મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર… આજે આપણે ફરી એકવાર મન કી બાત માટે એકસાથે જોડાઈ રહ્યા છીએ. બે દિવસ પછી ડિસેમ્બરનો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને ડિસેમ્બર આવતા જ સાઈકોલોજીકલી આપણને એવું લાગે છે કે ચાલો ભઈ, વર્ષ પૂરું થઈ ગયું. આ વર્ષનો છેલ્લો મહિનો છે અને નવા વર્ષ માટે તાણા-વાણાં બનાવવાનું શરૂ કરી દઈએ છીએ. આ જ મહિને નેવી ડે અને આર્મ્ડ ફોર્સ ફ્લેગ ડે પણ દેશ મનાવી રહ્યો છે. આપણને બધાને ખબર છે કે 16 ડિસેમ્બરે 1971 ના યુદ્ધનું સ્વર્ણિમ જયંતિ વર્ષ પણ દેશ મનાવી રહ્યો છે. હું આ બધા અવસરો પર દેશના સુરક્ષા દળોનું સ્મરણ કરું છું, આપણાં વીરોનું સ્મરણ કરું છું. અને ખાસ કરીને આવા વીરોને જન્મ આપનારી વીર માતાઓનું સ્મરણ કરું છું. હંમેશાની જેમ આ વખતે પણ મને નમો એપ, માય જીઓવી પર તમારા બધાના ઘણાં સૂચનો મળ્યા છે. તમે લોકોએ મને પરિવારનો એક ભાગ માનીને તમારા જીવનના સુખ-દુઃખ વહેંચ્યા છે. આમાં ઘણાં નવયુવાનો પણ છે, વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પણ છે. મને ખરેખર ઘણું સારું લાગે છે કે મન કી બાત નું આપણો આ પરિવાર સતત મોટો જ થઈ રહ્યો છે, મન થી પણ જોડાઈ રહ્યા છે અને હેતુ સાથે પણ જોડાઈ રહ્યા છે અને આપણા ગાઢ સંબંધો, આપણી અંદર, સતત સકારાત્મકતાનો એક પ્રવાહ, પ્રવાહિત કરી રહ્યા છીએ.
મારા પ્રિય દેશવાસીઓ, મને સીતાપુરના ઓજસ્વીએ લખ્યું છે કે અમૃત મહોત્સવથી જોડાયેલી ચર્ચાઓ તેમને ખૂબ પસંદ પડી રહી છે. તેઓ પોતાના દોસ્તો સાથે મન કી બાત સાંભળે છે અને સ્વાધિનતા સંગ્રામ વિશે ઘણું જાણવાનો, શીખવાનો, સતત પ્રયાસ કરી રહ્યા છે. સાથીઓ, અમૃત મહોત્સવ શીખવાની સાથે આપણે દેશ માટે કંઈક કરવાની પણ પ્રેરણા આપે છે અને હવે તો દેશભરમાં સામાન્ય લોકો હોય કે સરકારો, પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી, અમૃત મહોત્સવનો પડઘો અને સતત આ મહોત્સવથી જોડાયેલા કાર્યક્રમોની શ્રુંખલા ચાલી રહી છે. એવો જ એક રસપ્રદ પ્રોગ્રામ ગત દિવસોમાં દિલ્હીમાં યોજાયો. ‘આઝાદી કી કહાની – બચ્ચોં કી જુબાની’ કાર્યક્રમમાં બાળકોએ સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલી ગાથાઓને સંપૂર્ણ મનોભાવ સાથે પ્રસ્તુત કરી. ખાસ વાત એ પણ રહી કે તેમાં ભારતની સાથે નેપાળ, મોરેશિયસ, ટાંઝાનિયા, ન્યૂઝીલેન્ડ અને ફીજીના વિદ્યાર્થીઓ પણ સામેલ હતા. આપણા દેશનું મહારત્ન ઓએનજીસી. ઓએનજીસી પણ કંઈક અલગ રીતે પોતાનો અમૃત મહોત્સવ મનાવી રહ્યું છે. ઓએનજીસી આ દિવસોમાં ઓઈલ ફિલ્ડ માં પોતાના વિદ્યાર્થીઓ માટે સ્ટડી ટૂરનું આયોજન કરી રહ્યું છે. આ ટૂરમાં યુવાનોને ઓએનજીસી ના ઓઈલ ફિલ્ડ ઓપરેશનની જાણકારી પણ આપવામાં આવી રહી છે – ઉદ્દેશ્ય એ છે કે આપણા ઉભરતા એન્જિનિયર રાષ્ટ્ર નિર્માણના પ્રયત્નોમાં સંપૂર્ણ જોશ અને ઝનૂન સાથે હાથ મિલાવી શકે.
સાથીઓ, આઝાદીમાં આપણા જનજાતીય સમુદાયના યોગદાનને જોતાં દેશે જનજાતીય ગૌરવ સપ્તાહ પણ મનાવ્યો છે. દેશના અલગ-અલગ ભાગોમાં આનાથી જોડાયેલા કાર્યક્રમો પણ થયા. આંદામાન-નિકોબાર દ્વીપ સમૂહમાં જારવા અને ઓંગે, એવી જનજાતીય સમુદાયના લોકોએ પોતાની સંસ્કૃતિનું જીવંત પ્રદર્શન કર્યું છે. એક કમાલનું કામ હિમાચલ પ્રદેશમાં ઉનાના મિનિએચર રાઈટર રામકુમાર જોશી જીએ પણ કર્યું છે, તેમણે પોસ્ટેજ સ્ટેમ્પ પર જ એટલે કે આટલી નાની પોસ્ટેજ સ્ટેમ્પ પર નેતાજી સુભાષચંદ્ર બોઝ અને પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી જીના અનોખા ચિત્રો બનાવ્યા છે. હિન્દીમાં લખેલા રામ શબ્દ પર તેમણે ચિત્ર તૈયાર કર્યાં, જેમાં સંક્ષિપ્તમાં બંને મહાપુરુષોના જીવનને પણ કોતર્યું છે. મધ્યપ્રદેશના કટનીથી પણ કેટલાક સાથીઓએ એક દાસ્તાનગોઈ કાર્યક્રમની જાણકારી આપી છે. તેમાં રાણી દુર્ગાવતીના અદમ્ય સાહસ અને બલિદાનની યાદો તાજી કરવામાં આવી છે. એવો જ એક કાર્યક્રમ કાશીમાં થયો. ગોસ્વામી તુલસીદાસ, સંત કબિર, સંત રવિદાસ, ભારતેન્દુ હરીશચંદ્ર, મુન્શી પ્રેમચંદ અને જયશંકર પ્રસાદ જેવા મહાન વિભૂતીઓના સન્માનમાં ત્રણ દિવસના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. અલગ-અલગ સમયમાં આ બધાની, દેશની જન-જાગૃતિમાં ખૂબ મોટી ભૂમિકા રહી છે. તમને ખ્યાલ હશે કે મન કી બાતના ગત એપિસોડ દરમિયાન મેં ત્રણ સ્પર્ધાઓનો ઉલ્લેખ કર્યો હતો, કોમ્પિટિશનની વાત કહી હતી – એક દેશભક્તિનું ગીત લખવું, દેશભક્તિ સાથે જોડાયેલી, આઝાદીના આંદોલન સાથે જોડાયેલી ઘટનાઓની રંગોળી બનાવવી અને આપણા બાળકોના મનમાં ભવ્ય ભારતનું સપનું જગાડનારા હાલરડાં લખવામાં આવે. મને આશા છે કે આ સ્પર્ધાઓ માટે પણ આપ જરૂર એન્ટ્રી પણ મોકલી ચૂક્યા હશો, યોજના પણ બનાવી ચૂક્યા હશો અને તમારા સાથીઓ સાથે ચર્ચા પણ કરી ચૂક્યા હશો. મને આશા છે કે ભવ્યતાથી હિન્દુસ્તાનના દરેક ખૂણામાં આ કાર્યક્રમને તમે જરૂર આગળ વધારશો.
