Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મુંબઈમાં મેઈક ઈન ઈન્ડિયા સપ્તાહના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનું વક્તવ્ય

મુંબઈમાં મેઈક ઈન ઈન્ડિયા સપ્તાહના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનું વક્તવ્ય

મુંબઈમાં મેઈક ઈન ઈન્ડિયા સપ્તાહના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનું વક્તવ્ય


મહામહિમ, સ્વીડનના પ્રધાનમંત્રી, મહામહિમ, ફિનલેન્ડના પ્રધાનમંત્રી, મહામહિમ, પોલેન્ડના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી, મંત્રીઓ, મહાનુભાવો અને અન્ય દેશોના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, મહારાષ્ટ્રના રાજ્યપાલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી, આમંત્રિત મહાનુભાવો, ઉદ્યોગજગતના માંધાતાઓ, દેવીઓ અને સજ્જનો !

મેઈક ઈન ઈન્ડિયા સપ્તાહના સમારંભનો એક હિસ્સો બનવા બદલ હું ખૂબ ખુશ છું. હું ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં તમારા સહુનું સ્વાગત કરું છું. હું ખાસ કરીને વિદેશથી પધારેલા મારા મિત્રોનું સ્વાગત કરું છું અને એમનો એમની સક્રિય ભાગીદારી બદલ આભાર માનું છું. હું આ આયોજનના યજમાન બનવા બદલ મહારાષ્ટ્ર સરકાર અને અન્ય રાજ્યોનો પણ તેમની સક્રિય હિસ્સેદારી માટે આભાર માનું છું.

મિત્રો,

હું જ્યારે એક વર્ષ પહેલાં મેઈક ઈન ઈન્ડિયા અભિયાનના શુભારંભ તરફ નજર માંડું તો હું આપણા યુવાનોની આકાંક્ષાઓને પણ યાદ કરું છું. ભારતની 65 ટકા વસતી 35 વર્ષથી ઓછી વયની છે. આ યુવા ઉર્જા આપણી સૌથી મોટી તાકાત છે.

અમે યુવાનો માટે રોજગારની તકો સર્જવા અને સ્વ-રોજગારની તકો ઊભી કરવા માટે મેઈક ઈન ઈન્ડિયા અભિયાનનો પ્રારંભ કર્યો છે. અમે ભારતને વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનાવવાની દિશામાં જબરદસ્ત રીતે કાર્યરત છીએ. અમે અમારા કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)માં ઉત્પાદનનો હિસ્સો ટૂંક સમયમાં જ 25 ટકા સુધીનો કરવા ઈચ્છીએ છીએ.

અમે એ પણ જાણીએ છીએ કે આ અભિયાનના દબાણમાં સરકારી વ્યવસ્થાતંત્રએ તેના નીતિવિષયક માળખામાં અનેક સુધારા કરવા અનિવાર્ય થઈ જશે.

અમે વિશ્વ સમક્ષ ભારતમાં ઉત્પાદન ડિઝાઈન, સંશોધન અને વિકાસ માટે આધાર તરીકે પ્રવર્તમાન મોટી તકો ઉપલબ્ધ કરાવવા ઈચ્છીએ છીએ.

મેઈક ઈન ઈન્ડિયા સપ્તાહ અમારી રજૂઆતોની સમીક્ષા કરવાનો એક અવસર પ્રદાન કરે છે અને ભવિષ્યની સ્થિતિ કેવા પ્રકારની હશે તે દર્શાવે છે.

અમે જે પ્રગતિ સાધી છે, તેના વિવિધ પાસાંઓની આ આયોજનમાં રજૂઆત કરવામાં આવશે. આ સૌથી મોટો બહુ-પ્રાંતિય મેળાવડો અને દેશમાં યોજાયેલું સૌથી મોટું એક્ઝિબિશન છે. હું તમને સહુને એ જોવા માટે પ્રોત્સાહિત કરું છું કે આ એક્ઝિબિશન જોઈને એ દિશા તરફ નજર નાંખો, જે દિશામાં ભારત આગળ વધી રહ્યું છે.

