Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મુંબઈમાં બોમ્બે આર્ટ સોસાયટી ખાતે પ્રધાનમંત્રીના વક્તવ્યનું લખાણ

મુંબઈમાં બોમ્બે આર્ટ સોસાયટી ખાતે પ્રધાનમંત્રીના વક્તવ્યનું લખાણ

મુંબઈમાં બોમ્બે આર્ટ સોસાયટી ખાતે પ્રધાનમંત્રીના વક્તવ્યનું લખાણ


કળા પ્રેમી ભાઈઓ અને બહેનો, થોડા વખત પહેલાં વાસુદેવ જી મારા ઘેર આવ્યા હતા અને ઘણા હક્કપૂર્વક મને આદેશ આપીને ગયા હતા. તમારે આવવું પડશે અને એનું જ પરિણામ છે કે આજે હું તમારી વચ્ચે છું.

ઘણી ઓછી એવી વ્યવસ્થાઓ હોય છે, જે ત્રણ શતાબ્દિઓને પ્રભાવિત કરતી હોય, આપની બોમ્બે આર્ટ સોસાયટીએ ત્રણ શતાબ્દિઓને પ્રભાવિત કરી છે. 19મી સદીમાં તેની શરૂઆત થઈ અને 21મી સદી સુધી અને તેનું મૂળ કારણ છે કળાની પોતાની એક તાકાત હોય છે, કળાનો પોતાનો એક સંદેશ હોય છે, કળાની અંદર ઈતિહાસ યાત્રા કરે છે, કળા સંવેદનાઓની અભિવ્યક્તિ હોય છે અને ત્યારે ત્રણ શતાબ્દિઓ સુધી તે પોતાનું સ્થાન બનાવે છે.

કદાચ હિન્દુસ્તાનમાં અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં અને મુંબઈમાં કોઈ ધનિક પરિવાર એવો નહીં હોય, જેની દિવાલો પર કળા શોભાયમાન ન બની હોય. કોઈ ધનિક પરિવાર એવો નહીં હોય, પરંતુ એ દ્વંદ્વ જુઓ કે જ્યાં કળાનું ગર્ભસ્થળ હોય છે, ત્યાં તેને સ્થાન બનાવતા સવા સો વર્ષ વીતી ગયા.

અને એટલે જ સમાજ તરીકે એ વિચારવાની આવશ્યકતા છે કે કળાકૃતિ, એ આપણી દિવાલોની શોભા છે કે આપણા સમાજની શક્તિ છે. જો આપણે કળાકૃતિને આપણી દિવાલોને શોભાયમાન બનાવવાનું એક માધ્યમ માત્ર માનતા હોઈએ તો કદાચ આપણે કળાથી સદીઓ દૂર છીએ, માઈલો દૂર છીએ અને આ સ્થિતિ બદલવા માટે એક અવિરત શિક્ષણ, અવિરત સંસ્કાર આવશ્યક હોય છે.

આપણો જ દેશ એવો છે જેમાં ટેમ્પલ આર્કિટેક્ચર એની વિશેષતા ધ્યાનપૂર્વક જોઈએ, તો જ્યાં ઈશ્વરનું સ્થાન છે, ત્યાં અનિવાર્ય રીતે કળાનું સ્થાન છે. દરેક મંદિરમાં તમને નૃત્ય મંડપ દેખાશે, દરેક મંદિરમાં તમને કળાકૃતિઓ દ્વારા ઈતિહાસ અને પરંપરાઓ જીવિત થતી જોવા મળશે. આ ઈનબિલ્ટ વ્યવસ્થા એ વાત સમજાવે છે કે આપણી સાંસ્કૃતિક યાત્રામાં કળા યાત્રાનું કેટલું મહત્ત્વ છે. નહીં તો, ઈશ્વરની સાથે-સાથે કળાની યાત્રા ન હોત. આખી દુનિયામાં કોઈ એક ચહેરો એવો નહીં હોય, જેના આટલા રૂપોમાં કળાકારોએ તેની સાધના કરી હોય. કદાચ ગણેશ જી એક એવા છે કે જેમને દરેક કળાકારે કળાથી અભિભૂત કરતા હાથ લગાવ્યો હોય, પોતાની રીતે લગાવ્યો હોય અને કદાચ ગણેશ જ છે, જે અબજો રૂપિયામાં આપણી સામે પ્રસ્તુત છે, અબજો-અબજો રૂપિયામાં છે.

