હું ભારતીય વ્યાપારી સંસ્થાનની મહિલા પાંખના 50 વર્ષ પુરા થવા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ આપું છું. કોઈપણ સંસ્થા માટે 50 વર્ષનો પડાવ ખુબ મહત્વપૂર્ણ હોય છે અને આ એવો સમયગાળો હોય છે કે વ્યક્તિ હોય કે સંસ્થા હોય, તે સોનાની જેમ તપ કરીને નીકળતો હોય છે, ચમકવા લાગે છે; અને કદાચ એટલા જ માટે 50 વર્ષ પૂર્ણ થવાને સુવર્ણ જયંતી પણ કહે છે. તમે જે સંસ્થાનો હિસ્સો છો તેનો ખુબ જ ગૌરવશાળી ઈતિહાસ રહ્યો છે. સ્વદેશી આંદોલનની પૃષ્ઠભૂમિમાં તેની સ્થાપના થઇ છે. તમે પણ પાછલા 50 વર્ષ મહિલાઓ માટે કામ કરતા કરતા કંઈક ને કંઈક યોગદાન આપ્યું છે; અને તેના માટે તમારી સંસ્થા પ્રશંસાને પાત્ર છે. અને પાછલા 50 વર્ષમાં જે જે લોકોએ આનું નેતૃત્વ કર્યું છે, આને આગળ વધારી છે, તે સૌ અભિનંદનના અધિકારી છે.
આજે જે આર્થિક સામર્થ્યનો જયારે વિષય આવે છે, નિર્ણયમાં તેમની ભાગીદારી વધી રહી છે. તમે કોઈ પણ સેક્ટર જુઓ; જ્યાં પણ મહિલાઓને યોગ્ય અવસર મળ્યો છે, તેઓ પુરુષોથી બે ડગલા આગળ જ નીકળી ગઈ છે.
આજે દેશની મહિલાઓ લડાકુ વિમાન ઉડાડી રહી છે, અંતરીક્ષમાં જઈ રહી છે, ઓલિમ્પિકમાં દેશને મેડલ અપાવી રહી છે. પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી, ગામના વેલથી લઈને સીલીકોન વેલી સુધી ભારતની મહિલાઓની બોલબાલા છે. અને એટલા માટે એવી કલ્પના કે ભારતની મહિલાઓ માત્ર ઘરેલું છે, તે એક દંતકથા છે. જો આપણે ભારતના કૃષિ ક્ષેત્રને જોઈએ, ડેરી ક્ષેત્રને જોઈએ, કોઈ એ વાતથી ઇનકાર નહીં કરી શકે કે ભારતના કૃષિ ક્ષેત્રને અને પશુપાલનના ક્ષેત્રમાં જો સૌથી મોટું યોગદાન કોઈનું છે તો નારી શક્તિનું છે.
જો તમે આદિવાસી વિસ્તારમાં ચાલ્યા જાવ, ત્યાંના પુરુષોની ગતિવિધિઓ જુઓ તો તમને અંદાજો આવશે, અને સાંજ પછી તો શું હાલ થાય છે, અને આદિવાસી વિસ્તારોમાં જાવ મહિલાઓ જે રીતે ઘર ચલાવે છે, આર્થિક ગતિવિધિઓ કરે છે, તેમની પાસે જે કળા છે, કૌશલ છે, કુટીર ઉદ્યોગ છે, આદિવાસી મહિલાઓમાં આ જે હુન્નર હોય છે, જે સામર્થ્ય હોય છે, આપણે લોકોએ તે તરફ ધ્યાન નથી આપ્યું, અને મારું માનવું છે કે દરેક વ્યક્તિમાં એક ઉદ્યમી પણ હોય છે, વ્યાપારની સમજ હોય છે. માત્ર તેને યોગ્ય અવસર અને માર્ગદર્શન આપવાની જરૂર હોય છે.
દેશમાં અનેક સ્થાનો પર ડેરી વ્યાપાર સાથે જે મહિલાઓ જોડાયેલી છે; સીધા તેમના બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે. અને મારે તો જ્યાં જ્યાં ડેરી ઉદ્યોગના લોકો સાથે મળવાનું થાય છે તો હું આગ્રહ કરું છું કે તમે ડેરીથી સંલગ્ન દૂધ ભરવા માટે જયારે મહિલાઓ આવે છે,તે પૈસા કેશ આપવાના બદલે સારું એ થશે કે તે પશુપાલક મહિલાઓના જ અલગથી બેંક ખાતા હોય, તે જ મહિલાઓના ખાતામાં પૈસા જમા હોય. તમે જુઓ, તે ગામની ગરીબ મહિલા પણ કે જે એક ગાય, એક ભેંસ પાળે છે, જયારે તેના ખાતામાં, બેંકમાં જમા પૈસા હોય છે તે એક સશક્તિકરણનો અનુભવ કરે છે; આખા ઘરમાં તેના અવાજમાં સંભાળવામાં આવે છે, તેની વાતને સંભાળવામાં આવે છે. જ્યાં સુધી તેને એક માળામાં પરોવતા નથી, તેની બધી મહેનત વિખેરાઈ જાય છે. અને એટલા માટે નાના નાના પરિવર્તનો પણ એક નવી તાકાત આપે છે.
