બનશે. મુંબઈ લોકલ વર્તમાન સમયમાં જેટલો મુસાફર બોજ વહન કરે છે તેટલી જ ક્ષમતા મેટ્રોની પણ કરવામાં આવશે. મેટ્રો લાઈન પર દોડનારા કોચનું નિર્માણ પણ ભારતમાં જ કરવામાં આવશે.”
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે મેટ્રો પરિયોજનાને લીધે 10,000 એન્જિનીયરો અને 40,000 કૌશલ્ય ધરાવતા અને અકુશળ શ્રમિકોને નોકરીની તકો પ્રાપ્ત થશે. નવી મુંબઈ એરપોર્ટ, મુંબઈ ટ્રાન્સ હાર્બર ટર્મિનલ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ઉદાહરણ ટાંકતા પ્રધાનમંત્રીએ કહ્યું કે જે ગતિ અને ગુણવત્તા સાથે આ પરિયોજનાઓનું અમલીકરણ આજે થઇ રહ્યું છે તે અભૂતપૂર્વ છે.
ભારતમાં મેટ્રો સિસ્ટમના ઝડપી વિસ્તૃતિકરણ તરફ દૃષ્ટિપાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે હમણાં તાજેતરના સમય સુધી મેટ્રો માત્ર કેટલાક જ શહેરોમાં હતી, જ્યારે વર્તમાન સમયમાં મેટ્રો 27 શહેરોમાં ઉપસ્થિત છે અથવા તો ટૂંક સમયમાં શરુ થવા જઈ રહી છે. “વર્તમાન સમયમાં 675 કિલોમીટરની મેટ્રો લાઈન કાર્યાન્વિત છે, જેમાંથી આશરે 400 કિલોમીટરની લાઈન છેલ્લા પાંચ વર્ષમાં કાર્યાન્વિત થઇ છે; 850 કિલોમીટરની લાઈન પર કાર્ય પ્રગતિમાં છે, જ્યારે 600 કિલોમીટરની મેટ્રો લાઈન માટે મંજૂરી મેળવી લેવામાં આવી છે.”
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે વિકાસને વેગવાન બનાવવા માટે ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સમગ્રતયા દૃષ્ટિકોણથી વિકસિત કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે શરૂઆતના 100 દિવસો દરમિયાન સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે. જળ જીવન મિશન, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, ત્રણ તલાક નાબૂદી અને બાળ સુરક્ષા કાયદોના ઉદાહરણ ટાંકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સરકારે નિર્ણયાત્મક અને પરિવર્તનકારી પગલાઓ લીધા છે.
પોતાની જવાબદારી અંગે જાગૃત હોવાના મહત્વ વિષે બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું કે સુરાજ્ય એ દરેક નાગરિકની જવાબદારી છે. પ્રધાનમંત્રીએ દરેકને દેશ માટે પ્રતિજ્ઞા લેવા અને તેને પ્રાપ્ત કરવા માટે સખ્ત મહેનત કરવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે બાપ્પા (ગણેશ મૂર્તિ)ના વિસર્જન વખતે જળચર જીવોમાં પ્રદુષણ અટકાવવાનું સૂચન કર્યું. આ સાથે જ તેમણે નોંધ્યું કે આ ઉત્સવ દરમિયાન ઘણું બધું પ્લાસ્ટિક અને કચરો દરિયામાં જાય છે. તેમણે લોકોને મીઠી નદી અને અન્ય જળાશયોને પ્લાસ્ટિક મુક્ત બનાવવા પ્રોત્સાહન આપ્યું અને આ રીતે ભારતને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટેની સહયોગી ઝુંબેશમાં સમગ્ર દેશ સમક્ષ ઉદાહરણ પ્રસ્તુત કરવા જણાવ્યું.
પરિયોજના વિશે સંક્ષિપ્તમાં
પ્રધાનમંત્રીએ ત્રણ મેટ્રો લાઈન માટે શિલાન્યાસ કર્યો કે જે સાથે મળીને શહેરના મેટ્રો નેટવર્કમાં 42 કિલોમીટરથી વધુનો ઉમેરો કરશે. ત્રણ કોરીડોર આ મુજબ છે: 9.2 કિલોમીટર લાંબો ગાયમુખથી શિવાજી ચોક (મીરા રોડ) મેટ્રો-10 કોરીડોર, 12.7 કિલોમીટર લાંબો વડાલાથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મેટ્રો-11 કોરીડોર અને 20.7 કિલોમીટર લાંબો કલ્યાણથી તલોજા મેટ્રો-12 કોરીડોર.
પ્રધાનમંત્રીએ અત્યાધુનિક મેટ્રો ભવનનો પણ શિલાન્યાસ કર્યો; 32 માળની આ ઈમારત 340 કિલોમીટર સુધી ફેલાયેલ 14 મેટ્રો લાઈનને સંચાલિત અને નિયંત્રિત કરશે.
પ્રધાનમંત્રીએ બન્દોંગરી મેટ્રો સ્ટેશન, કાંદિવલી ઇસ્ટનું ઉદ્ઘાટન કર્યું. તેમણે અત્યાધુનિક મેટ્રો કોચ કે જે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત નિર્માણ થયેલ પ્રથમ મેટ્રો કોચ છે તેનું પણ ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ મહા મુંબઈ મેટ્રો માટે એક બ્રાંડ વિઝન દસ્તાવેજ જાહેર કર્યો.
આ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ, શ્રી ભગત સિંહ કોશિયારી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડનવીસ, કેન્દ્રીય રેલવે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયુષ ગોયલ તથા કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી રામદાસ આઠવલે પણ ઉપસ્થિત રહ્યા હતા.
RP
Enhancing ‘Ease of Living’ for the people of Mumbai.
— Narendra Modi (@narendramodi) September 7, 2019
Work has begun on developmental projects worth over Rs. 20,000 crore for the city. This includes better metro connectivity, boosting infrastructure in metro stations, linking BKC with Eastern Express Highway and more. pic.twitter.com/ZZ6blu1N2e
Improving comfort and connectivity for Mumbai.
— Narendra Modi (@narendramodi) September 7, 2019
Delighted to inaugurate a state-of-the-art metro coach, which is also a wonderful example of @makeinindia. pic.twitter.com/Dsqe6lmaYy