મારે આ પ્રસંગે તમને સહુને મારા વિચારો જણાવવા છે. એક વર્ષના ગાળામાં મેઈક ઈન ઈન્ડિયા ભારત દ્વારા સર્જાયેલી એક સૌથી મોટી બ્રાન્ડ બની ગયું છે. દેશની અંદર અને દેશની બહાર તેણે જનતા, સંસ્થાઓ, ઉદ્યોગ, મીડિયા અને રાજકીય નેતૃત્વનું ધ્યાન ખેંચ્યું છે.

આમ થવાનું કારણ એ છે કે :

• તે ઉત્પાદનની પ્રવૃત્તિઓમાં સામેલ કરવા માટે આપણી સામુહિક ઈચ્છા દર્શાવે છે.

• તે ઓછા ખર્ચે વસ્તુઓનું ઉત્પાદન કરવાની વૈશ્વિક જરૂરિયાત દર્શાવે છે.

• તે સુધારા કરવા અને કાર્યકુશળતા વધારવા માટે આપણી પર દબાણ લાવે છે.

• તેણે એકસરખી શરતો સાથે વિશ્વ સાથે એકીકૃત કરવા માટે આપણને પ્રોત્સાહિત કર્યા છે.

અમે જે કામ કર્યા છે, તેના હું કેટલાક નક્કર ઉદાહરણો આપવા માંગું છું. આજે ભારત કદાચ સીધાં વિદેશી રોકાણો (એફડીઆઈ) માટે સૌથી શ્રેષ્ઠ દેશ છે. મોટા ભાગના એફડીઆઈ ક્ષેત્રોને આપમેળે મંજૂરી મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

મારી સરકારે સત્તાનાં સૂત્રો સંભાળ્યા તે દિવસથી આજ સુધીમાં અમારો એફડીઆઈનો પ્રવાહ વધીને 48 ટકા નોંધાયો છે. હકીકતમાં ડિસેમ્બર, 2015માં એફડીઆઈનાં રોકાણો દેશમાં સૌથી વધુ હતાં. આ એવે સમયે બની રહ્યું છે, જ્યારે વૈશ્વિક એફડીઆઈમાં મોટો ઘટાડો થઈ રહ્યો છે.

અમે કરવેરા ક્ષેત્રે પણ અનેક સુધારાત્મક પગલાં ઉઠાવ્યાં છે. અમે કહ્યું છે કે અમે પાછલી અસરથી કરવેરાનો સહારો નહીં લઈએ. અમે અમારી કરવેરાને લગતી વ્યવસ્થા પારદર્શી, સ્થિર અને અગાઉથી અનુમાન મેળવી શકાય તેવી બનાવવા માટે પણ ઝડપભેર કાર્ય કરી રહ્યા છે. અમે વેપાર સરળ બનાવવા માટે શક્ય દરેક પ્રયાસ કર્યા છે.

ઉત્પાદન ક્ષેત્રે પ્રક્રિયાઓ સરળ બનાવવા અને સાધનોને તર્કસંગત બનાવવા માટે નિર્ણાયક પગલાં લીધાં છે.

આ પ્રયાસોમાં લાયસન્સિંગ, સરહદ પારથી વેપાર, સુરક્ષા અને પર્યાવરણ મંજૂરી પણ સામેલ છે.

અમે ઈલેક્ટ્રોનિક્સ અને કાપડ સહિત અનેક ક્ષેત્રોમાં આકર્ષક યોજાનાઓ જાહેર કરી છે.

અમે સંરક્ષણ ક્ષેત્રે ઘણા મહત્ત્વપૂર્ણ નીતિવિષયક સુધારા કર્યાં છે. અમે સંરક્ષણ ઉદ્યોગ જેની માંગણી કરતો હતો, તે બધું જ આપ્યું છે.