આજે દેશમાં હજારો દૂધ સોસાયટીઓને મહિલાઓ ચલાવી રહી છે. અનેક બ્રાન્ડ એટલા માટે સફળ થઈ છે કેમકે તેમની પાછળ મહિલાઓની તાકાત હતી, મહિલાઓનો શ્રમ હતો, તેમની વ્યાપારી કુશળતા હતી. આ બ્રાન્ડ આજે વિશ્વભરની મોટી મેનેજમેન્ટ શાળાઓ માટે પણ કેસ સ્ટડી બની ચુક્યા છે. હવે તમે લિજ્જત પાપડની વાર્તા જુઓ, એક જમાનામાં કેટલીક આદિવાસી મહિલાઓએ સાથે મળીને લિજ્જત પાપડને શરુ કર્યા હતા, એક રીતે કુટીર ઉદ્યોગના રૂપમાં શરુ થયા, અને આજે લિજ્જત પાપડે ક્યાંથી ક્યાં પોતાની જગ્યા બનાવી લીધી છે; તમે અમુલને જુઓ, દરેક ઘરમાં અમૂલની ઓળખ બની છે. હજારો મહિલાઓ દૂધ મંડળીઓનું તેની અંદર ખુબ મોટું સંચાલનમાં અને યોગદાન હોય છે; અને તેનું જ પરિણામ છે કે તેમણે પોતાની એક ઓળખ બનાવી છે, એક જગ્યા બનાવી છે. આપણા દેશની મહિલાઓમાં સંયમ પણ છે, સામર્થ્ય પણ છે, અને સફળતા માટે સંઘર્ષ કરવાનો ઈરાદો પણ છે. તમારા જેવી સંસ્થાઓ તેમને સાચો રસ્તો બતાવવામાં મદદ કરી શકે છે.
ભારતીય વ્યાપારી સંસ્થાન સાથે એક અન્ય ગૌરવ પણ જોડાયેલું છે. અને તે ગૌરવ છે. ખુદ મહાત્મા ગાંધી પણ ભારતીય વ્યાપારી સંસ્થાનના સભ્ય હતા. જે લોકોએ મહાત્મા ગાંધી વિષે ઊંડું અધ્યયન કર્યું હશે તેમના ધ્યાનમાં એક નામ આવ્યું હશે; જેટલી મોટી ચર્ચા તે નામની થવી જોઈએ, થઇ નથી. અને આજે હું તમને પણ આગ્રહ કરીશ કે જે નામનો હું ઉલ્લેખ કરી રહ્યો છું, તમે પણ પ્રયત્ન કરો; ગુગલ ગુરુ પાસે જઈને જરા પૂછો કે કયા નામની હું ચર્ચા કરી રહ્યો છું, અને તે નામ છે ગંગા બા. ખુબ ઓછા લોકોને કદાચ આ ગંગા બાના વિષયમાં જાણકારી છે.
મહાત્મા ગાંધીજી આફ્રિકાથી ભારત પાછા આવ્યા, સાબરમતી આશ્રમમાં તેમના સાર્વજનિક જીવનનો પ્રારંભ થયો. તો તે જ ગામથી ખબર પડી, આજથી 100 વર્ષ પહેલાની ઘટનાની આ વાત છે! કે કોઈ ગંગા બા છે જે ખુબ નાની ઉંમરમાં વિધવા થઇ ગયા અને તેઓ સમાજની રીતીઓની વિરુદ્ધ લડાઈ કરીને ફરી પોતાનું શિક્ષણ શરુ કરી, ભણવાનું શરુ કર્યું. ખુબ નાની ઉંમરમાં વિધવા થઇ ગયા હતા. તે સમયે તો 8, 10 વર્ષની ઉંમર હશે કદાચ. અને મહાત્મા ગાંધી બાને કહેતા હતા તે ખુબ મોટી મહા સાહ્સી મહિલા હતાં. જયારે ગાંધીજીએ તેમના વિષે સાંભળ્યું તો ગાંધીજી સાબરમતી આશ્રમથી તેમને મળવા માટે ચાલ્યા ગયા. અને જયારે ગાંધીજી ગંગા બાને મળ્યા તો ગંગા બાએ ગાંધીજીને એક ભેટ આપી હતી, એક ગીફ્ટ આપી હતી.
