મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે 2025ની પહેલી મન કી બાત થઇ રહી છે. તમે બધાએ એક વાતની જરૂર નોંધ લીધી હશે. દર વખતે મન કી બાત મહિનાના છેલ્લા રવિવારે થાય છે. પરંતુ આ વખતે આપણે એક અઠવાડિયું વહેલાં, એટલે કે, ચોથા રવિવારને બદલે ત્રીજા રવિવારે જ મળી રહ્યાં છીએ. કારણ કે, આવતા અઠવાડિયે રવિવારના દિવસે પ્રજાસત્તાક દિવસ છે. હું તમામ દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની આગોતરી શુભેચ્છાઓ પાઠવું છું.
સાથીઓ, આ વખતનો પ્રજાસત્તાક દિવસ ખૂબ વિશેષ છે. તે ભારતીય ગણતંત્રની 75મી વર્ષગાંઠ છે. આ વર્ષે બંધારણ અમલમાં મૂકાયાને 75 વર્ષ થઇ રહ્યાં છે. બંધારણ સભાના તે તમામ મહાનુભાવોને હું નમન કરૂં છું કે, જેમણે આપણને આપણું પવિત્ર બંધારણ આપ્યું. બંધારણ સભા દરમિયાન અનેક વિષયો ઉપર વિસ્તૃત ચર્ચાઓ થઇ હતી. આ ચર્ચાઓ બંધારણ સભાના સભ્યોના વિચાર, તેમની વાણી, આપણો બહુ મોટો વારસો છે. આજે મન કી બાતમાં મારો પ્રયત્ન છે કે, તમને કેટલાક મહાન નેતાઓનો અસલ અવાજ સંભળાવું.
સાથીઓ બંધારણ સભાએ જયારે પોતાનું કામ શરૂ કર્યું તો બાબાસાહેબ આંબેડકરે પરસ્પર સહયોગ બાબતે એક બહુ મહત્વની વાત કરી હતી. તેમનું આ સંબોધન અંગ્રેજીમાં છે. હું તેના કેટલાક અંશ આપને સંભળાવું છું.
(ઓડિયો)
“So far as the ultimate goal is concerned, I think none of us need have any apprehensions. None of us need have any doubt, but my fear which I must express clearly is this, our difficulty as I said is not about the ultimate future. Our difficulty is how to make the heterogeneous mass that we have today, take a decision in common and march in a cooperative way on that road which is bound to lead us to unity. Our difficulty is not with regard to the ultimate; our difficulty is with regard to the beginning.”
“જ્યાં સુધી અંતિમ ધ્યેયનો સવાલ છે, મને લાગે છે કે આપણામાંથી કોઈને પણ કોઈ શંકા રાખવાની જરૂર નથી. આપણામાંથી કોઈને પણ કોઈ શંકા રાખવાની જરૂર નથી, પરંતુ મારો ડર જે મારે સ્પષ્ટપણે વ્યક્ત કરવો જોઈએ તે એ છે કે, આપણી મુશ્કેલી જેમ મેં કહ્યું તેમ અંતિમ ભવિષ્ય વિશે નથી. આપણી મુશ્કેલી એ છે કે આજે આપણી પાસે જે વિવિધતાપૂર્ણ જનસમૂહ છે તેને કેવી રીતે બનાવવો, સામાન્ય નિર્ણય લેવો અને સહકારી રીતે તે માર્ગ પર કેવી રીતે આગળ વધવું જે આપણને એકતા તરફ દોરી જશે. આપણી મુશ્કેલી અંતિમ બાબતમાં નથી; આપણી મુશ્કેલી શરૂઆત અંગે છે.”
સાથીઓ, બાબાસાહેબ એ વાત પર ભાર મૂકી રહ્યા હતા કે, બંધારણ સભા એક સાથે, એક મત બને, અને સાથે મળીને સર્વહિત માટે કામ કરે. હું તમને બંધારણ સભાની વધુ એક ઓડિયો ક્લિપ સંભળાવું છું. આ અવાજ ડૉ.રાજેન્દ્ર પ્રસાદજીનો છે. જેઓ આપણી બંધારણ સભાના અધ્યક્ષ હતા. આવો ડૉ.રાજેન્દ્ર પ્રસાદજીને સાંભળીએ.
