Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

‘મન કી બાત’- (૮૭મી કડી) પ્રસારણ તારીખ : ૨૭.૦૩.૨૦૨૨


મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. વિતેલા સપ્તાહે આપણે એક એવી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી જેણે આપણને બધાંને ગર્વાન્વિત કર્યા. તમે સાંભળ્યું હશે કે ભારતે ગત સપ્તાહે ૪૦૦ અબજ ડૉલર, એટલે કે ૩૦ લાખ કરોડ રૂપિયાનું નિકાસ લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. પહેલી વાર સાંભળવામાં લાગે છે કે આ અર્થવ્યવસ્થા સાથે જોડાયેલી વાત છે, પરંતુ આ અર્થવ્યવસ્થાથી પણ વધુ, ભારતના સામર્થ્ય, ભારતની ક્ષમતા સાથે જોડાયેલી વાત છે. એક સમયે ભારતનો નિકાસનો આંકડો ક્યારેક ૧૦૦ અબજ, ક્યારેક દોઢસો અબજ, ક્યારેક ૨૦૦ અબજ સુધી રહેતો હતો. હવે આજે જ્યારે ભારત ૪૦૦ અબજ ડૉલર પર પહોંચી ગયું છે ત્યારે તેનો એક અર્થ એ છે કે દુનિયા ભરમાં ભારતમાં બનેલી ચીજોની માગ વધી રહી છે. બીજો અર્થ એ છે કે ભારતની સપ્લાય ચેઇન દિન-પ્રતિદિન મજબૂત થઈ રહી છે અને તેનો એક બહુ મોટો સંદેશ પણ છે. દેશ વિરાટ ડગલું જ્યારે ભરે છે, જ્યારે સપનાંઓથી મોટા સંકલ્પ હોય છે, જ્યારે સંકલ્પ માટે દિવસ-રાત પ્રમાણિકતાથી પ્રયાસ થાય છે તો તે સંકલ્પ સિદ્ધ પણ થાય છે. અને તમે જુઓ, કોઈ વ્યક્તિના જીવનમાં પણ તો આવું જ થતું હોય છે. જ્યારે કોઈના સંકલ્પ, તેના પ્રયાસ, તેનાં સપનાંથી પણ મોટા થઈ જાય છે તો સફળતા તેની પાસે સામે ચાલીને આવે છે.

સાથીઓ, દેશના ખૂણે-ખૂણેથી નવાં-નવાં ઉત્પાદન જ્યારે વિદેશ જઈ રહ્યાં છે. આસામના હૈલાકાંડીના લેધર પ્રૉડક્ટ હોય કે પછી ઉસ્માનાબાદના હેન્ડલૂમ પ્રૉડક્ટ, બીજાપુરનાં ફળ-શાક હોય કે ચંદોલીના બ્લેક રાઇસ, બધાની નિકાસ વધી રહી છે. હવે તમને લદ્દાખની વિશ્વ પ્રસિદ્ધ એપ્રિકૉટ દુબઈમાં પણ મળશે અને સાઉદી અરબમાં તમિલનાડુથી મોકલાયેલાં કેળાં મળશે. હવે સૌથી મોટી વાત એ છે કે નવાં-નવાં ઉત્પાદનો નવા-નવા દેશોમાં મોકલાઈ રહ્યાં છે. જેમ કે હિમાચલ, ઉત્તરાખંડમાં ઉગેલી બાજરી- જાડા અનાજની પહેલી ખેપ ડેનમાર્કમાં નિકાસ કરવામાં આવી. આંધ્ર પ્રદેશના કૃષ્ણા અને ચિત્તૂર જિલ્લાના બંગનપલ્લી અને સુવર્ણરેખા કેરી, દક્ષિણ કોરિયામાં નિકાસ કરવામાં આવી હતી. ત્રિપુરાથી તાજાં ફણસ, હવાઈ માર્ગે, લંડન નિકાસ કરવામાં આવ્યાં અને પહેલી વાર નાગાલેન્ડના રાજા મરચાને લંડન મોકલવામાં આવ્યું. આ રીતે ભાલિયા ઘઉંની પહેલી ખેપ ગુજરાતથી કેન્યા અને શ્રીલંકા નિકાસ કરવામાં આવી. અર્થાત્, હવે તમે બીજા દેશોમાં જશો તો મેઇડ ઇન ઇન્ડિયા પ્રૉડક્ટ્સ પહેલાંની સરખામણીમાં ઘણી વધુ નજરે પડશે.

