Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

‘મન કી બાત’ના 112મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (28-07-2024)


મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં તમારું સ્વાગત છે. અભિનંદન છે. આ સમયે પૂરી દુનિયામાં પેરિસ ઑલિમ્પિક છવાયેલો છે. ઑલિમ્પિક આપણા ખેલાડીઓને વિશ્વ પટલ પર તિરંગો ફરકાવવાનો અવસર આપે છે, દેશ માટે કંઈક કરી દેખાડવાનો અવસર આપે છે. તમે પણ ખેલાડીઓનો ઉત્સાહ વધારો, Cheer for Bharat!!

સાથીઓ, રમતગમતની દુનિયાના આ ઑલિમ્પિકથી અલગ, કેટલાક દિવસ પહેલાં ગણિતની દુનિયામાં પણ એક ઑલિમ્પિક થઈ છે. International Mathematics Olympiad. આ ઑલિમ્પિયાડમાં ભારતના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તેમાં આપણી ટીમે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા ચાર સુવર્ણ ચંદ્રક અને એક રજત ચંદ્રક જીત્યા છે. ઇન્ટરનેશનલ મેથ્સ ઑલિમ્પિયાડમાં 100થી વધુ દેશોના યુવાનો ભાગ લે છે અને કુલ ચંદ્રકોની સૂચિમાં આપણી ટીમ ટોચના પાંચ દેશોમાં આવવામાં સફળ રહી છે. દેશનું નામ ઉજાળનારા આ વિદ્યાર્થીઓનાં નામ છે- પૂણેમાં રહેતા આદિત્ય વેંકટ ગણેશ, પૂણેના જ સિદ્ધાર્થ ચોપડા, દિલ્લીના અર્જુન ગુપ્તા, ગ્રેટર નોએડાના કનવ તલવાર, મુંબઈના રુશીલ માથુર અને ગુવાહાટીના આનંદો ભાદુરી.

સાથીઓ, આજે ‘મન કી બાત’માં મેં આ યુવા વિજેતાઓને વિશેષ રીતે આમંત્રિત કર્યા છે. તેઓ બધા આ સમયે ફૉન પર આપણી સાથે જોડાયેલા છે.

પ્રધાનમંત્રી શ્રી: નમસ્તે સાથીઓ. ‘મન કી બાત’માં તમે બધા સાથીઓનું ખૂબ-ખૂબ સ્વાગત છે. તમે બધા કેમ છો?

વિદ્યાર્થીઓ: અમે ઠીક છીએ સર.

પ્રધાનમંત્રી શ્રી: અચ્છા સાથીઓ, ‘મન કી બાત’ દ્વારા દેશવાસીઓ તમારા બધાના અનુભવો જાણવા ખૂબ જ ઉત્સુક છે. હું શરૂઆત કરું છું આદિત્ય અને સિદ્ધાર્થથી. તમે લોકો પૂણેમાં છો. સહુથી પહેલા હું તમારાથી જ શરૂઆત કરું છું. ઑલિમ્પિયાડ દરમિયાન તમે જે અનુભવ કર્યો છે તે અમને બધાને જણાવો.

આદિત્ય: મને ગણિતમાં બાળપણથી જ રસ હતો. મને છઠ્ઠા ધોરણમાં ગણિતના એમ.પ્રકાશ સર, મારા શિક્ષકે શીખવાડ્યું હતું અને તેમણે ગણિતમાં મારો રસ વધાર્યો હતો. મને શીખવા મળ્યું અને મને તક મળી હતી.

પ્રધાનમંત્રી શ્રી: તમારા સાથીનું શું કહેવું છે?

સિદ્ધાર્થ: સર, હું સિદ્ધાર્થ છું. હું પૂણેથી છું. મેં અત્યારે ધોરણ ૧૨ પાસ કર્યું છે. IMOમાં હું બીજી વાર ગયો હતો. મને પણ ગણિતમાં બાળપણથી જ રસ હતો અને આદિત્ય સાથે જ્યારે હું છઠ્ઠા ધોરણમાં હતો ત્યારે એમ.પ્રકાશ સરે અમને બંનેને ટ્રેઇન કર્યા હતા અને બહુ મદદ મળી હતી અમને અને અત્યારે હું કૉલેજ માટે CMI જઈ રહ્યો છું અને ગણિત તથા CS કરી રહ્યો છું.

પ્રધાનમંત્રી શ્રી: અચ્છા મને કહેવામાં આવ્યું છે કે અર્જુન આ સમયે ગાંધીનગરમાં છે અને કનવ તો ગ્રેટર નોએડાના જ છે. અર્જુન અને કનવ, આપણે ઑલિમ્પિયાડ અંગે જે ચર્ચા કરી, પરંતુ તમે બંને અમને પોતાની તૈયારી સાથે જોડાયેલા કોઈ વિષય અને કોઈ વિશેષ અનુભવ જો જણાવશો તો આપણા શ્રોતાઓને સારું લાગશે.

અર્જુન: નમસ્તે સર, જય હિંદ, હું અર્જુન બોલી રહ્યો છું.

પ્રધાનમંત્રી શ્રી: જય હિંદ, અર્જુન.