મારા પ્રિય દેશવાસીઓ, આ ચર્ચાથી હવે હું તમને સીધા વૃંદાવન લઈને જાઉં છું. વૃંદાવન વિશે કહેવાય છે કે આ ભગવાનના પ્રેમનું પ્રત્યક્ષ સ્વરૂપ છે. આપણાં સંતોએ પણ કહ્યું છે કે –
યહ આસા ધરિ ચિત્ત મેં, યહ આસા ધરિ ચિત્ત મેં
કહત જથા મતિ મોર
વૃંદાવન સુખ રંગ કૌ, વૃંદાવન સુખ રંગ કૌ
કાહુ ન પાયૌ ઔર…
એટલે કે વૃંદાવનનો મહિમા, આપણે બધા, પોતપોતાના સામર્થ્યના હિસાબથી જરૂર કહીએ છીએ પરંતુ વૃંદાવનનું જે સુખ છે, અહીંનો જે રસ છે, તેનો અંત, કોઈ નથી પામી શકતું, તે તો અસિમ છે. એટલે જ તો વૃંદાવન આખી દુનિયાના લોકોને પોતાની તરફ આકર્ષિત કરતું રહયું છે. તેનો પ્રભાવ તમને દુનિયાના દરેક ખૂણે-ખૂણેથી મળે જશે.
પશ્ચિમી ઓસ્ટ્રેલિયામાં એક શહેર છે પર્થ. ક્રિકેટ પ્રેમી લોકો આ જગ્યાથી સારી રીતે પરિચિત હશે, કારણ કે પર્થમાં હંમેશા ક્રિકેટ મેચ થઈ રહે છે. પર્થમાં એક સેક્રડ ઈન્ડિયા ગેલેરી એ નામથી એક આર્ટ ગેલેરી પણ છે. આ ગેલેરી સ્વાન વેલીના એક સુંદર ક્ષેત્રમાં બનાવવામાં આવી છે અને તે ઓસ્ટ્રેલિયાના એક રહેવાસી જગત તારીણી દાસીના પ્રયત્નોનું પરિણામ છે. જગત તારીણી જી આમ તો ઓસ્ટ્રેલિયાના છે, જન્મ પણ ત્યાં જ થયો, પાલન-પોષણ પણ ત્યાં જ થયું પરંતુ 13 વર્ષથી પણ વધુનો સમય વૃંદાવનમાં આવીને તેમણે વિતાવ્યો. તેમનું કહેવું છે કે જો તેઓ ઓસ્ટ્રેલિયા પાછા જતા તો રહ્યા, પોતાના દેશ પરત ફર્યા પરંતુ તેઓ ક્યારેય પણ વૃંદાવનને ક્યારેય ભૂલી નથી શક્યા. તેથી જ તેમણે વૃંદાવન અને તેના આધ્યાત્મિક ભાવ સાથે જોડાવા માટે ઓસ્ટ્રેલિયામાં જ વૃંદાવન ઉભું કરી દીધું. પોતાની કળાને જ એક માધ્યમ બનાવીને એક અદભૂત વૃંદાવન તેમણે બનાવી દીધું. અહીં આવનારા લોકોને કેટલીયે રીતની કલાકૃતિઓને જોવાનો લ્હાવો મળે છે. તેમને ભારતના સર્વાધિક પ્રસિદ્ધ તીર્થસ્થળો – વૃંદાવન, નવાદ્વિપ અને જગન્નાથપુરીની પરંપરા અને સંસ્કૃતિની ઝાંખી જોવા મળે છે. અહીંયા ભગવાન કૃષ્ણના જીવન સાથે જોડાયેલી કેટલીક કલાકૃતિઓ પણ પ્રદર્શિત કરવામાં આવી છે. એક કલાકૃતિ એવી છે કે જેમાં ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વતને પોતાની નાની આંગળી પર ઉઠાવી રાખ્યો છે, જેની નીચે વૃંદાવનના લોકો આશ્રય લઈ રહ્યા છે. જગત તારીણી જી નો આ અદભૂત પ્રયાસ સાચે જ આપણને કૃષ્ણ ભક્તિની શક્તિના દર્શન કરાવે છે. હું તેમને તેમના આ પ્રયત્ન માટે ઘણી-ઘણી શુભેકામનાઓ આપું છું.
મારા પ્રિય દેશવાસીઓ, હમણાં હું ઓસ્ટ્રેલિયાના પર્થમાં બનેલા વૃંદાવનના વિષયમાં વાત કરી રહ્યો હતો. એ પણ એક રસપ્રદ ઈતિહાસ છે કે ઓસ્ટ્રેલિયાનો એક સંબંધ આપણા બુંદેલખંડના ઝાંસી થી પણ છે. વાસ્તવમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જ્યારે ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સામે કાયદાકીય લડાઈ લડી રહ્યા હતા, તો તેમના વકિલ હતા જોન લૈંગ. જોન લૈંગ મૂળ રૂપથી ઓસ્ટ્રેલિયાના જ રહેવાસી હતા. ભારતમાં રહીને તેમણે રાણી લક્ષ્મીબાઈનો કોર્ટ કેસ લડ્યો હતો. આપણા સ્વતંત્રતા સંગ્રામમાં ઝાંસી અને બુંદેલખંડનું કેટલું મોટું યોગદાન છે, એ આપણે બધા જાણીએ છીએ. અહીં રાણી લક્ષ્મીબાઈ અને ઝલકારી બાઈ જેવી વીરાંગનાઓ પણ થઈ ગઈ અને મેજર ધ્યાનચંદ જેવા ખેલરત્ન પણ આ જ ક્ષેત્રે દેશને આપ્યા છે.