સાથીઓ, આ યાદી બહુ લાંબી છે અને જેટલી લાંબી આ યાદી છે, તેટલી જ મોટી મેઇક ઇન ઇન્ડિયાની તાકાત છે. તેટલું જ વિરાટ ભારતનું સામર્થ્ય છે. અને સામર્થ્યનો આધાર છે-  આપણા ખેડૂતો. આપણા કારીગરો, આપણા વણકરો, આપણા એન્જિનિયરો, આપણા લઘુ ઉદ્યમી, આપણું MSME ક્ષેત્ર, અલગ-અલગ અનેક વ્યવસાયના લોકો, આ બધા તેની સાચી તાકાત છે. તેમની મહેનતથી જ ૪૦૦ અબજ ડૉલરના નિકાસનું લક્ષ્ય પ્રાપ્ત થઈ શક્યું છે અને મને આનંદ છે કે ભારતના લોકોનું આ સામર્થ્ય હવે દુનિયાના ખૂણે-ખૂણે, નવાં બજારોમાં પહોંચી રહ્યું છે. જ્યારે એક-એક ભારતવાસી લૉકલ માટે વૉકલ થાય છે ત્યારે લૉકલને ગ્લૉબલ થવાં વાર લાગતી નથી. આવો, લૉકલને ગ્લૉબલ બનાવીએ અને આપણાં ઉત્પાદનોની પ્રતિષ્ઠા હજુ વધુ વધારીએ.

સાથીઓ, ‘મન કી બાત’ના શ્રોતાઓને એ જાણીને સારું લાગશે કે ઘરેલુ સ્તર પર પણ આપણા લઘુ ઉદ્યમીઓની સફળતા આપણને ગર્વ અપાવે તેવી છે. આજે આપણા લઘુ ઉદ્યમી સરકારી ખરીદીમાં ગર્વમેન્ટ ઇ-માર્કેટ પ્લેસ અર્થાત્ GEMના માધ્યમથી મોટી ભાગીદારી નિભાવી રહ્યા છે. ટૅક્નૉલૉજીના માધ્યમથી ખૂબ જ પારદર્શી વ્યવસ્થા વિકસિત કરવામાં આવી છે. ગત એક વર્ષમાં GEM પૉર્ટલ મારફત, સરકારે એક લાખ કરોડ રૂપિયાથી વધુની ચીજો ખરીદી છે. દેશના ખૂણે-ખૂણેથી લગભગ સવા લાખ લઘુ ઉદ્યમીઓ, નાના દુકાનદારોએ પોતાનો સામાન સરકારને સીધો વેચ્યો છે. એક જમાનો હતો, જ્યારે મોટી કંપનીઓ જ સરકારને સામાન વેચતી હતી. પરંતુ હવે દેશ બદલાઈ રહ્યો છે, જૂની વ્યવસ્થાઓ પણ બદલાઈ રહી છે. હવે નાનામાં નાનો દુકાનદાર પણ GEM પૉર્ટલ પર સરકારે પોતાનો સામાન વેચી શકે છે- આ જ તો નવું ભારત છે. તે ન માત્ર મોટાં સપનાં જુએ છે, પરંતુ તેને લક્ષ્ય સુધી પહોંચાડવાનું સાહસ પણ દેખાડે છે. જ્યાં પહેલા કોઈ નથી પહોંચ્યું. આ જ સાહસની શક્તિ પર આપણે બધા ભારતીયો મળીને આત્મનિર્ભર ભારતનું સપનું પણ અવશ્ય પૂરું કરીશું.

