Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

‘મન કી બાત’ (86મી કડી) પ્રસારણ તારીખ : 27 02 2022


મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. મન કી બાતમાં ફરી એક વાર આપ સર્વેનું સ્વાગત છે. આજે મન કી બાતની શરૂઆત આપણે, ભારતની સફળતાના ઉલ્લેખ સાથે કરીશું. આ મહિનાની શરૂઆતમાં, ભારત ઇટાલીથી તેના મૂલ્યવાન વારસામાંથી એક પરત લાવવામાં સફળ રહ્યું છે. આ એક વારસો છે, અવલોકિતેશ્વર પદ્મપાણીની હજાર વર્ષથી વધુ જૂની પ્રતિમા. આ મૂર્તિ બિહારમાં ગયાજીના દેવી સ્થાન કુંડલપુર મંદિરમાંથી થોડા વર્ષો પહેલા ચોરાઈ ગઈ હતી. પરંતુ ઘણા પ્રયત્નો બાદ હવે ભારતને આ પ્રતિમા પરત મળી છે. એ જ રીતે, થોડા વર્ષો પહેલા તમિલનાડુના વેલ્લોરમાંથી ભગવાન આંજનેય્યર, હનુમાનજીની મૂર્તિ ચોરાઈ હતી. હનુમાનજીની આ મૂર્તિ પણ 600-700 વર્ષ જૂની હતી. આ મહિનાની શરૂઆતમાં, અમને ઓસ્ટ્રેલિયામાં આ મળી, અમારા હાઇકમિશનને તે મળી ચૂકી છે.

સાથીઓ, આપણા હજારો વર્ષના ઈતિહાસમાં દેશના ખૂણે ખૂણે એક પછી એક મૂર્તિઓ હંમેશા બનાવવામાં આવતી હતી, તેમાં શ્રધ્ધા  પણ હતી, સામર્થ્ય પણ હતું, અને કૌશલ્ય પણ.. અને વિવિધતાથી ભરપૂર હતી અને આપણી દરેક મૂર્તિના તત્કાલીન સમયનો પ્રભાવ જોવા મળે છે. તેઓ ભારતીય શિલ્પકલાનું અનોખું ઉદાહરણ તો હતું જ અને તેમની સાથે આપણી શ્રદ્ધા પણ જોડાયેલી હતી. પરંતુ, ભૂતકાળમાં ઘણી મૂર્તિઓ ચોરાઈને ભારતની બહાર જતી રહી હતી. કયારેક આ દેશમાં તો કયારેક તે દેશમાં આ મૂર્તિઓ વેચાતી અને તેમના માટે તે માત્ર કલાકૃતિ હતી. ન તો તેઓને તેના ઈતિહાસ સાથે કોઈ લેવાદેવા હતી કે ન તેની શ્રદ્ધા સાથે લેવા દેવા હતા. આ મૂર્તિઓને પરત લાવવાની ભારત માતા પ્રત્યેની આપણી જવાબદારી છે. આ મૂર્તિઓમાં ભારતના આત્માનો, આસ્થાનો અંશ છે. તેમનું એક સાંસ્કૃતિક-ઐતિહાસિક મહત્વ પણ છે. આ જવાબદારીને સમજીને ભારતે તેના પ્રયાસો વધાર્યા. અને તેનું કારણ એ પણ હતું કે ચોરી કરવાની જે વૃત્તિ હતી તેમાં પણ ડર ઉત્પન્ન થયો. જે દેશોમાં આ મૂર્તિઓ ચોરી કરીને લઈ જવામાં આવી હતી, હવે તેઓને પણ એવું લાગવા માંડ્યું છે કે ભારત સાથેના સંબંધોમાં soft powerની જે diplomatic channel હોય છે તેમાં તેનું પણ પણ ઘણું મહત્વ હોઈ શકે છે. કારણ કે તેની સાથે ભારતની ભાવનાઓ જોડાયેલી છે, ભારતની શ્રદ્ધા જોડાયેલી છે, અને એક રીતે, તે people to people relation માં પણ તે ઘણી શક્તિ ઉત્પન્ન કરે છે. હમણાં થોડા દિવસો પહેલા જ તમે જોયું હશે કે કાશીમાંથી ચોરાયેલી માતા અન્નપૂર્ણા દેવીની મૂર્તિ પણ પાછી લાવવામાં આવી હતી. તે ભારત પ્રત્યે બદલાતા વિશ્વ દૃષ્ટિકોણનું આ ઉદાહરણ છે. વર્ષ 2013 સુધી લગભગ 13 મૂર્તિઓ ભારતમાં આવી હતી. પરંતુ, છેલ્લા સાત વર્ષમાં, 200 થી પણ વધુ કિંમતી મૂર્તિઓને ભારત સફળતાપૂર્વક પરત લાવ્યું છે. અમેરિકા, બ્રિટન, હોલેન્ડ, ફ્રાન્સ, કેનેડા, જર્મની, સિંગાપોર જેવા અનેક દેશોએ ભારતની આ ભાવનાને સમજી છે અને મૂર્તિઓને પરત લાવવામાં આપણી મદદ કરી છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં જ્યારે હું અમેરિકા ગયો હતો, ત્યારે મને ત્યાં ઘણી જૂની મૂર્તિઓ અને સાંસ્કૃતિક મહત્વની ઘણી વસ્તુઓ પ્રાપ્ત થઈ હતી. જ્યારે દેશનો કોઈ પણ મૂલ્યવાન વારસો પરત મળે છે તો સ્વાભાવિક છે ઈતિહાસમાં શ્રદ્ધા ધરાવનારાઓ, પુરાતત્વમાં શ્રદ્ધા ધરાવનારાઓ, આસ્થા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકો અને એક ભારતીય તરીકે આપણને સૌને સંતોષ મળે તે સ્વાભાવિક છે.