સાથીઓ, વીરતા માત્ર યુદ્ધના મેદાનમાં જ દેખાડવામાં આવે, એવું જરૂરી નથી હોતું. વીરતા જ્યારે એક વ્રત બની જાય છે અને તેનું વિસ્તરણ થાય છે તો દરેક ક્ષેત્રમાં અનેક કાર્યો સિદ્ધ થવા લાગે છે. મને આવી જ વીરતા વિશે શ્રીમતી જ્યોત્સનાએ પત્ર લખીને જણાવ્યું છે. જાલૌનમાં એક પરંપરાગત નદી હતી – નૂન નદી. નૂન, અહીંના ખેડૂતો માટે પાણીનો મુખ્ય સ્ત્રોત હતો, પરંતુ ધીરેધીરે નૂન નદી લુપ્ત થવાના આરે પહોંચી ગઈ, જે થોડું ઘણું અસ્તિત્વ આ નદીનું બચ્યું હતું, તેમાં તે નાળામાં તબદિલ થઈ રહી હતી, તેનાથી ખેડૂતો માટે સિંચાઈનું પણ મોટું સંકટ ઉભું થઈ ગયું હતું. જાલૌનના લોકોએ આ સ્થિતીને બદલવાનું બીડું ઝડપ્યું. આ જ વર્ષે માર્ચમાં તેના માટે એક કમિટી બનાવવામાં આવી. હજારો ગ્રામીણ અને સ્થાનિક લોકો પોતાની રીતે જ આ અભિયાન સાથે જોડાયા. અહીંની પંચાયતોએ ગ્રામજનો સાથે મળીને કામ કરવાનું શરૂ કર્યું, અને આજે આટલા ઓછા સમયમાં અને બહુ જ ઓછા ખર્ચામાં આ નદી ફરીથી જીવીત થઈ ગઈ છે. કેટલાય ખેડૂતોને તેનાથી ફાયદો થઈ રહ્યો છે. યુદ્ધના મેદાનથી અલગ વીરતાનું આ ઉદાહરણ, આપણા દેશવાસીઓની સંકલ્પ શક્તિઓને દેખાડે છે અને એ પણ જણાવે છે કે જો આપણે નક્કી કરી જ લઈએ તો કંઈપણ અસંભવ નથી અને એટલે જ હું કહું છું – સહુનો પ્રયત્ન…
મારા પ્રિય દેશવાસીઓ, જ્યારે આપણે પ્રકૃતિનું સંરક્ષણ કરીએ છીએ તો બદલામાં પ્રકૃતિ આપણને પણ સંરક્ષણ અને સુરક્ષા આપે છે. આ વાતને આપણે આપણા પોતાના જીવનમાં અનુભવ કરીએ છીએ અને એવું જ એક ઉદાહરણ તમિલનાડુના લોકોએ વ્યાપક સ્તર પર પ્રસ્તુત કર્યું છે. આ ઉદાહરણ તમિલનાડુના તૂતુકુડી જિલ્લાનું છે. આપણે જાણીએ છીએ કે તટીય વિસ્તારોમાં કેટલીયે વખત જમીન ડૂબવાનો ખતરો રહે છે. તૂતુકુડીમાં પણ કેટલાય નાનાનાનાં આયલેન્ડ અને ટાપૂ એવા હતા જેના સમુદ્રમાં ડૂબવાનો ખતરો વધી રહ્યો હતો. અહીંયાના લોકોએ અને તજજ્ઞોએ આ પ્રાકૃતિક આપત્તિનો બચાવ પ્રકૃતિની મદદથી શોધી કાઢ્યો. આ લોકો હવે આ ટાપુઓ પર પલ્મોરાના ઝાડ લગાવી રહ્યા છે. આ ઝાડ સાયક્લોન અને તોફાનોમાં પણ ઉભા રહે છે અને જમીનને સુરક્ષા આપે છે. તેમનાથી હવે આ વિસ્તારને બચાવવાનો એક નવો ભરોસો જાગ્યો છે.
સાથીઓ, પ્રકૃતિથી આપણા માટે ખતરો ત્યારે જ ઉભો થાય છે જ્યારે આપણે તેના સંતુલનને બગાડીએ છીએ અથવા તેની પવિત્રતા નષ્ટ કરીએ છીએ. પ્રકૃતિ માં ની જેમ આપણું પાલન પણ કરે છે અને આપણી દુનિયામાં નવા નવા રંગ પણ ભરે છે.
હમણાં હું સોશિયલ મીડિયા પર જોઈ રહ્યો હતો, મેઘાલયમાં એક ફ્લાઈંગ બોટનો ફોટો ઘણો જ વાઈરલ થઈ રહ્યો છે. પહેલી જ નજરમાં આ ફોટો આપણને આકર્ષિત કરે છે. તમારામાંથી પણ મોટાભાગના લોકોએ તેને ઓનલાઈન જરૂર જોયો હશે. હવામાં તરતી આ હોડીને જ્યારે આપણે નજીકથી જોઈએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે આ નદી તો પાણીમાં ચાલી રહી છે. નદીનું પાણી એટલું સાફ છે કે આપણને તેની સપાટી દેખાતી જ નથી અને હોડી હવામાં તરતી હોય તેવું લાગી રહ્યું હોય છે. આપણા દેશમાં અનેક રાજ્ય છે, અને ક્ષેત્રો છે જ્યાંના લોકોએ પોતાના પ્રાકૃતિક વારસાના રંગોને સંભાળીને રાખ્યા છે. આ લોકોએ પ્રકૃતિ સાથે મળીને રહેવાની જીવનશૈલી આજે પણ જીવંત રાખી છે. આ આપણા બધા માટે પણ પ્રેરણા છે. આપણી આસપાસ જે પણ પ્રાકૃતિક સંસાધનો છે, આપણે તેને બચાવીએ, તેમને ફરીથી તેમનું અસલી રૂપ પરત કરીએ. તેમાં જ આપણું હિત છે, જગતનું હિત છે.