મારા પ્રિય દેશવાસીઓ, તાજેતરમાં જ યોજાયેલા પદ્મ સમ્માન સમારોહમાં તમે બાબા શિવાનંદજીને જરૂર જોયા હશે. ૧૨૬ વર્ષના વૃદ્ધની સ્ફૂર્તિ જોઈને મારી જેમ બધા જ આશ્ચર્ય પામી ગયા અને મેં જોયું, આંખ પટપટાવી ત્યાં તો તેઓ નંદી મુદ્રામાં પ્રણામ કરવા લાગ્યા. મેં પણ બાબા શિવાનંદજીને ઝૂકીને વારંવાર પ્રણામ કર્યા. ૧૨૬ વર્ષની ઉંમર અને બાબા શિવાનંદની ફિટનેસ, બંને, આજે દેશમાં ચર્ચાનો વિષય છે. મેં સૉશિયલ મિડિયા પર અનેક લોકોની ટીપ્પણી જોઈ, કે બાબા શિવાનંદ, પોતાની ઉંમરથી ચાર ગણી ઓછી ઉંમરના લોકોથી પણ વધુ ફિટ છે. ખરેખર, બાબા શિવાનંદનું જીવન આપણને બધાને પ્રેરિત કરનારું છે. હું તેમના દીર્ઘ આયુની કામના કરું છું. તેમનામાં યોગ પ્રતિ એક પ્રેમ છે અને તેઓ ખૂબ જ આરોગ્યમય જીવનચર્યા જીવે છે.

जीवेम् शरदशतम् ।

આપણી સંસ્કૃતિમાં બધાને સો વર્ષના સ્વસ્થ જીવનની શુભકામનાઓ આપવામાં આવે છે. આપણે સાત એપ્રિલે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ મનાવીશું. આજે સમગ્ર વિશ્વમાં આરોગ્ય માટે ભારતીય ચિંતન, ચાહે તે પછી યોગ હોય કે આયુર્વેદ, તેના પ્રત્યે ઝુકાવ વધી રહ્યો છે. હમણાં જ તમે જોયું હશે કે ગત સપ્તાહે જ કતારમાં એક યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ૧૧૪ દેસોના નાગરિકોએ ભાગ લઈ એક નવો વિશ્વ વિક્રમ બનાવી દીધો. આ રીતે આયુષ ઉદ્યોગનું બજાર પણ સતત મોટું થઈ રહ્યું છે. છ વર્ષ પહેલાં આયુર્વેદ સાથે જોડાયેલી દવાઓનું બજાર ૨૨ હજાર કરોડ રૂપિયાની આસપાસ હતું. આજે આયુષ મેન્યુફૅક્ચરિંગ ઇન્ડસ્ટ્રી એક લાખ ચાલીસ હજાર કરોડ રૂપિયાની આસપાસ પહોંચી રહી છે, અર્થાત્ આ ક્ષેત્રમાં સંભાવનાઓ સતત વધી રહી છે. સ્ટાર્ટ અપ વિશ્વમાં પણ આયુષ આકર્ષણનો વિષય બનતો જાય છે.

સાથીઓ, આરોગ્ય ક્ષેત્રના બીજાં સ્ટાર્ટ અપ પર તો હું પહેલાં અનેક વાર વાત કરી ચૂક્યો છું, પરંતુ આ વખતે આયૂષ સ્ટાર્ટ અપ પર તમારી સાથે વિશેષ રીતે વાત કરીશ. એક સ્ટાર્ટ અપ છે – Kapiva (કપિવા). તેના નામમાં જ તેનો અર્થ છુપાયેલો છે. તેમાં Kaનો અર્થ થાય છે કફ, Piનો અર્થ થાય છે પિત્ત અને Vaનો અર્થ થાય છે- વાત. આ સ્ટાર્ટ અપ આપણી પરંપરાઓ મુજબ આરોગ્યપ્રદ ખાવાની ટેવો પર આધારિત છે. એક બીજું સ્ટાર્ટ અપ નિરોગ સ્ટ્રીટ પણ છે. આયુર્વેદ આરોગ્ય આર્થિક પ્રણાલિમાં એક અનોખી પરિકલ્પના છે. તેનું ટૅક્નૉલૉજી ચાલિત પ્લેટફૉર્મ દુનિયાભરના આયુર્વેદિક ડૉક્ટરોને સીધા લોકો સાથે જોડે છે. ૫૦ હજારથી વધુ પ્રૅક્ટિશનર તેની સાથે જોડાયેલા છે. આ રીતે અત્રેય ઇન્નૉવેશન્સ એક આરોગ્ય કાળજી ટૅક્નૉલૉજી સ્ટાર્ટ અપ છે જે સમગ્ર સુખાકારીના ક્ષેત્રમાં કામ કરી રહ્યું છે. ઇક્ઝૉરિયલે ન માત્ર અશ્વગંધાના ઉપયોગ માટે જાગૃતિ ફેલાવી છે, પરંતુ ઉચ્ચ ગુણવત્તાના ઉત્પાદનની પ્રક્રિયામાં પણ મોટા પાયે રોકાણ કર્યું છે. ક્યૉરવેદ એ જડીબૂટિઓની આધુનિક શોધ અને પારંપરિક જ્ઞાનના સંગમથી સમગ્ર જીવન માટે આહારવિહાર પૂરક (ડાયેટ્રી સપ્લીમેન્ટ)નું નિર્માણ કર્યું છે.