અર્જુન: હું દિલ્લીમાં રહું છું અને મારી માતા શ્રીમતી આશા ગુપ્તા ફિઝિક્સનાં પ્રૉફેસર છે, દિલ્લી યુનિવર્સિટીમાં અને મારા પિતાજી, શ્રી અમિત ગુપ્તા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. હું પણ ખૂબ જ ગૌરવાન્વિત અનુભવી રહ્યો છું કે હું મારા દેશના વડા પ્રધાન શ્રી સાથે વાત કરી રહ્યો છું અને સૌથી પહેલા, હું મારી સફળતાનો શ્રેય મારાં માતાપિતાને દેવા માગીશ. મને લાગે છે કે જ્યારે એક પરિવારમાં કોઈ સભ્ય એક એવી સ્પર્ધાની તૈયારી કરી રહ્યો હોય તો તે માત્ર સભ્યનો સંઘર્ષ નથી રહેતો, પૂરા પરિવારનો સંઘર્ષ બની જાય છે. મૂળભૂત રીતે, અમારી પાસે જે અમારું પેપર હોય છે તેમાં અમારી પાસે ત્રણ પ્રૉબ્લેમ માટે સાડા ચાર કલાક હોય છે, તો એક પ્રૉબ્લેમ માટે દોઢ કલાક- તો આપણે સમજી શકીએ કે આપણી પાસે એક પ્રૉબ્લેમ સૉલ્વ કરવા માટે કેટલો સમય હોય છે. તો અમારે ઘરમાં, ખૂબ મહેનત કરવી પડે છે. અમારે પ્રૉબ્લેમ સૉલ્વ કરવા કલાકોના કલાકો આપવા પડે છે, ક્યારેક તો એક-એક પ્રૉબ્લેમ માટે એક દિવસ, અથવા તો ત્યાં સુધી કે ત્રણ દિવસ પણ લાગી જાય છે. તો તે માટે અમારે ઑનલાઇન પ્રૉબ્લેમ શોધવા પડે છે. અમે ગયા વર્ષના પ્રૉબ્લેમ ટ્રાય કરીએ છીએ અને એ જ રીતે, જેમ-જેમ અમે ધીરે-ધીરે મહેનત કરતા જઈએ છીએ, તેનાથી અમારો અનુભવ વધે છે, અમારી સૌથી આવશ્યક ચીજ, અમારી પ્રૉબ્લેમ સૉલ્વિંગ એબિલિટી વધે છે, જે માત્ર મેથેમેટિક્સમાં જ નથી, પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં મદદ કરે છે.

પ્રધાનમંત્રી શ્રી: અચ્છા, મને કનવ કહી શકે છે, કોઈ વિશેષ અનુભવ હોય, આ બધી તૈયારીમાં કોઈ ખાસ જે આપણા નવયુવાન સાથીઓને ખૂબ સારું લાગે જાણીને.

કનવ તલવાર: મારું નામ કનવ તલવાર. હું ગ્રેટર નોએડા ઉત્તર પ્રદેશમાં રહું છું અને ધોરણ ૧૧નો વિદ્યાર્થી છું. ગણિત મારો મનપસંદ વિષય છે. અને મને બાળપણથી ગણિત ખૂબ જ પસંદ છે. બાળપણમાં મારા પિતા મને પઝલ્સ કરાવતા હતા. તેનાથી મારી રુચિ વધતી ગઈ. મેં ઑલિમ્પિયાડની તૈયારી સાતમા ધોરણથી શરૂ કરી હતી. તેમાં મારી બહેનનું ખૂબ જ મોટું યોગદાન છે. અને મારાં માતાપિતાએ પણ મને હંમેશાં ટેકો આપ્યો. આ ઑલિમ્પિયાડનું સંચાલન HBCSE કરે છે. અને તેમાં પાંચ તબક્કાની પ્રક્રિયા હોય છે. ગત વર્ષે હું ટીમમાં પસંદ નહોતો થયો અને હું ઘણો નજીક હતો તેમજ ટીમમાં ન હોવાથી ખૂબ દુઃખી હતો. મારાં માતાપિતાએ મને શીખવ્યું કે કાં તો આપણે જીતીએ છીએ અથવા તો આપણે શીખીએ છીએ. અને યાત્રા મહત્ત્વની છે, સફળતા નહીં. તો હું એટલું જ કહેવા માગું છું, ‘Love what you do and do what you love’ તમે જે કરો તેને પ્રેમ કરો અને જેને પ્રેમ કરો તે કરો. યાત્રા મહત્ત્વની છે, સફળતા નહીં અને આપણને સફળતા મળતી રહેશે જો આપણે આપણા વિષયને પ્રેમ કરીશું અને યાત્રાને માણીશું.

પ્રધાનમંત્રી શ્રી: તો કનવ તમે તો ગણિતમાં પણ રસ ધરાવો છો અને બોલી તો એવી રીતે રહ્યા છો જાણે તમને સાહિત્યમાં પણ રુચિ છે.

કનવ તલવાર: જી સર. હું નાનપણમાં ડીબેટ અને વક્તવ્ય પણ આપતો હતો.