મારા પ્રિય દેશવાસીઓ, સરકાર જ્યારે યોજનાઓ બનાવે છે, બજેટ ખર્ચ કરે છે, સમય પર યોજનાઓને પૂરી કરે છે તો લોકોને લાગે છે કે તે કામ કરી રહી છે. પરંતુ સરકારના અનેક કાર્યોમાં વિકાસની અનેક યોજનાઓ વચ્ચે માનવીય સંવેદનાઓથી જોડાયેલી વાતો હંમેશા એક અલગ સુખ આપે છે. સરકારના પ્રયત્નોથી, સરકારની યોજનાઓથી કેવી રીતે કોઈ જીવન બદલાયું, એ બદલાયેલા જીવનનો અનુભવ શું છે ? જ્યારે એ સાંભળીએ છીએ તો આપણે પણ સંવેદનાઓથી ભરાઈ જઈએ છીએ. તે મનને સંતોષ પણ આપે છે અને તે યોજનાને લોકો સુધી પહોંચાડવાની પ્રેરણા પણ આપે છે. એક પ્રકારે આ સ્વાન્તઃ સુખાય, તો છે અને તેથી આજે મન કી બાત માં આપણી સાથે બે એવા જ સાથી પણ જોડાઈ રહ્યા છે જે પોતાના ઈરાદાઓથી એક નવું જીવન જીતીને આવ્યા છે. તેમણે આયુષ્યમાન ભારત યોજનાની મદદથી પોતાનો ઈલાજ કરાવ્યો અને એક નવી જિંદગીની શરૂઆત કરી છે. આપણા પહેલા સાથી છે, રાજેશ કુમાર પ્રજાપતિ. જેમને હ્રદય રોગની બિમારી, હાર્ટની સમસ્યા હતી.
તો આવો, રાજેશ જી સાથે વાત કરીએ…
પ્રધાનમંત્રીજીઃ- રાજેશ જી નમસ્તે
રાજેશ પ્રજાપતિઃ- નમસ્તે સર નમસ્તે
પ્રધાનમંત્રીજીઃ- તમારી રાજેશ જી બિમારી શું હતી ? પછી કોઈ ડોક્ટર પાસે ગયા હશો, મને જરા સમજાવો સ્થાનિક ડોક્ટરે કહ્યું હશે પછી કોઈ બીજા ડોક્ટર પાસે ગયા હશો? પછી તમે નિર્ણય નહીં કરતા હોવ અથવા કરતા હશો, શું શું થતું હશે.
રાજેશ પ્રજાપતિઃ- જી મને હાર્ટમાં પ્રોબ્લેમ સર આવી ગયો હતો, સર, મારા હ્રદયમાં બળતરા થતી હતી સર, પછી મેં ડોક્ટરને દેખાડ્યું. ડોક્ટરે પહેલા તો જણાવ્યું બની શકે છે કે બેટા તમને એસિડીટી હશે, તો મેં ઘણાં દિવસ એસિડીટીની દવા કરાવી, તેનાથી જ્યારે મને ફાયદો ન થયો પછી ડોક્ટર કપૂરને દેખાડ્યું, તો તેમણે કહ્યું જે લક્ષણ છે તેમાં એન્જિયોગ્રાફીથી ખબર પડશે, પછી તેમણે મને રિફર કર્યા શ્રી રામમૂર્તિમાં. પછી અમે મળ્યા અમરેશ અગ્રવાલ જીને. તો તેમણે મારી એન્જિયોગ્રાફી કરી. પછી તેમણે જણાવ્યું કે બેટા આ તો તમારી નસ બ્લોકેજ છે, તો અમે કહ્યું સર આમાં કેટલો ખર્ચ આવશે ? તો તેમણે કહ્યું કાર્ડ છે આયુષ્યમાનવાળું જે પ્રધાનમંત્રીજીએ બનાવીને આપ્યું. તો અમે કહ્યું સર અમારી પાસે કાર્ડ છે. તો તેમણે મારું તે કાર્ડ લીધું અને મારો બધો ઈલાજ તે જ કાર્ડથી થયો. સર અને જે આપે જે બનાવ્યું છે કાર્ડ તે ઘણી જ સારી રીતે અને અમારા જેવા ગરીબ લોકો માટે ઘણી જ સરળતા છે આનાથી. અને આપનો હું કેવી રીતે ધન્યવાદ કરું ?
પ્રધાનમંત્રીજીઃ- આપ શું કરો છો રાજેશ જી ?
રાજેશ પ્રજાપતિઃ- સર હું અત્યારે તો ખાનગી નોકરી કરું છું. સર.
પ્રધાનમંત્રીજીઃ- અને ઉંમર કેટલી છે તમારી ?
રાજેશ પ્રજાપતિઃ- મારી ઓગણપચાસ વર્ષ છે. સર
પ્રધાનમંત્રીજીઃ- આટલી નાની ઉંમરમાં આપને હાર્ટની ટ્રબલ થઈ ગઈ?
રાજેશ પ્રજાપતિઃ- હાં જી સર શું કહું હવે ?
પ્રધાનમંત્રીજીઃ- તમારા પરિવારમાં તમારા પિતાજીને અથવા કોઈ માતાજીને અથવા આ પ્રકારે પહેલા થયું છે?
રાજેશ પ્રજાપતિઃ- ના સર કોઈને નહોતું સર, આ પહેલી વખત મારી સાથે જ થયું છે.
પ્રધાનમંત્રીજીઃ- આ આયુષ્યમાન કાર્ડ ભારત સરકાર આ કાર્ડ આપે છે, ગરીબો માટે બહુ મોટી યોજના છે તો એ આપને કેવી રીતે ખબર પડી ?
રાજેશ પ્રજાપતિઃ- સર આ તો એટલી મોટી યોજના છે, ગરીબ માણસને ઘણો જ લાભ મળે છે અને એટલા ખુશ છે સર, અમે તો હોસ્પિટલમાં જોયું છે કે આ કાર્ડ થી કેટલાય લોકોને સરળતા મળે છે. જ્યારે ડોક્ટરને કહે છે કે કાર્ડ છે મારી પાસે, સર તો ડોક્ટર કહે છે ઠીક છે તે કાર્ડ લઈને આવો, હું એ જ કાર્ડથી તમારો ઈલાજ કરી દઈશ.
પ્રધાનમંત્રીજીઃ- અચ્છા, કાર્ડ ન હોય તો તમને કેટલો ખર્ચો ડોક્ટરે કીધો હતો?
રાજેશ પ્રજાપતિઃ- ડોક્ટર સાહેબે કહ્યું હતું બેટા આમાં ઘણો જ ખર્ચો આવશે. બેટા જો કાર્ડ નહીં હોય. તો મેં કહ્યું સર કાર્ડ તો છે મારી પાસે તો તેમણે કહ્યું તરત આપ દેખાડો તો મેં તરત જ દેખાડ્યું તે કાર્ડથી મારો પૂરો ઈલાજ કરવામાં આવ્યો. મારે એક પૈસાનો પણ ખર્ચ થયો નહીં, બધી દવાઓ પણ એ કાર્ડમાંથી જ નીકળી ગઈ.
પ્રધાનમંત્રીજીઃ- તો રાજેશજી તમને હવે સંતોષ છે, તબિયત ઠીક છે.
રાજેશ પ્રજાપતિઃ- જી સર, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ સર આપની ઉંમર પણ એટલી લાંબી થાય કે હંમેશા સત્તામાં જ રહો અને અમારા પરિવારના લોકો પણ આપનાથી એટલા ખુશ છે કે શું કહું આપને.
