Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મન કી બાત 2.0ના 12માં એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ ( 31.05.2020)


 

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. કોરોનાના પ્રભાવથી આપણી મન કી બાત પણ અલગ નથી રહી. જ્યારે મેં છેલ્લે તમારી સાથે મન કી બાત કરી હતી, ત્યારે પેસેન્જર ટ્રેનો બંધ હતી, બસો બંધ હતી, હવાઈ સેવા બંધ હતી. આ વખતે ઘણું બધું ખૂલી ચૂક્યું છે. શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચાલી રહી છે, અન્ય સ્પેશિયલ ટ્રેન પણ શરૂ થઈ ગઈ છે. તમામ સાવધાનીઓ સાથે હવાઈ જહાજ પણ ઉડવા લાગ્યા છે, ધીરેધીરે ઉદ્યોગો પણ ચાલવાના શરૂ થઈ ગયા છે એટલે કે અર્થવ્યવસ્થાનો એક મોટો ભાગ હવે શરૂ થઈ ગયો છે, ખૂલી ગયો છે. તેવામાં આપણે વધુ સતર્ક રહેવાની આવશ્યકતા છે. બે ગજના અંતરનો નિયમ હોય, મોં પર માસ્ક લગાવવાની વાત હતી, બની શકે ત્યાં સુધી ઘરમાં જ રહેવાનું હોય, આ બધી વાતોનું પાલન, અને તેમાં જરા પણ ઢીલાશ ન રાખવી જોઈએ.

                 દેશમાં બધાના સામૂહિક પ્રયત્નોથી કોરોના સામેની લડાઈ વધુ મજબૂતી સાથે લડાઈ રહી છે. જ્યારે આપણે દુનિયાની સામે જોઈએ છીએ, તો આપણને અનુભવ થાય છે કે વાસ્તવમાં ભારતવાસીઓની ઉપલબ્ધી કેટલી મોટી છે. આપણી જનસંખ્યા મોટાભાગના દેશો કરતાં કેટલીયે ગણી વધારે છે. આપણા દેશમાં પડકારો પણ અલગ અલગ પ્રકારના છે, પરંતુ તેમ છતાં આપણા દેશમાં કોરોના એટલી ઝડપથી ન ફેલાઈ શક્યો, જેટલો દુનિયાના અન્ય દેશોમાં ફેલાયો છે. કોરોનાથી થનારો મૃત્યુ દર પણ આપણા દેશમાં ઘણો ઓછો છે. જે નુકસાન થયું છે, તેનું દુઃખ આપણને બધાને છે. પરંતુ જે કંઈપણ આપણે બચાવી શક્યા, તે નિશ્ચિત રીતે દેશની સામૂહિક

સંકલ્પશક્તિનું જ પરિણામ છે. આટલા મોટા દેશમાં દરેક દેશવાસીએ પોતે, આ લડાઈ લડવાનું નક્કી કર્યું છે, આ આખી ચળવળ પીપલ ડ્રિવન છે.

સાથીઓ, દેશવાસીઓની સંકલ્પશક્તિ સાથે વધુ એક શક્તિ આ લડાઈમાં આપણી સૌથી મોટી તાકાત છે, તે છે, દેશવાસીઓની સેવાશક્તિ. વાસ્તવમાં આ માહામારીનો સમય, આપણે ભારતવાસીઓએ એ દેખાડી દીધું કે સેવા અને ત્યાગનો આપણો વિચાર માત્ર આપણા આદર્શ જ નથી પરંતુ ભારતની જીવનપદ્ધતિ છે અને આપણે ત્યાં તો કહેવાયું છે કે સેવા પરમો ધર્મ…

સેવા સ્વયં માં સુખ છે, સેવામાં જ સંતોષ છે.

તમે જોયું હશે કે બીજાની સેવામાં લાગેલા વ્યક્તિના જીવનમાં કોઈ ડિપ્રેશન અથવા તણાવ ક્યારેય દેખાતો નથી. તેના જીવનમાં જીવનને લઈને તેની દ્રષ્ટિમાં ભરપૂર આત્મવિશ્વાસ, સકારાત્મકતા અને જીવંતતા પ્રતિ પળ નજરે પડે છે.

સાથીઓ આપણા ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, સફાઈકર્મી, પોલીસકર્મી, મીડિયાના સાથીઓ, આ બધા જે સેવા કરી રહ્યા છે, તેની ચર્ચા મેં કેટલીયે વખત કરી છે. મન કી બાતમાં પણ મેં તેનો ઉલ્લેખ કર્યો હતો. સેવામાં પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દેનારા લોકોની સંખ્યા અગણિત છે. એવા જ એક સજ્જન છે તમિલનાડુના સી.મોહન. સી.મોહનજી મદુરાઈમાં એક સલૂન ચલાવે છે. પોતાની મહેનતની કમાણીથી તેમણે પોતાની દિકરીના ભણતર માટે પાંચ લાખ રૂપિયા બચાવ્યા હતા, પરંતુ તેમણે

આ બધા નાણાં આ સમયમાં જરૂરિયાતવાળાઓ, ગરીબોની સેવા માટે ખર્ચ કરી નાખ્યા.