પ્રધાનમંત્રી શ્રી: અચ્છા, હવે આવો, આપણે આનંદો સાથે વાત કરીએ. આનંદો તમે ગુવાહાટીમાં છો અને તમારા સાથી રુશીલ મુંબઈમાં છે. મારો તમને બંનેને પ્રશ્ન છે. જુઓ, હું પરીક્ષા પે ચર્ચા તો કરું જ છું, અને પરીક્ષા પે ચર્ચા સિવાય અન્ય કાર્યક્રમોમાં પણ હું વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતો રહું છું. ઘણા બધા વિદ્યાર્થીઓને ગણિતથી ઘણો ડર લાગે છે, નામ સાંભળતા જ ગભરાઈ જાય છે. તમે કહો કે ગણિત સાથે મિત્રતા કેવી રીતે કરી શકાય?

રુશીલ માથુર: સર, હું રુશીલ માથુર છું. જ્યારે આપણે નાના હોઈએ છીએ અને આપણે પહેલી વાર સરવાળો શીખીએ છીએ ત્યારે આપણને વદ્દી સમજાવાય છે. પરંતુ આપણને ક્યારેય એમ નથી સમજાવાતું કે વદ્દી શા માટે થાય છે? જ્યારે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શીખીએ છીએ ત્યારે આપણે એ પ્રશ્ન ક્યારેય નથી પૂછતા કે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર આવે છે ક્યાંથી? મારું માનવું એ છે કે ગણિત ખરેખર તો એક વિચારવાની અને કોયડા ઉકેલવાની એક કળા છે. અને આથી મને લાગે છે કે આપણે બધાએ ગણિતમાં એક નવો પ્રશ્ન જોડી દેવો જોઈએ. આ પ્રશ્ન એ છે કે

આપણે આ શા માટે કરી રહ્યા છીએ. આ આવું કેમ હોય છે? તો I think તેનાથી ગણિતમાં ઘણો રસ વધી શકે છે, લોકોનો. કારણકે જ્યારે કોઈ ચીજ આપણે સમજી નથી શકતા તો તેનાથી આપણને ડર લાગે છે. તે સિવાય મને એમ પણ લાગે છે કે ગણિત જ્યારે વિચારીએ છીએ કે એક ખૂબ જ લૉજિકલ જેવો સબ્જેક્ટ છે, પરંતુ તેના સિવાય ગણિતમાં ખૂબ જ ક્રિએટિવિટી પણ અગત્યની હોય છે. કારણકે સર્જનાત્મકતાથી જ આપણે કંઈક અલગ ઉકેલ વિચારી શકીએ છીએ જે ઑલિમ્પિયાડમાં ખૂબ જ ઉપયોગી થાય છે. અને એથી મેથ્સ ઑલિમ્પિયાડની પણ ખૂબ જ અગત્યની પ્રાસંગિકતા છે. મેથ્સમાં રસને આગળ વધારવા માટે.

પ્રધાનમંત્રી શ્રી: આનંદો, કંઈ કહેવા માગશો?

આનંદો ભાદુરી: નમસ્તે PM જી. હું આનંદો ભાદુરી ગુવાહાટીથી. મેં હમણાં જ ૧૨મું ધોરણ પાસ કર્યું છે. અહીંના સ્થાનિક ઑલિમ્પિયાડમાં હું છઠ્ઠા અને સાતમામાં ભાગ લેતો હતો. ત્યાંથી રુચિ થઈ. આ મારી બીજી IMO હતી. બંને IMO ખૂબ સારી લાગી. રુશીલે જે કહ્યું તેની સાથે હું સંમત છું. અને હું એમ પણ કહેવા માગીશ કે જેમને ગણિતથી ડર લાગે છે તેમને ધૈર્યની ઘણી આવશ્યકતા છે કારણકે આપણે ગણિત જેવી રીતે ભણાવાય છે.. એમાં શું થાય છે કે એક સૂત્ર આપવામાં આવે છે, તે ગોખાવાય છે અને પછી તે સૂત્રથી જ ૧૦૦ (સો) પ્રશ્ન આ રીતે વાંચવા પડે છે. પરંતુ સૂત્ર સમજાયું છે કે નહીં તે જોવામાં આવતું નથી, માત્ર પ્રશ્ન કરતા જાવ, કરતા જાવ.

સૂત્ર પણ ગોખાવાશે અને પછી પરીક્ષામાં જો સૂત્ર ભૂલી ગયો તો શું કરશે? આથી હું કહીશ કે સૂત્રને સમજો, જે રુશીલે કહ્યું હતું. પછી ધૈર્યથી જુઓ. જો સૂત્ર ઠીક રીતે સમજશો તો ૧૦૦ પ્રશ્નો નહીં કરવા પડે. એક-બે પ્રશ્નથી જ થઈ જશે અને ગણિતથી ડરવું ન જોઈએ.  

પ્રધાનમંત્રી શ્રી: આદિત્ય અને સિદ્ધાર્થ, તમે જ્યારે શરૂઆતમાં વાત કરી રહ્યા હતા ત્યારે ઠીક રીતે વાત ન થઈ શકી, હવે આ બધા સાથીઓને સાંભળ્યા પછી તમને પણ જરૂર લાગતું હશે કે તમે પણ કંઈક કહેવા માગતા હશો. શું તમે તમારા અનુભવને સારી રીતે શૅર કરી શકો છો?