સાથીઓ, ભારતીય સંસ્કૃતિ અને આપણા વારસાની વાત કરતા હું આજે આપને મન કી બાત માં બે લોકોને મળાવવા માગું છું. આ દિવસોમાં ફેસબુક, ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ પર તાન્ઝાનિયાના બે ભાઈ-બહેન કિલી પૉલ અને તેમની બહેન નીમા તે ઘણાં જ ચર્ચામાં છે, અને મને પાક્કો ભરોસો છે, તમે પણ તેમના વિશે ચોક્કસ સાંભળ્યું હશે. તેમની અંદર ભારતીય સંગીતને લઈને એક ઝનૂન છે, એક દિવાનગી છે અને તેને કારણે જ તેઓ ઘણાં જ લોકપ્રિય પણ છે. Lip Sync ની તેમની રીત થી ખબર પડે છે કે આને માટે તેઓ કેટલી વધારે મહેનત કરે છે. હાલ માં જ પ્રજાસત્તાક દિવસના અવસરે આપણું રાષ્ટ્રગીત જન, ગણ, મન ગાતો તેમનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો. થોડા દિવસો પહેલાં તેમણે લતા દીદીનું એક ગીત ગાઈને તેમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પણ આપી હતી. હું આ અદ્ભુત Creativity માટે આ બંન્ને ભાઈ-બહેન કિલી અને નીમા, તેમની ખૂબ પ્રશંસા કરું છું. થોડા દિવસ પહેલા ટાંઝાનિયામાં ભારતીય દૂતાવાસમાં તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. ભારતીય સંગીતનો જાદૂ કંઈક એવો છે, જે બધાને મોહિત કરી લે છે. મને યાદ છે, કેટલાક વર્ષો પહેલાં દુનિયાના દોઢસો થી વધુ દેશના ગાયકો-સંગીતકારોએ પોત-પોતાના દેશમાં, પોત-પોતાની વેશભૂષામાં પૂજ્ય બાપૂનું પ્રિય, મહાત્મા ગાંધીનું પ્રિય ભજન, વૈષ્ણવ જન  ગાવાનો સફળ પ્રયોગ કર્યો હતો.

આજે જ્યારે ભારત પોતાની આઝાદીના 75મા વર્ષનું મહત્વપૂર્ણ પર્વ મનાવી રહ્યા છીએ, તો દેશભક્તિના ગીતોને લઈને પણ આવા પ્રયોગ કરી શકાય છે. કે જ્યાં વિદેશી નાગરિકોને, ત્યાંના પ્રસિદ્ધ ગાયકોને, ભારતીય દેશભક્તિના ગીત ગાવા માટે આમંત્રિત કરીએ. એટલું જ નહીં, જો ટાંઝાનિયામાં કિલિ અને નીમા ભારતના ગીતોને આ રીતે Lip Sync કરી શકે છે તો શું મારા દેશમાં, આપણા દેશની કેટલીયે ભાષાઓમાં, કેટલાય પ્રકારના ગીત છે, શું આપણે કોઈ ગુજરાતી બાળક તમિલ ગીત પર કરે, કોઈ કેરળના બાળકો આસામી ગીત પર કરે, કોઈ કન્નડ બાળકો જમ્મુ-કાશ્મીરના ગીતો પર કરે. એક એવો માહોલ બનાવી શકીએ છીએ આપણે, જેમાં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ આપણે અનુભવ કરી શકીએ. એટલું જ નહીં આપણે આઝાદીના અમૃત મહોત્સવને એક નવી રીતે ચોક્કસ મનાવી શકીએ છીએ. હું દેશના નવયુવાનોને આહ્વાન કરું છું, આવો, કે ભારતીય ભાષાઓનાં જે પોપ્યુલર ગીતો છે, તેને આપ આપની રીતે વીડિયો બનાવો, બહુ જ પોપ્યુલર થઈ જશો તમે. અને દેશની વિવિધતાઓનો નવી પેઢીને પરિચય થશે.