સાથીઓ, હજુ તો મેં કેટલાંક જ નામ ગણાવ્યાં છે, આ યાદી તો ઘણી લાંબી છે. આ ભારતના યુવા ઉદ્યમીઓ અને ભારતમાં બની રહેલી નવી સંભાવનાઓનું પ્રતીક છે. મારો આરોગ્ય ક્ષેત્રના સ્ટાર્ટ અપ અને ખાસ કરીને આયુષ સ્ટાર્ટ અપને એક અનુરોધ પણ છે. તમે જે પણ ઑનલાઇન પૉર્ટલ બનાવો છો, જે પણ સામગ્રી સર્જો છો, તે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા પ્રાપ્ત બધી ભાષાઓમાં પણ બનાવવાનો પ્રયાસ કરો. દુનિયામાં ઘણા બધા એવા દેશ છે જ્યાં અંગ્રેજી એટલી બોલાતી નથી અને ન તો સમજે છે. આવા દેશોને પણ ધ્યાનમાં રાખીને પોતાની જાણકારીનો પ્રચાર-પ્રસાર કરો. મને વિશ્વાસ છે, ભારતનાં આયુષ સ્ટાર્ટ અપ વધુ સારી ગુણવત્તાનાં ઉત્પાદનોની સાથે ટૂંક સમયમાં, દુનિયાભરમાં છવાઈ જશે.

સાથીઓ, સ્વાસ્થ્યનો સીધો સંબંધ સ્વચ્છતા સાથે પણ જોડાયેલો છે. ‘મન કી બાત’માં આપણે હંમેશાં સ્વચ્છતાના આગ્રહીઓના પ્રયાસોને જરૂર જણાવીએ છીએ. આવા જ સ્વચ્છાગ્રહી છે- ચંદ્રકિશોર પાટીલજી. તેઓ મહારાષ્ટ્રના નાસિકમાં રહે છે. ચંદ્રકિશોરજીનો સ્વચ્છતા અંગેનો સંકલ્પ બહુ પ્રબળ છે. તેઓ ગોદાવરી નદીની પાસે ઊભા રહે છે અને લોકોને સતત નદીમાં કચરો ન ફેંકવા માટે પ્રેરિત કરે છે. તેમને જો કોઈ આવું કરતો દેખાય તો તેને તરત ના પાડે છે. આ કામમાં ચંદ્રકિશોરજી પોતાનો ઘણો સમય આપે છે. સાંજ સુધી તેમની પાસે એવી ચીજોનો ઢગલો થઈ જાય છે, જે લોકો નદીમાં ફેંકવા માટે લાવેલા હોય છે. ચંદ્રકિશોરજીના આ પ્રયાસ, જાગૃતિને પણ વધારે છે અને પ્રેરણા પણ આપે છે. આ રીતે, એક બીજા સ્વચ્છાગ્રહી છે- ઉડીસામાં પુરીના રાહુલ મહારાણા. રાહુલ દર રવિવારે સવારે-સવારે પુરીમાં તીર્થસ્થળો પાસે આવે છે અને ત્યાં પ્લાસ્ટિકનો કચરો સાફ કરે છે. તેઓ અત્યાર સુધીમાં સેંકડો કિલો પ્લાસ્ટિકનો કચરો અને ગંદકી સાફ કરી ચૂક્યા છે. પુરીના રાહુલ હોય કે નાસિકના ચંદ્રકિશોર, તેઓ આપણને બધાંને ઘણું બધું શીખવાડે છે. નાગરિક તરીકે, આપણે આપણાં કર્તવ્યોને નિભાવીએ, પછી તે સ્વચ્છતા હોય, પોષણ હોય, કે પછી રસીકરણ, આ બધા પ્રયાસોથી પણ સ્વસ્થ રહેવામાં મદદ મળે છે.

