Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

“મન કી બાત” (કડી-84), પ્રસારણ તારીખ : 26.12.2021


મારા વ્હાલાં દેશવાસીઓ, નમસ્કાર. અત્યારે તમે 2021ને વિદાય આપી રહ્યાં છો અને 2022નાં સ્વાગતની તૈયારીમાં જોડાઇ ગયાં છો. નવાં વર્ષે દરેક વ્યક્તિ, દરેક સંસ્થા આવનારાં વર્ષ માટે કંઇક વધુ સરસ કરવા માટેનાં તેમજ બનવા માટેનાં સંકલ્પ લે છે. પાછલાં સાત વર્ષોથી આપણી ‘મન કી બાત’ પણ વ્યક્તિનાં, સમાજનાં, દેશનાં સારા પાસાંઓને ઉજાગર કરી, અને સારાં બનવાં માટેની પ્રેરણા આપતી આવી છે. આ સાત વર્ષોમાં, ‘મન કી બાત’ કરતાં કરતાં હું સરકારની ઉપલબ્ધિઓ પર પણ ચર્ચા કરી જ શકતો હતો. તમને લોકોને પણ સારું લાગતુ, તમે લોકોએ વખાણ પણ કર્યા હોત પરંતુ મારો દાયકાનો અનુભવ છે કે મીડિયાની ચમક-દમકથી દૂર, સમાચારપત્રોની હેડલાઇન્સથી દૂર, એવાં કરોડો લોકો છે જે ઘણું બધું સારું કામ કરી રહ્યાં છે. તેઓ દેશની આવતીકાલ માટે પોતાનાં પ્રયત્નો થકી પોતાની આજને ન્યોછાવર કરી રહ્યાં છે. તેઓ દેશની આવનારી પેઢીઓ માટે પોતાના પ્રયત્નો થકી આજે દિલથી કાર્યરત છે. આવાં લોકોની વાત, ખૂબ શાંતિ આપે છે, ઊંડી પ્રેરણા આપે છે. મારાં માટે ‘મન કી બાત’ હમેશાથી એવાં લોકોનાં પ્રયત્નોથી જ ભરપૂર છે, ફળદ્રુપ, સજાવાયેલો એક સુંદર બગીચા સમાન રહ્યું છે. અને ‘મન કી બાત’ માં દર મહિને મારી મહેનત એ જ વાત માટે રહે છે કે આ બગીચાની કઇ પાંખડી આપ સૌ વચ્ચે લઇને આવું. મને ખુશી છે કે આપણી બહુરત્ના વસુંધરાનાં પુણ્ય કાર્યોનો અવિરત પ્રવાહ નિરંતર વહેતો રહે છે. અને આજે જ્યારે દેશ ‘અમૃત મહોત્સવ’ ઉજવી રહ્યો છે ત્યારે આ જનશક્તિ છે, જન-જનની શક્તિ છે, તેમનો ઉલ્લેખ, તેમનાં પ્રયત્નો, તેમની મહેનત, ભારતનાં અને માનવતાનાં ઉજ્જવળ ભવિષ્ય માટે ખાતરી આપી રહ્યું છે.

સાથીઓ, આ જનશક્તિની તાકાત છે, સૌનો પ્રયત્ન છે કે ભારત 100 વર્ષમાં આવેલ સૌથી મોટી મહામારી સામે લડી શક્યું. આપણે દરેક મુસીબતનાં સમયે એકબીજા સાથે, એક પરિવારની જેમ ઊભાં રહ્યાં. આપણાં વિસ્તાર અથવા શહેરમાં કોઇની મદદ કરવી હોય, તો જેનાથી જે શક્ય બન્યું તેનાથી વધુ કરવાનાં પ્રયત્નો કર્યાં. આજે વિશ્વમાં વેક્સિનેશનનાં જે આંકડા છે, તેની તુલના ભારત સાથે કરીએ તો જણાય છે કે દેશે કેટલું અભૂતપૂર્વ કામ કર્યું છે, કેટલું મોટું લક્ષ્ય હાસલ કર્યું છે. વેક્સિનનો 140 કરોડ માટેનો ડોઝ પૂરો કરવો, પ્રત્યેક ભારતીયની પોતાની ઉપલબ્ધિ છે. આ પ્રત્યેક ભારતીયનો, વ્યવસ્થા પર, વિશ્વાસ દર્શાવે છે, વિજ્ઞાન પર વિશ્વાસ દર્શાવે છે, વૈજ્ઞાનિકો પર વિશ્વાસ દર્શાવે છે, અને સમાજ પ્રત્યે પોતાની જવાબદારીઓને નિભાવી રહેલ, આપણાં ભારતીયોની ઇચ્છાશક્તિનું પ્રમાણ પણ છે. પરંતુ સાથીઓ, આપણે એ પણ ધ્યાન રાખવાનું છે કે કોરોનાંનો એક નવો વેરીયન્ટ ટકોરા મારી ચૂક્યો છે. પાછળનાં બે વર્ષોનો આપણો અનુભવ છે કે આ વૈશ્વિક મહામારીને ખતમ કરવા માટે એક નાગરિક તરીકે આપણો પોતાનો પ્રયત્ન ખૂબ મહત્વપૂર્ણ છે. આ જે નવો ઓમિક્રોન વેરીયન્ટ આવ્યો છે, તેનું સંશોધન આપણાં વૈજ્ઞાનિકો કરી રહ્યાં છે. દરરોજ તેમને નવો ડેટા મળી રહ્યો છે, તેમની સલાહો પર કામ થઇ રહ્યું છે. આવાં સમયે પોતાની સતર્કતા, પોતાની શિસ્ત, કોરોનાનાં આ વેરિએન્ટની વિરુધ્ધ દેશની ખૂબ મોટી શક્તિ બની રહેશે. આપણી સામૂહિક શક્તિ જ કોરોનાને હરાવશે, આ જ દાયિત્વ બોધ સાથે આપણે વર્ષ 2022 માં પ્રવેશ કરવાનો છે.