પ્રધાનમંત્રીજીઃ- રાજેશજી આપ મને સત્તામાં રહેવાની શુભેચ્છા ન આપો. હું આજે પણ સત્તામાં નથી અને ભવિષ્યમાં પણ સત્તામાં જવા નથી ઈચ્છતો. હું માત્ર સેવામાં રહેવા ઈચ્છું છું, મારા માટે આ પદ, આ પ્રધાનમંત્રી, બધી વસ્તુઓ એ સત્તા માટે છે જ નહીં ભાઈ, સેવા માટે છે.
રાજેશ પ્રજાપતિઃ- સેવા જ તો જોઈએ અમને લોકોને, બીજું શું જોઈએ.
પ્રધાનમંત્રીજીઃ- જુઓ ગરીબો માટે આ આયુષ્યમાન ભારત યોજના તે પોતાનામાં….
રાજેશ પ્રજાપતિઃ- જી સર ઘણી જ સારી વસ્તુ છે.
પ્રધાનમંત્રીજીઃ- પરંતુ જુઓ રાજેશજી તમે મારું એક કામ કરો, કરશો ?
રાજેશ પ્રજાપતિઃ- જી બિલકુલ કરીશું સર.
પ્રધાનમંત્રીજીઃ- જુઓ, થાય છે શું કે લોકોને એની ખબર નથી હોતી, તમે એક જવાબદારી નિભાવો, એવા કેટલા ગરીબ પરિવાર છે તમારી આસપાસ તેમને આ લાભ તમને કેવી રીતે મળ્યો, કેવી રીતે મદદ મળી, તે જણાવો.
રાજેશ પ્રજાપતિઃ- જરૂરથી કહીશું સર.
પ્રધાનમંત્રીજીઃ- અને તેમને કહો કે તેઓ પણ આવું કાર્ડ બનાવાડી લે જેથી કરીને પરિવારમાં ખબર નહીં ક્યારે મુસીબત આવી જાય અને આજે ગરીબ દવાઓ માટે પરેશાન રહે એ તો ઠીક નથી. હવે પૈસાના કારણે તેઓ દવા ન લે અથવા બિમારીનો ઉપાય ન કરે તો એ પણ એક મોટી ચિંતાનો વિષય છે અને ગરીબોનું તો શું થાય છે જેમ કે તમને આ હાર્ટનો પ્રોબ્લેમ થયો, તો કેટલા મહિના આપ કામ જ ન કરી શક્યા હશો.
રાજેશ પ્રજાપતિઃ- હું તો દસ પગલાં પણ નહોતો ચાલી શકતો, અને ન ચડી શકતો હતો સર.
પ્રધાનમંત્રીજીઃ- બસ તો આપ, આપ રાજેશજી મારા એક સાચા સાથી બનીને જેટલા ગરીબોને આપ આ આયુષ્યમાન ભારત યોજના સંબંધમાં સમજાવી શકો છો, બિમાર લોકોની મદદ કરી શકો છો, જુઓ તમને પણ સંતોષ થશે અને મને ઘણી ખુશી થશે કે ચાલો એક રાજેશજીની તબિયત તો ઠીક થઈ ગઈ પરંતુ રાજેશજીએ સેંકડો લોકોની તબિયત ઠીક કરાવી દીધી, આ આયુષ્યમાન ભારત યોજના, તે ગરીબો માટે છે, મધ્યમવર્ગ માટે છે, સામાન્ય પરિવારો માટે છે, તો ઘર-ઘર સુધી આ વાતને તમે પહોંચાડશો.
રાજેશ પ્રજાપતિઃ- બિલકુલ પહોંચાડશું સર. હું તો ત્યાં ત્રણ દિવસ હોસ્પિટલમાં રોકાયો સર તો બિચારા ઘણા લોકો આવ્યા, બધી સુવિધાઓ તેમને સમજાવી, કાર્ડ હશે તો મફતમાં થઈ જશે.
પ્રધાનમંત્રીજીઃ- ચાલો રાજેશજી, તમે તમારી જાતને સ્વસ્થ રાખો, થોડી શરીરની ચિંતા કરો, બાળકોની ચિંતા કરો અને ઘણી પ્રગતિ કરો, મારી ઘણી શુભકામનાઓ છે આપને.
સાથીઓ, આપણે રાજેશજીની વાતો સાંભળી, આવો હવે આપણી સાથે સુખદેવીજી જોડાઈ રહ્યા છે, ઘૂંટણની સમસ્યાએ તેમને ઘણાં જ પરેશાન કરી દીધા હતા. આવો આપણે સુખદેવીજી પાસેથી પહેલા તેમના દુઃખ ની વાત સાંભળીએ અને પછી સુખ કેવી રીતે આવ્યું તે સમજીએ.
મોદીજીઃ- સુખદેવીજી નમસ્તે. આપ ક્યાંથી વાત કરી રહ્યા છો?
સુખદેવીજીઃ- દાનદપરાથી
મોદીજીઃ- ક્યાં, ક્યાં આવ્યું એ ?
સુખદેવીજીઃ- મથુરામાં
મોદીજીઃ- મથુરામાં, પછી તો સુખદેવીજી, આપને નમસ્તે પણ કહેવું છે અને સાથે-સાથે રાધે-રાધે પણ કહેવું પડશે.
સુખદેવીજીઃ- હા..રાધે-રાધે
મોદીજીઃ- અચ્છા અમે સાંભળ્યું કે આપને તકલીફ થઈ હતી. આપનું કોઈ ઓપરેશન થયું હતું. જરા જણાવશો શું વાત હતી?
સુખદેવીજીઃ- હા…મારા ઘૂંટણ ખરાબ થઈ ગયા હતા. તો ઓપરેશન થયું છે મારું. પ્રયાગ હોસ્પિટલમાં.
મોદીજીઃ- તમારી ઉંમર કેટલી છે સુખદેવીજી?
સુખદેવીજીઃ- ઉંમર 40 વર્ષ
મોદીજીઃ- 40 વર્ષ અને સુખદેવ નામ, અને સુખદેવીને બિમારી થઈ ગઈ.
સુખદેવીજીઃ- બિમારી તો મને 15-16 વર્ષથી જ લાગી ગઈ છે.
મોદીજીઃ- અરે બાપ રે… આટલી નાની ઉંમરમાં તમારા ઘૂંટણ ખરાબ થઈ ગયા.
સુખદેવીજીઃ- એ જે ગઠીયો-વા કહેવાય છે, એ જે સાંધાના દુખાવામાં ઘૂંટણ ખરાબ થઈ ગયા.
મોદીજીઃ- તો 16 વર્ષથી 40 વર્ષની ઉંમર સુધી તમે તેનો ઈલાજ નથી કરાવ્યો.