અને આજે જે આઝાદીના આંદોલન સાથે જે ચરખો ગાંધીજીની સાથે દરેક પળે જોવા મળે છે, તે ચરખો ગંગા બાએ ગાંધીજીને ભેટ આપ્યો હતો. સ્ત્રી સશક્તિકરણની વાત તે ચરખાના માધ્યમથી ગંગા બાએ ગાંધીજીને પ્રેરણા આપી હતી. હવે ગંગા બાના નામ પર સ્ત્રી સશક્તિકરણનો એવોર્ડ પણ આપવામાં આવે છે, તેમના જીવન ઉપર એક પુસ્તક પણ છપાયું છે. મારા કહેવાનો તાત્પર્ય એ છે કે 100 વર્ષ પહેલા એક નારીમાં એ તાકાત હતી કે જે ગાંધીજીની આંખોમાં પણ આંખ પરોવીને સ્ત્રી સશક્તિકરણના વિષયમાં ખુલીને વાત કરી શકતી હતી. તે આપણા દેશની નારીની તાકાત છે.
આપણા સમાજમાં પણ એક નહીં; લાખો કરોડો ગંગા બા છે; બસ તેમને સશક્ત કરવાની જરૂર છે. આધુનિક ભારતમાં માતા બહેનોને સશક્ત કરીને જ દેશ આગળ વધી શકે છે. અને આ જ વિચારધારા સાથે સરકાર પ્રગતિશીલ નિર્ણયો લઇ રહી છે. જ્યાં કાયદો બદલવાની જરૂર છે ત્યાં કાયદો બદલવામાં આવી રહ્યો છે; જ્યાં નવા નિયમોની જરૂર છે, ત્યાં નવા નિયમો બનાવવામાં આવી રહ્યા છે. હમણા તાજેતરમાં જ પ્રસુતા કાયદામાં બદલાવ કરીને મેટરનિટી લીવને બાર અઠવાડિયાથી વધારીને 26 અઠવાડિયા કરવામાં આવ્યા છે. 12 અઠવાડિયાથી સીધા 26 અઠવાડિયા. દુનિયાના મોટા મોટા સમૃદ્ધ દેશોમાં પણ આજે આવા નિયમો નથી.
ફેક્ટરી એક્ટમાં પણ બદલાવ કરીને રાજ્યોને સલાહ આપવામાં આવી છે કે મહિલાઓને રાત્રીમાં કામ કરવા માટે સુવિધા આપવામાં આવે. ડિસએબિલીટી એક્ટમાં પણ બદલાવ કરીને એસીડ એટેકથી જે પીડિત મહિલાઓ છે, તે મહિલાઓને ઝડપી સહાયતા, ઝડપી આરક્ષણ આપવાની જોગવાઈ કરવામાં આવી છે, જે દીવ્યાંગોને મળે છે. તદ્ઉપરાંત મોબાઇલ ફોન દ્વારા નારી સુરક્ષાને લઈને પેનિક બટન દ્વારા એક આખા પોલીસ સ્ટેશન સાથે નેટવર્કિંગનું કામ; ખુબ સફળતાપૂર્વક તેને અમલમાં મુકવામાં આવ્યો છે. યુનિવર્સલ હેલ્પલાઇન 181 હવે તો મહિલાઓ માટે પરિચિત થઇ ગઈ છે.
સરકારે એક ખુબ મહત્વપૂર્ણ નિર્ણય પણ કર્યો છે કે સરકારની યોજનાઓનો લાભ જે જે પરિવારોને મળે છે, તેની પહેલી હકદાર તે પરિવારની પ્રમુખ મહિલા હશે; જેમકે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એ બાબતને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે કે ઘરની નોંધણી મહિલાઓના નામ પર કરવામાં આવે. અમે જાણીએ છીએ કે જો કોઈ મહિલાને પૂછો; આજે પણ આપણા સમાજની સ્થિતિ છે- ઘર કોના નામ પર તો પતિના નામ પર અથવા દીકરાના નામ પર; ગાડી કોના નામ પર તો પતિના નામ પર અથવા દીકરાના નામ પર, સ્કુટર પણ લાવ્યા તો કોના નામ પર તો પતિના નામ પર અથવા દીકરાના નામ પર. સૌહાર્દ સ્વભાવ જે હોય કે મહિલાઓના નામ પર પણ સંપત્તિ હોઈ શકે છે, તેના માટે થોડા પ્રોત્સાહિત કરવા પડે છે, કેટલાક નિયમો બદલવા પડે છે, કેટલીક વ્યવસ્થાઓને મહિલા કેન્દ્રીત કરવી પડે છે, તેનું પરિણામ પણ મળી રહ્યું છે.