મારા પ્રિય દેશવાસીઓ, આવો વાત કરીએ કેરળના મુપટ્ટમ શ્રી નારાયણનજીની. તેમણે એક પ્રૉજેક્ટની શરૂઆત કરી છે જેનું નામ છે Pots for water of life. તમે જ્યારે આ પ્રૉજક્ટ વિશે જાણશો તો વિચારશો કે કેવું કમાલનું કામ છે?

સાથીઓ, મુપટ્ટમ શ્રી નારાયણનજી, ઉનાળાની ગરમી દરમિયાન પશુ-પક્ષીઓને પાણીની તકલીફ ન પડે તે માટે માટીનાં વાસણો વહેંચવાનું અભિયાન ચલાવી રહ્યા છે. ઉનાળામાં તેઓ પશુ-પક્ષીઓની આ તકલીફ જોઈને પોતે પણ તકલીફ પામતા હતા. પછી તેમણે વિચાર્યું કે તેઓ પોતે જ કેમ માટીનાં વાસણો વહેંચવાનું શરૂ કરે, જેથી બીજા પાસે તે વાસણોમાં માત્ર પાણી ભરવાનું કામ રહે. તમને આશ્ચર્ય થશે કે નારાયણનજી દ્વારા વહેંચવામાં આવેલાં વાસણોનો આંકડો એક લાખને પાર કરવા જઈ રહ્યો છે. તેમના અભિયાનમાં એક લાખમું વાસણ તેઓ ગાંધીજી દ્વારા સ્થાપિત સાબરમતી આશ્રમને દાન કરશે. આજે જ્યારે ઉનાળાની ઋતુએ ટકોરા માર્યા છે તો નારાયણનજીનું આ કામ આપણને બધાને જરૂર પ્રેરિત કરશે અને આપણે પણ આ ઉનાળામાં આપણા પશુ-પક્ષી મિત્રો માટે પાણીની વ્યવસ્થા કરીશું.

સાથીઓ, હું ‘મન કી બાત’ના શ્રોતાઓને પણ અનુરોધ કરીશ કે આપણે આપણા સંકલ્પોનો ફરી ઉચ્ચાર કરીએ. પાણીનું એક-એક ટીપું બચાવવા માટે આપણે જે પણ કંઈ કરી શકીએ તે આપણે જરૂર કરવું જોઈએ. તે ઉપરાંત પાણીના રિસાઇકલિંગ પર પણ આપણે એટલું જ જોર આપતા રહેવાનું છે. ઘરમાં વપરાયેલું પાણી કુંડામાં છોડને પાણી પાવા કામ આવી શકે છે. બગીચામાં કામ આવી શકે છે. તે જરૂર ફરી વપરાવું જોઈએ. થોડા પ્રયાસોથી તમે તમારા ઘરમાં આવી વ્યવસ્થાઓ બનાવી શકો છો. રહીમદાસજી, સદીઓ પહેલાં, કંઈક હેતુથી જ કહી ગયા હતા કે ‘રહિમન પાની રાખિએ, બિન પાની સબ સૂન’. અને પાણી બચાવવાના આ કામમાં મને બાળકો પાસે ઘણી આશા છે. સ્વચ્છતાને જે રીતે આપણાં બાળકોએ આંદોલન બનાવ્યું, તે જ રીતે ‘પાણી યૌદ્ધા’ બનાવીને, પાણી બનાવવામાં મદદ કરી શકે છે.