મારા પ્રિય દેશવાસીઓ, હમણાં થોડા દિવસો પહેલાં જ આપણે માતૃભાષા દિવસ મનાવ્યો. જે વિદ્વાન લોકો છે, તેઓ માતૃભાષા શબ્દ ક્યાંથી આવ્યો, તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તેને લઈને ઘણાં academic input આપી શકે છે. હું તો માતૃભાષા માટે એ જ કહીશ કે જેમ આપણા જીવનને આપણી માં ઘડે છે, તેવી જ રીતે માતૃભાષા પણ આપણા જીવનને ઘડે છે. માં અને માતૃભાષા બંને મળીને જીવનના foundation ને મજબૂત બનાવે છે, ચિરંજીવ બનાવે છે. જેમ આપણે આપણી માં ને નથી છોડી શકતા, તેવી જ રીતે આપણી માતૃભાષાને પણ ન છોડી શકીએ. મને વર્ષો પહેલાંની એક વાત યાદ છે, જ્યારે મારે અમેરિકા જવાનું થયું, તો અલગ અલગ પરિવારોમાં જવાનો મોકો મળતો હતો, કે એક વખત મારે એક તેલૂગુ પરિવારમાં જવાનું થયું અને મને એક બહુ જ ખુશીનું દ્રશ્ય ત્યાં જોવા મળ્યું. તેમણે મને જણાવ્યું કે અમે લોકોએ પરિવારમાં નિયમ બનાવ્યો છે કે કેટલુંય કામ કેમ ન હોય, પરંતુ જો અમે શહેરની બહાર નથી તો પરિવારના બધા જ સભ્યો ડિનર, ટેબલ પર સાથે બેસીને લઈશું અને બીજું એ કે ડિનર ના ટેબલ પર compulsory બધા તેલૂગુ ભાષામાં જ બોલશે. જે બાળકો ત્યાં જન્મ્યા હતા, તેમના માટે પણ આ નિયમ હતો. પોતાની માતૃભાષા પ્રત્યે આ પ્રેમ જોઈને આ પરિવારથી હું ઘણો જ પ્રભાવિત થયો હતો.

સાથીઓ, આઝાદીના 75 વર્ષ પછી પણ કેટલાક લોકો એવા માનસિક દ્વંદ્વમાં જીવી રહ્યા છે જેને કારણે તેમને તેમની ભાષા, તેમનો પહેરવેશ, પોતાની ખાણી-પીણીને લઈને એક સંકોચ થાય છે, જ્યારે વિશ્વમાં ક્યાંય એવું નથી. આપણી માતૃભાષા છે, આપણે તેને ગર્વ સાથે બોલવી જોઈએ. અને આપણું ભારત તો ભાષાઓના મામલામાં એટલું સમૃદ્ધ છે કે તેની તુલના જ ન થઈ શકે. આપણી ભાષાઓની સૌથી મોટી સુંદરતા એ છે કે કાશ્મીરથી કન્યાકુમારી સુધી, કચ્છથી કોહિમા સુધી સેંકડો ભાષાઓ, હજારો બોલી, એકબીજાથી અલગ પરંતુ એકબીજામાં રચાયેલી-ગૂંથાયેલી છે – ભાષા અનેક, ભાવ એક. સદીઓથી આપણી ભાષાઓ એકબીજા પાસેથી શીખીને પોતાને પરિષ્કૃત કરી રહી છે, એકબીજાનો વિકાસ કરી રહી છે. ભારતમાં વિશ્વની સૌથી જૂની ભાષા તમિલ છે અને એ વાતનો દરેક ભારતીયને ગર્વ હોવો જોઈએ કે દુનિયાનો આટલો મોટો વારસો આપણી પાસે છે. તેવી જ રીતે જેટલા જૂના ધર્મશાસ્ત્ર છે, તેની અભિવ્યક્તિ પણ આપણી સંસ્કૃત ભાષામાં છે.  ભારતના લોકો લગભગ 121 એટલે કે આપણને ગર્વ થશે, 121 પ્રકારની માતૃભાષાઓ સાથે જોડાયેલા છે અને તેમાંથી 14 ભાષાઓ તો એવી છએ જે એક કરોડથી પણ વધુ લોકો રોજિંદા જીવનમાં બોલે છે. એટલે જેટલી કોઈ યુરોપિયન દેશની કુલ જનસંખ્યા નથી, તેનાથી વધારે લોકો આપણે ત્યાં અલગ-અલગ 14 ભાષાઓ સાથે જોડાયેલા છે. વર્ષ 2019માં હિન્દી, દુનિયાની સૌથી વધારે બોલાતી ભાષાઓમાં ત્રીજા ક્રમાંક પર હતી. એ વાતનો પણ દરેક ભારતીયને ગર્વ હોવો જોઈએ.  ભાષા માત્ર અભિવ્યક્તિનું જ માધ્યમ નથી, પરંતુ ભાષા સમાજની સંસ્કૃતિ અને વારસાને પણ સાચવવાનું કામ કરે છે. આપણી ભાષાના વારસાનો સાચવવાનું આવું જ કામ સૂરીનામમાં સુરજન પરોહી જી કરી રહ્યા છે. આ મહિનાની 2 તારીખે તેઓ 84 વર્ષના થયા. તેમના પૂર્વજ પણ વર્ષો પહેલાં, હજારો શ્રમિકો સાથે, રોજી-રોટી માટે સૂરીનામ ગયા હતા. સુરજન પરોહી જી હિન્દીમાં ઘણી જ સારી કવિતા લખે છે, ત્યાંના રાષ્ટ્રીય કવિઓમાં તેમનું નામ લેવામાં આવે છે. એટલે કે આજે પણ તેમના હ્રદયમાં હિન્દુસ્તાન ઘબકે છે, તેમના કાર્યોમાં હિન્દુસ્તાની માટીની સુગંધ છે. સૂરીનામના લોકોએ સુરજન પરોહી જીના નામ પર એક સંગ્રહાલય પણ બનાવ્યું છે. મારા માટે એ ઘણું જ સુખદ છે કે વર્ષ 2015માં મને તેમને સન્માનિત કરવાનો મોકો મળ્યો હતો.