સિદ્ધાર્થ: ઘણા બીજા દેશો સાથે વાર્તાલાપ કર્યો હતો, ઘણી બધી સંસ્કૃતિઓ હતી અને ઘણું સારું હતું બીજા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરવો અને ઘણા બધા જાણીતા ગણિતશાસ્ત્રીઓ હતા.

પ્રધાનમંત્રી શ્રી: હા આદિત્ય…

આદિત્ય: ઘણો સારો અનુભવ હતો અને અમને બંનેને બાથ સિટી ફેરવીને દેખાડાયું હતું અને ઘણાં સારાં-સારાં દૃશ્યો જોયાં હતાં, પાર્ક લઈને ગયા હતા અને અમને ઑક્સફર્ડ યુનિવર્સિટી પણ લઈને ગયા હતા. તો તે એક ખૂબ સારો અનુભવ હતો.

પ્રધાનમંત્રી શ્રી: ચાલો સાથીઓ, મને ઘણું સારું લાગ્યું, તમારા લોકો સાથે વાત કરીને, અને હું તમને ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું કારણકે હું જાણું છું કે આ પ્રકારની રમત માટે ઘણા ધ્યાનથી પ્રવૃત્તિ કરવી પડે છે, મગજ પરોવી દેવું પડે છે અને પરિવારના લોકો પણ ક્યારેક તો કંટાળી જાય છે- આ શું ગુણાકાર-ભાગાકાર, ગુણાકાર-ભાગાકાર કરતો રહે છે. પરંતુ મારી તરફથી તમને ખૂબ-ખૂબ શુભકામનાઓ. તમે દેશનું માન વધાર્યું, નામ વધાર્યું છે. ધન્યવાદ મિત્રો.

વિદ્યાર્થીઓ: થેંક યૂ, ધન્યવાદ.

પ્રધાનમંત્રી શ્રી: થેંક યૂ.

વિદ્યાર્થીઓ: થેંક યૂ સર, જય હિંદ.

પ્રધાનમંત્રી શ્રી: જય હિંદ, જય હિંદ.

તમારા બધા મિત્રો સાથે વાત કરીને આનંદ આવી ગયો. ‘મન કી બાત’ સાથે જોડાવા માટે તમારો બધાનો ખૂબ-ખૂબ ધન્યવાદ. મને વિશ્વાસ છે કે ગણિતના આ યુવાન મહારથીઓને સાંભળ્યા પછી બીજા યુવાનોને ગણિતને માણવાની પ્રેરણા મળશે.

મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં હું હવે એ વિષયને વહેંચવા માગું છું જેને સાંભળીને દરેક ભારતવાસીનું શીશ ગર્વથી ઊંચું થઈ જશે. પરંતુ તેના વિશે જણાવતા પહેલાં હું તમને એક પ્રશ્ન કરવા માગીશ. શું તમે ચરાઈદેઉ મેદામનું નામ સાંભળ્યું છે?

જો નથી સાંભળ્યું તો હવે તમે આ નામ વારંવાર સાંભળશો અને ઘણા ઉત્સાહ સાથે બીજાને કહેશો. આસામના ચરાઈદેઉ મૈદામને યુનેસ્કો વિશ્વ વારસા સ્થાનમાં સમાવિષ્ટ કરવામાં આવી રહ્યું છે. આ સૂચિમાં તે ભારતનું 43મું પરંતુ ઈશાન ભારતનું પહેલું સ્થાન હશે.

સાથીઓ, તમારા મનમાં એ પ્રશ્ન જરૂર આવી રહ્યો હશે કે ચરાઈદેઉ મૈદામ છેવટે છે શું અને તે એટલું વિશેષ કેમ છે? ચરાઇદેઉનો અર્થ છે -shining city on the hills અર્થાત્ શિખર પર આવેલું ચળકતું નગર.

તે અહોમ રાજવંશની પ્રથમ રાજધાની હતી. અહોમ રાજવંશના લોકો પોતાના પૂર્વજોનાં શબ અને તેમની કિમતી ચીજોને પારંપરિક રૂપે મૈદામમાં રાખતા હતા. મૈદામ, ટેકરી જેવો એક ઢાંચો હોય છે જે ઉપરથી માટીથી ઢંકાયેલો હોય અને અને નીચે એકથી વધુ ઓરડાઓ હોય છે. આ મૈદામ, અહોમ સામ્રાજ્યના દિવંગત રાજાઓ અને ગણમાન્ય લોકો પ્રત્યે શ્રદ્ધાનું પ્રતીક છે. પોતાના પૂર્વજો પ્રત્યે સન્માન પ્રગટ કરવાની આ રીત ઘણી અનોખી છે. આ જગ્યાએ સામુદાયિક પૂજા પણ થતી હતી.