પાસપોર્ટના નિયમોમાં પણ એક મોટો મહત્વપૂર્ણ બદલાવ કરવામાં આવ્યો છે; હવે મહિલાઓને પોતાના લગ્ન કે છૂટાછેડાના સર્ટિફિકેટ આપવા જરૂરી નહીં હોય. તે તેની ઈચ્છા પર હશે કે તે પોતાના પાસપોર્ટમાં પોતાના પિતાનું નામ લખાવે કે પછી માતાનું. સરકાર દરેક સ્તર પર દરેક તબક્કે એ પ્રયાસ કરી રહી છે કે મહિલાઓ નોકરી માટે; સ્વરોજગાર માટે, પોતે જ આગળ આવે.
તમને સૌને જાણકારી હશે એક પ્રધાનમંત્રી મુદ્રા યોજના છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહી છે. છેલ્લા બે વર્ષમાં લગભગ ત્રણ લાખ કરોડ રૂપિયા બેંકો મારફતે ઉછીના આપવામાં આવ્યા છે, અને કોઈપણ ગેરંટી વગર આપવામાં આવ્યા છે. તમને જાણીને આનંદ પણ થશે, આશ્ચર્ય પણ થશે, પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ જે દેવું લેનારા સાત કરોડ ખાતા ધારકોમાંથી 70 ટકા મહિલાઓ છે. કોઈપણ હિન્દુસ્તાની એ વાત પર ગર્વ કરી શકે છે કે બેન્કમાંથી 3 લાખ કરોડ રૂપિયાનું દેવું આપવામાં આવ્યું તે લેનારાઓમાં 70 ટકા મહિલાઓ છે.
સરકારે તો સ્ટેન્ડઅપ ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ પણ મહિલા ઉદ્યમોને પોતાના રોજગાર માટે 10 લાખથી એક કરોડ રૂપિયા સુધીની લોન કોઈપણ ગેરંટી વગર આપવાની શરૂઆત કરી છે.
ગરીબ મહિલાઓ ઘરેથી નીકળીને કામ કરી શકે, રસોઈના ધુમાડાથી તેમને મુક્તિ મળે, હમણાં દીપકજી તેનું ખુબ સારું વર્ણન કરી રહ્યા હતા અને એટલા માટે ઉજ્જવલા યોજના હેઠળ અત્યાર સુધી બે કરોડથી વધુ મહિલાઓને મફત ગેસ જોડાણ આપવામાં આવ્યા છે.
હું તેને તમને લોકોને જરા વિસ્તારથી કહેવા માગીશ. જયારે મેં લાલ કિલ્લા પરથી દેશના લોકોને કહ્યું હતું કે જો તમારે જરૂર ના હોય તો તમે ગેસ સીલીન્ડરની સબસીડીને શા માટે લો છો? અને અમીર ઘરોમાં પણ વિચારવામાં નહોતું આવ્યું, સબસીડીનો ગેસ આવતો હતો, લેતા હતા. પરંતુ જયારે મેં દેશવાસીઓને કહ્યું એક કરોડ 20 લાખથી વધુ પરિવારોએ પોતાની ગેસ સબસીડી સરન્ડર કરી દીધી. અને ત્યારે મેં કહ્યું હતું કે આ ગેસ સબસીડી જે સરન્ડર થઇ છે, હું તેને ગરીબોને ટ્રાન્સફર કરી દઈશ.
એક સમય હતો આપણા દેશમાં સંસદના સભ્યને ગેસ કનેક્શન માટે 25 કુપનો આપવામાં આવતી હતી જેથી તે પોતાના વિસ્તારના લોકોને આપી શકે. અને એમપીના ઘરે લોકો આંટા માર્યા કરતા હતા કે તેમના પરિવારને એક ગેસ જોડાણ મળી જાય. ગેસ જોડાણની કુપનના કાળા બજાર થતા હતા. 2014ની જે ચૂંટણી થઇ હતી એક પાર્ટી એ મુદ્દે ચૂંટણી લડી રહી હતી લોકસભાની, જે મારી વિરુદ્ધ લડી રહ્યા હતા, તેમનો મુદ્દો એ હતો કે હવે નવ સીલીન્ડર આપશે કે 12 સીલીન્ડરો આપશે. હિન્દુસ્તાનની લોકસભાની ચૂંટણી, દેશનો પ્રધાનમંત્રી કોણ હોય, દેશની સરકાર કોણ હશે, એક રાજકીય પક્ષનો એજન્ડા હતો કે 9 સીલીન્ડર મળશે અથવા 12 સીલીન્ડર મળશે. તમે કલ્પના કરી શકો છો કે 2014માં જયારે 9 અને 12ની વચ્ચે આપણે અટકેલા પડ્યા હતા, આ સરકારે પાછલા 11 મહિનામાં એક કરોડ 20 લાખ પરિવારોને ગેસના ચૂલા પહોંચાડી દીધા છે.