આવી જ રીતે અગરતલામાં લારી ચલાવીને ગુજરાન ચલાવનારા ગૌતમદાસજી પોતાની રોજની કમાણીની બચતમાંથી રોજ દાળ-ચોખા ખરીદીને જરૂરિયાતવાળા લોકોને ખાવાનું ખવડાવી રહ્યા છે.

પંજાબના પઠાણકોટથી પણ આવા જ એક ઉદાહરણ વિષે મને જાણ થઈ છે. અહીં દિવ્યાંગ ભાઈ રાજૂએ, બીજાની મદદથી ભેગી કરેલી નાની સરખી મૂડીથી ત્રણ હજારથી પણ વધુ માસ્ક બનાવીને લોકોમાં વહેંચ્યા. ભાઈ રાજૂએ આ મુશ્કેલીના સમયમાં લગભગ 100 પરિવારો માટે ખાવાનું રેશન પણ ભેગું કર્યું છે.

દેશના બધા ભાગમાંથી વીમેન સેલ્ફ હેલ્પ ગૃપના પરિશ્રમની પણ અગણિત વાતો આ સમય દરમિયાન આપણી સામે આવી રહી છે. ગામોમાં, નાના કસ્બાઓમાં, આપણી બહેન-દિકરીઓ, રોજ હજારોની સંખ્યામાં માસ્ક બનાવી રહી છે. તમામ સામાજિક સંસ્થાઓ પણ આ કામમાં તેમને સહયોગ આપી રહી છે. સાથીઓ આવા કેટલાય ઉદાહરણો રોજ, જોવામાં અને સાંભળવામાં આવી રહ્યા છે. કેટલાય લોકો પોતે પણ મને નમો એપ અને અન્ય માધ્યમો દ્વારા પોતાના પ્રયત્નો વિશે જણાવી રહ્યા છે.

કેટલીયે વખત સમયની અછતને કારણે હું ઘણાં લોકોનાં, ઘણાં સંગઠનોના, ઘણી સંસ્થાઓના, નામ નથી લઈ શકતો, સેવાભાવથી

લોકોની મદદ કરી રહ્યા છે તેવા બધા લોકોની હું પ્રશંસા કરું છું, તેમનો આદર કરું છું, તેમને સાચા દિલથી અભિનંદન પાઠવું છું.

મારા પ્રિય દેશવાસીઓ, વધુ એક વાત જે મારા મનને સ્પર્શી ગઈ એ છે, સંકટની આ ઘડીમાં ઈનોવેશન. તમામ દેશવાસી ગામડાંઓથી લઈને શહેરો સુધી, આપણા નાના વેપારીઓથી લઈને સ્ટાર્ટ-અપ સુધી, આપણી લેબ્સ કોરોના સામેની લડાઈમાં નવી-નવી રીતથી શોધ કરી રહી છે, નવા-નવા ઈનોવેશન્સ કરી રહી છે.

જેમ કે નાસિકના રાજેન્દ્ર યાદવનું ઉદાહરણ ઘણું રસપ્રદ છે. રાજેન્દ્રજી નાસિકમાં સતના ગામનાં ખેડૂત છે. પોતાના ગામને કોરોનાના ચેપથી બચાવવા માટે તેમણે પોતાના ટ્રેક્ટર સાથે જોડીને એક સેનિટાઈઝેશન મશીન બનાવી લીધું અને આ ઈનોવેટિવ મશીન ઘણું જ સારી રીતે કામ કરી રહ્યું છે.

તેવી જ રીતે હું સોશિયલ મીડિયામાં ઘણાં ફોટો જોવું છું. કેટલાક દુકાનદારોએ બે ગજના અંતર માટે દુકાનમાં મોટી મોટી પાઈપલાઈન લગાડી દીધી છે, જેના એક તરફથી તેઓ ઉપરથી સામાન નાખે છે, અને બીજી બાજુ ગ્રાહક પોતાનો સામાન લઈ લે છે.

આ દરમિયાન ભણતરના ક્ષેત્રમાં પણ કેટલાય અલગ-અલગ ઈનોવેશન શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મળીને કર્યા છે. ઓનલાઈન ક્લાસિસ, વીડિયો ક્લાસિસ, તેને પણ અલગ અલગ રીતે ઈનોવેટ કરવામાં આવી રહ્યા છે.

કોરોનાની વેક્સિન પર આપણી લેબ્સમાં જે કામ થઈ રહ્યું છે તેના પર તો દુનિયાભરની નજર છે અને આપણા બધાની આશા પણ છે.