મારા વ્હાલાં દેશવાસીઓ, મહાભારતનાં યુદ્ધ વખતે, ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું – ‘नभः स्पृशं दीप्तम्’ એટલે કે ગર્વ સાથે આકાશને આંબજે. આ ભારતીય વાયુસેનાનું આદર્શ વાક્ય પણ છે.

મા ભારતીની સેવામાં વ્યસ્ત અનેક જીવન આકાશની ઊંચાઇને ગૌરવ સાથે સ્પર્શે છે, આપણને ઘણું બધું શીખવે છે. આવું જ જીવન રહ્યું છે ગ્રૃપ કેપ્ટન વરુણ સિંહનું, વરુણ સિંહ, તે હેલીકોપ્ટરને ઊડાવી રહ્યાં હતાં જે આ મહિને તમિલનાડુમાં અકસ્માતનો ભોગ બન્યું. તે અકસ્માતમાં આપણે, દેશનાં પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમનાં પત્નિ સાથે કેટલાંય વીરોને ગુમાવ્યાં. વરુણ સિંહ પણ મૃત્યુ સામે વીરતાપૂર્વક લડ્યાં, પરંતુ આખરે તેઓ આપણને છોડીને જતાં રહ્યાં. વરુણ જ્યારે હોસ્પિટલમાં હતાં, તે સમયે મેં સોશિયલ મિડીયા પર એવું જોયું, જે મારા દિલને સ્પર્શી ગયું. આ વર્ષે ઓગસ્ટમાં જ તેમને શૌર્ય ચક્ર આપવામાં આવ્યું હતું. આ સન્માન મળ્યાં પછી તેમણે તેમનાં સ્કૂલનાં આચાર્યને એક પત્ર લખ્યો હતો. તે પત્રને વાંચીને મારાં મનમાં પહેલો વિચાર આવ્યો કે સફળતાનાં શિખરે પહોંચીને પણ તે મૂળિયાંને પોષણ આપવાનું નથી ભૂલ્યાં. બીજું – કે જ્યારે તેમની પાસે ઊજવણી કરવાનો સમય હતો ત્યારે તેમણે આગામી પેઢીઓની ચિંતા કરી. તેઓ ઇચ્છતા હતા કે જે સ્કૂલમાં તેઓ ભણ્યાં, ત્યાંના વિદ્યાર્થીઓનું જીવન પણ ઊજવણીરૂપ બની રહે. પોતાનાં પત્રમાં વરુણ સિંહજીએ પોતાના પરાક્રમનાં વખાણ નથી કર્યા પરંતુ પોતાની અસફળતાઓની વાત કરી છે. કેવી રીતે તેમણે પોતાની ઊણપોને તેમની કાબેલિયતમાં ફેરવી, તેની વાત કરી છે. પત્રમાં એક જગ્યાએ તેમણે લખ્યું છે – “સાધારણ હોવું બરાબર છે. દરેક જણ શાળામાં શ્રેષ્ઠ નથી હોતું અને દરેક જણ 90 ટકા સ્કોર નથી કરી શકતું. જો તમે કરો છો, તો તે એક અદભુત સિદ્ધિ છે અને તેને બિરદાવવી જ જોઈએ. જો કે, તમે ન કરો, તો એવું ન વિચારો કે તમે સામાન્ય છો. તમે શાળામાં સામાન્ય હોઈ શકો છો પરંતુ તેમ હોવું એ જીવનમાં આવનારી વસ્તુઓનો કોઈ માપદંડ નથી. તમારાં અંતરાત્માનાં અવાજને સાંભળો; તે કલા, સંગીત, ગ્રાફિક ડિઝાઇન, સાહિત્ય, વગેરે હોઈ શકે છે. તમે જે પણ ક્ષેત્રમાં કામ કરો છો, સમર્પિત રહો.તમારું શ્રેષ્ઠ કરો. ક્યારેય નકારાત્મક વિચારોમાં ન જાવ,  હું હજી વધારે પ્રયત્નો કરી શકયો હોત.”