અને આ તમે માતાઓ બહેનો અહીંયા બેઠાં છો, તમે તેનો અંદાજ લગાવી શકો છો, જયારે લાકડાનો ચૂલો સળગાવીને મા રસોઈ બનાવે છે તો એક દિવસમાં તેના શરીરમાં 400 સિગારેટોનો ધૂમાડો જાય છે. બાળકો ઘરમાં રમતા હોય છે ત્યારે શું થતું હશે? તેમના શરીરની શું દશા થતી હશે? તે પીડાને સમજીને, તે વેદનાને સમજીને આ માં બહેનોને લાકડાના ચુલાના ધુમાડાથી મુક્તિ અપાવવાનું મેં એક અભિયાન છેડ્યું. અને આવનારા બે વર્ષમાં, 11 મહિના થઇ ગયા છે, બીજા બે વર્ષમાં પાંચ કરોડ પરિવારોને કે જે આપણા ગરીબમાં ગરીબ હિન્દુસ્તાનમાં કૂલ 25 કરોડ પરિવાર છે. 5 કરોડ પરિવારોને આ ધુમાડાથી મુક્તિ અપાવવાનું એક ખુબ મોટું બીડું ઉપાડવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ આ કામને, અને જેમ હમણાં દીપકજી જણાવી રહ્યા હતા, યોજના એક વાત છે, કાયદો નિયમ એક વાત છે, સામાન્ય માનવીના જીવનમાં બદલાવ ત્યારે આવે છે જયારે તેનું અમલીકરણ થાય છે, છેવાડે બેઠેલી વ્યક્તિ સુધી તે વ્યવસ્થા પહોંચે છે અને આ સરકારની એ ઓળખ છે કે અહીંયા યોજનાઓની સંકલ્પના કરવામાં આવે છે, રોડમેપ બનાવવામાં આવે છે અને તેને પૂરી કરવા માટે સતત મોનિટરીંગ કરીને તેને સાકાર કરવામાં આવે છે.
પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ શતાબ્દી ચાલી રહી છે, દીનદયાળ અંત્યોદય યોજના હેઠળ છેલ્લા અઢી વર્ષોમાં 10 લાખથી વધુ સ્ત્રી સ્વ-સહાય જૂથો બનાવવામાં આવ્યા છે, જેમાં લગભગ સાડા ત્રણ કરોડ મહિલાઓને જોડવામાં આવી છે. આ વર્ષે બજેટમાં પણ 500 કરોડના રોકાણ સાથે મહિલા શક્તિ કેન્દ્રોની સ્થાપનાની પણ જાહેરાત કરવામાં આવી છે. દીકરીઓને બચત પર વધુ વ્યાજ મળી શકે તે માટે સુકન્યા સમૃદ્ધિ યોજના ચલાવવામાં આવી રહી છે. અત્યાર સુધી એક કરોડથી વધુ દીકરીઓના ખાતા આ યોજના હેઠળ ખોલી નાખવામાં આવ્યા છે.
આપણા દેશમાં માતા-મૃત્યુદર, શિશુ-મૃત્યુદર, પ્રસુતા માતાનું મૃત્યુ, ક્યારેક ક્યારેક સગર્ભાવસ્થામાં માતા અને દીકરી બંનેનું, બાળકનું બંનેનું મરવું, તે ખુબ દર્દનાક સ્થિતિ છે આપણા દેશમાં. જેટલી વધારે સંસ્થાકીય પ્રસુતિ વધશે, તેટલી આપણે માતાઓની જિંદગી બચાવી શકીશું, બાળકોની જિંદગી બચાવી શકીશું. અને એટલા માટે સંસ્થાગત પ્રસુતિને વધારવા માટે ગરીબ ગર્ભવતી મહિલાઓના ખાતામાં 6000 રૂપિયાની રકમ ત્રણ હપ્તામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવી રહી છે.
આ નિર્ણયો જો તમે જુદી જુદી રીતે જોશો તો કદાચ અંદાજો નહીં આવે કે ભારતની નારી શક્તિના સશક્તિકરણ માટે તેમના જીવનની ગુણવત્તામાં બદલાવ લાવવા માટે શું થઇ રહ્યું છે. પરંતુ આવી અનેક યોજનાઓને જયારે એક સાથે જોશો તો તમને અંદાજ આવશે કે સરકાર નારીના સશક્તિકરણ માટે, ભારતના વિકાસમાં નારી શક્તિની ભાગીદારી માટે કેટલી સમજી વિચારેલી યોજના હેઠળ એક એક વસ્તુઓને આગળ વધારી રહી છે અને કેટલા વ્યાપક સ્તર પર કામ થઇ રહ્યું છે.