(ઓડિયો)
“આપણો ઇતિહાસ આપણને જણાવે છે અને આપણી સંસ્કૃતિ આપણને શીખવે છે કે આપણે શાંતિપ્રિય છીએ અને રહી ચૂક્યા છીએ. આપણું સામ્રાજ્ય અને આપણા વિજયો એક અલગ પ્રકારના રહ્યા છે; આપણે ક્યારેય બીજાઓને લોખંડની સાંકળોથી બાંધવાનો પ્રયાસ કર્યો નથી, પછી ભલે તે સોનાની હોય કે લોખંડની. આપણે બીજાઓને રેશમી દોરાથી પોતાની સાથે બાંધી દીધા છે જે લોખંડની સાંકળ કરતાં વધુ મજબૂત છે પણ વધુ સુંદર અને સુખદ છે અને તે બંધન ધર્મ, સંસ્કૃતિ અને જ્ઞાનનું છે. આપણે એ જ રસ્તે ચાલતા રહીશું અને આપણી એક જ ઈચ્છા અને ઇચ્છા છે, તે ઈચ્છા એ છે કે આપણે દુનિયામાં સુખ અને શાંતિ સ્થાપિત કરવામાં મદદ કરી શકીએ અને દુનિયાને સત્ય અને અહિંસાનું અચૂક શસ્ત્ર આપી શકીએ જેણે આપણને શક્તિ આપી છે. આજે. સ્વતંત્રતા તરફ દોરી ગયું. આપણા જીવનમાં અને સંસ્કૃતિમાં કંઈક એવું છે જેણે આપણને સમયના પ્રકોપ છતાં ટકી રહેવાની શક્તિ આપી છે. જો આપણે આપણા આદર્શોને આપણી સામે રાખીશું, તો આપણે વિશ્વની મહાન સેવા કરી શકીશું.
સાથીઓ, ડૉ.રાજેન્દ્ર પ્રસાદજીએ માનવીય મૂલ્યો પ્રત્યે દેશની વચનબદ્ધતાની વાત કરી હતી. હવે હું તમને ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીનો અવાજ સંભળાવું છું. તેમણે સમાન તકોનો વિષય ઉઠાવ્યો હતો. ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીએ કહ્યું હતું –
(ઓડિયો)
“મને આશા છે કે સાહેબ આપણે બધી મુશ્કેલીઓ છતાં આપણું કાર્ય આગળ વધારીશું અને એ રીતે એક મહાન ભારતનું નિર્માણ કરવામાં મદદ કરીશું જે આ સમુદાય કે તે સમુદાયની નહીં, આ વર્ગ કે તે સમુદાયની નહીં, પરંતુ આ મહાન ભૂમિમાં રહેતા દરેક વ્યક્તિ, પુરુષ, સ્ત્રી અને બાળકની જાતિ, જાતિ, પંથ કે સમુદાયને ધ્યાનમાં લીધા વિના, માતૃભૂમિ હશે. દરેકને સમાન તક મળશે, જેથી તે પોતાની શ્રેષ્ઠ પ્રતિભા અનુસાર પોતાનો વિકાસ કરી શકે અને ભારતની મહાન સામાન્ય માતૃભૂમિની સેવા કરી શકે.”
સાથીઓ, મને આશા છે કે, તમને પણ બંધારણ સભાની ચર્ચાના આ મૂળ અવાજ સાંભળવાનું ગમ્યું હશે. આપણે દરેક દેશવાસીએ આ વિચારોમાંથી પ્રેરણા લઇને એવા ભારતના નિર્માણ માટે કામ કરવાનું છે, જેના પર આપણા બંધારણના ઘડવૈયાઓને પણ ગર્વ થાય.
સાથીઓ, પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા 25મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ છે. આ દિવસ એટલા માટે મહત્વનો છે કે, આ દિવસે ભારતીય ચૂંટણીપંચની સ્થાપના થઇ હતી. ચૂંટણી પંચ. આપણા બંધારણના ઘડવૈયાઓએ બંધારણમાં આપણા ચૂંટણીપંચને, લોકશાહીમાં લોકભાગીદારીને, બહુ મોટું સ્થાન આપ્યું છે. દેશમાં જ્યારે 1951-52માં પહેલીવાર ચૂંટણીઓ થઇ તો કેટલાક લોકોને શંકા હતી કે, શું આપણા દેશની લોકશાહી જીવીત રહેશે ખરી ? પરંતુ આપણી લોકશાહીએ બધી શંકાઓને ખોટી સાબિત કરી. આખરે, ભારત લોકશાહીની જનેતા છે. વિતેલા દાયકાઓમાં પણ દેશની લોકશાહી સશક્ત બની છે. સમૃદ્ધ થઇ છે. હું ચૂંટણીપંચને પણ ધન્યવાદ આપીશ કે, જેણે સમયાંતરે આપણી મતદાન પ્રક્રિયાને આધુનિક બનાવી છે, મજબૂત કરી છે. પંચે લોકશક્તિને વધુ તાકાત આપવા માટે ટેકનિકની શક્તિનો ઉપયોગ કર્યો. ચૂંટણીપંચને નિષ્પક્ષ ચૂંટણીની તેમની પ્રતિબદ્ધતા માટે હું અભિનંદન આપું છું. હું દેશવાસીઓને કહીશ કે, તેઓ વધુમાં વધુ સંખ્યામાં પોતાના મતના અધિકારનો ઉપયોગ કરે, હંમેશા કરે, અને દેશની લોકશાહી પ્રક્રિયાનો હિસ્સો પણ બને, અને આ પ્રક્રિયાને સુદ્રઢ પણ બનાવે.