સાથીઓ, સરેરાશથી અસાધારણ બનવાનો તેમણે જે મંત્ર આપ્યો છે, તે પણ એટલો જ મહત્વપૂર્ણ છે. આ જ પત્રમાં વરુણ સિંહે લખ્યું છે – “ક્યારેય આશા ના છોડવી. ક્યારેય એવું ન વિચારો કે તમે જે બનવા માંગો છો તેમાં તમે સારા બની શકતા નથી. તે સરળ નથી, તે સમય અને આરામનો ભોગ (બલિદાન) લેશે. હું સામાન્ય હતો, અને આજે, હું મારી કારકિર્દીમાં મુશ્કેલ સીમાચિહ્નો પર પહોંચી ગયો છું. એવું ન વિચારો કે 12મા ધોરણનાં બોર્ડનાં માર્કસ નક્કી કરે છે કે તમે જીવનમાં શું હાંસલ કરવા સક્ષમ છો. તમારામાં વિશ્વાસ રાખો અને તેના માટે કામ કરો.”

વરુણે લખ્યું હતું કે જો તેઓ એક પણ વિદ્યાર્થીને પ્રેરણા આપી શકે તો તે પણ ઘણું હશે. પરંતુ આજે હું કહેવાં માંગુ છું કે, – તેમણે સમગ્ર દેશને પ્રેરણા આપી છે. તેમનો પત્ર ભલે માત્ર વિદ્યાર્થીઓ સાથે વાત કરતો હોય પરંતુ તેમણે આપણા પૂરા સમાજને સંદેશો આપ્યો છે.

સાથીઓ, દર વર્ષે હું આવાં જ વિષય પર વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર ચર્ચા કરું છું. આ વર્ષે પણ પરીક્ષા પહેલાં હું વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છું. આ કાર્યકમ માટે બે દિવસ પછી 28 ડિસેમ્બરથી MyGov.in પર રજિસ્ટ્રેશન પણ શરૂ થવાં જઇ રહ્યું છે. આ રજિસ્ટ્રેશન 28 ડિસેમ્બરથી 20 જાન્યુઆરી સુધી ચાલશે. તેનાં માટે ક્લાસ 9 થી 12 સુધીનાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા માટે ઓનલાઇન કોમ્પિટિશનનું પણ આયોજન યોજાશે. હું ઇચ્છિશ કે, આપ સૌ તેમાં જરૂર ભાગ લો. આપ સૌને મળવાની તક મળશે. આપણે સૌ મળીને પરીક્ષા, કરિયર, સફળતા અને વિદ્યાર્થીઓનાં જીવન સાથે જોડાયેલ અનેક પાસાઓ પર મંથન કરીશું.

મારા વ્હાલાં દેશવાસીઓ, ‘મન કી બાત’ માં, હવે હું તમને કંઇક સંભળાવવા જઇ રહ્યો છું, જે સીમા પાર, ક્યાંક ખૂબ દૂરથી આવી છે. આ તમને આનંદિત પણ કરશે અને આશ્ચર્યચકિત પણ કરશે –

Vocal #(Vande Matram)

वन्दे मातरम् । वन्दे मातरम्

 

सुजलां सुफलां मलयजशीतलाम्

शस्यशामलां मातरम् । वन्दे मातरम्

 

शुभ्रज्योत्स्नापुलकितयामिनीं

फुल्लकुसुमितद्रुमदलशोभिनीं

सुहासिनीं सुमधुर भाषिणीं

सुखदां वरदां मातरम् ।। १ ।।

वन्दे मातरम् । वन्दे मातरम् ।

મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ સાંભળીને તમને સૌને ખૂબ સારું લાગ્યું હશે, ગર્વની અનુભૂતિ થઇ હશે. વંદે માતરમમાં જે ભાવ ગર્ભિત છે, તે આપણને ગર્વ અને જુસ્સાથી ભરી દે છે.

સાથીઓ, આપ એ જરૂર વિચારી રહ્યાં હશો કે, આ સુંદર ઓડિયો ક્યાંનો છે, કયા દેશથી આવ્યો છે? આનો જવાબ આપનાં આશ્ચર્યમાં વધારો કરી દેશે. વન્દે માતરમની પ્રસ્તુતિ આપનારા આ વિદ્યાર્થીઓ ગ્રીસનાં છે. ત્યાં તેઓ ઇલીયાના ઉચ્ચ માધ્યમિક સ્કૂલમાં ભણે છે. તેમણે જેટલી સુંદરતાથી અને ભાવથી ‘વંદે માતરમ’ ગાયું છે તે અદભુત અને પ્રશંસનીય છે. આવાં જ પ્રયત્નો, બે દેશોનાં લોકોને વધુ નજીક લાવે છે. હું ગ્રીસનાં આ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓને અને તેમનાં શિક્ષકોને અભિનંદન પાઠવું છું. આઝાદીનાં અમૃત મહોત્સવ દરમિયાન કરાયેલ તેમનાં પ્રયત્નોની પ્રશંસા કરું છું.