મિત્રો, આજે દેશની 65 ટકાથી વધુ જનસંખ્યા 35 વર્ષથી ઓછી ઉંમરની છે. તેમના પોતાના સપનાઓ છે. તેઓ કંઈ કરી છૂટવા માગે છે. તેઓ પોતાના સપના પુરા કરી શકે, પોતાની ઊર્જાનો સાચો ઉપયોગ કરી શકે, તેના માટે સરકાર દરેક સ્તર પર, દરેક રીતે જોડાયેલી છે, પણ તેમાં તમારા જેવી સંસ્થાઓ, તમારા જેવી એજન્સીઓ, તેમનું ભરપુર યોગદાન જરૂરી હોય છે.
અને મારો તમને આગ્રહ છે કે જયારે 2022માં, અને હું આ વિશેષ રૂપે આગ્રહ કરીશ અહીંયા બેઠેલા આઈએમસીના તમામ મહાનુભાવોને કે જયારે 2022માં દેશ પોતાની સ્વતંત્રતાના 75 વર્ષ ઉજવી રહ્યો હશે, આઝાદીના 75 વર્ષ થઇ રહ્યા હશે, 2022માં, હજુ પાંચ વર્ષ આપણી પાસે બાકી છે. આપણે અત્યારથી જ દરેક વ્યક્તિ, દરેક પરિવાર, દરેક સંગઠન, દરેક સામાજિક વ્યવસ્થા, દરેક ગામ અને શહેર, દરેક જણ મળીને પોતાના માટે કોઈ લક્ષ્ય નક્કી કરી શકે છે ખરા કે આપણે 2022 સુધીમાં વ્યક્તિના નાતે મારા દ્વારા સમાજ માટે, સંસ્થા દ્વારા હું દેશ માટે, સમાજ માટે શું કરી શકું? આજે આપણે આઝાદીની જિંદગી જીવી રહ્યા છીએ. આપણે આપણા નિર્ણયો જાતે લઇ રહ્યા છીએ. સવા સો કરોડ દેશવાસીઓ પોતાના ભાગ્યના નિર્માતા છે. જે આઝાદીના દીવાનાઓએ દેશને આઝાદી અપાવવા માટે પોતાની જાતને બલી ચઢાવી દીધી, યુવાની જેલમાં કાપી નાખી, કષ્ટો ઉઠાવ્યા, કેટલાક નવયુવાનો ફાંસીના તખ્તા પર ચઢી ગયા, કેટલાક લોકોએ પોતાની યુવાની અંદામાન-નિકોબારમાં કાપી નાખી, શું તેમના સપના પુરા કરવાની આપણી ફરજ નથી? અને જયારે હું આપણી જવાબદારી કહું છું ત્યારે હું માત્ર સરકારની વાત નથી કરતો, હું સવા સો કરોડ દેશવાસીઓની વાત કરું છું.
હું તમને આગ્રહ કરું છું કે આપણે જ્યાં પણ જઈએ, જેની પણ સાથે બેસીએ, 2022 આઝાદીના 75 વર્ષ, જેમ આઝાદીની પહેલા ગાંધીજીના નેતૃત્વમાં દરેક ગતિવિધિ આઝાદી લઈને જંપીશું એમ કરતા હતા, આઝાદી માટે પોતાની જાતને જોડીને રાખતા હતા. કોઈ સફાઈ અભિયાન ચલાવતા હતા, તો પણ આઝાદી માટે કરતા હતા, કોઈ ખાદી વણતું હતું તો પણ આઝાદી માટે કરતા હતા. કોઈ લોકોને ભણાવવાનું કામ કરતા હતા તો પણ આઝાદી માટે કરતા હતા. કોઈ સ્વદેશીનો આગ્રહ રાખતા હતા તો પણ આઝાદી માટે કરતા હતા. દરેક જણ જેલ નહોતા જતા, દરેક લોકો ફાંસી નહોતા ચઢતા પરંતુ જ્યાં રહેતા હતા ત્યાં આઝાદી માટે કંઈક ને કંઈક કરતા હતા. શું આપણે 2022, આઝાદીના 75 વર્ષ, આપણા પોતાના યોગદાન સાથે ઉજવી શકીએ છીએ ખરા? હું આજે આપ સૌને તેના માટે આગ્રહ કરું છું કે આપણે 2022 માટે કોઈ સંકલ્પ કરીએ, સપના જોઈએ અને દેશ તથા સમાજ માટે કંઈક કરી દેખાડવા માટે કેટલાક ડગલા આપણે પણ ચાલી જઈએ, આ મારી તમારી પાસેથી અપેક્ષા છે. દેશના અલગ અલગ ભાગોમાં મધ્યમ મહિલા ઉદ્યમી ખુબ નાના સ્તર પર જે ઉત્પાદન તૈયાર કરી રહ્યા છે તેને કઈ રીતે એક મોટા મંચ પર બજાર ઉપલબ્ધ કરાવી શકીએ, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, જ્યાં પણ આપણે પહોંચાડી શકીએ. તે પોતાની જગ્યા કેવી રીતે બનાવી શકે તે વિષયમાં તેમને જાગૃત કરવા માટે કોઈ અભિયાન શરુ કરી શકાય ખરું? 