સાથીઓ, આપણા દેશમાં જળ સંરક્ષણ, જળ સ્રોતોની સુરક્ષા સદીઓથી સમાજના સ્વભાવનો હિસ્સો રહ્યો છે. મને આનંદ છે કે દેશમાં ઘણા લોકોએ પાણી જાળવવાને જ જીવનનું ધ્યેય બનાવી લીધું છે. જેમ કે ચેન્નાઈમાં એક સાથી છે અરુણ કૃષ્ણમૂર્તિજી. અરુણજી પોતાના વિસ્તારમાં તળાવોને સાફ કરવાનું અભિયાન ચલાવી રહ્યા છે. તેમણે ૧૫૦થી વધુ તળાવોની સફાઈની જવાબદારી ઉપાડી અને તેને સફળતા સાથે પૂરી કરી. આ જ રીતે, મહારાષ્ટ્રના એક સાથી રોહન કાળે છે. રોહન વ્યવસાયથી એક એચઆર વ્યાવસાયિક છે. તેઓ મહારાષ્ટ્રમાં અનેક વાવના સંરક્ષણની ઝુંબેશ ચલાવી રહ્યા છે. તેમાંથી અનેક વાવ તો સેંકડો વર્ષ જૂની છે અને આપણા વારસાનો હિસ્સો હોય છે. સિકંદરાબાદમાં બંસીલાલ- પેટ કૂવો પણ આવી જ એક વાવ છે. વર્ષોની ઉપેક્ષાના કારણે આ વાવ માટી અને કચરાથી પુરાઈ ગઈ હતી. પરંતુ હવે ત્યાં એક વાવને પુનર્જીવિત કરવાનું અભિયાન જનભાગીદારીથી શરૂ થયું છે.

સાથીઓ, હું જે રાજ્યમાંથી આવું છું ત્યાં પાણીની સદા બહુ જ કમી રહી છે. ગુજરાત જેવા રાજ્યમાં વાવની મોટી ભૂમિકા રહી છે. આ કૂવા અથવા વાવડીઓના સંરક્ષણ માટે ‘જળ મંદિર યોજના’એ બહુ મોટી ભૂમિકા ભજવી. સમગ્ર ગુજરાતમાં અનેક વાવડીઓને પુનર્જીવિત કરવામાં આવી. તેનાથી તે વિસ્તારોમાં પાણીનું સ્તર વધારવામાં પણ ઘણી મદદ મળી. આવું જ અભિયાન તમે સ્થાનિક સ્તર પર ચલાવી શકો છો. ચેક ડેમ બનાવવાના હોય કે વરસાદી પાણીનો સંગ્રહ કરવાનો હોય, તેમાં વ્યક્તિગત પ્રયાસ પણ મહત્ત્વના છે અને સામૂહિક પ્રયાસો પણ જરૂરી છે. જેમ કે સ્વતંત્રતાના અમૃત મહોત્સવમાં આપણા દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછાં ૭૫ અમૃત સરોવર બનાવી શકાય છે. કેટલાંક જૂનાં સરોવરોને સુધારી શકાય છે, કેટલાંક નવાં સરોવર બનાવી શકાય છે. મને વિશ્વાસ છે કે તમે આ દિશામાં કંઈ ને કંઈ પ્રયાસ જરૂર કરશો.

મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’ તેની એક સુંદરતા એ પણ છે કે મને તમારા સંદેશ અનેક ભાષાઓ, અનેક બોલીઓમાં મળે છે. અનેક લોકો MYGov પર ઑડિયો મેસેજ પણ મોકલે છે. ભારતની સંસ્કૃતિ, આપણી ભાષાઓ, આપણી બોલીઓ, આપણી રહેણીકરણી, ખાણીપીણીનો વિસ્તાર, આ બધી વિવિધતાઓ આપણી ઘણી મોટી શક્તિ છે. પૂર્વથી પશ્ચિમ સુધી, ઉત્તરથી દક્ષિણ સુધી, ભારતને આ વિવિધતાઓ એક કરીને રાખે છે. એક ભારત-શ્રેષ્ઠ ભારત બનાવે છે. તેમાં પણ આપણાં ઐતિહાસિક સ્થળો અને પૌરાણિક કથાઓ, બંનેનું ઘણું યોગદાન હોય છે. તમે વિચારી રહ્યા હશો કે આ વાત હું અત્યારે તમને કેમ કરી રહ્યો છું? તેનું કારણ છે માધવપુર મેળો. માધવપુર મેળો ક્યાં યોજાય છે, કેમ યોજાય છે, કેવી રીતે તે ભારતની વિવિધતા સાથે જોડાયેલો છે તે જાણવું મન કી બાતના શ્રોતાઓને બહુ જ રસપ્રદ લાગશે.