એક અન્ય ઉદાહરણ કુદરતી સંસાધનોની સરળ અને પારદર્શી વહેંચણીનું છે. એના બેવડા લાભ છે. એક તરફ આવાં સંસાધનોનું ઉત્પાદન વધી ગયું છે અને બીજી તરફ અમે પારદર્શી વ્યવસ્થા સ્થાપી છે, જે વપરાશકારો અને હિત ધરાવનારાઓને સમાન તકો ઉપલબ્ધ કરાવી રહી છે. આ વર્ષે દેશમાં કોલસાનું સૌથી વધુ વિક્રમજનક ઉત્પાદન થશે. વર્ષ 2015માં દેશમાં વીજળીનું સૌથી વધુ ઉત્પાદન થયું હતું.

સંપત્તિઓ અને અધિકારોની સુરક્ષાના મુદ્દાઓ પર અમે અગાઉથી જ મધ્યસ્થતા કાર્યવાહી ઝડપભેર ચાલે તે માટે કાયદો બનાવ્યો છે. અમે હાઈકોર્ટમાં માત્ર વેપારને લગતા કેસ ચાલે તેવી કોર્ટ અને વેપાર વિભાગની સ્થાપના કરી રહ્યા છીએ. કંપની લૉ ટ્રિબ્યુનલની રચના અંતિમ તબક્કામાં કરશે.

અમે ટૂંક સમયમાં જ એક અસરકારક આઈપીઆર અને પેટન્ટ વ્યવસ્થા અમલી બનાવીશું. સંસદમાં પ્રસ્તાવિત નાદારીને લગતો કાયદો પણ મંજૂર થવાની અમને આશા છે.

નીતિ અને પ્રક્રિયા વિશે અમે અમારી પદ્ધતિઓ સ્પષ્ટ, સરળ, સક્રિય અને વેપારને અનુકૂળ બનાવી છે.

હું લઘુતમ સરકાર અને મહત્તમ શાસનમાં વિશ્વાસ રાખું છું. એટલે જ અમે રોકાણ અને વિકાસને અસર કરનારા અવરોધો દૂર કરવાના પ્રયત્નો કરી રહ્યા છીએ.

થઈ રહેલાં પરિવર્તનો અને સુધારાને ફેડરલ સરકારના સ્તરેથી જોવાં સારાં લાગે છે એટલું જ નહીં, પરંતુ રાજ્ય સરકારના સ્તરે પણ એનાથી ખુશી થાય છે. રાજ્ય વેપાર સરળ બનાવવા અને માળખાગત સુવિધાઓના સંદર્ભે પોતાની મેળે પ્રતિસ્પર્ધામાં ઉતરવા સજ્જ છે.

તેનાં પરિણામો ઉત્સાહજનક છે.

ભારત વિશ્વમાં સૌથી ઝડપી વિકાસ પામતી અર્થવ્યવસ્થા બન્યું છે. ચાલુ નાણાંકીય વર્ષના અંતે દેશમાં જીડીપીનો વૃદ્ધિ દર સાત ટકાથી ઊંચો હશે.

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ, વર્લ્ડ બેન્ક, ઓઈસીડી, એશિયન ડેવલપમેન્ટ બેન્ક તેમજ અન્ય સંસ્થાઓએ આવનારા દિવસોમાં ભારત વધુ ઊંચો વિકાસ દર હાંસલ કરશે તેવું અનુમાન બાંધ્યું છે.

વર્ષ 2014-15માં ભારતે વૈશ્વિક વિકાસમાં 12.5 ટકા ફાળો આપ્યો છે. વિશ્વની અર્થવ્યવસ્થામાં પોતાના હિસ્સાની સરખામણીએ ભારતનો વૈશ્વિક વિકાસમાં ફાળો 68 ટકા વધુ છે.

મારે અન્ય પાંચ સંકેતોનો પણ ઉલ્લેખ કરવો છે. ભારતને અનેક વૈશ્વિક ઐજન્સીઓ અને સંસ્થાઓએ રોકાણ માટેના સૌથી આકર્ષક સ્થાનનો દરજ્જો આપ્યો છે. વેપારને સરળ બનાવવા માટે વિશ્વ બેન્ક દ્વારા તૈયાર કરાયેલા લેટેસ્ટ વૈશ્વિક રેન્કિંગમાં ભારત આગળ વધીને 12મા ક્રમે પહોંચી ગયું છે.