સાથીઓ, હું લખનૌમાં રહેતાં નિલેશજીની એક પોસ્ટની પણ ચર્ચા કરવાં માગું છું. નિલેશજીએ લખનૌમાં બનેલ એક અનોખા Drone Show ની ખૂબ પ્રશંસા કરી છે. આ Drone Show લખનૌનાં રેસીડેન્સી વિસ્તારમાં આયોજીત કરાયો હતો. 1857નાં પ્રથમ સ્વાતંત્રતા સંગ્રામની સાક્ષી, રેસીડન્સીની દિવાલો પર આજે પણ નજર આવે છે. રેસીડન્સીમાં થયેલ Drone Showમાં ભારતીય સ્વતંત્રતા સંગ્રામનાં અલગ-અલગ તબક્કાઓને જીવંત બનાવ્યા. એ ‘ચોરી ચોરા આંદોલન’ હોય, ‘કાકોરી ટ્રેન’ની ઘટના હોય અથવા પછી તે નેતાજી સુભાષનું અદમ્ય સાહસ અને પરાક્રમ હોય, આ Drone Show એ સૌનું દિલ જીતી લીધું. તમે પણ આવી જ રીતે પોતાનાં શહેરોનાં, ગામડાંઓનાં, આઝાદીનાં આંદોલન સાથે જોડાયેલ અનોખા તબક્કાઓને લોકોની સામે લાવી શકો છો. તેમાં ટેકનોલોજીની પણ ખૂબ મદદ લઇ શકો છો. આઝાદીનો અમૃત મહોત્સવ, આપણને આઝાદીનાં યુધ્ધની યાદોને જીવવાનો અવસર આપે છે, તેનો અનુભવ કરવાનો અવસર આપે છે. તે દેશ માટે એક નવો સંકલ્પ લેવાનો, કંઇક કરવાની ઇચ્છાશક્તિને બતાવવાનો, પ્રેરક ઉત્સવ છે, પ્રેરક અવસર છે. આવો, સ્વતંત્રતા સંગ્રામની મહાન વિભૂતીઓથી પ્રેરીત બનતાં રહીએ, દેશ માટે આપણાં પ્રયત્નોને વધું મજબૂત બનાવતાં રહીએ.

મારા વ્હાલાં દેશવાસીઓ, આપણું ભારત કેટલીય અસાધારણ પ્રતિભાઓથી સંપન્ન છે, જેમનું કૃતિત્વ બીજાઓને પણ કંઇક કરવા માટે પ્રેરિત કરે છે. આવા જ એક વ્યક્તિ છે તેલંગણાનાં ડોક્ટર કુરેલા વિઠ્ઠલાચાર્યજી. તેમની ઉંમર 84 વર્ષ છે. વિઠ્ઠલાચાર્યજી તેનું ઉદાહરણ છે કે જ્યારે વાત પોતાનાં સપનાંઓ પૂરા કરવાની હોય ત્યારે ઉંમર મહત્વની નથી હોતી.

સાથીઓ, વિઠ્ઠલાચાર્યજીની બાળપણથી એક ઇચ્છા હતી કે તે એક મોટું પુસ્તકાલય ખોલે. દેશ ત્યારે ગુલામ હતો, કેટલીક પરિસ્થિતિઓ એવી હતી કે બાળપણનું સપનું, ત્યારે સપનું જ રહી ગયું. સમય સાથે વિઠ્ઠલાચાર્યજી, લેક્ચરર બન્યાં, તેલુગુ ભાષાનો ઊંડો અભ્યાસ કર્યો અને તેમાં જ કેટલીય સરસ રચનાઓનું સર્જન પણ કર્યું. 6-7 વર્ષ પહેલાં એક વાર ફરી તેઓ પોતાનું સપનું પૂરું કરવાં માટે લાગી ગયાં. તેમણે પોતાની પુસ્તકો દ્વારા પુસ્તકાલયની શરૂઆત કરી. પોતાનાં જીવનભરની કમાણી તેમાં ખર્ચી નાખી. ધીરે-ધીરે લોકો તેની સાથે જોડાતાં ગયાં અને યોગદાન આપતાં રહ્યાં. યદાદ્રી-ભુવનાગિરી જીલ્લાનાં રમન્નાપેટ મંડળનાં આ પુસ્તકાલયમાં લગભગ બે લાખ જેટલાં પુસ્તકો છે. વિઠ્ઠલાચાર્યજી કહે છે કે અભ્યાસને લઇને તેમને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, તે કોઇ બીજાને ન કરવો પડે. તેમને આજે એ જોઇને ખૂબ સારું લાગે છે કે, ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને તેનો લાભ મળી રહ્યો છે. તેમનાં પ્રયત્નોથી પ્રેરીત થઇને, કેટલાંય બીજાં ગામડાંઓનાં લોકો પણ પુસ્તકાલય બનાવવાં લાગી ગયા છે.