2022 વીસ બાવીસ સુધી કોઈ લક્ષ્યાંક નક્કી કરી શકાય છે કે આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને 500 અથવા 100 કેમ્પ લગાવવામાં આવશે. એક નાનકડો પ્રયોગ, તમને હું એક સલાહ આપવા માગીશ, તમારા જેવી એક કેટલીક સંસ્થા હોય, જે સંસ્થા કામ કરી રહી હોય, કોર્પોરેટ હાઉસ હોય, જે કંઈક ને કંઈક ઉત્પાદન કરતા હશે અને સ્ત્રી સ્વ-સહાય જૂથ. કોર્પોરેટ હાઉસ આ સ્ત્રી સ્વ-સહાય જૂથના કૌશલ્ય વિકાસનું કામ કરે, તેમને કાચો માલ અપાય અને જે પ્રકારના ઉત્પાદોની જરૂરિયાત તે કોર્પોરેટ હાઉસને છે, સ્ત્રી સ્વ-સહાય જૂથો પાસેથી કરાવે. અને કોર્પોરેટ હાઉસ પોતાના મોટા ઉત્પાદન સાથે તેને જોડીને માર્કેટિંગ કરે. તમે જુઓ ઓછા ખર્ચમાં એક બહુ મોટી એક ઇકો સીસ્ટમ તૈયાર થઇ જશે, જ્યાં સરકારના ક્યાંય પણ વચ્ચે આવ્યા વગર પણ ગરીબમાં ગરીબ લોકોને કામનો અવસર મળી શકશે. અને આ દિશામાં આપણે કામ કરી શકીએ છીએ.
આજે ભારતમાં એ તાકાત છે, તે દુનિયાભરમાં પોતાના મહેનતું અને કુશળ કારીગરોને મોકલી શકે છે. શું તમારી સંસ્થા આ પ્રકારનું કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ નિર્માણ કરી શકે છે જેનાથી નવયુવાનોને એ ખબર પડે કે દુનિયાના કયા દેશમાં આ સમયે કયા પ્રકારના કૌશલ્યની જરૂર છે.
સરકાર રાષ્ટ્રીય સાહસિકતા પ્રોત્સાહન યોજના ચલાવી રહી છે. તે અંતર્ગત સરકાર 50 લાખ યુવાનોને સ્પોન્સર કરવા માગે છે. શું તમારી સંસ્થા કંપનીઓમાં આ યોજનાને લઈને જાગૃતતાનું અભિયાન ચલાવી શકે છે જેથી કરીને વધુમાં વધુ યુવાનોને, મહિલાઓને રોજગાર માટે અવસર મળે?
કૌશલ્ય વિકાસની તાલીમ લેનારા યુવાનોને નોકરી માટે સરકાર ખાનગી ક્ષેત્રની કંપનીઓ સાથે પણ સમજૂતી કરારો કરી રહી છે. વધુમાં વધુ કંપનીઓ આ અભિયાનમાં જોડાય તેના માટે તમારી સંસ્થા કઈ રીતે મદદ કરી શકે છે તે વિષયમાં પણ તમારે વિચારવું જોઈએ.
શું સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીને મજબુત કરવા માટે તમારી સંસ્થા કોઈ સહયોગ આપી શકે છે? એ જ રીતે શું બેંકોની તાલીમ સંસ્થાઓમાં તમારી સંસ્થાના પ્રતિનિધિ જઈને શું તેમનું યોગદાન આપી શકે છે? આઇએમસીની મહિલા પાંખની દરેક સદસ્ય વ્યાપારની ઝીણવટો વિષે ઊંડી સમજ છે. તેઓ ઉઠતા, બેસતા પૈસા, ધંધો, વ્યાપાર, આ બધાની ચર્ચા કરવાનો તેમના સ્વભાવમાં છે. પોતાનો વ્યવસાય શરુ કરવામાં કયા કયા પ્રકારની તકલીફો આવે છે, તેમને સારી રીતે જાણ છે. તે તકલીફોનો સામનો કરીને કઈ રીતે આગળ નીકળવાનું છે તેનો પોતાને અનુભવ છે. અને તેઓ જે નવા લોકો છે તેમનો હાથ પકડીને તેમને આ દિશામાં કામ કરાવવા માટે પ્રેરિત કરી શકે છે.