મારા વ્હાલા દેશવાસીઓ, પ્રયાગરાજમાં મહાકુંભના શ્રીગણેશ થઇ ચૂક્યા છે. ચીરસ્મરણિય માનવમહેરામણ, અકલ્પનીય દ્રશ્ય અને સમતા-સમરસતાનો અસાધારણ સંગમ. કુંભમાં આ વખતે અનેક દિવ્ય યોગ પણ બની રહ્યા છે. કુંભનો આ ઉત્સવ વિવિધતામાં એકતાનો ઉત્સવ બની રહ્યો છે. સંગમની રેતી ઉપર સમગ્ર ભારતના, પૂરી દુનિયાના લોકો જોડાઇ રહ્યા છે. હજારો વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં ક્યાંય પણ કોઇ ભેદભાવ નથી, જાતિવાદ નથી. તેમાં ભારતના દક્ષિણમાંથી લોકો આવે છે, પૂર્વ અને પશ્ચિમમાંથી પણ લોકો આવે છે. કુંભમાં અમીર ગરીબ સૌ એક થઇ જાય છે. બધા લોકો સંગમમાં ડૂબકી લગાવે છે, એક સાથે ભંડારામાં ભોજન કરે છે, પ્રસાદ લે છે, એટલે તો, કુંભ એકતાનો મહાકુંભ છે. કુંભનું આયોજન આપણને એ પણ સૂચિત કરે છે કે, કેવી રીતે આપણી પરંપરાઓ સમગ્ર ભારતને એક તાંતણે બાંધે છે. ઉત્તરથી દક્ષિણ સુધી માન્યતાઓને માનવાની રીતો એક જેવી જ છે. એક તરફ પ્રયાગરાજ, ઉજ્જૈન, નાસિક અને હરિદ્વારમાં કુંભનું આયોજન થાય છે. તો તે જ રીતે, દક્ષિણ પ્રદેશમાં ગોદાવરી, કૃષ્ણા, નર્મદા અને કાવેરી નદીના તટ પર પુષ્કરમ યોજાય છે. આ બંને પર્વો આપણી પવિત્ર નદીઓ સાથે તેઓની માન્યતાઓ સાથે જોડાયેલા છે. એ રીતે જ, કુંભકોણમથી થિરૂક્કડ-યૂડ, કૂડ-વાસલથી થિરૂચેરઇ અનેક એવા મંદિરો છે, જેમની પરંપરાઓ કુંભ સાથે જોડાયેલી છે.
સાથીઓ, આ વખતે તમે બધાએ જોયું હશે કે, કુંભમાં યુવાનોની ભાગીદારી બહુ વ્યાપક રૂપમાં નજરે પડે છે, અને એ પણ સાચું છે કે, જ્યારે યુવાપેઢી પોતાની સભ્યતાની સાથે ગર્વની સાથે જોડાઇ જાય છે, તો તેમના મૂળ વધુ મજબૂત બને છે, અને ત્યારે તેમનું સ્વર્ણિમ ભવિષ્ય પણ સુનિશ્ચિત બની જાય છે. આ વખતે આપણે કુંભની digital footprints પણ એટલા મોટા પ્રમાણમાં જોઇ રહ્યા છીએ. કુંભની આ વૈશ્વિક લોકપ્રિયતા દરેક ભારતીય માટે ગર્વની બાબત છે.
સાથીઓ, થોડા દિવસ પહેલાં જ પશ્ચિમ બંગાળમાં ગંગાસાગર મેળાનું પણ ભવ્ય આયોજન થયું છે. સંક્રાંતિના પાવન અવસરે આ મેળામાં દુનિયાભરમાંથી આવેલા લાખો શ્રધ્ધાળુઓએ ડૂબકી લગાવી છે. ‘કુંભ પુષ્કરમ અને ગંગાસાગર મેળો’ જેવા આપણા આ પર્વો આપણા સામાજીક મનમેળને, સદભાવને, એકતાને વધારનારા પર્વો છે. આ પર્વ ભારતના લોકોને ભારતીય પરંપરાઓ સાથે જોડે છે, અ જેમ આપણા શાસ્ત્રોએ સંસારમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારેય પર ભાર મૂક્યો છે, તે જ રીતે આપણા પર્વો અને પરંપરાઓ પણ આધ્યાત્મિક, સામાજીક, સાંસ્કૃતિક અને આર્થિક એમ દરેક પાસાને પણ સશક્ત કરે છે.
સાથીઓ, આ મહિને આપણે પોષ સુદ દ્વાદશીના દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના પર્વની પહેલી વર્ષગાંઠ ઉજવી. આ વર્ષ પોષ સુદ દ્વાદશી અગિયાર જાન્યુઆરીએ આવી હતી. તે દિવસે પણ લાખો રામભક્તોએ અયોધ્યામાં રામલલ્લાના સાક્ષાત દર્શન કરીને તેઓના આશીર્વાદ લીધા હતા. પ્રાણપ્રતિષ્ઠાની આ દ્વાદશી ભારતની સાંસ્કૃતિક ચેતનાની પુનઃપ્રતિષ્ઠાની દ્વાદશી છે. એટલા માટે, પોષ સુદ દ્વાદશીનો આ દિવસ એક રીતે પ્રતિષ્ઠા દ્વાદશીનો દિવસ પણ બની ગયો છે. આપણે વિકાસના રસ્તે ચાલતા બસ આમ જ પોતાની વિરાસતનું પણ જતન કરવાનું છે. તેમાંથી પ્રેરણા લઇને આગળ વધવાનું છે.