મતલબ કે કેવી રીતે કળાકાર આ ચીજોને પામે છે, વિકસાવે છે અને એ છોડને વટવૃક્ષની જેમ વિકસાવે છે અને એ અર્થમાં, અહીં વાસુદેવ જીએ એક વાત જણાવી પરંતુ હું એમનાથી થોડો જુદો અભિપ્રાય ધરાવું છું. તેમણે કહ્યું કે કળા રાજ્યસ્તરે હોય, ના, કળા ક્યારેય રાજ્યસ્તરે ન હોવી જોઈએ. કળા રાજ્ય દ્વારા પુરસ્કૃત હોવી જોઈએ.

કળાને કોઈ સીમા ન હોવી જોઈએ, કળાને કોઈ બંધન ન હોવાં જોઈએ અને રાજ્યની જવાબદારી છે કે કળાને પુરસ્કૃત કરે અને હું શરદ જીને અભિનંદન પાઠવું છું કે જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા, તેમણે જમીન આપવાનો નિર્ણય લીધો. કળા રાજ્ય દ્વારા પુરસ્કૃત હોવી જોઈએ અને કળા સમાજની શક્તિનો હિસ્સો હોવી જોઈએ. ત્યારે જ કળા પરિણામકારક બને છે.

આધ્યાત્મિક યાત્રા સાથે જે લોકો જોડાયેલા હશે, તેઓ આ વાતને કદાચ સરળ ભાષામાં સમજતા હશે કે શરીરની ગતિવિધિ પહેલાં અધ્યાત્મ મન અને દિલમાં સ્થાન મેળવે છે અને ત્યાર બાદ એ શરીરની અભિવ્યક્તિના રૂપમાં શરીરને એક સાધનના રૂપમાં ઉપયોગ કરે છે. શરીર અધ્યાત્મની અનુભૂતિનું માધ્યમ હોઈ શકે છે. જેમ કળા એ પત્થરમાં નથી હોતી, એ માટીમાં નથી હોતી, એ કલમમાં નથી હોતી, એ કેનવાસમાં નથી હોતી. કળા એ કળાકારના દિલ અને દિમાગમાં અગાઉથી આધ્યાત્મની માફક જ જન્મ લે છે.

જ્યારે એક કળાકાર પત્થર કંડારે છે, ત્યારે આપણને એમ લાગે છે કે પત્થર કંડારે છે. આપણે પૂછીએ છીએ કે તું પત્થર કંડારે છે કે નહીં, એ કહે છે કે હું તો મૂર્તિ કંડારી રહ્યો છું. જોવામાં આટલો મોટો ફરક હોય છે. આપણા માટે તે પત્થર હોય છે, કળાકાર કહે છે કે હું મૂર્તિ કંડારું છું, આપણે કહીએ છીએ તું પત્થર કંડારે છે કે ?

આ આપણી સામાજિક વિચારધારા છે, તેને આપણે બદલવી પડશે અને ત્યારે જ કળા જીવનનું મહાત્મ્ય વધશે. આપણે ત્યાં બાળકોને ગોખેલી કવિતાઓ – ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર – તમે કોઈ પણ ઘરમાં જાઓ તો નાનાં બાળકોને એમની મમ્મી લઈ આવશે અને કહેશે, ચલો બેટા, ગીતા ગાઓ અને એ બાળક ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર કરતું રહેશે.

