Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મારા માટે એફડીઆઇની પરિભાષા છે – ફર્સ્ટ ડેવલપ ઇન્ડિયા- પીએમ મોદી


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા વર્ષે યુપીમાં થનારી ચૂંટણીઓમાં વિકાસને મુદ્દો બનાવવા માંગે છે. દેશમાં વર્તમાન મોંઘવારીના દરો, આર્થિક વિકાસ અને વિદેશ નીતિઓ પર પણ તેઓ નવેસરથી પગલાં ભરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ આ તમામ મુદ્દાઓ સાથે સંકળાયેલા અમર ઉજાલાના પ્રશ્નોના જવાબ આપ્યા. રજૂ કરીએ છીએ તેના કેટલાક અંશો..

-યુપીમાં  વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. સપા (સમાજવાદી પાર્ટી)નો ચહેરો અખિલેશ છે, બસપાનો ચહેરો માયાવતી છે, યુપીમાં ભાજપનો ચહેરો કોણ હશે અને ત્યાં તમે કોને મુખ્ય પ્રતિસ્પર્ધી પાર્ટી માનો છો ?

ભારતીય જનતા પાર્ટીનો એક જ ચહેરો છે – વિકાસ અને હવે દેશ ઘણી સારી રીતે વિકાસના ચહેરાને ઓળખે છે. ઉત્તર પ્રદેશ પણ જાણવા લાગ્યું છે. તમે પૂછયું, અમારા મુખ્ય પ્રતિસ્પર્ધી કોણ છે. અમારા મુખ્ય પ્રતિસ્પર્ધી છે ગુંડાગર્દી, ભ્રષ્ટાચાર, જાતિવાદ, સંપ્રદાયવાદનું ઝેર. અમે ભાઇ-ભત્રીજાવાદ, અપરાધ, મહિલાઓની વિરુદ્ધ અત્યાચારને સહન કરતાં નથી. અમારા પ્રતિસ્પર્ધીઓ છે બંધ પડેલા ઉદ્યોગ-ધંધા અને ખરાબ શિક્ષણ વ્યવસ્થા. ઉત્તર પ્રદેશના લોકો પણ આ તમામ ખરાબીઓ-બદીઓથી તંગ આવી ગયા છે. એટલા માટે તેઓ આ લડાઇમાં અમારી સાથે છે.

-તમે હાલમાં અલ્હાબાદમાં યુપીના સંદર્ભમાં કહ્યું હતુ કે વિકાસ જ તમામ સમસ્યાઓનો ઉકેલ છે. ભાજપ સરકાર આવી તો વિકાસનું કયું મોડલ હશે ?

પંદર વર્ષના ખરાબ શાસનને કારણે યુપી વિકાસના લગભગ દરેક ધોરણોમાં પછાત રહ્યું છે. જયાં ઉદ્યોગ-ધંધાઓ વધવા જોઇતા હતા, ત્યાં કેટલાક રાજકીય પક્ષો અને નેતાઓના બેંક બેલેન્સ ફૂલતા-ફાલતા રહ્યા.

યુપીમાં 15 વર્ષ ખરાબ શાસનનું પરિણામ છે કે શિક્ષણ જ નહીં ઉદ્યોગ-ધંધાના મામલે પણ રાજય એટલું નીચે પહોંચી ગયું છે. કમ્પોઝીટ એજ્યુકેશન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે કે યુડીઆઇએસઇની 2014-15ની રેન્કિંગમાં યુપી તમામ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મેળવી દઇએ તો પણ બધાથી છેલ્લા ક્રમે હતું. આ રેન્કિંગ ચાર ધોરણોના આધારે કરવામાં આવી છે. યોજનાઓ સુધી લોકોની પહોંચ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ અને યોજનાઓના પરિણામો. એટલે કે આ ચારેય  જરૂરી ધોરણોમાં યુપીની હાલત ખરાબ છે.

કેન્દ્ર સરકારે યુપી માટે ખાસ કરીને એક લાખ કરોડ રૂપિયાથી વધારેના પ્રોજેક્ટ મંજૂર કર્યા છે. તેમાંથી 68 હજાર કરોડ રૂપિયા રસ્તાઓ માટે, 27 હજાર કરોડ રૂપિયા રેલવે-પાવર અને પેટ્રોલિયમ પ્રોજેક્ટ માટે છે. અમારી સરકાર આવ્યા પહેલા યુપીના શેરડી ખેડૂતોના લગભગ 14000 કરોડ રૂપિયાના ચુકવવાના બાકી હતા.

અમારી સરકારના નિર્ણયોના કારણે ગયા વર્ષે અત્યાર સુધી માત્ર 75 ટકા ચૂકવણી થઇ હતી, વર્તમાન વર્ષે વર્તમાન લેણાના 92 ટકા ચૂકવણી થઇ ચૂકી છે. અમે રાજય સરકારને અનુરોધ કર્યો છે કે બાકીની ચૂકવણી પણ ઝડપથી કરવામાં આવે.

ઇથેનૉલને પેટ્રોલમાં મેળવવાના નિર્ણયથી પણ યુપીના ખેડૂતોને ઘણો ફાયદો થશે. દેશમાં કુલ 130 કરોડ લીટર ઇથેનૉલ સપ્લાયના કોન્ટ્રાક્ટ થયા છે જેમાંથી યુપીમાં 30 કરોડના કોન્ટ્રાક્ટ છે.
પૂર્વ ઉત્તર પ્રદેશને નજર અંદાજ કરવામાં આવી રહ્યું હતું.