મારા વ્હાલા દેશવાસીઓ, 2025ની શરૂઆતમાં ભારતે અવકાશ ક્ષેત્રે પણ અનેક ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી છે. આજે મને જણાવતાં ગર્વ થાય છે કે, એક ભારતીય space-tech start-up, બેંગલૂરૂના પિકસેલે ભારતના પહેલા વ્યક્તિગત satellite constellation – ‘Firefly’ નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યુ છે. આ satellite constellation દુનિયાનો સૌથી High-Resolution Hyper Spectral Satellite Constellation છે. આ સફળતા આપણા ખાનગી અંતરિક્ષ ક્ષેત્રની વધી રહેલી તાકાત અને નવિનીકરણનું પ્રતિક છે. હું આ સિદ્ધિ બદલ Pixxel ની ટીમ ISRO, અને IN-SPACeને પૂરા દેશ તરફથી અભિનંદન પાઠવું છું.
સાથીઓ, થોડા દિવસ પહેલાં આપણા વૈજ્ઞાનિકોએ અંતરિક્ષ ક્ષેત્રમાં જ એક વધુ મોટી ઉપલબ્ધિ હાંસલ કરી. આપણા વિજ્ઞાનીઓએ satellitesનું space docking કરાવ્યું છે. અંતરિક્ષમાં જ્યારે બે અવકાશયાનને એકબીજા સાથે જોડવામાં આવે છે, ત્યારે તે પ્રક્રિયાને space docking કહે છે. આ ટેકનિક અંતરિક્ષમાં સ્પેસ સ્ટેશન સુધી જરૂરી ચીજવસ્તુઓ મોકલવા અને અવકાશયાત્રીઓ માટે પણ ખૂબ મહત્વની છે. ભારત એવો ચોથો દેશ બન્યો છે, જેણે આ સફળતા હાંસલ કરી છે.
સાથીઓ, આપણા વિજ્ઞાનીઓ અંતરિક્ષમાં છોડ ઉગાડવાના અને તેમને જીવીત રાખવાના પ્રયાસો પણ કરી રહ્યા છે. માટે, ઇસરોના વિજ્ઞાનીઓએ ચોળીના બીજને પસંદ કર્યા હતા. 30 ડીસેમ્બરે મોકલવામાં આવેલા આ બીજ અંતરિક્ષમાં જ ઉગી નીકળ્યા હતા. આ એક ખૂબ જ પ્રેરણાદાયક પ્રયોગ છે, જે, ભવિષ્યમાં અંતરિક્ષમાં શાકભાજી ઉગાડવાનો માર્ગ ખોલશે. આ બતાવે છે કે, આપણા વિજ્ઞાનીઓ કેટલી દૂરદર્શિતા સાથે કામ કરી રહ્યા છે.
સાથીઓ, હું તમને એક પ્રેરણાદાયક પહેલ વિશે જણાવવા માગું છું. IIT મદ્રાસનું ExTeM કેન્દ્ર અંતરિક્ષમાં ઉત્પાદન માટે નવી ટેકનિકો પર કામ કરી રહ્યું છે. આ કેન્દ્ર અંતરિક્ષમાં 3D–Printed buildings, metal foams और અને optical fibers જેવી ટેકનોલિજી પર સંશોધન કરી રહ્યું છે. આ કેન્દ્ર પાણી વિના કોંક્રિટ બનાવવા જેવી ક્રાંતિકારી રીત પણ વિકસાવી રહ્યું છે. ExTeM નું આ સંશોધન ભારતના ગગનયાન મિશન અને ભવિષ્યના અંતરિક્ષ કેન્દ્રને પણ મજબૂતાઇ આપશે. તેનાથી ઉત્પાદન ક્ષેત્રમાં પણ આધુનિક ટેકનોલોજીના નવા માર્ગ ખૂલશે.
સાથીઓ, આ તમામ સિદ્ધિઓ એ વાતનો પૂરાવો છે કે, ભારતના વૈજ્ઞાનિકો અને સંશોધકો ભવિષ્યના પડકારોનો ઉકેલ આપવા માટે કેટલા દ્રષ્ટિવાન છે. આપણો દેશ આજે અંતરિક્ષ ટેકનોલોજીમાં નવા વિક્રમો સ્થાપી રહ્યો છે. હું ભારતના વૈજ્ઞાનિકો સંશોધકો અને યુવા ઉદ્યમીઓને સમગ્ર દેશ તરફથી શુભેચ્છાઓ પાઠવું છું.