સુખદેવીજીઃ- ના.. કરાવ્યો હતો. દુખાવાની દવા ખાતી રહી, નાના-મોટા ડોક્ટરોએ તો એવી દેશી દવા અને વિવિધ દવાઓ આપી. થેલાછાપ ડોક્ટરોથી તો ઘૂંટણનો દુખાવો વધુ ખરાબ થઈ ગયો. હું 1-2 કિલોમીટર ચાલી તો ઘૂંટણ ખરાબ થઈ ગયા મારા.
મોદીજીઃ- તો સુખદેવજી ઓપરેશનનો વિચાર કેવી રીતે આવ્યો? તેને માટે પૈસાની શું વ્યવસ્થા કરી? કેવી રીતે થયું આ બધું?
સુખદેવીજીઃ- મેં તે આયુષ્યમાન કાર્ડથી ઈલાજ કરાવ્યો છે.
મોદીજીઃ- તો તમને આયુષ્યમાન કાર્ડ મળી ગયું હતું?
સુખદેવીજીઃ- હા..
મોદીજીઃ- અને આયુષ્યમાન કાર્ડથી ગરીબોનો મફતમાં ઉપચાર થાય છે, તે ખબર હતી?
સુખદેવીજીઃ- શાળામાં મીટિંગ થઈ રહી હતી. ત્યાંથી મારા પતિને ખબર પડી તો મારા નામે કાર્ડ બનાવ્યું.
મોદીજીઃ- હા…
સુખદેવીજીઃ- પછી ઈલાજ કરાવ્યો કાર્ડથી અને મેં કોઈપણ પૈસા નથી ચૂકવ્યા. કાર્ડથી જ ઈલાજ થયો મારો. ખૂબ સારો ઈલાજ થયો છે.
મોદીજીઃ- અચ્છા ડોક્ટરે પહેલા જો કાર્ડ ન હોય તો કેટલો ખર્ચો જણાવ્યો હતો?
સુખદેવીજીઃ- અઢી લાખ રૂપિયા, ત્રણ લાખ રૂપિયા. 6-7 વર્ષોથી હું ખાટલામાં પડી છું. હું એમ કહેતી હતી કે હે ભગવાન મને લઈ લે તુ, મારે નથી જીવવું.
મોદીજીઃ- 6-7 વર્ષ ખાટલામાં હતા. બાપ રે બાપ.
સુખદેવીજીઃ- હા…
મોદીજીઃ- ઓહો..
સુખદેવીજીઃ- જરા પણ ઉઠાતું કે બેસાતું નહોતું.
મોદીજીઃ- તો અત્યારે તમારા ઘૂંટણ પહેલાં કરતાં સારા છે?
સુખદેવીજીઃ- હું ઘણું ફરું છું. ફરું છું. રસોડાનું કામ કરું છું. ઘરનું કામ કરું છું. બાળકોને ખાવાનું પણ બનાવી આપું છું.
મોદીજીઃ- તો મતલબ કે આયુષ્યમાન ભારત કાર્ડે તમને ખરેખર આયુષ્યમાન બનાવી દીધા.
સુખદેવીજીઃ- ખૂબ-ખૂબ ધન્યવાદ તમારી યોજનાના કારણે હું ઠીક થઈ ગઈ અને હું મારા પગ ઉપર થઈ ગયી છું.
મોદીજીઃ- તો હવે તો બાળકોને પણ આનંદ આવતો હશે.
સુખદેવીજીઃ- હા..જી.. બાળકોને તો ખૂબ જ પરેશાની થતી હતી. માં પરેશાન હોય તો બાળકો પણ પરેશાન જ હોય ને.
મોદીજીઃ- જુઓ, આપણા જીવનમાં સૌથી મોટું સુખ આપણું સ્વાસ્થ્ય જ હોય છે. આ સુખી જીવન બધાને મળે તે જ આયુષ્યમાન ભારતની ભાવના છે, ચાલો સુખદેવીજી, મારી તમને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ, ફરી એકવાર તમને રાધે-રાધે.
સુખદેવીજીઃ- રાધે રાધે…નમસ્તે.
મારા પ્રિય દેશવાસીઓ, યુવાનોથી સમૃદ્ધ દરેક દેશમાં ત્રણ વસ્તુ ઘણું મહત્વ ધરાવે છે. અને તે જ ક્યારેક તો યુવાનોની સાચી ઓળખ બની જાય છે. પહેલી ચીજ છે – આઈડીયાઝ અને ઈનોવેશન. બીજી છે – જોખમ લેવાનો જુસ્સો અને ત્રીજી છે – કેન ડૂ સ્પિરીટ એટલે કે કોઈપણ કામને પૂર્ણ કરવાની જીદ, પછી પરિસ્થિતી કેટલી પણ વિપરિત ન હોય – જ્યારે આ ત્રણેય વસ્તુઓ એકબીજામાં મળી જાય તો અદભૂત પરિણામ મળે છે. ચમત્કાર થાય છે. આજકાલ આપણે ચારેય તરફ સાંભળીએ છીએ, સ્ટાર્ટ-અપ, સ્ટાર્ટ-અપ, સ્ટાર્ટ-અપ. સાચી વાત છે. આ સ્ટાર્ટ-અપનો યુગ છે અને એ પણ સાચું છે કે સ્ટાર્ટ-અપની દુનિયામાં આજે ભારત વિશ્વમાં એક પ્રકારનું નેતૃત્વ કરી રહ્યું છે. વર્ષે વર્ષે સ્ટાર્ટ-અપને રેકોર્ડ રોકાણ મળી રહ્યું છે. આ ક્ષેત્ર બહુ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. અને ત્યાં સુધી કે દેશના નાનાં-નાનાં શહેરોમાં પણ સ્ટાર્ટ-અપની પહોંચ વધી ગઈ છે. આજકાલ યુનિકોર્ન શબ્દ ખૂબ ચર્ચામાં છે. તમે બધાએ તેના વિશે સાંભળ્યું હશે. યુનિકોર્ન એક એવું સ્ટાર્ટ-અપ હોય છે જેનું વેલ્યુએશન ઓછામાં ઓછું એક બિલિયન ડોલર થાય છે એટલે કે લગભગ સાત હજાર કરોડથી પણ વધારે.
સાથીઓ, વર્ષ 2015 સુધી દેશમાં ઘણી મુશ્કેલીથી 9 કે 10 યુનિકોર્ન થતા હતા. તમને એ જાણીને ખૂબ જ આનંદ થશે કે યુનિકોર્નની દુનિયામાં ભારતે ખૂબ ઝડપી ઉડાન ભરી છે. એક રિપોર્ટ અનુસાર આ વર્ષમાં એક મોટો બદલાવ આવ્યો છે. માત્ર 10 મહિનામાં જ ભારતમાં દર 10 દિવસમાં એક યુનિકોર્ન બને છે. તે એટલા માટે પણ મોટી વાત છે કારણ કે આપણા યુવાનો એ આ સફળતા કોરોના મહામારીની વચ્ચે મેળવી છે. આજે ભારતમાં 70 થી વધારે યુનિકોર્ન બની ચૂક્યા છે. એટલે કે 70થી વધારે સ્ટાર્ટ-અપ એવા છે જે 1 બિલિયનથી વધારે વેલ્યુએશન પાર કરી ગયા છે. સાથીઓ, સ્ટાર્ટ-અપની આ સફળતાનું કારણે બધાનું તેના તરફ ધ્યાન ગયું છે અને જે પ્રકારે દેશમાંથી, વિદેશમાંથી, રોકાણકારો તરફથી તેને સમર્થન મળી રહ્યું છે. કદાચ થોડા વર્ષો પહેલાં તેની કલ્પના પણ કોઈ નહોતું કરી શકતું.