• રોકાણો આકર્ષવા અંગે ભારતે પોતાની રેન્કિંગ 15મા ક્રમથી સુધારીને નવમા ક્રમે કરી લીધી છે.

• ભારતે વર્લ્ડ ઈકોનોમિક ફોરમના વૈશ્વિક આર્થિક સૂચકાંકમાં 16 પોઈન્ટનો સુધારો હાંસલ કર્યો છે.

• મૂડીઝે પણ ભારતનું રેન્કિંગ અપગ્રેડ કરીને સકારાત્મક કર્યું છે.

મેઈક ઈન ઈન્ડિયાની ગતિએ અમને ભરોસો આપ્યો છે. તે અમને અમારી નીતિઓ અને પ્રક્રિયાઓને સરળ અને મૈત્રીપૂર્ણ બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. આ પૃષ્ઠભૂમિકા સાથે હું તમને ભારતને તમારું કાર્યસ્થલ અને તમારું ઘર પણ બનાવવા માટે આમંત્રણ આપું છું અને પ્રોત્સાહિત કરું છું.

મિત્રો, અમે ખાસ કરીને નેક્સ્ટ જનરેશનની માળખાકીય સુવિધાઓમાં રોકાણ વધારવા ઈચ્છીએ છીએ. તેમાં રસ્તા, બંદરો, રેલવે, એરપોર્ટ, ટેલીકોમ, ડિજિટલ નેટવર્કસ તેમજ સ્વચ્છ ઉર્જા સામેલ છે.

અમે અમારા લોકોને વધુ સારી આવક અને વધુ સારું જીવન ધોરણ આપવા માટે અમારા સામાજિક, ઔદ્યોગિક અને કૃષિ આંતરમાળખામાં પણ રોકાણ કરી રહ્યા છીએ.

અત્યાર સુધી અમારી અમલીકરણની ક્ષમતા અમારી સૌથી મોટી મર્યાદા હતી. અમે આ પ્રક્રિયા ઝડપી બનાવી છે. આનાં પરિણામો પ્રોજેક્ટો ઝડપભેર પૂરા થવાના સ્વરૂપે મળી રહ્યાં છે. ભારતમાં અત્યાર સુધીના સૌથી વધુ કિલોમીટરના નવા ધોરીમાર્ગના પ્રોજેક્ટ વર્ષ 2015માં મંજૂર કરાયાં હતાં.

આ જ રીતે, રેલવેના મૂડી ખર્ચમાં આ વર્ષે સૌથી વધુ વૃદ્ધિ નોંધાઈ છે.

આ રીતે, ભલે તે ભૌતિક માળખાકીય ક્ષેત્ર હોય કે સામાજિક માળખાકીય સુવિધાઓ, અમે અગાઉની સરખામણીએ સૌથી વધુ કુશળતાપૂર્વક અમલમાં મૂકી રહ્યા છીએ. બીજી મર્યાદા હતી નાણાંકીય ભંડોળની. નાણાંકીય ભંડોળ વધારવા માટે અમે નવીન પગલાં લીધાં છે. અમે ગ્રીનફીલ્ડ અને બ્રાઉનફીલ્ડ પ્રોજેક્ટોમાં જાહેર-ખાનગી ભાગીદારી માટે આવકારી રહ્યાં છીએ. વધુ મજબૂત નાણાંકીય શિસ્ત સાથે અને મહેસૂલ લિકેજ અટકાવીને અમે માળખાકીય ક્ષેત્ર માટે વધુ સંસાધનો ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

અમે નેશનલ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની સ્થાપના પણ કરી છે. અમે રેલવે, રસ્તા અને સિંચાઈના ક્ષેત્રોમાં પ્રોજેક્ટો માટે કરમુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ ઓફર કર્યું છે. અમે આ નાણાંકીય યોજનાઓ માટે અનેક દેશો, નાણાંકીય બજારો અને ફંડો સાથે કામ કરી રહ્યા છીએ.