મારા વ્હાલા દેશવાસીઓ, તમે કેટલીય વાર માનવી અને પશુ વચ્ચે ગજબની દોસ્તીની તસ્વીરો જોઇ હશે, તમે પ્રાણીઓની વફાદારીની વાર્તાઓ પણ સાંભળી હશે. પ્રાણી પાલતું હોય કે, જંગલમાં રહેનારૂં પશુ, માનવી સાથેનો તેનો સંબંધ કેટલીય વાર નવાઇ પમાડી દે છે. જાનવર ભલે બોલી નથી શકતાં, પરંતુ તેમની ભાવનાઓને, તેમના હાવભાવને માનવી સારી રીતે જાણી લે છે. જાનવર પણ પ્રેમની ભાષાને સમજે છે, તેને નિભાવે પણ છે. હું તમને આસામનું એક ઉદાહરણ જણાવવા માગું છું. આસામમાં એક સ્થળ છે, ‘નૌગાંવ’. નૌગાંવ આપણા દેશની મહાન વિભૂતી શ્રીમંત શંકરદેવજીનું જન્મસ્થાન પણ છે. આ સ્થળ ખૂબ જ સુંદર છે. ત્યાં હાથીઓનું પણ એક મોટું ઠેકાણું છે. આ વિસ્તારમાં અનેકવાર એવી ઘટનાઓ જોવા મળતી હતી કે, જ્યાં હાથીઓના ઝુંડ ઉભા પાકને બરબાદ કરી દેતા હતા, ખેડૂતો પરેશાન રહેતા હતા. જેનાથી આસપાસનાં લગભગ સો ગામના લોકો ખૂબ પરેશાન હતા. પરંતુ ગામલોકો હાથીઓની પણ મજબૂરી સમજતા હતા. તેઓ જાણતા હતા કે, હાથી ભૂખ સંતોષવા માટે ખેતરોમાં આવતા હતા. એટલે ગામલોકોએ તેનું નિરાકરણ લાવવાનું વિચાર્યું. ગામલોકોની એક ટીમ બનાવી, જેનું નામ હતું, ‘હાથીબંધુ’. આ હાથીબંધુઓએ સમજદારી બતાવતા લગભગ 800 વિઘા ઉજ્જડ જમીન ઉપર એક અનોખો પ્રયાસ કર્યો. ત્યાં આ ગામલોકોએ પરસ્પર મળીને હાથીઘાસ એટલે કે, નેપિયર ગ્રાસ વાવ્યું. આ ઘાસને હાથીઓ બહુ પસંદ કરે છે. તેની અસર એ થઇ કે, હાથીઓએ ખેતરો તરફ જવાનું ઓછું કરી નાંખ્યું. હજારો ગ્રામજનો માટે આ બહુ મોટી રાહતની બાબત છે. તેમનો આ પ્રયાસ હાથીઓને પણ ગમી ગયો છે.
સાથીઓ, આપણી સંસ્કૃતિ અને વારસો આપણને આસપાસના પશુપક્ષીઓ સાથે પ્રેમથી રહેવાનું શીખવે છે. આપણા બધા માટે પણ આ બહુ આનંદની વાત છે કે, પાછલા બે મહિનામાં આપણા દેશમાં બે નવા વાઘ અભયારણ્ય બન્યા છે. તેમાંથી એક છે, છત્તીસગઢમાં ગુરૂ ઘાસીદાસ-તમોર પિંગલા વાઘ અભયારણ્ય અને બીજું છે, મધ્યપ્રદેશમાં રાતાપાની વાઘ અભયારણ્ય.
મારા વ્હાલા દેશવાસીઓ, સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, ‘જે વ્યક્તિમાં પોતાના વિચાર માટે ઝનૂન હોય છે, તે જ, પોતાના લક્ષ્યને હાંસલ કરી શકે છે.’ કોઇ વિચારને સફળ બનાવવા માટે આપણી લગન અને સમર્પણ સૌથી વધુ જરૂરી હોય છે. પૂરી લગન અને ઉત્સાહથી જ નાવિન્યતા(ઇનોવેશન), સર્જનાત્મકતા અને સફળતાનો માર્ગ ચોક્કસ નીકળે છે. થોડા દિવસ પહેલાં મને જ સ્વામિ વિવેકાનંદજીની જયંતિએ વિકસિત ભારત યુવા નેતા પરિચર્ચામાં ભાગ લેવાનું સૌભાગ્ય મળ્યું. ત્યાં મેં દેશના ખૂણેખૂણામાંથી આવેલા યુવા સાથીઓની સાથે મારો પૂરો દિવસ વિતાવ્યો. યુવાઓએ સ્ટાર્ટઅપ્સ, સંસ્કૃતિ, મહિલાઓ, યુવાઓ અને આંતરમાળખા જેવા કેટલાય ક્ષેત્રો વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા. આ કાર્યક્રમ મારા માટે બહુ યાદગાર રહ્યો.