સાથીઓ, આજના દિવસે એટલે કે 27 ફેબ્રુઆરીએ મરાઠી ભાષા ગૌરવ દિવસ પણ છે.

“સર્વ મરાઠી બંધુ ભગિનિના મરાઠી ભાષા દિનાચ્યા હાર્દિક શુભેચ્છા.”

 

આ દિવસ મરાઠી કવિરાજ વિષ્ણુ બામન શિરવાડકર જી, શ્રીમાન કુસુમાગ્રજ જીને સમર્પિત છે. આજે જ કુસુમાગ્રજ જીની જન્મ જયંતિ પણ છે. કુસુમાગ્રજ જીએ મરાઠીમાં કવિતાઓ લખી, અનેક નાટકો લખ્યા, મરાઠી સાહિત્યને નવી ઉંચાઈ આપી.

સાથીઓ, આપણે ત્યાં ભાષાની પોતાની ખૂબીઓ છે, માતૃભાષાનું પોતાનું વિજ્ઞાન છે. આ વિજ્ઞાનને સમજીને, રાષ્ટ્રિય શિક્ષણ નીતિમાં સ્થાનિક ભાષામાં ભણતર પર ભાર મૂકવામાં આવ્યો છે. આપણા Professional courses પણ સ્થાનિક ભાષામાં ભણાવવામાં આવે, તેના પ્રયત્નો થઈ રહ્યા છે. આઝાદીના અમૃતકાળમાં આ પ્રયત્નોને આપણે સહુએ મળીને ઘણી જ ઝડપ આપવી જોઈએ, તે સ્વાભિમાનનું કામ છે. હું ઈચ્છીશ, તમે જે પણ માતૃભાષા બોલો છો, તેની ખૂબીઓ વિશે અવશ્ય જાણો અને કંઈકને કંઈક લખો.

સાથીઓ, થોડા દિવસો પહેલાં મારી મુલાકાત, મારા મિત્ર અને કેન્યાના પૂર્વ પ્રધાનમંત્રી રાઈલા ઓડિંગા જી સાથે થઈ હતી. આ મુલાકાત રસપ્રદ તો હતી જ પરંતુ ઘણી ભાવુક હતી. અમે ઘણાં સારા મિત્રો રહ્યા તો ખૂલીને ઘણી વાતો પણ કરી લઈએ છીએ. જ્યારે અમે બંને વાત કરી રહ્યા હતા, તો ઓડિંગા જીએ તેમની દીકરી વિશે જણાવ્યું. તેમની દીકરી Rosemary ને Brain Tumour  થઈ ગઈ હતી અને તેને કારણે તેમણે તેમની દીકરીની Surgery કરાવવી પડી હતી. પરંતુ તેનું દુષ્પરિણામ એ હતું કે Rosemaryની આંખનું તેજ લગભગ-લગભગ જતું રહ્યું, દેખાવાનું બંધ થઈ ગયું. હવે તમે કલ્પના કરી શકો છો કે તે દીકરીની શું સ્થિતી થઈ હશે અને એક પિતાની સ્થિતીનો પણ આપણે અંદાજ લગાવી શકીએ.