સાથીઓ, સ્ટાર્ટ-અપના માધ્યમથી ભારતીય યુવાનો ગ્લોબલ પ્રોબ્લેમ્સના સમાધાનમાં પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે. આજે આપણે એક યુવક મયૂર પાટિલ સાથે વાત કરીશું, તેમણે પોતાના દોસ્તો સાથે મળીને પ્રદૂષણના પ્રોબ્લેમનું સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો છે.
મોદીજીઃ- મયૂરજી નમસ્તે.
મયૂર પાટીલઃ- નમસ્તે સર જી…
મોદીજીઃ- મયૂરજી તમે કેમ છો?
મયૂર પાટીલઃ- બસ એકદમ સરસ સર..તમે કેમ છો?
મોદીજીઃ- હું ઘણો જ પ્રસન્ન છું. અચ્છા મને જણાવો કે તમે હમણાં કંઈક સ્ટાર્ટ-અપની દુનિયામાં છો.
મયૂર પાટીલઃ- હા…જી
મોદીજીઃ- અને વેસ્ટમાંથી બેસ્ટ પણ કરી રહ્યા છો
મયૂર પાટીલઃ- હા..જી.
મોદીજીઃ- એન્વાયર્મેન્ટનું પણ કરી રહ્યા છો, થોડું મને આપના વિશે જણાવો. તમારા કામ વિશે જણાવો અને આ કામ પાછળ આપને કેવી રીતે વિચાર આવ્યો ?
મયૂર પાટીલઃ- સર જ્યારે કોલેજમાં હતો ત્યારે મારી પાસે મોટર સાયકલ હતી. જેની માઈલેજ ઘણી જ ઓછી હતી અને એમિશન ઘણું જ વધારે હતું. તે ટુ સ્ટ્રોક મોટર સાયકલ હતી. તો એમિશન ઘટાડવા માટે અને તેની માઈલેજ થોડી વધારવા માટે મેં કોશિશ ચાલુ કરી હતી. કંઈક 2011-12માં મેં તેની લગભગ 62 કિલોમીટર પ્રતિ લિટર સુધીની માઈલેજ વધારી દીધી હતી. તો ત્યાંથી જ મને પ્રેરણા મળી કે કંઈક એવી વસ્તુ બનાવીએ જે માસ પ્રોડક્શન કરી શકીએ, તો ઘણાં જ લોકોને તેનો ફાયદો થશે., તો 2017-18માં અમે લોકોએ તેની ટેક્નોલોજીને ડેવેલપ કરી અને રિજનલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં અમે લોકોએ 10 બસોમાં તેનો ઉપયોગ કર્યો. તેનું પરિણામ ચેક કરવા માટે અને લગભગ અમે લોકોએ તેના 40 ટકા એમિશન ઘટાડી નાખ્યું. બસમાં…
મોદીજીઃ- હમમમ….હવે આ ટેક્નોલોજી તમે જે શોધી છે તેની પેટન્ટ વગેરે કરાવી લીધી છે.
મયૂર પાટીલઃ- હા..જી..પેટન્ટ થઈ ગઈ છે. આ વર્ષે અમને પેટન્ટ ગ્રાન્ટ થઈને આવી જશે.
મોદીજીઃ- અને આગળ આને વધારવાનો શું પ્લાન છે? તમારો. કેવી રીતે કરી રહ્યા છો? જેમ બસનું પરિણામ આવ્યું. તેની પણ બધી જ ચીજો બહાર આવી ગઈ હશે. તો આગળ શું વિચારી રહ્યા છો ?
મયૂર પાટીલઃ- સર સ્ટાર્ટ-અપ ઈન્ડિયાની અંદર નીતિ આયોગથી અટલ ન્યૂ ઈન્ડિયા ચેલેન્જ જે છે, ત્યાંથી અમને ગ્રાન્ટ મળી અને તે ગ્રાન્ટના બેઝ પર અમે લોકોએ હમણાં ફેક્ટરી ચાલુ કરી. જ્યાં અમે એર ફિલ્ટરનું મેન્યુફેક્ચરિંગ કરી શકીએ છીએ.
મોદીજીઃ- તો ભારત સરકાર તરફથી તમને કેટલી ગ્રાન્ટ મળી ?
મયૂર પાટીલઃ- 90 લાખ
મોદીજીઃ- 90 લાખ
મયૂર પાટીલઃ- હાં..જી..
મોદીજીઃ- અને તેનાથી તમારું કામ થઈ ગયું
મયૂર પાટીલઃ- હા…અત્યારે તો ચાલું થઈ ગયું છે. પ્રોસેસમાં છે.
મોદીજીઃ- તમે કેટલા દોસ્તો મળીને કરી રહ્યા છો. આ બધું
મયૂર પાટીલઃ- અમે ચાર લોકો છીએ સર..
મોદીજીઃ- અને ચારેય લોકો પહેલાં સાથે જ ભણતાં હતા અને તેમાંથી જ તમને એક વિચાર આવ્યો આગળ વધવાનો.
મયૂર પાટીલઃ- હા..જી..હા…જી… અમે કોલેજમાં જ હતા.. અને કોલેજમાં અમે લોકોએ આ બધું વિચાર્યું અને આ મારો આઈડિયા હતો કે મારી મોટરસાયકલનું પ્રદૂષણ ઘટી જાય અને માઈલેજ વધે.
મોદીજીઃ- અચ્છા..પ્રદૂષણ ઓછું કરે છે, માઈલેજ વધારે છે તો એવરેજ ખર્ચ કેટલો બચે છે ?
મયૂર પાટીલઃ- સર મોટરસાયકલ પર અમે લોકોએ પરિક્ષણ કર્યું તેની માઈલેજ હતી 25 કિલોમીટર પ્રતિ લિટર હતી. તે અમે લોકોએ વધારીને 39 કિલોમીટર પ્રતિ લિટર તો લગભગ 14 કિલોમીટરનો ફાયદો થયો અને તેમાંથી 40 ટકા કાર્બન એમિશન ઘટી ગયું. અને જ્યારે બસ પર કર્યું, રિજનલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને તો ત્યાં 10 ટકા ફ્યૂઅલ એફિશિયન્સી ઈન્ક્રિઝ થઈ અને તેમાં પણ 35-40 ટકા એમિશન ઘટી ગયું.