ઘણાં ઓછાં ઘર છે, જ્યાં મા કહેશે, બેટા, તેં ગઈકાલે પેઈન્ટિંગ બનાવ્યું હતું, ચલો, અંકલને બતાવો. અંકલ આવ્યા છે, બતાવો. આવું બહુ ઓછું જોવા મળે છે, આ પરિવર્તન જરૂરી છે. એ બાળકના અંતરમનની વિકાસ યાત્રાનો આધાર ગોખેલા શબ્દોમાં નથી, તેની અંદરથી નિકળેલી ચીજોથી, એણે જે ઉપર-નીચે કાગળ પર જે પેઈન્ટિંગ કર્યું છે, તેમાં છે. અને વ્યક્તિ વિકાસના અધિષ્ઠાનના રૂપમાં કળા એક ઘણી જ મહત્ત્વપૂર્ણ એટલે કે સંપૂર્ણ વ્યક્તિત્વના વિકાસ માટે કળા અત્યંત અનિવાર્ય હોય છે.

આજે ટેકનોલોજીનો યુગ છે. તમામ શિક્ષણ એન્જિનિયરીંગ અને ટેકનોલોજીથી પ્રભાવિત થઈ રહ્યું છે. જીવન પર મોટા ભાગે ટેકનોલોજી સાથે જોડાયેલું છે. પરંતુ આપણે એ સજાગ રીતે પ્રયાસ કરવો જોઈએ કે આપણે આવનારી પેઢીઓને કેવી રીતે માનવી બનાવી રાખે. બીક લાગે છે કે ક્યારેક રોબોટ તો નહીં બની જઈએ. આ સ્વિચ દબાવીએ તો આ કામ થશે અને પેલી સ્વિચ દબાવીએ તો પેલું કામ થઈ જશે. અને એટલે જ બાળકની અંદરના માણસને જીવિત રાખવાનો છે, તો કળા જ એક માધ્યમ છે, જે તેના જીવનને જીવંત રાખી શકે છે. એની અંદરના માનવીને જીવિત રાખી શકે છે. અને એ અર્થમાં અને જ્યારે આપણે આર્ટ કહીએ છીએ, એ – આર – ટી – તેમાં -એ-નો અર્થ છે, એજલેસ – ચિરંજીવી. – આર – નો અર્થ છે રેસ રિજિયન, રિલિજિયન લેસ – જાતિ-ધર્મ કે પ્રદેશના વાડાંઓથી મુક્ત અને – ટી – નો અર્થ છે, ટાઈમલેસ – સમયની મર્યાદાઓથી પર. આ આર્ટ અનંતની અભિવ્યક્તિ હોય છે. અને એ અર્થમાં આપણે તેના મહત્ત્વનો જેટલો સ્વીકાર કરીએ, એને સજાવીએ. હું શાળાઓને આગ્રહ કરીશ કે તેઓ એમના ટૂર પ્રોગ્રામ બનાવે છે. તો એ ટૂર પ્રોગ્રામમાં વર્ષમાં ઓછામાં ઓછો એક કાર્યક્રમ આર્ટ ગેલેરી જોવા જવાનો રાખે. બીજું બધું જોવા જઈશું, બીચ જોવા જઈશું, પણ આર્ટ ગેલેરી જોવા નહીં જઈએ. એ જ રીતે, મેં રેલવે ડિપાર્ટમેન્ટને કહ્યું છે કે વ્યસ્ત રેલવે પ્લેટફોર્મ હોય અને બંને તરફ ટ્રેન આવતી હોય, એની વચ્ચે થાંભલા હોય છે.