તેમની ભાવનાઓને સમજી શકીએ છીએ. તેમણે દુનિયાભરની હોસ્પિટલોમાં, દુનિયાનો કોઈપણ મોટો દેશ એવો નહીં હોય, કે જ્યાં તેમણે તેમની દીકરીની સારવાર માટે ભરપૂર કોશિષ ન કરી હોય. દુનિયાના મોટા-મોટા દેશો ખૂંદી વળ્યા, પરંતુ કોઈ સફળતા ન મળી અને એક પ્રકારે બધી આશાઓ છોડી દીધી, આખા ઘરમાં નિરાશાનું વાતાવરણ બની ગયું. તેવામાં કોઈએ તેમને, ભારતમાં આયુર્વેદની સારવાર માટે આવવા માટે સૂચન આપ્યું અને તેઓ ઘણું કરી ચૂક્યા હતા, થાકી પણ ગયા હતા, છતાં તેમને લાગ્યું કે ચલો ભાઈ, એકવખત ટ્રાય કરીએ શું થાય છે? તેઓ ભારત આવ્યા, કેરળની એક આયુર્વેદિક હોસ્પિટલમાં પોતાની દીકરીની સારવાર શરૂ કરાવી. ઘણો સમય દીકરી અહીંયા રહી. આયુર્વેદની આ સારવારની અસર એ થઈ કે Rosemaryની આંખોનું તેજ ઘણુંખરું પાછું આવી ગયું હતું. તમે કલ્પના કરી શકો છો, કે જેમ એક નવું જીવન મળી ગયું અને તેજ તો Rosemaryના જીવનમાં આવ્યું.  પરંતુ આખા પરિવારમાં એક નવું તેજ, નવું જીવન આવ્યું અને ઓડિંગા જી એટલા ભાવુક થઈને આ વાત મને જણાવી રહ્યા હતા, કે તેમની ઈચ્છા છે કે ભારતના આયુર્વેદનું જ્ઞાન છે, વિજ્ઞાન છે, તે કેન્યામાં લઈ આવે. જે પ્રકારના Plants તેમાં કામ આવે છે તે Plantsની ખેતી કરશે અને તેનો લાભ વધુને વધુ લોકોને મળે તેને માટે તેઓ પૂર્ણ પ્રયત્ન કરશે.

મારા માટે એ ઘણી જ ખુશીની વાત છે કે આપણી ધરતી અને પરંપરાથી કોઈના જીવનમાંથી આટલું મોટું કષ્ટ દૂર થયું. આ સાંભળીને આપને પણ ખુશી થશે. કોણ ભારતવાસી હશે જેને ગર્વ ન હોય ? આપણે બધા જાણીએ છીએ કે ઓડિંગા જી જ નહીં, પરંતુ દુનિયાના લાખો લોકો આયુર્વેદથી આવી જ રીતે લાભ ઉઠાવી રહ્યા છે.

બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ પણ આયુર્વેદના ઘણાં મોટા પ્રશંસકોમાંના એક છે. જ્યારે પણ મારી તેમની સાથે મુલાકાત થાય છે, તેઓ આયુર્વેદનો ઉલ્લેખ જરૂર કરે છે. તેમને ભારતની કેટલીયે આયુર્વેદિક સંસ્થાઓની જાણકારી પણ છે.

સાથીઓ, ગત સાત વર્ષોમાં દેશમાં આયુર્વેદના પ્રચાર-પ્રસાર પર બહુ ધ્યાન આપવામાં આવ્યું છે. આયુષ મંત્રાલયના ગઠનથી ચિકિત્સા અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આપણી પારંપરિક રીતને લોકપ્રિય બનાવવાના સંકલ્પને વધુ મજબૂતી મળી છે. મને એ વાતની ખુશી છે કે પાછલા થોડા સમયમાં આયુર્વેદના ક્ષેત્રમાં પણ કેટલાય નવા સ્ટાર્ટ-અપ સામે આવ્યા છે. આ જ મહિનાની શરૂઆતમાં આયુષ સ્ટાર્ટ-અપ ચેલેન્જ શરૂ થઈ હતી. આ ચેલેન્જનું લક્ષ્ય, આ ક્ષેત્રમાં કામ કરનારા સ્ટાર્ટ-અપને identify કરીને તેને સપોર્ટ કરવાનું છે. આ ક્ષેત્રમાં કામ કરી રહેલા યુવાનોને મારો આગ્રહ છે કે તેઓ આ ચેલેન્જમાં ચોક્કસ ભાગ લે.

સાથીઓ, એક વખત જ્યારે લોકો મળીને કંઈક કરવાનું નક્કી કરી લે છે તો તેઓ અદ્ભુત ચીજો કરી જાય છે. સમાજમાં કેટલાય એવા બદલાવ થયા છે, જેમાં જન ભાગીદારી સામૂહિક પ્રયત્નો- તેની બહુ જ મોટી ભૂમિકા રહી છે. “મિશન જલ થલ” નામનું આવુંજ એક જન આંદોલન કાશ્મીરના શ્રીનગર માં ચાલી રહ્યું છે. આ શ્રીનગરના ઝરણાઓ અને તળાવોની સાફ-સફાઇ અને તેની જુની રોનક લાવવાનો એક પ્રયાસ છે. “મિશન જલ થલ”નું ફોકસ ‘કુશળ સાર’ અને ‘ગિલ સાર’ પર છે. જનભાગીદારીની સાથે-સાથે તેમાં ટેક્નોલોજીની પણ ઘણી મદદ લેવામાં આવી રહી છે. ક્યાં-ક્યાં અતિક્રમણ થયું છે, ક્યાં ગેરકાયદે નિર્માણ થયું છે, તેની જાણકારી મેળવવા માટે આ ક્ષેત્રનો કાયદેસરનો સર્વે કરાવવામાં આવ્યો. તેની સાથે જ પ્લાસ્ટિક વેસ્ટને હટાવવા અને કચરાની સફાઈનું અભિયાન પણ ચલાવવામાં આવ્યું. મિશનના બીજા ચરણમાં જૂની વોટર ચેનલ્સ અને તળાવોને ભરનારા 19 ઝરણાને Restore કરવાનો પણ ભરપૂર પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ Restoration Project ના મહત્વ વિશે વધારેમાં વધારે જાગૃતિ ફેલાય, તેને માટે સ્થાનિક લોકો અને યુવાનોને વોટર એમ્બેસેડર પણ બનાવવામાં આવ્યા છે. હવે અહીંના સ્થાનિક લોકો ગિલ સાર લેક માં પ્રવાસી પક્ષીઓ અને માછલીઓની સંખ્યા વધતી રહે તેને માટે પણ પ્રયત્ન કરી રહ્યા છે અને તેને જોઈને ખુશી પણ થાય છે. હું આવા શાનદાર પ્રયત્ન માટે શ્રીનગરના લોકોને ઘણી જ શુભેચ્છા પાઠવું છું.