સાથીઓ, થોડા દિવસ પહેલાં જ સ્ટાર્ટઅપ ઇન્ડિયાના નવ વર્ષ પૂરા થયાં છે. આપણા દેશમાં નવ વર્ષમાં જેટલા સ્ટાર્ટઅપ્સ બન્યાં છે, તેમાંથી અડધાથી વધુ બીજા અને ત્રીજા વર્ગના શહેરોમાંથી છે, અને જયારે આ વાત સાંભળીએ છીએ તો, દરેક હિન્દુસ્તાનીનું દિલ ખૂશ થઇ જાય છે, એટલે કે, આપણી સ્ટાર્ટઅપ્સ સંસ્કૃતિ મોટા શહેરો પૂરતી મર્યાદિત નથી રહી. અને તમને એ જાણીને નવાઇ લાગશે કે, નાના શહેરોના સ્ટાર્ટઅપ્સમાં અડધાથી વધુનું નેતૃત્વ આપણી દીકરીઓ કરી રહી છે. જ્યારે એવું સાંભળવા મળે છે કે, અંબાલા, હિસાર, કાંગડા, ચેંગલપટ્ટુ, બિલાસપુર, ગ્વાલિયર અને વાશિમ જેવા શહેર સ્ટાર્ટઅપ્સના કેન્દ્રો બની રહ્યા છે, તો મન પ્રફુલ્લિત થઇ જાય છે. નાગાલેન્ડ જેવા રાજયમાં ગયા વર્ષે સ્ટાર્ટઅપ્સની નોંધણીમાં 200 ટકાથી વધુની વૃદ્ધિ નોંધાઇ છે. Waste Management, Non-Renewable Energy, Biotechnology અને લોજીસ્ટીક એવા ક્ષેત્રો છે, જેની સાથે જોડાયેલા સ્ટાર્ટઅપ્સ સૌથી વધુ જોવા મળી રહ્યા છે. આ રૂઢિગત ક્ષેત્રો નથી, પરંતુ આપણા યુવા સાથીઓ પણ તો રૂઢિગતથી આગળનું વિચારે છે, એટલા તો તેમને સફળતા પણ મળી રહી છે.
સાથીઓ, 10 વર્ષ પહેલાં કોઇ સ્ટાર્ટઅપના ક્ષેત્રમાં જવાની વાત કરતું હતું તો, તેને જાતજાતના ટોણા સાંભળવા મળતા હતા. કોઇ એમ પુછતું હતું કે, આખરે આ સ્ટાર્ટઅપ શું હોય છે ? તો કોઇ કહેતું હતું કે, તેનાથી કંઇ થવાનું નથી. પરંતુ આજે જુઓ એક દાયકામાં કેટલું મોટું પરિવર્તન આવી ગયું. તમે પણ ભારતમાં ઉભી થઇ રહેલી નવી તકોનો ભરપૂર લાભ ઉઠાવો. તમે જો, પોતાના પર વિશ્વાસ રાખશો તો, તમારા સપનાને પણ નવી ઉંચાઇ મળશે.
મારા વ્હાલા દેશવાસીઓ, સારી નિયતથી નિઃસ્વાર્થ ભાવના સાથે કરેલા કામોની ચર્ચા દૂરસુદૂર પહોંચી જ જાય છે. અને આપણી મન કી બાત તો તેનો બહુ મોટો મંચ છે. આપણા આટલા વિશાળ દેશમાં છેક ઉંડાણમાં પણ જો કોઇ સારૂં કામ કરી રહ્યું હોય છે, કર્તવ્ય ભાવનાને સર્વોપરી રાખે છે તો, તેમના પ્રયાસોને લોકો સમક્ષ લાવવાનો આ સારામાં સારો મંચ છે. અરૂણાચલ પ્રદેશમાં દિપક નાબામજીએ સેવાનું અનોખું ઉદાહરણ રજૂ કર્યું છે. દિપકજી ત્યાં લિવિંગ હોમ ચલાવે છે. જ્યાં માનસિક રીતે બિમાર, શરીરથી અશક્ત લોકો અને વૃદ્ધોની સેવા કરવામાં આવે છે. એટલું જ નહિં, નશીલા પદાર્થોની લતના શિકાર લોકોની દેખરેખ પણ કરવામાં આવે છે. દિપક નાબામજીએ કોઇનીએ મદદ વિના સમાજના વંચિત લોકો, હિંસા પીડીત પરિવારો અને બેઘર લોકોને સહારો આપવાનું અભિયાન શરૂ કર્યું. આજે તેમની સેવાએ એક સંસ્થાનું રૂપ લઇ લીધું છે. તેમની સંસ્થાને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવી રહી છે. લક્ષદ્વીપના કવરતી દ્વીપ પર નર્સ તરીકે કામ કરનારાં કે.હિંદુમ્બીજીનું કામ પણ બહુ પ્રેરિત કરનારૂં છે. તમને એ જાણીને નવાઇ લાગશે કે, તેઓ 18 વર્ષ પહેલાં સરકારી નોકરીમાંથી નિવૃત્ત થઇ ચૂક્યા છે. પરંતુ આજે પણ એ જ કરૂણા અને સ્નેહની સાથે લોકોની સેવામાં જોડાયેલા છે. જેવી રીતે તેઓ પહેલાં ફરજ બજાવતા હતા. લક્ષદ્વીપના જ કે.જી.મોહમ્મદજીના પ્રયત્નો પણ એવા જ અદભૂત છે. તેમની મહેનતથી મિનીકૉય દ્વીપની સમુદ્રી જીવસૃષ્ટિ મજબૂત બની રહી છે. તેમણે પર્યાવરણ પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે કેટલાંયે ગીત લખ્યા છે. તેમને લક્ષદ્વીપ સાહિત્ય કલા અકાદમી તરફથી શ્રેષ્ઠ લોકગીત પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. કે.જી.મોહમ્મદ નિવૃત્તિ પછી ત્યાંના સંગ્રહાલય સાથે જોડાઇને પણ કામ કરી રહ્યા છે.