દેવીઓ અને સજ્જનો, ભારત અઢળક સંભાવનાઓ ધરાવતો દેશ છે. અમારાં 50 શહેરો મેટ્રો રેલવે વ્યવસ્થાની સ્થાપના માટે તૈયાર છે. અમારે 5 કરોડ ઘરો બાંધવા છે. રસ્તા, રેલવે અને દરિયાઈ માર્ગોની ખૂબ જરૂર છે. વિકાસલક્ષી પરિવર્તનો માટે કોઈ સમય નથી હોતો. અમે ઘણી મોટી છલાંગ લગાવવા માંગીએ છીએ.

અમે આ કામ સ્વચ્છ અને પર્યાવરણ-મિત્ર બનીને કરવાનું પણ નક્કી કર્યું છે. આ જ કારણ છે કે અમે પેરિસમાં તાજેતરમાં યોજાયેલી સીઓપી-21 બેઠકમાં વિશ્વ સમુદાય પ્રત્યે એક પ્રતિબદ્ધતા કરી છે. અમે 175 ગિગાવૉટના વિશાળ સ્તરે રીન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરીશું.

હું ક્ષતિરહિત અને પરવડે તેવા ઉત્પાદન પર ઘણો ભાર આપું છું. અમે ઉર્જા કૌશલ્ય, વૉટર રિસાયક્લિંગ, બગાડમાંથી ઉર્જા, સ્વચ્છ ભારત, નદીની સફાઈ પર ઘણો ભાર મૂકીએ છીએ. આ પગલાંનું લક્ષ્ય શહેરો અને ગામડાંમાં જીવન ધોરણ સુધારવાનું છે. આ પગલાં તમને ટેકનોલોજી, સર્વિસીઝ અને માનવ સંસાધનમાં રોકાણ કરવા માટે વ્યાપક અવસર પ્રદાન કરે છે.

મિત્રો, ભારતને ત્રણ ‘ડી’નું સૌભાગ્ય મળ્યું છે. એ છે : ડેમોક્રેસી એટલે કે લોકશાહી, ડેમોગ્રાફી એટલે કે વસતી અને ડિમાન્ડ એટલે કે માંગ. આમાં અમે એક વધુ ડી ઉમેર્યો છે – ડિરેગ્યુલેશન એટલે કે નિયમનમુક્ત. આજનું ભારત આ ચાર પરિમાણો ધરાવતું ભારત છે. અમારું કાયદાકીય વ્યવસ્થાતંત્ર સ્વતંત્ર છે અને સમયની એરણે સચોટ પુરવાર થયેલુ છે.

તમને કોઈ અન્ય દેશમાં આ બધાં જ પરિબળો નહીં મળે.

આ શક્તિઓ સાથે ભારત તમને પોતાની ઉત્પાદન અને ડિઝાઈનની ક્ષમતાઓની તપાસ કરવા અને તેને શરૂ કરવાનો એક મજબૂત મંચ પૂરો પાડે છે. આ ઉપરાંત અમારા દરિયાઈ સ્થળો અન્ય ઘણા મોટા દેશોમાં ઉત્પાદનોનું માર્કેટિંગ સરળ બનાવે છે.

અમે નવો ચીલો ચાતરનારાં અભિયાનો સાથે આ વિશાળ સંભાવનાને વધુ સક્ષમ બનાવવા તથા એનો લાભ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ડિજિટલ ઈન્ડિયા અને સ્કિલ ઈન્ડિયા જેવા અભિયાનો લોકોને આ પ્રક્રિયામાં સામેલ થવા માટે તૈયાર કરવા માટે ઘડવામાં આવ્યાં છે. અમે એવી નાણાંકીય યોજનાઓ તૈયાર કરી છે, જે ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. અમે કોઈ પણ કોલેટરલ વિના મુદ્રા બેન્કના માધ્યમથી ધિરાણ આપી રહ્યા છીએ. અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓના યુવાન ઉદ્યોગસાહસિકો તેમજ મહિલા ઉદ્યોગસાહસિકોને વિશિષ્ટ રીતે ધિરાણ આપવા માટે પણ મેં બેન્કોને સમજાવ્યું છે.

• માત્ર આનાથી જ મહાત્મા ગાંધીનાં સ્વપ્ન સાકાર થશે, જેઓ ઈચ્છતા હતા કે ઉદ્યોગોનું સંચાલન ગામડાંઓમાંથી અને નાનાં એકમોમાંથી થાય.