કોઈપણ પરિસ્થિતીને બદલવા માટે ઈચ્છાશક્તિની સાથે ઘણું બધું ઈનોવેશન પર પણ નિર્ભર કરે છે. હજારો વર્ષોની માનવ જાતિની યાત્રા સતત ઈનોવેશનથી જ આટલા આધુનિક સમયમાં પહોંચી છે, તેથી જ આ મહામારી પર, જીત માટે આપણા આ વિશેષ ઈનોવેશન્સ પણ બહુ મોટો આધાર છે.

સાથીઓ, કોરોનાની સામે લડાઈનો આ રસ્તો લાંબો છે. એક એવી આપત્તિ જેનો આખી દુનિયા પાસે કોઈ જ ઈલાજ નથી, જેનો કોઈ અગાઉનો અનુભવ નથી, તો તેવામાં નવા નવા પડકારો અને તેને કારણે પરેશાનીઓ આપણે અનુભવી રહ્યા છીએ. આ દુનિયાના દરેક કોરોનાથી પ્રભાવિત દેશમાં થઈ રહ્યું છે અને એટલે જ ભારત પણ તેમાંથી બાકાત નથી. આપણા દેશમાં પણ કોઈ વર્ગ એવો નથી જે મુશ્કેલીમાં ન હોય, પરેશાનીમાં ન હોય, અને આ સંકટનો સૌથી મોટો માર, જો કોઈના પર પડ્યો છે તો, આપણા ગરીબ, મજૂર, શ્રમિક વર્ગ પર પડ્યો છે. તેમની તકલીફ, તેમનું દર્દ, તેમની પીડા, શબ્દોમાં કહી શકાય તેમ નથી. આપણામાંથી કોણ એવું હશે જે એમની અને એમના પરિવારની તકલીફોનો અનુભવ ન કરી રહ્યું હોય. આપણે બધા મળીને આ તકલીફને, આ પીડાને, વહેંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, આખો દેશ પ્રયત્ન કરી રહ્યો છે. આપણા રેલવેના સાથીઓ દિવસ-રાત લાગેલા છે. કેન્દ્ર હોય, રાજ્ય હોય,

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોય, દરેક લોકો દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. જેવી રીતે રેલવેના કર્મચારીઓ આજે લાગેલા છે, તેઓ પણ એક પ્રકારે આગળની હરોળમાં ઉભેલા કોરોના વોરિયર્સ જ છે. લાખો શ્રમિકોને ટ્રેનો દ્વારા, અને બસો દ્વારા સુરક્ષિત લઈ જવા, તેમની ખાવા-પીવાની ચિંતા કરવી, દરેક જિલ્લામાં ક્વોરન્ટાઇન કેન્દ્રોની વ્યવસ્થા કરવી, બધાનું ટેસ્ટિંગ, ચેક-અપ, ઉપચારની વ્યવસ્થા કરવી, આ બધા કામો સતત ચાલી રહ્યા છે અને બહુ મોટી માત્રામાં ચાલી રહ્યા છે. પરંતુ સાથીઓ જે દ્રશ્ય આજે આપણે જોઈ રહ્યા છીએ, તેનાથી દેશને ભૂતકાળમાં જે થયું તેનું અવલોકન અને ભવિષ્ય માટે શીખવાનો અવસર પણ મળ્યો છે. આજે આપણા શ્રમિકોની પીડામાં, આપણે દેશના પૂર્વ ભાગની પીડા જોઈ રહ્યા છીએ. જે પૂર્વ ભાગમાં દેશનું ગ્રોથ એન્જિન બનવાની ક્ષમતા છે, જેના શ્રમિકોના બાહુબળમાં દેશને નવી ઉંચાઈ પર લઈ જવાનું સામર્થ્ય છે, તે પૂર્વ ભાગનો વિકાસ ઘણો જ આવશ્યક છે. પૂર્વ ભારતના વિકાસથી દેશનો સંતુલિત આર્થિક વિકાસ શક્ય છે. દેશે જ્યારે મને સેવા કરવાનો મોકો આપ્યો, ત્યારથી જ આપણે પૂર્વ ભારતના વિકાસને પ્રાથમિકતા આપી છે. મને સંતોષ છે કે વિતેલા વર્ષોમાં આ દિશામાં ઘણું બધું થયું છે, અને હવે પ્રવાસી મજૂરોને જોતાં ઘણાં નવાં પગલાં ભરવાનું પણ આવશ્યક થઈ ગયું છે અને આપણે સતત એ દિશામાં આગળ વધી રહ્યા છીએ. જેમકે ક્યાંક શ્રમિકોનું સ્કિલ મેપિંગ નું કામ થઈ રહ્યું છે, ક્યાંક સ્ટાર્ટ-અપ આ કામમાં જોડાયેલા છે, ક્યાંક માઈગ્રેશન કમિશન બનાવવાની વાત થઈ રહી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે હમણાં જે નિર્ણયો લીધા છે, તેનાથી પણ