મેં કહ્યું કે, એક ડિવાઈડર તરીકે એક સુંદર આર્ટ ગેલેરી રેલવે પ્લેટફોર્મ પર શા માટે ન હોય. એ શહેરના કળાકારોને નવા ઉભરી રહેલા કળાકારોને ત્યાં જગ્યા મળે. આવું કેવી રીતે બની શકે એ જોવાનું. જેથી કરીને ત્યાં આવનારી દરેક વ્યક્તિ એ જોશે. એ શહેરનો કળાકાર હશે, તો તેને અનુભવશે. અને તેને અવસર મળશે, કે ચલો ભાઈ, 15 દિવસ પછી મારી એક નવી પેઈન્ટિંગ ત્યાં લગાડવાનો અવસર મળશે. તો હું વધુ સારું કામ કરું. આવતા મહિને મને તક મળી શકે છે. હું વધુ સારું કામ કરું. આપણે આપણી વ્યવસ્થાઓને સરળ કેવી રીતે બનાવીએ, તે જોવું જોઈએ. હમણાં મેં ગઈ વખતે મન કી બાતમાં જણાવ્યું હતું કે આપણા દેશના રેલવે સ્ટેશનો પર કળાકાર પોતે સમય જોઈને આજે રેલવે સ્ટેશનો પર રંગરૂપ બદલી રહ્યા છે. આ સરકારી યોજના ન હતી. સરકારે કોઈ બજેટ પણ આપ્યું ન હતું. આ પોતાની મરજીથી તેઓ કરી રહ્યા છે. અને એનો એટલો મોટો પ્રભાવ પડી રહ્યો છે. એક રીતે તેઓ સંસ્કાર સીંચી રહ્યા છે. સ્વચ્છતા પર એક ભાષણ આપવા કરતાં આ કામ વધુ અસરકારક છે. એક કળાકારને પોતાનું પેઈન્ટિંગ સ્વચ્છ રાખવા માટે પ્રેરિત કરે છે.

મારા મનમાં એક વિચાર આવે છે, હું નથી જાણતો કે મારા કળાકાર મિત્ર અહીં ક્યાંક બેઠા હશે. મારા વિચારને તેઓ કયા દ્રષ્ટિકોણથી જોશે. આવનારા યુગને ધ્યાનમાં રાખીને આપણે આપણી જે કળાકૃતિ છે, તેને ડિજિટલ દુનિયા દ્વારા એક હાઈબ્રિડ ડેવલપમેન્ટ કરી શકીએ ? જેમ કળાકારે કૃતિ તૈયાર કરી, તો પહેલા તેને કેવી રીતે વિચાર આવ્યો, એ કેવી રીતે કાગળ પર વિકસાવતો હતો. ત્રણ મહિના, છ મહિના, તેમાં ડૂબી ગયો. આ પ્રોસેસનું એક ત્રણ કે ચાર મિનિટનું ડિજિટલ વર્ઝન. કોઈ પણ વ્યક્તિ જ્યારે તેની કળાકૃતિ જુએ છે, તો સાથે સાથે આ પ્રોસેસનું ડિજિટલ વર્ઝન પણ જુએ. અને તેમાં મ્યુઝિકલ ઈફેક્ટ પણ હોય. આજે મુશ્કેલી એ છે કે બહુ ઓછા લોકો હોય છે, કે કોઈ કળાનો જ્ઞાની સાથી જોઈએ. એ તેને સમજાવશે કે જો ભાઈ, આનો અર્થ આમ થાય છે. લાલ રંગ એટલે વાપર્યો છે, પીળો રંગ આ માટે વાપર્યો છે, તો એને લાગે છે કે યાર, આટલું બર્ડન શું કામ લઉં, ચલો સારું લાગ્યું, ચલો ભાઈ.

આ પરિવર્તન માટે ડિજિટલ વર્લ્ડને તેના કોમ્બિનેશનના રૂપમાં કેવી રીતે લવાય, તે વિચારવું જોઈએ. હું ઈચ્છું કે જે લોકો સોફ્ટવેર આઈટીની દુનિયા સાથે જોડાયેલા છે, તે લોકો આમાં રસ લે. અને કળાકારોને એક નવી તાકાત, યુગને અનુકૂળ નવી તાકાત કેવી રીતે આપી શકાય, તે દિશામાં પ્રયાસ થાય.

ફરી એકવાર મહારાષ્ટ્ર સરકારને, શ્રી શરદ રાવ જીને હૃદયપૂર્વક ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. વાસુદેવ અને તેમની સમગ્ર ટીમને પણ અભિનંદન આપું છું. અને કળાકૃતિઓને તો હવે ખૂબ જગ્યા મળી. કળાનું જ્યાં ગર્ભસ્થાન હોય છે, ત્યાં તેને જગ્યા મળી ગઈ છે. વધુ નવી ચેતના જાગશે. ખૂબ – ખૂબ શુભેચ્છાઓ.

UM/J.Khunt