મોદીજીઃ- મયૂર મને તમારી સાથે વાત કરીને ઘણું સારું લાગ્યું અને તમારા સાથીઓને પણ મારા તરફથી શુભેચ્છાઓ આપશો કે કોલેજ લાઈફમાં પોતાની જે સમસ્યા હતી તે સમસ્યાનું સમાધાન પણ તમે શોધ્યું અને તે સમાધાનમાંથી જે માર્ગ પસંદ કર્યો, તેણે પર્યાવરણની સમસ્યાને એડ્રેસ કરવા માટે તમે બીડું ઝડપ્યું. અને તે આપણે દેશના યુવાનોનું સામર્થ્ય રહ્યું છે કે કોઈપણ પડકાર ઉઠાવી લે છે અને માર્ગ શોધી લે છે. મારા તરફથી તમને ખૂબ શુભેચ્છાઓ. ખૂબ-ખૂબ ધન્યવાદ.
મયૂર પાટીલઃ- થેન્ક યૂ સર…થેન્ક યૂ..
સાથીઓ, થોડાક વર્ષો પહેલાં જો કોઈ કહેતું કે તે બિઝનેસ કરવા માંગે છે અથવા કોઈ એક નવી કંપની શરૂ કરવા ઈચ્છે છે, ત્યારે પરિવારના મોટા વડિલોનો જવાબ હતો કે – તુ નોકરી કેમ નથી કરવા માંગતો, નોકરી કર ને ભાઈ. અરે નોકરીમાં સલામતી હોય છે, પગાર હોય છે. ઝંઝટ પણ ઓછી હોય છે. પરંતુ આજે જો કોઈ પોતાની કંપની શરૂ કરવા ઈચ્છે છે તો તેની આસપાસના બધા લોકો ઘણા ઉત્સાહિત થાય છે અને તેમાં તેને પૂરો સાથ-સહકાર આપે છે. સાથીઓ, ભારતની ગ્રોથ સ્ટોરીનો આ ટર્નિંગ પોઈન્ટ છે જ્યાં હવે લોકો ફક્ત જોબ સીકર બનાવાનું સપનું નથી જોઈ રહ્યા પરંતુ જોબ ક્રિએટર બની રહ્યા છે. તેનાથી વિશ્વના મંચ પર ભારતની સ્થિતી વધુ મજબૂત બનશે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે મન કી બાતમાં આપણે અમૃત મહોત્સવની વાત કરી. અમૃતકાળમાં કેવી રીતે આપણા દેશવાસીઓ નવા નવા સંકલ્પો પૂરા કરી રહ્યા છે તેની ચર્ચા કરી અને સાથે જ ડિસેમ્બર મહિનામાં જ સેનાના શૌર્ય સાથે જોડાયેલી તકોનો પણ ઉલ્લેખ કર્યો. ડિસેમ્બર મહિનામાં જ વધુ એક મોટો દિવસ આપણી વચ્ચે આવે છે જેનાથી આપણે પ્રેરણા લઈએ છીએ. આ દિવસ છે 6 ડિસેમ્બરે બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ. બાબા સાહેબે પોતાનું આખું જીવન દેશ અને સમાજ માટે પોતાના કર્તવ્યોના નિર્વહન માટે સમર્પિત કર્યું હતું. આપણે દેશવાસીઓ એ ક્યારેય ન ભૂલીએ કે આપણા બંધારણની મૂળ ભાવના, આપણું બંધારણ આપણે બધા દેશવાસીઓનો પોત-પોતાના કર્તવ્યોના નિર્વહનની અપેક્ષા કરે છે – તો આવો આપણે પણ સંકલ્પ લઈએ કે અમૃત મહોત્સવમાં આપણે કર્તવ્યોને પૂરી નિષ્ઠા સાથે નિભાવવાનો પ્રયત્ન કરીશું. આ જ બાબા સાહેબ માટે આપણી સાચી શ્રદ્ધાંજલિ હશે.
સાથીઓ, હવે આપણે ડિસેમ્બર મહિનામાં પ્રવેશ કરી રહ્યા છીએ, સ્વાભાવિક છે કે હવે પછીની મન કી બાત 2021ના વર્ષની છેલ્લી મન કી બાત હશે. 2022માં ફરીથી યાત્રા શરૂ કરીશું અને હું હા.. તમારી પાસેથી ઘણાં સૂચનોની અપેક્ષા કરતો જ રહુ છું, કરતો રહીશ. તમે આ વર્ષને કેવી રીતે વિદાય કરો છો, નવા વર્ષમાં શું નવું કરવાના છો, તે પણ જરૂર જણાવશો અને હા તે ક્યારેય ન ભૂલતા કે કોરોના હજુ પણ ગયો નથી. સાવધાની રાખવી એ જ આપણા બધાની જવાબદારી છે. ખૂબ-ખૂબ ધન્યવાદ…
Tune in to #MannKiBaat November 2021. https://t.co/2qQ3sjgLSa
— Narendra Modi (@narendramodi) November 28, 2021
Today’s #MannKiBaat covered diverse topics. One of them was the public enthusiasm towards ‘Azadi Ka Amrit Mahotsav.’ Across India we are seeing interesting efforts to mark this special occasion… pic.twitter.com/is06Yl14pB
— Narendra Modi (@narendramodi) November 28, 2021
The vibrant spirituality and culture of Vrindavan finds resonance in Perth in Australia! Find out more… #MannKiBaat pic.twitter.com/avQnUj0qdY
— Narendra Modi (@narendramodi) November 28, 2021
A commendable effort in Jalaun, Uttar Pradesh towards bringing a river back to life.
— Narendra Modi (@narendramodi) November 28, 2021
Such community efforts are very advantageous to our society. #MannKiBaat pic.twitter.com/GNwC1G74Od
I keep getting several letters from people across India appreciating Ayushman Bharat PM-JAY. This scheme has changed countless lives.
— Narendra Modi (@narendramodi) November 28, 2021
During #MannKiBaat I spoke to Rajesh Prajapati Ji from Uttar Pradesh who got good quality treatment for his heart ailment. pic.twitter.com/fYvOHslcIm
A prolonged knee problem has been giving trouble to Sukh Devi Ji but Ayushman Bharat changed that.
— Narendra Modi (@narendramodi) November 28, 2021
Hear what she had to say… #MannKiBaat pic.twitter.com/PKx1lGEdmr
India’s start-up eco-system is filled with inspiring life journeys of youngsters who are using their entrepreneurial abilities to solve persisting challenges.
— Narendra Modi (@narendramodi) November 28, 2021
During #MannKiBaat today, I spoke to one such person, Mayur Patil who is working to minimise pollution. pic.twitter.com/1ZQyoMJ9a2