ગામોમાં રોજગાર, સ્વરોજગાર, લઘુ ઉદ્યોગોથી જોડાયેલી વિશાળ સંભાવનાઓ ખુલી છે. આ નિર્ણયો, એ સ્થિતીઓના સમાધાન માટે છે, આત્મનિર્ભર ભારત માટે છે, જો આપણા ગામ, આત્મનિર્ભર હોત, આપણા કસ્બાઓ, આપણા જિલ્લાઓ, આપણા રાજ્યો આત્મનિર્ભર હોત, તો અનેક સમસ્યાઓએ એ રૂપ ન લીધું હોત, જે રૂપમાં આજે તે આપણી સામે ઉભી છે. પરંતુ અંધારાથી ઉજાસ તરફ વધવું એ માનવ સ્વભાવ છે. તમામ પડકારો વચ્ચે મને ખુશી છે, કે આત્મનિર્ભર ભારત પર આજે દેશમાં વ્યાપક મંથન શરૂ થયું છે. લોકોએ હવે તેને પોતાનું અભિયાન બનાવવાનું શરૂ કરી દીધું છે. આ મિશનનું નેતૃત્વ દેશવાસીઓ પોતાના હાથમાં લઈ રહ્યા છે. ઘણાં લોકોએ તો એ પણ જણાવ્યું છે કે, તેમણે જે જે સામાન તેમના વિસ્તારમાં બનાવવામાં આવે છે તેનું એક આખું લિસ્ટ બનાવી લીધું છે. આ લોકો હવે આ લોકલ પ્રોડક્ટ્સને જ ખરીદી રહ્યા છે અને વોકલ ફોર લોકલ ને પણ પ્રમોટ કરી રહ્યા છે. મેક ઈન ઈન્ડિયાને વેગ મળે, તેને માટે બધા પોતપોતાના સંકલ્પ દેખાડી રહ્યા છે.

                 બિહારના અમારા એક સાથી, શ્રીમાન હિમાંશુએ મને નમો એપ પર લખ્યું છે કે તેઓ એક એવો દિવસ જોવા માંગે છે જ્યારે ભારત વિદેશથી આવનારી આયાતને ઓછામાં ઓછી કરી દે. ભલે તે પેટ્રોલ, ડિઝલ, ઈંધણની આયાત હોય, ઈલેક્ટ્રિક આઈટમની આયાત હોય, યૂરિયાની આયાત હોય, કે પછી ખાદ્ય તેલની આયાત હોય. હું તેમની ભાવનાઓને સમજું છું. આપણા દેશમાં કેટલીયે એવી વસ્તુઓ બહારથી આવે છે, જેના પર

આપણા ઈમાનદાર ટેક્સ ભરનારા લોકોના પૈસા ખર્ચ થાય છે. જેનો વિકલ્પ આપણે સરળતાથી ભારતમાં તૈયાર કરી શકીએ છીએ.

                 આસામના સુદીપે મને લખ્યું કે તેઓ મહિલાઓ દ્વારા બનાવાયેલા લોકલ બામ્બૂ પ્રોડક્ટ્સ નો વેપાર કરે છે. અને તેમણે નક્કી કર્યું છે કે આવનારા 2 વર્ષમાં તેઓ પોતાના બામ્બૂ પ્રોડક્ટ્સને એક ગ્લોબલ બ્રાન્ડ બનાવશે. મને પૂરો ભરોસો છે આત્મનિર્ભર ભારત અભિયાન, આ દશકમાં દેશને નવી ઉંચાઈ પર લઈ જશે.

મારા પ્રિય દેશવાસીઓ, કોરોના સંકટના આ સમયમાં મારી વિશ્વના અનેક નેતાઓ સાથે વાતચીત થઈ છે, પરંતુ હું એક સિક્રેટ જરૂર આજે કહેવા માંગીશ – વિશ્વના અનેક નેતાઓની જ્યારે વાત થાય છે ત્યારે મેં જોયું કે આ દિવસોમાં તેમનો વધારે પડતો રસ યોગ અને આયુર્વેદના સંબંધમાં હોય છે. કેટલાક નેતાઓએ મને પૂછ્યું કે કોરોનાના આ કાળમાં આ યોગ અને આયુર્વેદ કેવી રીતે મદદ કરી શકે.