સાથીઓ, આઠ વર્ષ પહેલા દેશે જે સ્વચ્છ ભારત મિશન શરૂ કર્યું, સમય સાથે તેનો વિસ્તાર પણ વધતો ગયો, નવા નવા ઈનોવેશન પણ જોડાતા ગયા. ભારતમાં તમે ક્યાંય પણ જશો તો જોશો કે દરેક જગ્યાએ સ્વચ્છતા માટે કોઈને કોઈ પ્રયત્ન જરૂર થઈ રહ્યા છે. આસામના કોકરાઝારમાં આવા જ એક પ્રયત્ન વિશે મને જાણવા મળ્યું. અહીં Morning Walkers ના એક સમૂહે ‘સ્વચ્છ અને હરિત કોકરાઝાર’ મિશન હેઠળ ઘણી જ પ્રશંસનીય પહેલ કરી છે. આ બધાએ નવા ફ્લાયઓવર ક્ષેત્રમાં ત્રણ કિલોમીટર લાંબા માર્ગની સફાઈ કરીને સ્વચ્છતાનો પ્રેરક સંદેશ આપ્યો. આવી જ રીતે વિશાખાપટ્ટનમમાં સ્વચ્છ ભારત અભિયાન હેઠળ પોલિથીનને બદલે કપડાંની થેલીને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. અહીંના લોકો પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે Single Use Plastic ઉત્પાદકોની સામે અભિયાન ચલાવી રહ્યા છે. તેની સાથે-સાથે આ લોકો ઘરે જ કચરાને અલગ કરવા માટે જાગૃતિ પણ ફેલાવી રહ્યા છે. મુંબઈની સોમૈયા કોલેજના વિદ્યાર્થીએ સ્વચ્છતાના તેના અભિયાનમાં સુંદરતાને પણ સામેલ કરી લીધી છે. તેમણે કલ્યાણ રેલવે સ્ટેશનની દિવાલોને સુંદર પેઈન્ટિંગ્સથી સજાવી છે. રાજસ્થાનના સવાઈ માધોપુરનું પણ પ્રેરક ઉદાહરણ મારી જાણકારીમાં આવ્યું છે. અહીંના યુવાનોએ રણથંભોરમાં ‘Mission Beat Plastic’ નામનું અભિયાન ચલાવ્યું છે. જેમાં રણથંભોરના જંગલોમાંથી પ્લાસ્ટિક અને પોલિથીનને હટાવવામાં આવ્યા છે. સહુના પ્રયત્નની આ જ ભાવના, દેશમાં જનભાગીદારીને મજબૂત કરે છે અને જ્યારે જનભાગીદારી હોય તો સૌથી મોટા લક્ષ્ય ચોક્કસ પૂરા થાય છે.

મારા પ્રિય દેશવાસીઓ, આજથી થોડા દિવસો પછી જ, 8 માર્ચે આખી દુનિયામાં ‘International Women’s Day’, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવશે. મહિલાઓના સાહસ, કૌશલ અને પ્રતિભાથી જોડાયેલા કેટલાય ઉદાહરણ આપણે મન કી બાતમાં સતત વહેંચતા રહ્યા છીએ. આજે પછી તે સ્કિલ ઈન્ડિયા હોય, સેલ્ફ હેલ્પ ગ્રુપ હોય, કે નાના-મોટા ઉદ્યોગ હોય, મહિલાઓએ દરેક જગ્યાએ મોરચો સંભાળ્યો છે. તમે કોઈપણ ક્ષેત્રમાં જુઓ, મહિલાઓ જૂની માનસિકતાઓને તોડી રહી છે. આજે આપણા દેશમાં પાર્લામેન્ટથી લઈને પંચાયત સુધી અલગ-અલગ કાર્યક્ષેત્રમાં મહિલાઓ નવી નવી ઉંચાઈ પ્રાપ્ત કરી રહી છે. સેનામાં પણ દીકરીઓ હવે નવી અને મોટી ભૂમિકાઓમાં જવાબદારી નિભાવી રહી છે અને દેશની રક્ષા કરી રહી છે. ગયા મહિને પ્રજાસત્તાક દિવસ પર આપણે જોયું કે આધુનિક ફાઈટર પ્લેનને પણ દીકરીઓ ઉડાવી રહી છે. દેશે સૈનિક સ્કૂલોમાં પણ દીકરીઓના એડમિશન પરથી પ્રતિબંધ હટાવ્યો અને આખા દેશમાં દીકરીઓ સૈનિક સ્કૂલમાં દાખલ થઈ રહી છે.