• માત્ર આનાથી જ ડૉ. ભીમ રાવ આંબેડકરનું સ્વપ્ન સાકાર થશે જેમણે વધારાના શ્રમને કૃષિમાંથી અન્ય વ્યવસાયો તરફ વાળવાની જરૂરતની વકીલાત કરી હતી.

અમે ટૂંક સમયમાં જ આ પ્રક્રિયાને સ્ટેન્ડ અપ ઈન્ડિયા અભિયાન હેઠળ વધુ મજબૂત બનાવવા તરફ અગ્રેસર છીએ.

મને લાગે છે કે આજે અમારા ઘરઆંગણાના ઉદ્યોગો અને રોકાણકારો અનિશ્ચિત વૈશ્વિક પરિસ્થિતિ છતાં પણ ખૂબ આત્મવિશ્વાસ અને આશાવાદ અનુભવે છે. જ્યારે અમે મેઈક ઈન ઈન્ડિયા અભિયાનની શરૂઆત કરી હતી, એ સમયે દેશમાં ઉત્પાદનનો વૃદ્ધિ દર 1.7 હતો. આ વર્ષે તેમાં નોંધપાત્ર વધારો થયો છે. ચાલુ ત્રિમાસિક ગાળા દરમિયાન ઉત્પાદનનો વૃદ્ધિ દર 12.6 ટકાની આસપાસ નોંધાશે તેવી આશા છે.

• સંયુક્ત પીએમઆઈ ઉત્પાદન સૂચકાંક જાન્યુઆરી, 2016માં વધીને 11 મહિનાની સૌથી ઊંચી ટોચે 53.3 ટકા નોંધાયો છે.

• છેલ્લા આઠ મહિના દરમિયાન રોકાણની દરખાસ્તોની કુલ સંખ્યામાં 27 ટકા વધારો થયો છે.

• વર્ષ 2015માં અમે મોટર વાહનોનું ઐતિહાસિક સૌથી વધુ ઉત્પાદન નોંધાવ્યું છે.

• છેલ્લા 10 મહિનામાં દેશમાં 50 નવી મોબાઈલ ફેક્ટરીઓ સ્થપાઈ છે.

• ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરીંગ છ ગણું વધીને 180 લાખ નોંધાયું છે.

• ઈએસડીએમ એકમો તરીકે પ્રચલિત 159 ઈલેક્ટ્રોનિક સિસ્ટમ ડિઝાઈન અને મેન્યુફેક્ચરીંગ એકમોની સ્થાપના વર્ષ 2015માં થઈ.

• કેટલીક ખાસ એજન્સીઓના અનુમાન મુજબ ભારતીય રોજગાર બજાર મજબૂત આધાર પર છે.

ઉદાહરણ તરીકે, ભારતનો મોન્સ્ટર રોજગાર સૂચકાંક જાન્યુઆરી, 2016માં 229 હતો, જે પાછલા વર્ષના જાન્યુઆરીની સરખામણીએ 52 ટકા ઊંચો છે.

આ જ રીતે વેપારના સંદર્ભે પણ :

• ભારતે વર્ષ 2015માં સૌથી વધુ નિકાસો નોંધાવી છે.

• વર્ષ 2015માં અમારાં મોટાં બંદરોએથી ઐતિહાસિક માલસામાન પરિવહન નોંધાયો છે.

આ બધા સારાં સંકેત છે. હું આપણા ઉદ્યોગ જગતને કેટલીક મૈત્રીપૂર્ણ સલાહ આપવા માંગું છું. રાહ ન જુઓ. વિશ્રામ ન કરો. ભારતમાં વિપુલ તકો છે. ભારતમાં કામ કરવા માટે વૈશ્વિક કંપનીઓને ફરી જાગેલા રસનો તમારો લાભ ઉઠાવવો જોઈએ. આમાંથી અનેક ભારતીય ભાગીદારી સાથે ટેકનોલોજી અને જોડાણો સ્થાપવાની આશામાં બેઠા છે. તેમાં સંરક્ષણ ક્ષેત્ર માટેના ઉત્પાદન જેવા ઉચ્ચ ટેકનોલોજી અને ઉચ્ચ મૂલ્ય ધરાવતાં ક્ષેત્ર પણ સામેલ છે. હું તમને વિશ્વાસ અપાવું છું કે જો તમે એક કદમ ઉઠાવશો તો અમે તમારી સાથે બે કદમ ચાલીશું.