સાથીઓ, આંતરરાષ્ટ્રિય યોગ દિવસ જલ્દી જ આવનાર છે. યોગ જેમ-જેમ લોકોના જીવન સાથે જોડાઈ રહ્યો છે, લોકોમાં પોતાના સ્વાસ્થ્યને લઈને જાગૃતિ પણ સતત વધી રહી છે. અત્યારે કોરોના સંકટ દરમિયાન પણ એ જોવામાં આવી રહ્યું છે કે હોલિવુડથી લઈને હરિદ્વાર સુધી, ઘરમાં રહીને, લોકો યોગ પર ઘણી ગંભીરતાથી ધ્યાન આપી રહ્યા છે. દરેક જગ્યાએ લોકોએ યોગ અને તેની સાથે-સાથે આયુર્વેદ વિશે, વધુ જાણવા માગે છે, તેને અપનાવવા માગે છે.

કેટલાયે લોકો જેમણે ક્યારેય યોગ નથી કર્યા, તેઓ પણ અથવા ઓનલાઈન યોગ ક્લાસથી જોડાઈ ગયા છે અથવા ઓનલાઈન વીડિયોના માધ્યમથી યોગ શીખી રહ્યા છે. હકીકતમાં યોગ- કમ્યુનિટી, ઈમ્યુનિટી અને યુનિટી બધા માટે સારું છે.

                 સાથીઓ, કોરોના સંકટના આ સમયમાં યોગ – આજે એટલા માટે વધુ મહત્વનો છે કારણ કે આ વાયરસ, આપણી રેસ્પિરેટરી સિસ્ટમને સૌથી વધારે અસર કરે છે. યોગમાં તો રેસ્પિરેટરી સિસ્ટમને મજબૂત કરનારા કેટલીયે રીતના પ્રાણાયમ છે, જેની અસર આપણે લાંબા સમયથી જોતા આવ્યા છીએ. આ ટાઈમ ટેસ્ટેડ ટેકનીક છે, જેનું પોતાનું અલગ જ મહત્વ છે. કપાલભાતી અને અનુલોમ-વિલોમ પ્રાણાયામથી મોટાભાગના લોકો પરિચિત હશે. પરંતુ ભસ્ત્રિકા, શિતલી, ભ્રામરી જેવા કેટલાય પ્રાણાયામના પ્રકાર છે, જેના અનેક લાભ છે. આમ પણ આપના જીવનમાં યોગને વધારવા માટે આયુષ મંત્રાલયે પણ આ વખતે એક અનોખો પ્રયોગ કર્યો છે. આયુષ મંત્રાલયે ‘માય લાઈફ, માય યોગ’ નામથી આંતરરાષ્ટ્રિય વીડિયો બ્લોગની સ્પર્ધા શરૂ કરી છે. ભારત જ નહીં, આખી દુનિયાના લોકો આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. તેમાં ભાગ લેવા માટે તમારે તમારો ત્રણ મિનિટનો એક વીડિયો બનાવીને અપલોડ કરવાનો રહેશે. આ વીડિયોમાં આપ જે યોગ, કે આસન કરો છો તે કરતાં દેખાડવાનું છે અને યોગથી તમારા જીવનમાં જે બદલાવ આવ્યો છે, તેના વિશે પણ કહેવાનું છે. મારી આપને વિનંતી છે કે આપ બધા આ સ્પર્ધામાં આવશ્ય ભાગ લો અને આ નવી રીતે આંતરરાષ્ટ્રિય યોગ દિવસમાં આપ ભાગીદાર બનો.

સાથીઓ, આપણા દેશમાં કરોડો-કરોડ ગરીબ, દશકોથી એક બહુ મોટી ચિંતામાં રહેતા આવ્યા છે. – જો બિમાર પડશું તો શું થશે. પોતાનો ઈલાજ કરાવીએ કે  પરિવાર માટે રોટલાની ચિંતા કરીએ. આ તકલીફને સમજીને, આ ચિંતાને દૂર કરવા માટે જ લગભગ દોઢ વર્ષ પહેલાં જ આયુષ્યમાન ભારત યોજના શરૂ કરવામાં આવી હતી. થોડા દિવસો પહેલાં જ આયુષ્યમાન ભારત ના લાભાર્થીઓની સંખ્યા એક કરોડની પાર થઈ ગઈ છે. એક કરોડથી વધારે દર્દીઓ, મતલબ કે દેશના એક કરોડથી વધુ પરિવારોની સેવા થઈ. એક કરોડથી વધુ દર્દીનો મતલબ શું થાય છે, ખબર છે. એક કરોડથી વધુ દર્દી મતલબ, નોર્વે જેટલો દેશ, સિંગાપોર જેવો દેશ, તેની કુલ જનસંખ્યા છે, તેનાથી બે ગણા લોકોનો મફતમાં ઈલાજ કરાવવામાં આવ્યો છે. જો ગરીબોને હોસ્પિટલમાં દાખલ થયા બાદ ઈલાજ માટે પૈસા ચૂકવવા પડતા, તેમનો મફત ઈલાજ ન થયો હોત, તો તેમને એક મોટો અંદાજ છે કે લગભગ-લગભગ 14 હજાર કરોડ રૂપિયાથી પણ વધુ પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરવા પડત. આયુષ્યમાન ભારત યોજનાએ ગરીબોના પૈસા ખર્ચાતા બચાવ્યા છે. હું આયુષ્યમાન ભારતના બધા લાભાર્થીઓ સાથે-સાથે દર્દીઓનો ઉપચાર કરનારા ડોક્ટર્સ, નર્સ અને મેડિકલ સ્ટાફને પણ શુભેચ્છા આપું છું. આયુષ્યમાન ભારત યોજના સાથે એક બહુ મોટી વિશેષતા પોર્ટેબિલીટીની સુવિધા પણ છે. પોર્ટેબિલીટી એ દેશને એકતાના રંગમાં રંગવામાં પણ મદદ કરી છે. એટલે કે બિહારનો કોઈ ગરીબ જો ઈચ્છે તો કર્ણાટકમાં પણ એ જ સુવિધા મળશે જે તેને પોતાના રાજ્યમાં મળતી.