સાથીઓ, અહોમ સામ્રાજ્ય વિશે બીજી જાણકારી પણ તમને આશ્ચર્યચકિત કરશે. 13મી શતાબ્દીથી શરૂ કરીને આ સામ્રાજ્ય 19મી સદીની શરૂઆત સુધી ચાલ્યું. આટલા લાંબા કાળખંડ સુધી એક સામ્રાજ્યનું બન્યું રહેવું ખૂબ જ મોટી વાત છે. કદાચ અહોમ સામ્રાજ્યના સિદ્ધાંત અને વિશ્વાસ એટલા મજબૂત હતા કે જેનાથી આ રાજવંશ આટલા સમય સુધી ટકી રહ્યો. મને યાદ છે કે આ વર્ષે ૯ માર્ચે મને અદમ્ય સાહસ અને શૌર્યના પ્રતીક એવા મહાન અહોમ યૌદ્ધા લસિત બોરફુકનની સૌથી ઊંચી પ્રતિમાના અનાવરણનું સૌભાગ્ય મળ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, અહોમ સમુદાયની આધ્યાત્મિક પરંપરાનું પાલન કરતા મને અલગ જ અનુભવ થયો હતો. લસિત મૈદામમાં અહોમ સમુદાયના પૂર્વજોને સન્માન દેવાનું સૌભાગ્ય મળવું મારા માટે બહુ મોટી વાત છે. હવે ચરાઇદેઉ મૈદામનું વિશ્વ વારસા સ્થાન બનવાનો અર્થ એ થશે કે ત્યાં હજુ વધુ પર્યટકો આવશે. તમે પણ ભવિષ્યમાં તમારી પ્રવાસ યોજનામાં આ સ્થાનને અવશ્ય સમાવિષ્ટ કરજો.

સાથીઓ, પોતાની સંસ્કૃતિ પર ગૌરવ કરીને જ કોઈ દેશ આગળ વધી શકે છે. ભારતમાં પણ આ પ્રકારના ઘણા બધા પ્રયાસો થઈ રહ્યા છે. આવો જ એક પ્રયાસ છે- પ્રૉજેક્ટ પરી….હવે તમે પરી સાંભળીને ગુંચવાઈ ન જતા. આ પરી સ્વર્ગીય કલ્પના સાથે નથી જોડાયેલી પરંતુ ધરતીને સ્વર્ગ બનાવી રહી છે.

PARI અર્થાત્ Public Art Of India. પ્રૉજેક્ટ પરી પબ્લિક આર્ટને લોકપ્રિય બનાવવા માટે ઉભરતા કળાકારોને એક મંચ પર લાવવાનું મોટું માધ્યમ બની રહ્યો છે. તમે જોતા હશો…સડકોના કિનારે, દીવાલો પર, અંડરપાસમાં ખૂબ જ સુંદર ચિત્રો દોરાયેલાં દેખાય છે. આ ચિત્રો અને આ કળાકૃતિઓ એ જ કળાકાર બનાવે છે જે પરી સાથે જોડાયેલા છે. તેનાથી એક તરફ આપણાં સાર્વજનિક સ્થાનોની સુંદરતા વધે છે, તો બીજી તરફ, આપણી સંસ્કૃતિને વધુ લોકપ્રિય બનાવવામાં પણ મદદ મળે છે. ઉદાહરણ માટે, દિલ્લીના ભારત મંડપમ્ ને જ લો. અહીં દેશભરનું અદ્ભુત આર્ટ વર્ક તમને જોવા માટે મળશે. દિલ્લીમાં કેટલાક અંડરપાસ અને ફ્લાય ઑવર પર પણ તમે આવી સુંદર જાહેર કળા જોઈ શકો છો. હું કળા અને સંસ્કૃતિ પ્રેમીઓને અનુરોધ કરીશ કે તેઓ પણ જાહેર કળા પર વધુ કામ કરે. તે આપણને આપણાં મૂળ પર ગર્વ કરવાની સુખદ અનુભૂતિ આપશે.

મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં હવે વાત, રંગોની, એવા રંગોની, જેણે હરિયાણાના રોહતક જિલ્લાની અઢીસોથી વધુ મહિલાઓના જીવનમાં સમૃદ્ધિના રંગો ભરી દીધા છે. હાથશાળના ઉદ્યોગ સાથે જોડાયેલી આ મહિલાઓ પહેલાં નાની-નાની દુકાનો અને નાનાંમોટાં કામો કરી આજીવિકા રળતી હતી. પરંતુ દરેકમાં આગળ વધવાની ઇચ્છા તો હોય જ છે. આથી તેમણે ‘ઉન્નતિ સેલ્ફ હેલ્પ ગ્રૂપ’ સાથે જોડાવાનો નિર્ણય કર્યો અને આ ગ્રૂપ સાથે જોડાઈને તેમણે બ્લૉક પેઇન્ટિંગ અને રંગાઇમાં પ્રશિક્ષણ મેળવ્યું. કપડા પર રંગોનો જાદુ વિખેરનારી આ મહિલાઓ આજે લાખો રૂપિયા કમાઈ રહી છે. તેમના દ્વારા બનાવાયેલા ઓછાડ ચાદર, સાડીઓ અને દુપટ્ટાઓની બજારમાં ખૂબ જ માગ છે.