સાથીઓ, વધુ એક સારા સમાચાર પણ આંદામાન અને નિકોબાર ટાપુ સમૂહથી જ છે. નિકોબાર જીલ્લામાં virgin coconut oil ને તાજેતરમાં જીઆઇ ટેગ મળ્યું છે. virgin coconut oil ને જીઆઇ ટેગ પછી એક નવી પહેલ શરૂ થઇ છે. આ કોપરેલના ઉત્પાદન સાથે જોડાયેલી મહિલાઓને સંગઠિત કરીને સ્વસહાય જૂથ બનાવવામાં આવી રહ્યાં છે. તેમને વેચાણ અને બ્રાન્ડીંગની ખાસ તાલીમ પણ આપવામાં આવી રહી છે. આ આપણા આદિવાસી સમુદાયોને આર્થિક રીતે સશક્ત બનાવવાની દિશામાં એક બહુ મોટું પગલું છે. મને વિશ્વાસ છે કે, ભવિષ્યમાં નિકોબારનું શુદ્ધ કોપરેલ તેલ દુનિયાભરમાં ધૂમ મચાવશે અને તેમાં સૌથી મોટું યોગદાન આંદામાન-નિકોબારના મહિલા સ્વસહાય જૂથનું હશે.
મારા વ્હાલા દેશવાસીઓ, પળવાર માટે તમે એક દ્રશ્યની કલ્પના કરો- કોલકાતામાં જાન્યુઆરીનો સમય છે. બીજું વિશ્વયુદ્ધ તેની ચરમસીમાએ છે. અને અહિં ભારતમાં અંગ્રેજો વિરૂદ્ધ ગુસ્સો વધી રહ્યો છે. તેના લીધે શહેરમાં ગલીએ ગલીએ પોલીસવાળા તહેનાત કરાયા છે. કોલકાતાની વચ્ચોવચ્ચ એક ઘરની આજુબાજુ પોલીસની હાજરી વધુ ચોક્કસ છે. એ વચ્ચે લાંબો ભૂરો ડગલો, પેન્ટ અને કાળી ટોપી પહેરેલી એક વ્યક્તિ રાતના અંધારામાં એક બંગલામાંથી કાર લઇને બહાર નીકળે છે. કડક ચોકી પહેરાવાળી ચોકીઓ વટાવતાં તે વ્યક્તિ એક રેલવે સ્ટેશન ‘ગોમો’ પહોંચી જાય છે. આ સ્ટેશન અત્યારે ઝારખંડમાં છે. ત્યાંથી એક ટ્રેન પકડીને તે વ્યક્તિ આગળ જવા નીકળે છે. ત્યારબાદ અફઘાનિસ્તાન થઇને તે યુરોપ જઇ પહોંચે છે. અને આ બધું અંગ્રેજી હકુમતની અભેદ્ય કિલ્લાબંધી છતાં બને છે.
સાથીઓ, આ વાર્તા તમને કોઇ ફિલ્મી દ્રશ્ય જેવી લાગતી હશે. તમને થતું હશે આટલી હિંમત બતાવનારી વ્યક્તિ આખરે કઇ માટીની બનેલી હશે. હકીકતમાં આ વ્યક્તિ કોઇ બીજું નહિં, પરંતુ આપણા દેશની મહાન વિભૂતિ નેતાજી સુભાષચંદ્ર બોઝ હતા. 23 જાન્યુઆરી, એટલે કે, તેમની જન્મજયંતિને હવે આપણે પરાક્રમ દિવસના રૂપમાં મનાવીએ છીએ. તેમના શૌર્ય સાથે જોડાયેલી આ કહાનીમાં તેમના પરાક્રમની ઝલક જોવા મળે છે. થોડા વરસ પહેલાં હું તેમના એ જ ઘરમાં ગયો હતો. જ્યાંથી તેઓ અંગ્રેજોને થાપ આપીને નીકળ્યા હતા. તેમની એ કાર આજે પણ ત્યાં મોજૂદ છે. એ અનુભવ મારા માટે ખૂબ જ વિશેષ રહ્યો. સુભાષ બાબુ એક દિર્ધદ્રષ્ટા હતા. સાહસ તો તેમના સ્વભાવમાં વણાઇ ગયું હતું. એટલું જ નહિં, તેઓ બહુ કુશળ પ્રશાસક પણ હતા. માત્ર 27 વર્ષની ઉંમરમાં તેઓ કોલકાતા કોર્પોરેશનના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર બન્યા અને ત્યારબાદ તેમણે મેયરની જવાબદારી પણ સંભાળી હતી. એક પ્રશાસકના રૂપમાં પણ તેમણે અનેક મહાન કાર્યો કર્યા. બાળકો માટે સ્કૂલ, ગરીબ બાળકો માટે દૂધની વ્યવસ્થા અને સ્વચ્છતા સાથે જોડાયેલા તેમના પ્રયાસોને આજે પણ યાદ કરવામાં આવે છે. નેતાજી સુભાષનો રેડીયો સાથે પણ ખૂબ ગાઢ નાતો રહ્યો છે. તેમણે આઝાદ હિંદ રેડિયોની સ્થાપના કરી હતી. જેના પર તેમને સાંભળવા માટે લોકો આતુરતાથી પ્રતિક્ષા કરતા હતા. તેમના સંબોધનોથી વિદેશી શાસન વિરૂદ્ધની લડાઇમાં એક નવી તાકાત મળતી હતી. આઝાદ હિંદ રેડિયો ઉપર અંગ્રેજી, હિન્દી, તમિળ, બાંગ્લા, મરાઠી, પંજાબી, પશ્તો અને ઉર્દુમાં સમાચાર બુલેટીનનું પ્રસારણ થતું હતું. હું નેતાજી સુભાષચંદ્ર બોઝને વંદન કરૂં છું. દેશભરના યુવાઓને મારો આગ્રહ છે કે, તેઓ નેતાજી વિશે વધુમાં વધુ વાંચન કરે અને તેમના જીવનમાંથી સતત પ્રેરણા મેળવે.