આ અસંતુલનને ઓછુ કરવા માટે પૂર્વ ઉત્તરપ્રદેશમાં ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોર પ્રોજેક્ટમાં રોકાણ કરવામાં આવી રહ્યું છે. પ્રસ્તાવ પ્રમાણે આ ફ્રેટ કૉરિડોરમાં કુલ 18 નોડ્સ પડશે, જેને કારણે તેની બંને તરફ વિકાસ થશે.

આ કોરિડોર કેમિકલ, સિમેન્ટ ફર્ટિલાઇઝર અને બીજા ઉદ્યોગો માટે પણ મદદરૂપ સાબિત થશે. કેન્દ્ર સરકાર ગોરખપુરમાં છ હજાર કરોડના ખર્ચે યૂરિયા પ્લાન્ટ લગાવીને ફર્ટિલાઇઝર યુનિટને ફરીથી શરૂ કરવાનું કામ કરી રહી છે. પૂર્વ ઉત્તર પ્રદેશ માટે એક નવી એઇમ્સ શરૂ કરવાની પણ દરખાસ્ત છે.

-મોંઘવારીથી સામાન્ય માણસ પરેશાન છે, તમારી સરકાર વારંવાર આશ્વાસન આપે છે કે અમે મોંઘવારી રોકીશુ, પરંતુ અત્યાર સુધી રાહત મળી નથી. મોંઘવારી પર રોક લગાવવા માટે સરકાર શું પ્રયાસ કરી રહી છે ?

દેશે છેલ્લા બે વર્ષમાં કુદરતી આપત્તિઓનો સામનો કર્યો છે. આવી વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પણ રાજય સરકારોના સહકારથી કરવામાં આવેલા અમારા પ્રયાસોને કારણે આ વર્ષે દેશમાં કુલ ખાદ્યઅન્ન ઉત્પાદનમાં ઘટાડો થયો નથી. જો  ખાદ્ય મોંઘવારીની સરખામણી યૂપીએના કાર્યકાળની ખાદ્ય મોંઘવારીથી કરવામાં આવે તો તે ઓછી જ છે.

પરંતુ હુ આ સરખામણી કરીને સંતોષ માનવા ઇચ્છતો નથી. અમે ખાદ્ય મોંઘવારીને નિયંત્રિત રખાવવા માટે પ્રયત્નશીલ છીએ. અમે દાળના આઠ લાખ ટનના બફર સ્ટૉકનો નિર્ણય કર્યો છે. દાળોની આયાત પણ કરવામાં આવી રહી છે.

-તાજેતરમાં જ એફડીઆઇ સંદર્ભે આપની સરકારે કેટલાય મહત્વના નિર્ણય કર્યા છે. સંઘથી જોડાયેલા સંગઠનોએ તેનો વિરોધ કર્યો છે. એફડીઆઇ વિશે તમારો શું અભિપ્રાય છે અને દેશના વિકાસમાં તેની શું ભૂમિકા છે ?

એફડીઆઇની જાણીતો અર્થ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. પરંતુ મારા માટે એફડીઆઇનો બીજો અર્થ છે- ફર્સ્ટ ડેવલપ ઇન્ડિયા. આપણી સામે બે રસ્તાઓ છે. એક એ કે ભારત બહુ મોટું બજાર બની જાય અને દુનિયાભરનો સામાન કંપનીઓ અહીં વેચે.

બીજો રસ્તો એ છે કે  આ જ કંપનીઓ ભારતના કાચા માલનો ઉપયોગ કરે, ભારતના જ સંસાધનોનો ઉપયોગ કરે જેનાથી વસ્તુઓને ભારતીય ઓળખ મળે. તેનાથી ભારતમાં રોજગારીની શકયતાઓ વધશે અને ભારતની જરૂરિયાતો પુરી થશે. મારા માટે સુધારાનો અર્થ છે, એવું રિફોર્મ જે ભારતીયોની જિંદગીને ટ્રાન્સફોર્મ કરી શકે.

-ચીન ભારત માટે સતત પડકારો ઉભા કરી રહ્યું છે, હાલમાં એનએસજીમાં તે ભારતના રસ્તા વચ્ચે નડતરરૂપ બની ગયું હતું, ચીનને કેવી રીતે હેન્ડલ કરશો ?

મારું માનવું છે કે ભારત અને ચીનની વચ્ચે સંબંધ જેટલા મજબૂત થશે તેટલું 21મી સદીમાં એશિયા અને આખા વિશ્વનું ભવિષ્ય મજબૂત થશે. પડોશી દેશ હોવાને કારણે આપણે પોત-પોતાના હિતોને બહુ સારી રીતે સમજીએ છીએ.

જયારે હું તાશ્કંદમાં ચીનના રાષ્ટ્રપતિને મળ્યો હતો ત્યારે તેઓને આ વિષયમાં ભારતના હિતો અને ચિંતાઓથી માહિતગાર કર્યા હતા. હું પહેલા પણ કહી ચુક્યો છું કે વિદેશ નીતિમાં ભલે તમારો મત એક બીજા સાથે મળતો ન હોય, છતાં પણ વાતચીત બંધ થવી ન જોઇએ. મારું માનવું છે કે બંને  દેશોએ એક બીજાની ચિંતાઓ પ્રત્યે સંવેદનશીલ રહેવું પડશે. એટલા માટે ભારતના હિતમાં જે હશે, તે અમે કરીશું. અમે અમારા હિતોની સુરક્ષામાં કયારેય પાછા હટીશું નહી.