સ્પર્ધાત્મક વિશ્વમાં મેનેજમેન્ટ અને ટેકનોલોજીની ક્ષમતાઓ વધુ શ્રેષ્ઠ બનાવવી, એ ટકી રહેવા માટે અને વિકાસ માટે અનિવાર્ય છે. અંતરિક્ષયાનોથી માંડીને પ્રદૂષણ નિયંત્રણ સુધી, શિક્ષણથી સ્વાસ્થ્ય સુધી, કૃષિથી સેવા ક્ષેત્ર સુધી, અમારા યુવાન ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટ-અપ્સ અમને ઉદ્યોગસાહસિકતા અને પુરવઠાના નવા-નવા અને ઝડપી રસ્તા બતાવી રહ્યા છે. મારી સરકાર એમને મદદ કરવા અને તેમની ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરવા માટે પ્રતિબદ્ધ છે. હું ઈચ્છું છું કે અમારા યુવાન રોજગાર માંગવાવાળા નહીં, પરંતુ રોજગારનું સર્જન કરવાવાળા બને. આ જ કારણ છે કે અમે સ્ટાર્ટ-અપ ઈન્ડિયા અભિયાન શરૂ કર્યું છે.

અમને એવા રસ્તા શોધવામાં દિલચસ્પી છે કે જેમાં :

• અમારા દિમાગ, હાથોને અધિકાર સંપન્ન બનાવવા માટે સક્ષમ હોય.

• અમારા હાથ મશીનોને નિયંત્રણ કરવા માટે સક્ષમ હોય.

• અમારા મશીન સર્વશ્રેષ્ઠ ઉત્પાદન કરવા માટે સક્ષમ હોય.

• અમારા ઉત્પાદનો અન્યને પછાડવા માટે સક્ષમ હોય.

મેઈક ઈન ઈન્ડિયા, આમ આદમીની પૂરી નહીં થયેલી માંગણીઓને પૂરી કરનારું અભિયાન છે. એ બેરોજગારોને સામેલ કરવાનો અને સતત કાર્યરત બનાવવાનો એક પ્રયાસ પણ છે. હું મેઈક ફોર ઈન્ડિયા પર પણ ભાર મૂકું છું, જેથી માનવીય અને પ્રાદેશિક જરૂરિયાતો પૂરી કરી શકાય. મેં સાંભળ્યું છે કે અનેક વૈશ્વિક કંપનીઓ પોતાની સ્થાનિયકરણ યોજનાઓ અંગે વાત કરે છે. આ રીતે, આ અભિયાનમાં ભારતીય અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવાની અને દેશનંપ વૈશ્વિક ચિત્ર વધુ મજબૂત બનાવવાની ક્ષમતા છે.

મિત્રો, હું ઘણીવાર એમ કહું છું કે આ સદી એશિયાની સદી છે. મારી તમને એ જ સલાહ છે કે જો તમે આ સદીને પોતાની સદી બનાવવા ઈચ્છો છો તો મેઈક ઈન ઈન્ડિયાને તમારું કેન્દ્ર બનાવો. હું અહીં બેઠેલા અને અહીં નહીં આવેલા પ્રત્યેક વ્યક્તિને ભારતના વિકાસની ગાથાનો હિસ્સો બનવા માટે આમંત્રણ પાઠવું છું.

• ભારતમાં ઉપસ્થિત હોવાનો આ સૌથી શ્રેષ્ઠ સમય છે.

• અને તેનાથી પણ વધુ શ્રેષ્ઠ મેઈક ઈન ઈન્ડિયાનો હિસ્સો બનવાનો અવસર છે.

આભાર.

AP/J.Khunt