Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મધ્ય પ્રદેશના સિહોર ખાતે કિસાન મહાસંમેલનને પ્રધાનમંત્રીના સંબોધનનું લખાણ


વિશાળ સંખ્યામાં આવેલા મારા વ્હાલા ખેડૂત ભાઈઓ અને બહેનો,

હું જ્યારે હેલિકોપ્ટરથી આવી રહ્યો હતો તો હું જોઈ રહ્યો હતો કે માઈલો સુદી બસોની હરોળ ઊભી હતી, એ લોકો અહીં પહોંચવા ઈચ્છતા હતા. હું નથી માનતો કે એ લોકો પહોંચી શક્યા હોય. જે મારા ખેડૂત ભાઈ-બહેન અહીં પાંચ-દસ કિલોમીટરના અંતરે અટકી ગયા હોય, એમને પણ હું અહીંથી નમન કરું છું. હું સામેની તરફ જોવાની કોશિષ કરી રહ્યો છું, લોકો જ લોકો નજરે ચઢે છે. આ તરફ પણ એ જ હાલત છે, આ બાજુ પણ એ જ હાલત છે. અને આ સિહોર, એક નાનકડું શહેર છે, જ્યાં આટલો મોટો કાર્યક્રમ યોજવો અને રાજ્યભરમાંથી આટલી મોટી સંખ્યામાં ખેડૂતો આવવા, અમને આશીર્વાદ આપવા, હું હૃદયપૂર્વક મારા આ ખેડૂત ભાઈઓ-બહેનોને વંદન કરું છું, સલામ કરું છું. હું આજે ખાસ હેતુથી મધ્ય પ્રદેશના ખેડૂતોને મળવા આવ્યો છું. મધ્ય પ્રદેશના ખેડૂતોને નમન કરવા આવ્યો છું તેમને સલામ કરવા આવ્યો છું.

દસ વર્ષ અગાઉ હિન્દુસ્તાનના કૃષિ ક્ષેત્રના નકશામાં મધ્ય પ્રદેશનું નામો-નિશાન નહોતું. કૃષિ ક્ષેત્રમાં ફાળો આપનારાં રાજ્યોમાં પંજાબ, હરિયાણા, ગંગા-યમુનાના કિનારા કે કૃષ્ણા-ગોદાવરીના કિનારાના વિસ્તારો, આ બધા વિસ્તારોની ગણતરી કરવામાં આવતી હતી. પરંતુ મધ્ય પ્રદેશના ખેડૂતોએ પોતાની સૂઝબૂઝથી, પોતાના પરિશ્રમથી, નવા-નવા પ્રયોગોથી અને મધ્ય પ્રદેશની શિવરાજ જીની સરકારે અનેક નાણાં કિસાન લક્ષ્ય યોજનાઓ અમલી બનાવતા, ગ્રામીણ વિકાસની યોજનાઓને કારણે તેમજ ખેડૂતની જે મૂળભૂત જરૂરિયાત છે, તે પાણી પર વધુ ભાર મૂકવાને કારણે રાજ્ય સરકાર અને ખેડૂતોએ સાથે મળીને એક ઈતિહાસ રચ્યો છે અને આજે હિન્દુસ્તાનના કૃષિ જગતમાં મધ્ય પ્રદેશ મોખરાના સ્થાને છે અને એટલે જ હું મધ્ય પ્રદેશના ખેડૂતોને આજે નમન કરવા આવ્યો છું.

સતત ચાર-ચાર વર્ષ સુધી કૃષિ ક્ષેત્રનો એવોર્ડ કોઈ એક રાજ્ય મેળવતું રહે, એ કોઈ નાની વાત નથી અને તેનો વિકાસ પણ જુઓ. ક્યારેક ઝીરોથી 10 સુધી પહોંચવું સહેલું હોય છે, પરંતુ 15-17-18થી 20-22 કે 24 પર પહોંચવું ઘણું અઘરું હોય છે. જે લોકો કૃષિ અર્થશાસ્ત્ર જાણતા હશે, તે લોકો સારી રીતે સમજી શકે છે કે મધ્ય પ્રદેશે ભારતના આર્થિક વિકાસની યાત્રામાં મધ્ય પ્રદેશના કૃષિ જગતે કેટલું મોટું યોગદાન આપ્યું છે. એટલે જ હું આજે અહીં ખાસ આવ્યો છું અને લાખો ખેડૂતોની હાજરીમાં કૃષિ કર્મણ એવોર્ડ આપી રહ્યો છું. આ એવોર્ડ તો મેં મુખ્યમંત્રીને હસ્તક કર્યો, રાજ્યના કૃષિ મંત્રીને હસ્તક કર્યો, પરંતુ હકીકતમાં આ જે કૃષિ કર્મણ એવોર્ડ છે, તે હું મધ્ય પ્રદેશના મારા લાખો ખેડૂત ભાઈઓ-બહેનોને એનાયત કરતા તેમને અનેકવાર વંદન કરું છું.