અને એટલા માટે હું આશા રાખું છું કે તમારા સંગઠનના માધ્યમથી સમાજના સામાન્ય સ્તરના લોકો જેમનું તમારી વચ્ચે બેસવા ઊઠવાનું શક્ય નથી, તેમની પાસે જઈને તેમને આપણે નવી તાકાત આપી શકીએ છીએ.
હમણાં આપણા દીપકજી જીએસટીના વિષયમાં કહી રહ્યા હતા. સમય રહેતા જીએસટીના સંબંધમાં આપણને લોકોને, ખાસ કરીને મહિલા ઉદ્યમીઓને તેમના નાના, નાના, નાના સ્ટડી કેમ્પ લગાવી શકીએ ખરા? ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે? જીએસટીને કઈ રીતે સ્ટ્રીમ-લેસ બનાવવાની છે? નવી ટેક્સ સીસ્ટમ શું છે? તેનાથી સામાન્ય વ્યક્તિની કેટલી સુવિધા વધવાની છે? આ બધી વાતો જો આપણે કહી શકીએ છીએ તો મને વિશ્વાસ છે કે જીએસટી કે જેની કેટલાય વર્ષોથી માગ હતી. દરેક વ્યક્તિ ઇચ્છતી હતી, હવે થઇ છે, તો સફળ બનાવવા માટે આપણા સૌનું પણ યોગદાન ખુબ જરૂરી છે.
અને લોકતંત્રને જે રૂપમાં આપણે જાણ્યું અને સમજ્યું છે તેને બદલવાની જરૂર છે. મોટાભાગે એવું સમજવામાં આવ્યું છે કે પાંચ વર્ષમાં એક વાર બટન દબાવી દીધું, આંગળી પર કાળું નિશાન લગાવી દીધું તો દેશની લોકશાહી થઇ ગઈ. જી ના. લોકશાહી દરેક પળે ભાગીદારીના, ભાગીદારીની યાત્રા છે. દરેક સ્તર પર, દરેક વ્યક્તિની ભાગીદારી વિના લોકતંત્ર સફળ નથી થતું. સરકાર કોઈ કોન્ટ્રાક્ટર નથી જેને આપણું ભાગ્ય બદલવાનો આપણે કોન્ટ્રકટ આપી દીધો, પાંચ વર્ષમાં તે ભાગ્ય બદલી નાખશે. સરકાર અને જનતા એક મજબુત ભાગીદારી હોય છે જે મળીને દેશનું ભાગ્ય બદલે છે, દેશની અર્થવ્યવસ્થાને બદલે છે, દેશની નવી પેઢીના સપનાને પુરા કરવા માટે પ્રયત્ન કરે છે. આવો, 21મી સદીના વિશ્વમાં જે પ્રકરના પડકારો છે, વિશ્વમાં જે પ્રકારનો માહોલ બદલાયેલો છે, આપણે પણ મળીને ન્યુ ઇન્ડિયાનું સપનું લઈને ચાલીએ. ન્યુ ઇન્ડિયાનો આપણો પોતાનો કોઈ સંકલ્પ હોવો જોઈએ. ન્યુ ઇન્ડિયાનું આપણું પોતાનું કંઈક ને કંઈક યોગદાન કરવાનો રોડમેપ હોવો જોઈએ. મેં કેટલાક સૂચનો આજે તમારી સામે રાખ્યા છે, બની શકે કે આનાથી પણ વધારે સારા વિકલ્પો તમારી પાસે હશે. મારી તમને વિનંતી છે કે તમે જે પણ લક્ષ્ય નક્કી કરો તેમાં પૂરી તાકાત સાથે લાગી જાવ. ન્યુ ઇન્ડિયા દેશના સવા સો કરોડ લોકોનું સપનું છે. આ સપનાને પૂરું કરવા માટે સવા સો કરોડ ભારતીયોને મળીને રસ્તો કાઢવો પડશે, મળીને કામ કરવું પડશે. અને આ જ શબ્દો સાથે હું મારી વાત પૂરી કરું છું.
આઈએમસીની મહિલા પાંખને 50 વર્ષ પૂર્ણ કરવા બદલ હું ફરીથી એકવાર ખુબ ખુબ શુભેચ્છાઓ આપું છું. હું પોતે ત્યાં નથી આવી શક્યો, સમયની મર્યાદા હતી. પરંતુ તેમ છતાં તમે લોકોએ મને, મારી વાત કહેવાનો અવસર આપ્યો, સૌના દર્શન કરવાનો અવસર મળ્યો. હું આપ સૌનો ખુબ ખુબ આભારી છું.
આભાર!
TR