આવી જ રીતે આપણા સ્ટાર્ટ-અપ જગતને જોઈએ તો છેલ્લા વર્ષોમાં, દેશમાં હજારો નવા સ્ટાર્ટ-અપ શરૂ થયા. જેમાંથી લગભગ અડધા સ્ટાર્ટ-અપમાં મહિલાઓ નિર્દેશકની ભૂમિકામા છે. છેલ્લા કેટલાક સમયમાં મહિલાઓ માટે ‘માતૃત્વ અવકાશ’ વધારવા જેવા નિર્ણય લેવામાં આવ્યા છે. બાળક અને બાળકીઓને સમાન અધિકાર આપતા લગ્નની ઉંમર સમાન કરવા માટે દેશ પ્રયાસ કરી રહ્યો છે. તેનાથી દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે. આપ દેશમાં વધુ એક બદલાવ થતો જોઈ રહ્યા હશો. આ બદલાવ છે – આપણા સામાજિક અભિયાનોની સફળતા. ‘બેટી બચાવો, બેટી પઢાવો’ ની સફળતા ને જ જુઓ, આજે દેશમાં લિંગ ગુણોત્તર સુધર્યો છે. સ્કૂલ જનારી દીકરીઓની સંખ્યામાં સુધારો થયો છે. આમાં આપણી પણ જવાબદારી છે કે આપણી દીકરીઓ વચ્ચેથી સ્કૂલ ન છોડી દે. તેવી  જ રીતે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ દેશમાં મહિલાઓને ખૂલ્લામાં શૌચમાંથી મુક્તિ મળી છે. ટ્રિપલ તલાક જેવા સામાજિક અનિષ્ટનો અંત પણ થઈ રહ્યો છે. જ્યારથી ટ્રિપલ તલાકની સામે કાયદો આવ્યો છે, દેશમાં ત્રણ તલાકના મામલામાં 80 ટકાનો ઘટાડો આવ્યો છે. આ આટલા બધા બદલાવ આટલા ઓછા સમયમાં કેવી રીતે થઈ રહ્યા છે ? આ પરિવર્તન એટલે આવી રહ્યા છે કારણ કે આપણા દેશમાં પરિવર્તન અને પ્રગતિશીલ પ્રયત્નોનું નેતૃત્વ હવે ખુદ મહિલાઓ કરી રહી છે.