તેવી જ રીતે મહારાષ્ટ્રમાં કોઈ ગરીબ ઈચ્છે તો તેને ઈલાજની એ જ સુવિધા તમિલનાડુમાં મળતી. આ યોજનાને કારણે કોઈપણ ક્ષેત્રમાં, જ્યાં સ્વાસ્થ્યની વ્યવસ્થા નબળી છે, ત્યાંના ગરીબને દેશના કોઈપણ ખૂણામાં ઈલાજ કરવાની વ્યવસ્થા મળે છે.

સાથીઓ, તમે એ જાણીને હેરાન થઈ જશો કે એક કરોડ લાભાર્થીઓમાંથી 80 ટકા લાભાર્થી દેશના ગ્રામીણ વિસ્તારના છે. તેમનામાં પણ લગભગ-લગભગ 50 ટકા લાભાર્થી આપણી માતા, બહેનો અને દિકરીઓ છે. આ લાભાર્થીઓમાં મોટાભાગના લોકો એવી બિમારીથી પીડિત છે જેનો ઈલાજ સામાન્ય દવાઓથી શક્ય ન હતો. આમનામાંથી 70 ટકા લોકોની સર્જરી કરવામાં આવી છે. તમે અનુમાન લગાવી શકો છો કે કેટલી મોટી તકલીફોમાંથી આ લોકોને મુક્તિ મળી છે. મણિપુરના ચુરા-ચાંદપુરમાં છ વર્ષના બાળક કેલેનસાંગ, તેને પણ આવી જ રીતે આયુષ્યમાન યોજનાથી નવું જીવન મળ્યું છે. કેલેનસાંગને આટલી નાની ઉંમરમાં બ્રેઈનની ગંભીર બિમારી થઈ હતી. આ બાળકના પિતા રોજમદાર મજૂર છે અને માતા ગૂંથણનું કામ કરે છે. તેવામાં બાળકનો ઈલાજ કરાવવો ઘણું મુશ્કેલ થઈ ગયું હતું. પરંતુ આયુષ્યમાન ભારત યોજનાથી હવે તેમના દિકરાનો મફત ઈલાજ થઈ ગયો છે. કંઈક આવો જ અનુભવ પુડ્ડુચેરીના અમૂર્થા વલ્લીજી નો પણ છે. તેમને માટે પણ આયુષ્યમાન ભારત યોજના સંકટમોચક બનીને આવી. અમૂર્થા વલ્લીજી ના પતિનું હાર્ટ એટેકથી દુઃખદ મૃત્યુ થઈ ચૂક્યું છે. તેમના 27 વર્ષનો દિકરા જીવાને પણ હાર્ટની બિમારી હતી.

ડોક્ટરોએ જીવા માટે ઓપરેશનની સલાહ આપી હતી પરંતુ રોજમદાર મજૂરી કરનારા જીવા માટે પોતાના ખર્ચાથી આટલું મોટું ઓપરેશન કરાવવું શક્ય નહોતું, પરંતુ અમૂર્થા વલ્લીએ પોતાના દિકરાનું આયુષ્યમાન ભારત યોજનામાં રજિસ્ટ્રેશન કરાવ્યું અને 9 દિવસ બાદ દિકરા જીવાના હાર્ટની સર્જરી પણ થઈ ગઈ.