સાથીઓ, પુસ્તકો માત્ર જ્ઞાન જ નથી આપતું પરંતુ વ્યક્તિત્વને નિખારે છે, જીવનને પણ ગઢે છે. પુસ્તકો વાંચવાનો શોખ એક અદભુત સંતોષ આપે છે. આજકાલ હું જોઉં છું કે, લોકો ખૂબ ગર્વ સાથે જણાવે છે કે આ વર્ષે મેં આટલાં પુસ્તકો વાંચ્યાં. હવે આગળ મારે કેટલાંક પુસ્તકો વધુ વાંચવા છે. આ એક સારો ટ્રેન્ડ છે, જેને વધુ વિકસાવવો જોઇએ. હું પણ ‘મન કી બાત’નાં શ્રોતાઓને કહીશ કે, તમે આ વર્ષની પોતાની એ પાંચ પુસ્તકો વિશે જણાવો, જે તમારાં પ્રિય હોય. આ મુજબ તમે 2022મા બીજા પાઠકોને સારી પુસ્તકો પસંદ કરવામાં મદદ કરી શકશો.

આવા સમયમાં જ્યારે આપણો સ્ક્રિન ટાઇમ વધી રહ્યો છે ત્યારે બુક રિડીંગ વધુમાં વધું પ્રખ્યાત બને, તે માટે પણ આપણે મળીને પ્રયત્નો કરવાં જોઇએ.

મારાં વ્હાલાં દેશવાસીઓ, તાજેતરમાં જ મારું ધ્યાન એક રસપ્રદ પ્રયત્ન તરફ ગયું છે. એ પ્રયત્ન આપણાં પ્રાચીન ગ્રંથો અને સાંસ્કૃતિક મૂલ્યોને માત્ર ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાભરમાં લોકપ્રિય બનાવવાનાં છે. પૂનામાં Bhandarkar Oriental Research Institute નામનું એક કેન્દ્ર છે. આ કેન્દ્રમા બીજાં દેશોનાં લોકોને મહાભારતનાં મહત્વથી પરિચિત કરાવવા માટે ઓનલાઇન કોર્સ શરૂ કર્યો છે. તમે એ જાણીને દંગ રહી જશો કે આ કોર્સ ભલે તાજેતરમાં જ શરૂ કરાયો છે પરંતુ જે કંટેન્ટ ભણાવવામાં આવે છે તેને તૈયાર કરવાની શરૂઆત 100 વર્ષથી પણ પહેલાં થઇ હતી. જ્યારે સંસ્થાએ એનાથી જોડાયેલ કોર્સ શરૂ કર્યો તો તેને જબરદસ્ત પ્રતિભાવ મળ્યો. હું આ શાનદાર પહેલની ચર્ચા એટલા માટે કરી રહ્યો છું કારણકે લોકોને જાણ થાય કે આપણી પરંપરાનાં વિભિન્ન પાસાંઓને કેવી રીતે મોડર્ન પધ્ધતિથી પ્રસ્તુત કરાઇ રહ્યાં છે. સાત સમુદ્ર પાર બેઠેલાં લોકો સુધી તેનો લાભ કેવી રીતે પહોંચે, તેનાં માટે પણ નિતનવા પ્રયત્નો અપનાવવામાં આવી રહ્યાં છે.

સાથીઓ, આજે દુનિયાભરમાં ભારતીય સંસ્કૃતિ વિશે જાણવામાં રસ વધી રહ્યો છે. ભિન્ન-ભિન્ન દેશોનાં લોકો માત્ર આપણી સંસ્કૃતિ વિશે જાણવાં માટે ઉત્સુક જ નથી પણ તેને વધારવામાં મદદ પણ કરી રહ્યાં છે. આવાં જ એક વ્યક્તિ છે, સર્બિયન સ્કોલર ડો. મોમિર નિકિચ (Serbian Scholar Dr. Momir Nikich). તેમણે એક Bilingual Sanskrit-Serbian ડિક્શનરી તૈયાર કરી છે. આ ડિક્શનરીમાં સામેલ કરેલ સંસ્કૃતનાં 70 હજારથી પણ વધુ શબ્દોનો સર્બિયન ભાષામાં અનુવાદ કરાયો છે. તમને એ જાણીને વધુ સારું લાગશે કે ડો. નિકિચે 70 વર્ષની ઉંમરે સંસ્કૃત ભાષા શીખી છે.