મારા પ્રિય દેશવાસીઓ, કાલે 28 ફેબ્રુઆરીએ નેશનલ સાયન્સ ડે છે. આ દિવસ Raman Effectની શોધ માટે પણ ઓળખાય છે. હું સી.વી. રમન જીની સાથે એ બધા જ વૈજ્ઞાનિકોને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું, જેમણે આપણી Scientific Journey ને સમૃદ્ધ બનાવવામા પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. સાથીઓ, આપણા જીવનમાં સુગમતા અને સરળતામાં ટેક્નોલોજીએ ઘણી જગ્યા બનાવી લીધી છે. કઈ ટેક્નોલોજી સારી છે, કઈ ટેક્નોલોજીનો સારો ઉપયોગ કયો છે, આ બધા વિષયોથી આપણે સારી રીતે પરિચિત હોઈએ જ છીએ. પરંતુ એ પણ સાચું છે કે આપણા પરિવારના બાળકોને એ ટેક્નોલોજીનો આધાર શું છે, તેની પાછળનું સાયન્સ શું છે, એ તરફ આપણું ધ્યાન જાતું જ નથી. આ સાયન્સ ડે પર મારો બધા જ પરિવારોને આગ્રહ છે કે તેઓ પોતાના બાળકોમાં Scientific Temperament વિકસિત કરવા માટે ચોક્કસ નાના-નાનાં પ્રયત્નોથી શરૂ કરી શકે છે. હવે જેમ દેખાતું નથી, ચશ્મા લગાવ્યા પછી સાફ દેખાવા લાગે છે, તો બાળકોને આસાનીથી સમજાવી શકાય છે કે તેની પાછળનું વિજ્ઞાન શું છે. માત્ર ચશ્મા જોયાં, આનંદ કરીએ, એટલું જ નહીં. આરામથી તમે એક નાના કાગળ પર તેમને જણાવી શકો છો. હવે તે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે, કેલ્ક્યૂલેટર કેવી રીતે કામ કરે છે, રિમોટ કન્ટ્રોલ કેવી રીતે કામ કરે છે, સેન્સર શું હોય છે? આ Scientific વાતો તેની સાથે-સાથે ઘરમાં ચર્ચામાં હોય છે શું? હોઈ શકે છે, ઘણાં આરામથી- આપણે આ ચીજોનું, ઘરની રોજિંદી જિંદગીની પાછળ શું સાયન્સ છે- તે કઈ વાત છે -જે એ કરી રહી છે, તેને સમજાવી શકીએ છીએ. તેવી જ રીતે શું ક્યારેય આપણે બાળકોને સાથે રાખીને આકાશમાં એકસાથે જોયું છે શું? રાત્રે તારાઓ વિશે પણ જરૂર વાતો થઈ હોય. વિવિધ constellations જોવા મળે છે, તેના વિશે જણાવો. એવું કરીને આપ બાળકોમાં ફિઝીક્સ અને એસ્ટ્રોનોમી પ્રત્યે નવા વલણો ઉત્પન્ન કરી શકો છો. આજકાલ ઘણી જ સારી Apps પણ છે જેનાથી તમે તારાઓ અને ગ્રહોને locate કરી શકો છો, અથવા જે તારો આકાશમાં દેખાઈ રહ્યો છે તેને ઓળખી શકો છો, તેના વિશે પણ જાણી શકો છો. હું આપણા સ્ટાર્ટ-અપને પણ કહીશ કે આપ આપના કૌશલ્ય અને Scientific Character નો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણ સાથે જોડાયેલા કાર્યમાં પણ કરો. આ દેશ પ્રત્યે આપણી Collective Scientific Responsibility પણ છે. જેમ આજકાલ હું જોઈ રહ્યો છું કે આપણા સ્ટાર્ટ-અપ વર્ચ્યુઅલ રિઆલીટીની દુનિયામાં ઘણું જ સારું કામ કરી રહ્યા છે. Virtual Classesના આ યુગમાં બાળકોને ધ્યાનમાં રાખીને આવી જ એક વર્ચ્યુઅલ લેબ બનાવી શકાય છે. આપણે વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા બાળકોને chemistry ની લેબનો અનુભવ ઘરે બેઠા કરાવી શકીએ છીએ. આપણા શિક્ષકો અને વાલીઓને મારી વિનંતી છે કે આપ તમામ વિદ્યાર્થીઓ અને બાળકોને પ્રશ્નો પૂછવા માટે પ્રોત્સાહિત કરો અને તેમની સાથે મળીને પ્રશ્નોના સાચા જવાબો શોધો. આજે હું કોરોના સામેની લડાઈમાં ભારતીય વૈજ્ઞાનિકોની ભૂમિકાની પણ પ્રશંસા કરવા માંગુ છું. તેમની સખત મહેનતને કારણે Made In India વેક્સીનનું નિર્માણ શક્ય બની શક્યું, જેનાથી વિશ્વને ઘણી મદદ મળી છે. Science ની માનવતા માટે આ જ તો ભેટ છે.

મારા પ્રિય દેશવાસીઓ, આ વખતે પણ આપણે ઘણા વિષયો પર ચર્ચા કરી. આવનારા માર્ચ મહિનામાં, ઘણા તહેવારો આવી રહ્યા છે – શિવરાત્રી છે અને હવે થોડા દિવસો પછી તમે બધા હોળીની તૈયારીમાં લાગી જશો. હોળી આપણને એકસૂત્રમાં પરોવનારો તહેવાર છે. આમાં પારકા-પોતાના, દ્વેષ-વિદ્વેષ, નાના-મોટા, તમામ ભેદ ભૂંસાઈ જાય છે. તેથી જ કહેવાય છે કે હોળીનો રંગ કરતાં પણ વધારે ઘાટા રંગ પ્રેમ અને સંવાદિતાના હોય છે. હોળીમાં ગુજિયાની સાથે સાથે સંબંધોની પણ અનોખી મીઠાશ હોય છે. આપણે આ સંબંધોને વધુ મજબૂત બનાવવાના છે અને સંબંધ ફક્ત આપણા પરિવારના લોકો સાથે જ નથી પરંતુ તે લોકો સાથે પણ- જે મોટા પરિવારનો ભાગ છે. તેની સૌથી મહત્વપૂર્ણ રીત પણ આપે યાદ રાખવાની છે- આ રીત છે, ‘વોકલ ફોર લોકલ’ સાથે તહેવારની ઉજવણીની. તમે તહેવારો પર સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરો, જેનાથી આપની આસપાસ રહેનારા લોકોના જીવનમાં પણ રંગ ઉમેરાય, રંગ રહે, ઉમંગ રહે. આપણો દેશ જેટલી સફળતાથી કોરોનાની સામે લડાઈ લડી રહ્યો છે, અને આગળ વધી રહ્યો છે, તેનાથી તહેવારોમાં જોશ પણ અનેકગણો વધી ગયો છે. આ જ જોશની સાથે આપણે આપણા તહેવાર મનાવવાના છે, અને સાથે જ પોતાની સાવધાની પણ રાખવાની છે. હું આપ બધાને આવનારા તહેવારોની શુભેચ્છાઓ આપુ છું. મને હંમેશા આપની વાતોની, આપના પત્રોની, આપના સંદેશાઓની રાહ રહેશે. ખૂબ-ખૂબ શુભેચ્છા.