સાથીઓ, રોહતકની આ મહિલાઓની જેમ દેશના અલગ-અલગ હિસ્સામાં કારીગરો, હાથશાળને લોકપ્રિય બનાવવામાં લાગેલા છે. પછી તે ઓડિશાની ‘સંબલપુરી સાડી’ હોય કે મધ્ય પ્રદેશની ‘માહેશ્વરી સાડી’  હોય, મહારાષ્ટ્રની ‘પૈઠણી’ કે વિદર્ભના ‘હેન્ડ બ્લૉક પ્રિન્ટ્સ’ હોય, પછી તે હિમાચલના ‘ભૂટ્ટિકો’ની શાલ અને ઊનનાં કપડાં હોય કે પછી, જમ્મુ-કાશ્મીરની ‘કનિ’ શાલ હોય. દેશના ખૂણેખૂણામાં હાથશાળના કારીગરોનું કામ છવાયેલું છે. અને તમે એ તો જાણતા જ હશો કે, કેટલાક દિવસ પછી, સાત ઑગસ્ટે આપણે ‘રાષ્ટ્રીય હાથશાળ દિવસ’ તરીકે ઉજવીશું. આજકાલ જે રીતે હાથશાળનાં ઉત્પાદનોએ લોકોનાં હૈયામાં પોતાની જગ્યા બનાવી છે, તે ખરેખર ખૂબ જ સફળ છે, જબરદસ્ત છે. હવે તો અનેક ખાનગી કંપનીઓ પણ આર્ટિફિશિયલ ઇંટેલિજેંસના માધ્યમથી હાથશાળનાં ઉત્પાદનો અને ટકાઉ ફેશનને ઉત્તેજન આપી રહી છે. કોશા એઆઈ, હેન્ડલૂમ ઇણ્ડિયા, ડી-જંક, નોવાટેક્સ, બ્રહ્મપુત્રા ફેબલ્સ, આવાં કેટલાંય સ્ટાર્ટ અપ પણ હાથશાળનાં ઉત્પાદનોને લોકપ્રિય બનાવવામાં લાગેલાં છે. મને એ જોઈને સારું લાગ્યું કે ઘણા લોકો પોતાને ત્યાંનાં આવાં સ્થાનિક ઉત્પાદનોને લોકપ્રિય બનાવવામાં લાગેલાં છે. તમે પણ તમારાં સ્થાનિક ઉત્પાદનોને ‘#MyProductMyPride નામથી સૉશિયલ મીડિયા પર અપલૉડ કરો. તમારો આ નાનકડો પ્રયાસ અનેક લોકોનું જીવન બદલી નાખશે.

સાથીઓ, હૅન્ડલૂમની સાથોસાથ હું ખાદીની વાત પણ કરવા માગું છું. તમારામાંથી અનેક લોકો હશે જે પહેલાં ક્યારેય ખાદીનાં ઉત્પાદનોનો ઉપયોગ કરતા નહોતા, પરંતુ આજે ગર્વથી ખાદી પહેરે છે. મને એ જણાવતાં આનંદ થાય છે – ખાદી ગ્રામોદ્યોગનો વેપાર પહેલી વાર દોઢ લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયો છે. વિચારો, દોઢ લાખ કરોડ રૂપિયા ! અને જાણો છો, ખાદીનું વેચાણ કેટલું વધ્યું છે?

400% ખાદીનું, હાથશાળનું, આ વધતું વેચાણ, મોટી સંખ્યામાં રોજગાર માટે નવા અવસરો પણ બનાવી રહ્યું છે. આ ઉદ્યોગમાં સૌથી વધુ મહિલાઓ જોડાયેલી છે, તો સૌથી વધુ ફાયદો પણ, તેમને જ થઈ રહ્યો છે. મારો તો તમને ફરી એક વાર આગ્રહ છે, તમારી પાસે જાત-જાતનાં વસ્ત્રો હશે અને તમે, અત્યાર સુધીમાં ખાદીનાં વસ્ત્રો નથી ખરીદ્યાં, તો આ વર્ષથી શરૂ કરી દો. ઑગસ્ટનો મહિનો આવી જ ગયો છે, આ સ્વતંત્રતા મળવાનો મહિનો છે, ક્રાંતિનો મહિનો છે. તેનાથી વધુ રૂડો અવસર બીજો કયો હશે- ખાદી ખરીદવા માટે?

મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં મેં ઘણી વાર તમારી સાથે ડ્રગ્સના પડકારની વાત કરી છે. દરેક પરિવારની એ ચિંતા હોય છે કે ક્યાંક તેનું બાળક પણ ડ્રગ્સના સકંજામાં ન આવી જાય. હવે આવા લોકોની મદદ માટે સરકારે એક વિશેષ કેન્દ્ર ખોલ્યું છે, જેનું નામ છે- માનસ. ડ્રગ્સ વિરુદ્ધ લડાઈમાં આ બહુ મોટું પગલું છે. કેટલાક દિવસ પહેલાં જ ‘માનસ’ની હૅલ્પલાઇન અને પૉર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો છે. સરકારે એક ટૉલ ફ્રી નંબર ‘1933‘ જાહેર કર્યો છે. તેના પર કૉલ કરીને કોઈ પણ આવશ્યક સલાહ લઈ શકે છે કે પછી પુનર્વસન સાથે જોડાયેલી જાણકારી લઈ શકે છે. જો કોઈની પાસે ડ્રગ્સ સાથે જોડાયેલી કોઈ બીજી જાણકારી પણ છે તો તે આ નંબર પર કૉલ કરીને ‘નાર્કૉટિક્સ કંટ્રોલ બ્યૂરો’ને જણાવી શકે છે. ‘માનસ’ને જણાવાયેલી દરેક જાણકારી ગોપનીય રાખવામાં આવે છે. ભારતને ‘ડ્રગ્સ ફ્રી’ બનાવવામાં લાગેલા બધા લોકોને, બધા પરિવારોને, બધી સંસ્થાઓને મારો અનુરોધ છે કે માનસ હૅલ્પલાઇનનો ભરપૂર ઉપયોગ કરો.