 

 

 

તેઓ જણાવે છે કે આની પ્રેરણા તેમને મહાત્મા ગાંધીનાં લેખોને વાંચીને મળી. આ જ પ્રકારનું ઉદાહરણ મંગોલિયાનાં 93 વર્ષનાં પ્રોફેસર જે. ગેંદેધરમનું પણ છે. પાછલાં ચાર દાયકાઓથી તેમણે ભારતનાં લગભગ 40 પ્રાચીન ગ્રંથો, મહાકાવ્યો અને રચનાઓનો મંગોલિયન ભાષામાં અનુવાદ કર્યો છે. આપણાં દેશમાં પણ આ પ્રકારનાં જુસ્સા સાથે ઘણાં બધાં લોકો કામ કરી રહ્યાં છે. મને ગોવાનાં સાગર મુલેજીનાં પ્રયત્નો વિશે પણ જાણવાં મળ્યું, જે સેંકડોં વર્ષ જુની ‘કાવી’ ચિત્રકળાને લુપ્ત થતાં બચાવવા તરફ લાગેલા છે. ‘કાવી’ ચિત્રકળાએ ભારતનાં પ્રાચીન ઇતિહાસને પોતાનાંમાં સમાવ્યો છે. જોકે, ‘કાવ’નો અર્થ થાય છે – લાલ માટી. પ્રાચીન કાળમાં આ કળામાં લાલ માટીનો ઉપયોગ કરવામાં આવતો હતો. ગોવામાં પોર્ટુગિઝ શાસન દરમિયાન ત્યાંથી પલાયન થનારા લોકોએ બીજા રાજ્યનાં લોકોને પણ આ અદભુત ચિત્રકળાનો પરિચય કરાવ્યો. સમયની સાથે તે ચિત્રકળા લુપ્ત થઇ રહી હતી. પરંતુ સાગર મુલેજીએ આ કળામાં નવા પ્રાણ પૂર્યા છે. તેમનાં આ પ્રયત્નને ભરપૂર પ્રશંસા પણ મળી રહી છે. સાથીઓ, એક નાનો પ્રયત્ન, એક નાનું પગલું, આપણી સમૃદ્ધ કળાઓનાં સંરક્ષણમાં ખૂબ મોટું યોગદાન આપી શકે છે. જો આપણાં દેશનાં લોકો નિશ્ચય કરી લે, તો દેશભરમાં આપણી પ્રચીન કળાઓને સજાવવા, માવજત અને સંરક્ષનો ઉત્સાહ એક જન-આંદોલનનું રૂપ લઇ શકે છે. મેં અહીં અમુક જ પ્રયત્નો વિશે વાત કરી છે. દેશભરમાં આ પ્રકારનાં અનેક પ્રયત્નો થઇ રહ્યાં છે. તમે તેની જાણકારી Namo App મારફતે મારાં સુધી જરૂર પહોંચાડો.

મારા વ્હાલાં દેશવાસીઓ, અરુણાચલ પ્રદેશનાં લોકોએ સમગ્ર વર્ષ દરમિયાન એક અનોખું અભિયાન ચલાવ્યું છે અને તેને નામ આપ્યું છે – “અરુણાચલ પ્રદેશ એરગન સરેંડર અભિયાન”. આ અભિયાનમાં, લોકો, સ્વેચ્છાએ પોતાની એરગન સરેંડર કરી રહ્યાં છે – જાણો છો કેમ?

જેનાથી અરુણાચલ પ્રદેશમાં પક્ષીઓનો અંધાધૂંધ શિકાર રોકી શકાય. સાથીઓ, અરુણાચલ પ્રદેશ પક્ષીઓની 500થી પણ વધુ પ્રજાતિઓનું ઘર છે. એમાં કેટલીક એવી દેશી પ્રજાતિઓ પણ સામેલ છે, જે દુનિયામાં ક્યાંય બીજે મળી નથી શકતી. પરંતુ ધીરે-ધીરે હવે જંગલોમાં પક્ષીઓની સંખ્યામાં ઘટ આવી રહી છે. તેને સુધારવાં માટે જ હવે એરગન સરેંડર અભિયાન ચાલી રહ્યું છે. પાછલા કેટલાક મહિનાઓમાં પહાડથી મેદાનનાં વિસ્તારો સુધી, એક Communityથી લઇને બીજી Community સુધી, રાજ્યમાં દરેક દિશામાં લોકોએ આને ખુલ્લા દિલથી સ્વીકાર્યું છે. અરુણાચલનાં લોકો પોતાની ઇચ્છાથી આજ સુધી 1600થી પણ વધુ એરગન સરેંડર કરી ચુક્યાં છે. હું અરુણાચલનાં લોકોની, આ માટે પ્રશંસા કરું છું, તેમને અભિનંદન પાઠવું છું.