સાથીઓ, મન કી બાતનો આ કાર્યક્રમ દર વખતે મને રાષ્ટ્રના સામૂહિક પ્રયાસો સાથે, આપ સૌની સામૂહિક ઇચ્છાશક્તિ સાથે જોડે છે. દર મહિને મને બહુ મોટી સંખ્યામાં આપના સૂચનો, આપના વિચાર મળે છે અને દર વખતે આ વિચારોને જોઇને વિકસિત ભારતના સંકલ્પો વિશે મારો વિશ્વાસ સતત વધે છે. આપ સૌ આ રીતે પોતપોતાના કામથી ભારતને સર્વશ્રેષ્ઠ બનાવવા માટે પ્રયાસ કરતા રહો. આ વખતની મન કી બાતમાં હાલ આટલું જ. આવતા મહિને ફરી મળીશું, ભારતવાસીઓની ઉપલબ્ધિઓ, સંકલ્પો અને સિદ્ધિઓની નવી ગાથાઓની સાથે. ખૂબ ખૂબ ધન્યાવાદ. નમસ્કાર.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Tune in to the first #MannKiBaat episode of 2025 as we discuss a wide range of topics. https://t.co/pTRiFkvi5V
— Narendra Modi (@narendramodi) January 19, 2025
This year's Republic Day is very special as it is the 75th anniversary of the Indian Republic. #MannKiBaat pic.twitter.com/2ssQij11Ew
— PMO India (@PMOIndia) January 19, 2025
25th January marks National Voters' Day, the day the Election Commission of India was established. Over the years, the Election Commission has consistently modernised and strengthened our voting process, empowering democracy at every step. #MannKiBaat pic.twitter.com/6h1pT7MIZZ
— PMO India (@PMOIndia) January 19, 2025
‘कुंभ’, ‘पुष्करम’ और ‘गंगा सागर मेला’ - हमारे ये पर्व, हमारे सामाजिक मेल-जोल को, सद्भाव को, एकता को बढ़ाने वाले पर्व हैं। ये पर्व भारत के लोगों को भारत की परंपराओं से जोड़ते हैं। #MannKiBaat pic.twitter.com/i8RNjJ6cLc
— PMO India (@PMOIndia) January 19, 2025
In the beginning of 2025 itself, India has attained historic achievements in the space sector. #MannKiBaat pic.twitter.com/ZYi7SZpMnE
— PMO India (@PMOIndia) January 19, 2025
A unique effort by Assam's 'Hathi Bandhu' team to protect crops. #MannKiBaat pic.twitter.com/NdCHvMSrZD
— PMO India (@PMOIndia) January 19, 2025
It's a moment of great joy that in the last two months, India has added two new Tiger Reserves - Guru Ghasidas-Tamor Pingla in Chhattisgarh and Ratapani in Madhya Pradesh. #MannKiBaat pic.twitter.com/0nat38vlY4
— PMO India (@PMOIndia) January 19, 2025
Heartening to see StartUps flourish in Tier-2 and Tier-3 cities across the country. #MannKiBaat pic.twitter.com/I9v7scRghO
— PMO India (@PMOIndia) January 19, 2025
In Arunachal Pradesh, Deepak Nabam Ji has set a remarkable example of selfless service. #MannKiBaat pic.twitter.com/qGHjdqpCjb
— PMO India (@PMOIndia) January 19, 2025
Praiseworthy efforts by K. Hindumbi Ji and K.G. Mohammed Ji of Lakshadweep. #MannKiBaat pic.twitter.com/SWz9BeZbCO
— PMO India (@PMOIndia) January 19, 2025
Virgin coconut oil from the Nicobar has recently been granted a GI tag. #MannKiBaat pic.twitter.com/1c8DOJCixx
— PMO India (@PMOIndia) January 19, 2025
Tributes to Netaji Subhas Chandra Bose. He was a visionary and courage was in his very nature. #MannKiBaat pic.twitter.com/1s24iSzsJB
— PMO India (@PMOIndia) January 19, 2025