મારા પ્રિય દેશવાસીઓ, કાલે દુનિયાભરમાં વાઘ દિવસ મનાવાશે. ભારતમાં તો ટાઇગર, વાઘ, આપણી સંસ્કૃતિનો અભિન્ન હિસો રહ્યો છે.

આપણે બધા વાઘ સાથે જોડાયેલા કિસ્સા-વાર્તાઓ સાંભળીને જ મોટા થયા છીએ. જંગલની આસપાસનાં ગામમાં તો દરેકને ખબર હોય છે કે વાઘ સાથે તાલમેળ બેસાડીને કેમ રહેવું જોઈએ. આપણા દેશમાં એવાં અનેક ગામો છે જ્યાં માણસ અને વાઘ વચ્ચે ક્યારેય ટકરાવની સ્થિતિ નથી આવતી. પરંતુ જ્યાં આવી સ્થિતિ આવે છે, ત્યાં પણ વાઘનાં સંરક્ષણ માટે અભૂતપૂર્વ પ્રયાસો થઈ રહ્યા છે. જનભાગીદારીનો આવો જ એક પ્રયાસ છે ‘કુલ્હાડી બંધ પંચાયત’. રાજસ્થાનના રણથંભોરથી શરૂ થયેલું ‘કુલ્હાડી બંધ પંચાયત’ અભિયાન ઘણું રસપ્રદ છે. સ્થાનિક સમુદાયોએ સ્વયં એ વાતના સોગંદ લીધા છે કે જંગલમાં કુહાડી સાથે નહીં જાય અને ઝાડ નહીં કાપે. આ એક નિર્ણયથી ત્યાંનાં જંગલ, એક વાર ફરીથી લીલાંછમ થઈ રહ્યાં છે અને વાઘ માટે સુંદર વાતાવરણ તૈયાર થઈ રહ્યું છે.

સાથીઓ, મહારાષ્ટ્રનું તાડોબા-અંધારી વાઘ અભયારણ્ય વાઘના પ્રમુખ રહેઠાણમાંનું એક છે. અહીંના સ્થાનિક સમુદાયો, વિશેષ કરીને, ગોંડ અને માના જનજાતિના આપણાં ભાઈબહેનોએ વન પર્યટનની તરફ ઝડપથી ડગ માંડ્યાં છે. તેમણે જંગલ પર પોતાની નિર્ભરતાને ઘટાડી છે જેથી વાઘોની ગતિવિધિઓ વધી શકે. તમને આંધ્ર પ્રદેશમાં નલ્લામલાઈની પહાડીઓ પર રહેનારી ‘ચેન્ચૂ’ જનજાતિના પ્રયાસો પણ આશ્ચર્યચકિત કરી દેશે. તેમણે વાઘનૂં પગેરૂં રાખનારા તરીકે જંગલમાં વન્ય જીવોની હલચલની દરેક જાણકારી મેળવી. તેની સાથે જ, તેઓ ક્ષેત્રમાં અવૈધ ગતિવિધિઓનું પણ નિરીક્ષણ કરતા રહ્યા છે. આ જ રીતે ઉત્તર પ્રદેશના પીલીભીતમાં ચાલી રહેલો ‘બાઘ મિત્ર કાર્યક્રમ’ પણ ઘણો ચર્ચામાં છે. તેની હેઠળ સ્થાનિક લોકોને ‘બાઘ મિત્ર’ના રૂપમાં કામ કરવાનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. આ ‘બાઘ મિત્ર’ એ વાતનું પૂરું ધ્યાન રાખે છે કે વાઘ અને માણસ વચ્ચે ટકરાવની સ્થિતિ ન આવે. દેશના અલગ-અલગ હિસ્સામાં આ પ્રકારના અનેક પ્રયાસો ચાલી રહ્યા છે.

મેં અહીંયા કેટલાક પ્રયાસોની જ ચર્ચા કરી છે, પરંતુ મને આનંદ છે કે જનભાગીદારી વાઘોનાં સંરક્ષણમાં ઘણી કામ આવી રહી છે. આવા પ્રયાસોના કારણે જ ભારતમાં વાઘની જનસંખ્યા પ્રતિ વર્ષ વધી રહી છે. તમને એ જાણીને આનંદ અને ગર્વનો અનુભવ થશે કે દુનિયાભરમાં જેટલા વાઘ છે તેમાંથી 70 ટકા વાઘ આપણા દેશમાં છે. વિચારો ! 70 ટકા વાઘ !! ત્યારે તો આપણા દેશના અલગ-અલગ હિસ્સામાં અનેક વાઘ અભયારણ્ય છે.