 

 

મારાં વ્હાલાં દેશવાસીઓ, આપ સૌ તરફથી 2022 થી જોડાયેલ ઘણાં બધા સંદેશ અને સૂચન આવ્યાં છે. એક વિષય દર વખતની જેમ મોટાભાગનાં લોકોનાં સંદેશામાં છે. તે છે સ્વચ્છતા અને સ્વચ્છ ભારતનો. સ્વચ્છતાનો આ સંકલ્પ અનુશાસનથી, સજાગતાથી અને સમર્પણથી જ પૂરો થશે. આપણે એનસીસી કેડેટ્સ (NCC Cadets) દ્વારા શરૂ કરાયેલ પુનીત સાગર અભિયાનમાં પણ તેની ઝલક જોઇ શકીએ છીએ. આ અભિયાનમાં 30 હજારથી વધુ એનસીસી કેડેટ્સ સામેલ થયાં. NCCનાં આ કેડેટ્સે દરિયાકિનારાઓ(beaches) પરની સફાઇ કરી, ત્યાંથી પ્લાસ્ટિક કચરો ઉપાડીને તેને રિસાઇકલીંગ માટે ભેગો કર્યો. આપણાં દરિયાકિનારાઓ, આપણાં પહાડો ફરવાલાયક ત્યારે જ બને છે જ્યારે ત્યાં સફાઇ થાય. ઘણાં બધાં લોકો કોઇક સ્થળે જવા માટે જીવનભર સપનાં જુએ છે, પરંતુ જ્યારે ત્યાં જાય છે ત્યારે જાણતા-અજાણતાં જ કચરો પણ ફેલાવીને આવે છે. આ દરેક દેશવાસીઓની જવાબદારી છે કે જે જગ્યા આપણને આટલી ખુશી આપે છે, આપણે તેને અસ્વચ્છ ન કરીએ.

સાથીઓ, મને saafwater (સાફવોટર) નામનાં એક સ્ટાર્ટ-અપ વિશે જાણ થઇ, જેને કેટલાંક યુવાનોએ શરૂ કર્યું છે. તે Artificial Intelligence અને internet of thingsની મદદથી લોકોને તેમનાં વિસ્તારમાં પાણીની શુદ્ધતા અને ગુણવત્તા સાથે જોડાયેલ બાબતો વિશે જાણકારી આપશે. તે સ્વચ્છતાનું જ આગળનું પગલું છે. લોકોનાં સ્વસ્છ અને સ્વસ્થ ભવિષ્ય માટે તે સ્ટાર્ટ અપનાં મહત્વને જોતાં તેને એક ગ્લોબલ એવોર્ડ પણ મળ્યો છે.

સાથીઓ, ‘एक कदम स्वच्छता की ओर’ આ પ્રયત્નમાં સંસ્થાઓ હોય કે સરકાર, દરેકની મહત્વપૂર્ણ ભૂમિકા છે. આપ સૌ જાણો છો કે પહેલાં સરકારી કચેરીઓમાં જૂની ફાઇલો અને કાગળોનો કેટલો ઢગલો પડી રહેતો હતો. જ્યારથી સરકારે જૂની પધ્ધતિઓને બદલવાનું શરૂ કર્યું છે, તે ફાઇલ્સ અને કાગળનાં ઢગલાં Digitize થઇને કોમ્પ્યુટરનાં ફોલ્ડરમાં સમાતા જઇ રહ્યાં છે. જેટલું જૂનું અને પેન્ડિગ મટીરીઅલ છે, તેને પૂરું કરવાં માટે મંત્રાલયો અને વિભાગોમાં વિશેષ અભિયાન પણ ચલાવાઇ રહ્યું છે. આ અભિયાનથી કેટલીક ખૂબ રસપ્રદ બાબતો સામે આવી છે. પોસ્ટખાતામાં જ્યારે તે સફાઇ અભિયાન ચાલ્યું ત્યારે ત્યાંનું જંકયાર્ડ સંપૂર્ણ રીતે ખાલી થઇ ગયું. હવે આ જંકયાર્ડને courtyard અને cafeteriaમાં બદલી કઢાયું છે. એક તરફ જંકયાર્ડ ટુ વ્હિલર્સ માટે પાર્કિંગ સ્પેસ બનાવાયું છે. આ રીતે પર્યાવરણ મંત્રાલયે પોતાનાં ખાલી થયેલ જંકયાર્ડને વેલનેસ સેન્ટરમાં પરિવર્તીત કરી દીધું, શહેરી કાર્ય મંત્રાલયે તો એક સ્વચ્છ ATM પણ સ્થાપિત કર્યું છે. તેનો હેતુ છે કે લોકો કચરો આપે અને બદલામાં કેશ લઇને જાય. Civil Aviation Ministry નાં વિભાગોએ વૃક્ષ પરથી ખરી પડતાં સૂકાં પાંદડાંઓને અને જૈવિક કચરામાંથી જૈવિક ખાતર બનાવવાનું શરૂ કર્યું છે.