સાથીઓ, ‘માધવપુર મેળો’ ગુજરાતના પોરબંદરના સમુદ્ર પાસે માધવપુર ગામમાં લાગે છે. પરંતુ તેનો હિન્દુસ્તાનના પૂર્વીય છેડા સાથે પણ સંબંધ જોડાય છે. તમે વિચારતા હશો કે આવું કઈ રીતે સંભવ છે? તો તેનો પણ ઉત્તર એક પૌરાણિક કથામાં મળે છે. કહેવાય છે કે હજારો વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણનો વિવાહ પૂર્વોત્તરનાં રાજકુમારી રુક્મિણી સાથે થયો હતો. આ વિવાહ પોરબંદરના માધવપુરમાં સંપન્ન થયો અને આ વિવાહના પ્રતીક રૂપે આજે પણ ત્યાં માધવપુર મેળો યોજાય છે. પૂર્વ અને પશ્ચિમનો આ ગાઢ સંબંધ, આપણો વારસો છે. સમયની સાથે હવે લોકોના પ્રયાસથી, માધવપુર મેળામાં નવી-નવી ચીજો જોડાઈ રહી છે. આપણે ત્યાં કન્યા પક્ષને ઘરાતી કહેવાય છે અને આ મેળામાં હવે ઈશાન ભારતથી ઘણા ઘરાતી પણ આવવા લાગ્યા છે. એક સપ્તાહ સુધી ચાલતા માધવપુર મેળામાં ઈશાન ભારતના બધાં રાજ્યોના કલાકારો પહોંચે છે, હસ્તકળા સાથે જોડાયેલા કલાકારો પહોંચે છે અને આ મેળાની રોનકને ચાર ચાંદ લગાવી દે છે. એક સપ્તાહ સુધી ભારતના પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિઓનો આ મેળ, આ માધવપુર મેળો, એક ભારત-શ્રેષ્ઠ ભારતનું બહુ સુંદર ઉદાહરણ બની રહ્યો છે. મારો તમને અનુરોધ છે કે તમે પણ આ મેળા વિશે વાંચો અને જાણો.

મારા પ્રિય દેશવાસીઓ, દેશમાં સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ, હવે જનભાગીદારીનું નવું ઉદાહરણ બની રહ્યો છે. કેટલાક દિવસો પહેલાં ૨૩ માર્ચે શહીદ દિવસ પર દેશના અલગ-અલગ ખૂણામાં અનેક સમારોહ થયા. દેશે પોતાનાં સ્વતંત્રતાનાં નાયક-નાયિકાઓને યાદ કર્યાં, શ્રદ્ધાપૂર્વક યાદ કર્યાં. આ દિવસે જ મને કોલકાતાના વિક્ટૉરિયા મેમોરિયલમાં વિપ્લોબી ભારત ગેલેરીનું લોકાર્પણ કરવાનો અવસર મળ્યો. ભારતના વીર ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલી આપવા માટે તે પોતાની રીતે બહુ જ અનોખી ગેલેરી છે. જો અવસર મળે તો તમે તેને જોવા જરૂર જજો. સાથીઓ, એપ્રિલના મહિનામાં આપણે બે મહાન વિભૂતિઓની જયંતી પણ મનાવીશું. આ બંનેએ ભારતીય સમાજ પર પોતાનો ગાઢ પ્રભાવ ઊભો કર્યો છે. તેમનું નામ છે મહાત્મા ફૂલે અને બાબાસાહેબ આંબેડકર. મહાત્મા ફૂલેની જયંતી ૧૧ એપ્રિલે છે અને બાબાસાહેબની જયંતી આપણે ૧૪ એપ્રિલે ઉજવીશું. આ બંને મહાપુરુષોએ ભેદભાવ અને અસમાનતા વિરુદ્ધ મોટી લડાઈ લડી. મહાત્મા ફૂલેએ તે જમાનામાં દીકરીઓ માટે શાળાઓ ખોલી. કન્યા શિશુ હત્યા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. તેમણે જળ સંકટથી મુક્તિ અપાવવા માટે પણ મોટાં અભિયાન ચલાવ્યાં.

સાથીઓ, મહાત્મા ફૂલેની આ ચર્ચામાં સાવિત્રીબાઈ ફૂલનો ઉલ્લેખ પણ જરૂરી છે. સાવિત્રીબાઈ ફૂલેએ અનેક સામાજિક સંસ્થાઓના નિર્માણમાં મોટી ભૂમિકા નિભાવી. એક શિક્ષિકા અને એક સમાજ સુધારક તરીકે તેમણે સમાજને જાગૃત પણ કર્યો અને તેની હિંમત પણ વધારી. બંનેએ સાથે મળીને સત્યશોધક સમાજની સ્થાપના કરી. જન-જનના સશક્તિકરણના પ્રયાસ કર્યા. આપણે બાબાસાહેબ આંબેડકરનાં કાર્યોમાં પણ મહાત્મા ફૂલેનો પ્રભાવ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. તેઓ કહેતા હતા કે કોઈ પણ સમાજના વિકાસનું આકલન તે સમાજમાં મહિલાઓની સ્થિતિને જોઈને કરી શકાય છે. મહાત્મા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, બાબાસાહેબ આંબેડકરનાં જીવનમાંથી પ્રેરણા લઈને, હું બધાં માતાપિતા અને વાલીઓને અનુરોધ કરું છું કે તેઓ દીકરીઓને જરૂર ભણાવે. દીકરીઓનો શાળામાં પ્રવેશ વધારવા માટે કેટલાક દિવસો પહેલાં જ કન્યા શિક્ષણ પ્રવેશ ઉત્સવ પણ શરૂ કરાયો છે, જે દીકરીઓનું ભણતર કોઈ કારણથી છૂટી ગયું છે તેમને ફરી શાળા લઈ જવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

સાથીઓ, આપણા બધાં માટે સૌભાગ્યની વાત છે કે આપણે બાબાસાહેબ સાથે જોડાયેલાં પંચ તીર્થો માટે કાર્ય કરવાનો પણ અવસર મળ્યો છે. તેમનું જન્મ સ્થાન મહુ હોય, મુંબઈમાં ચૈત્યભૂમિ હોય, લંડનનું તેમનું ઘર હોય, નાગપુરની દીક્ષા ભૂમિ હોય, કે પછી દિલ્લીમાં બાબાસાહેબનું મહાપરિનિર્વાણ સ્થળ, મને બધી જગ્યાઓ પર, બધાં તીર્થો પર જવાનું સૌભાગ્ય મળ્યું છે. હું ‘મન કી બાત’ના શ્રોતાઓને અનુરોધ કરીશ કે તેઓ મહાત્મા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે અને બાબાસાહેબ આંબેડકર સાથે જોડાયેલાં સ્થાનોનાં દર્શન કરવા અવશ્ય જાય. તમને ત્યાં ઘણું બધું શીખવા મળશે.

મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આ વખતે આપણે અનેક વિષયો પર વાત કરી. આગામી મહિને અનેક પર્વ-તહેવારો આવી રહ્યા છે. કેટલાક દિવસો પછી જ નવરાત્રિ છે. નવરાત્રિમાં આપણે વ્રત-ઉપવાસ, શક્તિની સાધના કરીએ છીએ. શક્તિની પૂજા કરીએ છીએ, એટલે કે આપણી પરંપરાઓ આપણને ઉલ્લાસ પણ શીખવે છે અને સંયમ પણ. સંયમ અને તપ પણ આપણા માટે પર્વ જ છે. આથી નવરાત્રિ હંમેશાંથી આપણા બધા માટે ખૂબ જ વિશેષ રહી છે. નવરાત્રિના પહેલા જ દિવસે ગુડી પડવાનું પર્વ પણ છે. એપ્રિલમાં જ ઇસ્ટર પણ આવે છે અને રમઝાનના પવિત્ર દિવસો પણ શરૂ થઈ રહ્યા છે. આપણે બધાંને સાથ લઈને પોતાના પર્વ મનાવીએ, ભારતની વિવિધતાને સશક્ત કરીએ, બધાને આ જ કામના છે. આ વખતે ‘મન કી બાત’માં આટલું જ. આગામી મહિને તમારી સાથે નવા વિષયો સાથે ફરી મુલાકાત થશે. ખૂબ-ખૂબ ધન્યવાદ.