સાથીઓ, મેં તમને માત્ર ત્રણ-ચાર ઘટનાઓ વિશે જણાવ્યું. આયુષ્યમાન ભારત સાથે તો આવી કરોડથી પણ વધુ વાતો જોડાયેલી છે. આ વાતો જીવતા-જાગતા વ્યક્તિની છે, દુઃખ, તકલીફથી મુક્ત થયેલા આપણા પરિવારજનોની છે. આપને મારો આગ્રહ છે કે ક્યારેક સમય મળે તો આવી વ્યક્તિ સાથે જરૂર વાત કરજો જેણે આયુષ્યમાન ભારત યોજના હેઠળ પોતાનો ઈલાજ કરાવ્યો હોય. તમે જોશો કે જ્યારે એક ગરીબ બિમારીમાંથી બહાર આવે છે તો તેનામાં ગરીબી સાથે લડવાની તાકાત પણ દેખાવા લાગે છે. અને હું, આપણા દેશના ઈમાનદાર ટેક્સ પેયર્સ ને કહેવા માગું છું કે આયુષ્યમાન ભારત યોજના હેઠળ જે ગરીબોનો મફત ઈલાજ થયો છે, તેમના જીવનમાં જે સુખ આવ્યું છે, સંતોષ મળ્યો છે, તે પુણ્યના અસલી હકદાર આપ પણ છો, આપણો ઈમાનદાર ટેક્સ પેયર પણ આ પુણ્યનો હકદાર છે.

મારા પ્રિય દેશવાસીઓ, એક તરફ આપણે મહામારી સાથે લડી રહ્યા છીએ, તો બીજી તરફ આપણે હાલમાં પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં, પ્રાકૃતિક આપત્તિઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે. ગત કેટલાક અઠવાડિયા દરમિયાન આપણે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં સુપર સાયક્લોન અમ્ફનનો કહેર જોયો. તોફાનથી અનેક ઘર બરબાદ થઈ ગયા. ખેડૂતોને પણ ઘણું નુકસાન વેઠવું પડ્યું. પરિસ્થિતીને જોવા માટે હું ગત અઠવાડિયે ઓડિશા અને પશ્ચિમ બંગાળ ગયો હતો. પશ્ચિમ બંગાળ અને ઓડિશાના લોકોએ જે હિંમતથી અને બહાદુરી સાથે પરિસ્થિતીનો સામનો કર્યો છે – પ્રશંસનીય છે. સંકટની આ ઘડીમાં દેશ પણ, દરેક રીતે ત્યાંના લોકોની સાથે ઉભો છે.

સાથીઓ, એક તરફ જ્યાં પૂર્વ ભારત તોફાનથી આવેલી આપત્તિનો સામનો કરી રહ્યો છે, તો બીજી તરફ દેશના કેટલાય ભાગો તીડ અથવા Locusts ના હુમલાથી પ્રભાવિત થયા છે. આ હુમલાએ ફરીથી આપણને યાદ અપાવ્યું છે કે આ નાનકડો જીવ કેટલું નુકસાન કરે છે. તીડના ઝૂંડનો હુમલો કેટલાય દિવસો સુધી ચાલે છે. બહુ મોટા ક્ષેત્ર પર તેનો પ્રભાવ પડે છે. ભારત સરકાર હોય, રાજ્ય સરકાર હોય, કૃષિ વિભાગ હોય, તંત્ર પણ આ સંકટના નુકસાનથી બચવા માટે, ખેડૂતોની મદદ કરવા માટે આધુનિક સંસાધનોનો ઉપયોગ કરી રહ્યું છે. નવા-નવા આવિષ્કાર તરફ પણ ધ્યાન આપી રહ્યા છે અને મને વિશ્વાસ છે કે આપણે બધા મળીને આપણા કૃષિ ક્ષેત્ર પર જે આ સંકટ આવ્યું છે, તેની સામે પણ લડી લઈશું, ઘણું બચાવી લઈશું.

                 મારા પ્રિય દેશવાસીઓ, થોડા દિવસો બાદ જ 5 જૂન ના રોજ આખી દુનિયા વિશ્વ પર્યાવરણ દિવસ મનાવશે. વિશ્વ પર્યાવરણ દિવસ પર આ વર્ષની થીમ છે, – બાયો ડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતા. વર્તમાન પરિસ્થિતીઓમાં આ થીમ વિશેષરૂપથી મહત્વની છે.