આ વિભાગ વેસ્ટ પેપરમાંથી સ્ટેશનરી પણ બનાવવાનું કામ કરી રહ્યું છે. આપણાં સરકારી વિભાગ પણ સ્વચ્છતા જેવાં વિષય પર આટલાં ઇનોવેટીવ થઇ શકે છે. કેટલાંક વર્ષ પહેલાં સુધી કોઇને પણ આવો વિશ્વાસ પણ નહોતો થતો, પરંતુ આજે તે વ્યવસ્થાનો ભાગ બની રહ્યું છે. આ જ તો દેશનો નવો વિચાર છે જેનું નેતૃત્વ દરેક દેશવાસી મળીને કરી રહ્યાં છે.

મારાં વ્હાલા દેશવાસીઓ, ‘મન કી બાત’ માં આ વખતે પણ આપણે ઘણાં બધાં વિષયો પર વાત કરી છે. દર વખતની જેમ, એક મહિના પછી, આપણે ફરી મળીશું, પરંતુ 2022માં. દરેક નવી શરૂઆત પોતાનાં સામર્થ્યને ઓળખવાનો પણ એક અવસર લઇને આવે છે. જે લક્ષ્યોની પહેલાં આપણે કલ્પના પણ નહોતી કરતાં, આજે દેશ તેનાં માટે પ્રયત્ન કરી રહ્યો છે. આપણે ત્યાં કહેવાયું છે –

 

क्षणश: कणशश्चैव, विद्याम् अर्थं च साधयेत् |

क्षणे नष्टे कुतो विद्या, कणे नष्टे कुतो धनम् ||

એટલે કે, જ્યારે આપણે વિદ્યા અર્જિત કરવી હોય, કંઇક નવું શીખવું હોય, કરવું હોય ત્યારે આપણે દરેક પળનો ઉપયોગ કરવો જોઇએ. અને જ્યારે આપણે ધન અર્જિત કરવું હોય, એટલે કે, ઉન્નતિ-પ્રગતિ કરવી હોય ત્યારે દરેક કણનું એટલે કે દરેક સંસાધનનો, યોગ્ય ઉપયોગ કરવો જોઇએ. કેમકે, પળ નષ્ટ થવાથી વિદ્યા અને જ્ઞાન જતુ રહે છે અને કણ નષ્ટ થવાથી, ધન અને પ્રગતિનાં રસ્તા બંધ થઇ જાય છે. આ વાત આપણાં સૌ દેશવાસીઓ માટે પ્રેરણા છે. આપણે કેટલું બધું શીખવાનું છે, નવા નવા ઇનોવેશન્સ કરવાનાં છે, નવા-નવા લક્ષ્ય હાસિલ કરવાનાં છે, એટલાં માટે આપણે એક પણ પળ વેડફ્યા વગર કાર્યરત રહેવું પડશે. આપણે દેશને વિકાસની નવી ઊંચાઇઓ પર લઇને જવાનો છે, એટલા માટે આપણે આપણા દરેક સંસાધનોનો સંપૂર્ણ ઉપયોગ કરવો પડશે.

તે એક રીતે, આત્મનિર્ભર ભારતનો પણ મંત્ર છે, કેમકે, આપણે જ્યારે આપણાં સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરીશું, તેને વ્યર્થ નહીં થવા દઇએ, ત્યારે જ આપણે લોકલની તાકાતને ઓળખીશું, ત્યારે જ તો દેશ આત્મનિર્ભર બનશે. એટલા માટે, આવો આપણે આપણો સંકલ્પ દોહરાવીએ કે મોટું વિચારીશું, મોટા સપના જોઇશું અને તેને પૂરા કરવા માટે જીવ રેડી દઇશું. અને, આપણાં સપનાં માત્ર આપણાં સુધી સીમિત નહીં રહે. આપણાં સપનાં એવાં બનશે કે જેનાથી આપણો સમાજ અને દેશનો વિકાસ જોડાયેલ હોય, આપણી પ્રગતિથી દેશની પ્રગતિનાં રસ્તા ખુલશે અને તેનાં માટે, આપણે આજને જોતરવી પડશે, એક પળ પણ વેડફ્યા વગર, એક કણ વેડફ્યા વગર. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ જ સંકલ્પ સાથે આવનારા વર્ષોમાં દેશ આગળ વધશે, અને 2022, એક નવા ભારતનાં નિર્માણ માટેનું સ્વર્ણિમ પૃષ્ઠ બનશે. આ જ વિશ્વાસ સાથે, આપ સૌને 2022ની ઘણી  બધી શુભકામનાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ.