પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે માતૃત્વ લાભ (સુધારા) ખરડો, 2016 સંસદમાં રજૂ કરીને માતૃત્વ લાભ કાયદો, 1961માં સુધારાને પૂર્વવતી અસર સાથે મંજૂરી આપી છે. માતૃત્વ લાભ કાયદો, 1961 મહિલા કર્મચારીઓનું માતૃત્વના સમયગાળા દરમિયાન સંરક્ષણ કરે છે અને તેઓને માતૃત્વના લાભ પ્રદાન કરે છે, જેમાં કામમાં પગાર સાથે ગેરહાજર રહેવાનો અધિકાર સામેલ છે, જેથી તે પોતાના નવજાત બાળકની સારસંભાળ રાખી શકે છે. આ કાયદો 10 કે વધારે કર્મચારીઓ ધરાવતી તમામ કંપનીઓ કે સંસ્થાઓને લાગુ પડે છે. કાયદામાં આ સુધારાથી સંગઠિત ક્ષેત્રમાં કાર્યરત અંદાજે 18 લાખ મહિલા કર્મચારીઓ મદદ મળશે.
માતૃત્વ લાભ કાયદો, 1961માં નીચે મુજબ સુધારા કરવામાં આવ્યા છે:
• બે જીવિત બાળકો માટે માતૃત્વનો લાભ 12 અઠવાડિયાથી વધારીને 26 અઠવાડિયા અને બે બાળકોથી વધારે બાળકો માટે 12 અઠવાડિયા
• ‘કમિશનિંગ મધર’ (સરોગેસીથી બાળક જન્મ આપનાર ) અને ‘એડોપ્ટિંગ મધર’ (બાળક દત્તક લેનાર માતા) માટે માતૃત્વનો લાભ 12 અઠવાડિયા.
• ઘરેથી કામ કરવાની સુવિધા.
• 50 કે વધારે કર્મચારીઓ ધરાવતી કંપની કે સંસ્થાના સંબંધમાં ઘોડિયું રાખવાની ફરજિયાત જોગવાઈ.
સમર્થન:
• પ્રારંભિક બાલ્યાવસ્થા દરમિયાન બાળકની માતા દ્વારા સારસંભાળ – બાળકની વૃદ્ધિ અને વિકાસ માટે મહત્ત્વપૂર્ણ.
• 44મી, 45મી અને 46મી ભારતીય શ્રમ પરિષદે માતૃત્વના લાભ 24 અઠવાડિયા આપવાની ભલામણ કરી હતી.
• મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે માતૃત્વનો લાભ વધારીને 8 મહિના કરવાની દરખાસ્ત રજૂ કરી હતી.
• ત્રિપક્ષીય મંત્રણામાં તમામ હિતધારકોએ સુધારાની દરખાસ્તને ટેકો આપ્યો હતો.
TR