લોકડાઉન દરમિયાન ગત કેટલાક અઠવાડિયામાં જીવનની ગતિ થોડી ધીમી જરૂર પડી છે, પરંતુ તેનાથી આપણે આપણી આસપાસ, પ્રકૃતિની સમૃદ્ધ વિવિધતાને, જૈવ-વિવિધતાને, નજીકથી જોવાનો મોકો પણ મળ્યો છે. આજે કેટલાય એવા પક્ષી જે પ્રદૂષણ અને ઘોંઘાટમાં અદ્રશ્ય થઈ ગયા હતા, વર્ષો બાદ તેમના અવાજને લોકો પોતાના ઘરમાં સાંભળી રહ્યા છે. અનેક જગ્યાએથી જાનવરોના મુક્તપણે ફરવાના ખબર પણ ખબર મળી રહ્યા છે. મારી જેમ તમે પણ સોશિયલ મીડિયામાં ચોક્કસ આ વાતોને જોઈ હશે, વાંચી હશે. ઘણાં લોકો કહી રહ્યા છે, લખી રહ્યા છે, ફોટો મૂકી રહ્યા છે, કે તેઓ પોતાના ઘરથી દૂર-દૂરના પહાડો જોઈ શકે છે, દૂર-દૂર ઝળહળતી રોશની જોઈ શકે છે. આ ફોટોને જોઈને, કેટલાય લોકોના મનમાં એ સંકલ્પ ઉઠ્યો હશે કે શું આપણે આ દ્રશ્યોને આમ જ રાખી શકીએ છીએ. આ દ્રશ્યોએ લોકોને પ્રકૃતિ માટે કંઈક કરવાની પ્રેરણા પણ આપી છે. નદીઓ હંમેશા સ્વચ્છ રહે, પશુ-પક્ષીઓને પણ ખુલીને જીવવાનો હક મળે, આકાશ પણ સાફ હોય, તેના માટે આપણે પ્રકૃતિ સાથે તાલમેલ રાખીને જીવન જીવવાની પ્રેરણા લઈ શકીએ છીએ.

મારા પ્રિય દેશવાસીઓ, આપણે સતત સાંભળીએ છીએ, “જલ હૈ તો જીવન હૈ – જલ હૈ તો કલ હૈ”, પરંતુ જળ સાથે આપણી જવાબદારી પણ છે. વર્ષા જળ, વરસાદનું પાણી – એ આપણે બચાવવાનું છે, એક એક ટીપાંને બચાવવાના છે. ગામે-ગામ વરસાદના પાણીને આપણે કેવી રીતે બચાવીએ? પરંપરાગત બહુ જ સરળ ઉપાય છે, તે સરળ ઉપાયથી પણ આપણે પાણીને રોકી શકીએ છીએ.

પાંચ દિવસ-સાત દિવસ પણ જો પાણી રોકાયેલું રહેશે, તો ધરતી માંની તરસ છીપાવશે, પાણી ફરી જમીનમાં જશે, તે જ જળ, જીવનની શક્તિ બની જશે, અને તેથી આ વર્ષાઋતુમાં આપણા બધાનો પ્રયત્ન રહેવો જોઈએ કે આપણે પાણીને બચાવીએ, પાણીને સંરક્ષિત કરીએ.

                 મારા પ્રિય દેશવાસીઓ, સ્વચ્છ પર્યાવરણ સીધા આપણા જીવન, આપણા બાળકોના ભવિષ્યનો વિષય છે. તેથી આપણે વ્યક્તિગત સ્તર પર પણ તેની ચિંતા કરવી પડશે. મારો આપને અનુરોધ છે કે આ પર્યાવરણ દિવસ પર કેટલાક ઝાડ ચોક્કસ લગાવો અને પ્રકૃતિની સેવા માટે કંઈક એવો સંકલ્પ ચોક્કસ લ્યો કે જેનાથી પ્રકૃતિ સાથે તમારો દરેક દિવસનો સંબંધ બનેલો રહે. હા, ગરમી વધી રહી છે, તેથી પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવાનું ન ભૂલતાં.

                 સાથીઓ, આપણે બધાએ એ પણ ધ્યાન રાખવું પડશે કે આટલી કઠીન તપસ્યા બાદ, આટલી મુશ્કેલીઓ પછી, દેશે જે રીતે પરિસ્થિતી સંભાળી છે, તેને બગડવા નથી દેવાની. આપણે આ લડાઈને નબળી નથી પડવા દેવાની. આપણે બેપરવાહ થઈ જઈએ, સાવધાની છોડી દઈએ, તે કોઈ વિકલ્પ નથી. કોરોના સામેની લડાઈ હજુ પણ એટલી જ ગંભીર છે. આપે, આપના પરિવારે, કોરોનાથી હજુ પણ એટલો જ ગંભીર ખતરો હોઈ શકે છે. આપણે દરેક વ્યક્તિની જીંદગીને બચાવવાની છે, તેથી બે ગજનું અંતર, ચહેરા પર માસ્ક, હાથને ધોવા, આ બધી સાવધાનીઓનું એવી જ રીતે પાલન કરતા રહેવાનું છે જેવી રીતે અત્યારસુધી કરતા આવ્યા છીએ.

મને પૂરો વિશ્વાસ છે કે આપ આપના માટે, પોતાના લોકો માટે, આપના દેશ માટે, આ સાવધાની ચોક્કસ રાખશો. આ જ વિશ્વાસ સાથે આપના ઉત્તમ સ્વાસ્થ્ય માટે મારી હાર્દિક શુભેચ્છાઓ. આવતા મહિને ફરી એકવાર મન કી બાત અનેક નવા વિષયો સાથે ચોક્કસ કરીશું.

ધન્યવાદ….

 

 

GP/DS