સાથીઓ, વાઘ વધવાની સાથોસાથ આપણા દેશમાં વન ક્ષેત્ર પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમાં પણ સામુદાયિક પ્રયાસોમાં મોટી સફળતા મળી રહી છે. ગત ‘મન કી બાત’ કાર્યક્રમમાં તમારી સાથે ‘એક પેડ માં કે નામ’ કાર્યક્રમની ચર્ચા કરી હતી. મને આનંદ છે કે દેશના અલગ-અલગ હિસ્સાઓમાં મોટી સંખ્યામાં લોકો આ અભિયાન સાથે જોડાઈ રહ્યા છે. હજુ કેટલાક દિવસ પહેલાં સ્વચ્છતા માટે પ્રસિદ્ધ ઇંદૌરમાં એક શાનદાર કાર્યક્રમ યોજાયો. ત્યાં ‘એક પેડ માં કે નામ’ કાર્યક્રમ દરમિયાન એક જ દિવસમાં બે લાખથી વધુ વૃક્ષારોપણ થયું. પોતાની માતાના નામ પર વૃક્ષારોપણ કરવાના આ અભિયાન સાથે તમે પણ અવશ્ય જોડાવ અને સેલ્ફી લઈને સૉશિયલ મીડિયા પર પણ પૉસ્ટ કરો. આ અભિયાન સાથે જોડાઈને તમને, તમારી માતા અને ધરતી માતા, બંને માટે કંઈ વિશેષ કરયાની અનુભૂતિ થશે.

મારા પ્રિય દેશવાસીઓ, ૧૫ ઑગસ્ટનો દિવસ હવે દૂર નથી. અને હવે તો 15 ઑગસ્ટ સાથે એક બીજું અભિયાન જોડાઈ ગયું છે, ‘હર ઘર તિરંગા’ અભિયાન. છેલ્લાં કેટલાંક વર્ષોથી તો સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન માટે બધા પુરજોશમાં રહે છે. ગરીબ હોય, ધનિક હોય, નાનું ઘર હોય, મોટું ઘર હોય, બધા તિરંગો ફરકાવીને ગર્વનો અનુભવ કરે છે. તિરંગાની સાથે સેલ્ફી લઈને સૉશિયલ મીડિયા પર પૉસ્ટ કરવાનો ક્રેઝ પણ દેખાય છે.

તમે નોંધ્યું હશે કે જ્યારે કૉલોની કે સૉસાયટીના એક-એક ઘર પર તિરંગો ફરકે છે, તો જોતજોતામાં બીજાં ઘરો પર પણ તિરંગો દેખાવા લાગે છે. એટલે કે ‘હર ઘર તિરંગા’ અભિયાન – તિરંગાની પ્રતિષ્ઠામાં એક અદ્વિતીય ઉત્સવ બની ચૂક્યો છે. તેના માટે હવે તો અનેક પ્રકારનાં ઇનૉવેશન પણ થવાં લાગ્યાં છે. ૧૫ ઑગસ્ટ આવતાં-આવતાં, ઘરમાં, કાર્યાલયમાં, કારમાં, તિરંગો લગાવવા માટે જાત-જાતનાં ઉત્પાદનો દેખાવાં લાગે છે. કેટલાક લોકો તો તિરંગો પોતાના મિત્રો, પડોશીઓને પણ વહેંચે છે. તિરંગા અંગેનો આ ઉલ્લાસ, આ ઉમંગ આપણને એકબીજા સાથે જોડે છે.

સાથીઓ, પહેલાંની જેમ આ વર્ષે પણ તમે ‘harghartiranga.com’ પર તિરંગાની સાથે પોતાની સેલ્ફી જરૂર અપલૉડ કરજો અને હું, તમને એક બીજી વાતની પણ યાદ અપાવા માગું છું. દર વર્ષે 15 ઑગસ્ટ પહેલાં તમે મને ઢગલો સૂચનો મોકલો છો. તમે આ વર્ષે પણ મને પોતાનું સૂચન જરૂર મોકલજો. તમે MyGov કે NaMo ઍપ પર પણ પોતાનાં સૂચનો મોકલી શકો છો. હું વધુમાં વધુ સૂચનોને 15 ઑગસ્ટનાં સંબોધનમાં કવર કરવાનો પ્રયાસ કરીશ.

મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’ના આ પ્રકરણમાં તમારી સાથે જોડાઈને ઘણું સારું લાગ્યું. આગામી વખતે, ફરી મળીશું, દેશની નવી ઉપલબ્ધિઓ સાથે, જનભાગીદારીના નવા પ્રયાસો સાથે, તમે ‘મન કી બાત’ માટે તમારાં સૂચનો જરૂર મોકલતા રહો. આવનારા સમયમાં અનેક પર્વ પણ આવી રહ્યા છે. તમને, બધા પર્વની ઘણી બધી શુભકામનાઓ. તમે તમારા પરિવાર સાથે મળીને તહેવારનો આનંદ ઉઠાવો. દેશ માટે કંઈ ને કંઈ નવું કરવાની ઊર્જા નિરંતર જાળવી રાખો. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com