તમે અદ્ભુત કામ કર્યું છે, પરંતુ ભાઈઓ-બહેનો, આ બધા છતાં પણ છેલ્લા બે વર્ષમાં વરસાદની સ્થિતિ સારી નથી રહી. ક્યાંક દુકાળ પડ્યો તો ક્યાંક પૂર આવ્યું, પરંતુ એમ છતાં પણ દેશના ખેડૂતોએ પાકની ઉપજમાં ખોટ નહોતી આવવા દીધી. ઉપરથી ઉપજમાં કેટલોક વધારો થયો. આ ખેડૂતોના પુરુષાર્થનું પરિણામ છે કે આજે દેશમાં મોસમ પ્રતિકૂળ હોવા છતાં પણ આપણા ખેડૂતો વિપરિત પરિસ્થિતિઓ સામે ઝઝૂમીને પણ દેશના અન્નભંડારમાં કોઈ ઉણપ નથી રાખતા.

આજે મારું અહીં આવવા માટેનું બીજું એક કારણ પણ છે કે સમગ્ર દેશના ખેડૂતો માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, જેની ગાઈડલાઈન્સ આજે મધ્યપ્રદેશના ખેડૂતોની હાજરીમાં સમગ્ર દેશના ખેડૂતોને અર્પણ કરવામાં આવી રહી છે. તેનો હક્ક મધ્ય પ્રદેશના ખેડૂતોનો છે, જેમણે એક નવો ઈતિહાસ રચ્યો છે અને એટલે જ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો આરંભ પણ મધ્ય પ્રદેશથી કરવાનું મને અત્યંત ઉચિત લાગે છે અને તેને કારણે આજે આ કાર્યક્રમ ઘડાયો છે.

આપણા દેશમાં અટલજીના નેતૃત્વમાં સરકાર હતી, ત્યારે સૌથી પહેલા ફસલ બીમા યોજના અમલી બની હતી અને ખેડૂતોનું કલ્યાણ કરવાનો એક પ્રામાણિક પ્રયાસ ભારતીય જનતા પાર્ટી, એનડીએ, અટલ જીની સરકારે કર્યો હતો. ત્યાર બાદ સરકાર બદલાઈ ગઈ. તેમણે તેમાં કેટલાક પરિવર્તન કર્યા અને પરિવર્તન કરવાને કારણે સરકારનું તો ભલું થયું, પરંતુ ખેડૂતોના મનમાં શંકાઓ પેદા થઈ ગઈ. પરિણામ એ આવ્યું કે ખેડૂત ફસલ બીમા યોજનાઓથી દૂર ભાગવા માંડ્યા. આ દેશના અનેક ખેડૂતો કુદરતી આપત્તિઓ સામે ઝઝૂમે છે, તેમ છતાં પણ તેઓ ફસલ બીમા લેવા તૈયાર થતા ન હતા. સમગ્ર હિન્દુસ્તાનમાં 20 ટકાથી વધુ ખેડૂતો વીમો લેવા તૈયાર નથી. એમને ખબર છે કે આ વીમો લીધા પછી પણ કશું મળવાનું નથી. અમારી સામે સૌથી પહેલો પડકાર હતો કે હિન્દુસ્તાનના ખેડૂતોમાં વિશ્વાસ જગાવવો. વીમા યોજનાની એક એવી પ્રોડક્ટ આપવી, જેના કારણે ખેડૂતની તમામ શંકાઓનો ઉકેલ આવી જાય અને આ દેશમાં પહેલી વાર આવી ફસલ બીમા યોજના, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના આવી છે. જે લોકો સવાર-સાંજ મોદીને ખેડૂત વિરોધી કહેવા માટે અનેક પ્રકારના પ્રયોગો કરે છે, એવા લોકોએ પણ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની ટીકા કરવાની હિંમત કરી નથી કારણ કે એવી યોજના બની છે કે જેમાં ખેડૂતની તમામ મુસીબતોનો ઉકેલ છે.

એક સમય હતો કે ખેડૂતે ફસલ બીમા માટે કેટલાક વિસ્તારોમાં તો 14 ટકા જેટલું પ્રિમિયમ ચૂકવવું પડતું હતું. કેટલાક વિસ્તારોમાં 6 ટકાથી 8 ટકા સુધી પ્રિમિયમ ચૂકવાતું હતું. વીમા કંપનીઓ નક્કી કરતી હતી, મજબૂરીનો ફાયદો ઉઠાવતી હતી. આ સરકારે નિર્ણય કરી લીધો કે, અમે જ્યારે વીમા યોજના આપીશું, તો રવિ પાક માટે દોઢ ટકાથી વધુ પ્રિમિયમ ખેડૂતો પાસેથી વસૂલવામાં નહીં આવે અને ખરીફ પાક માટે બે ટકાથી વધુ પ્રિમિયમ નહીં લેવાય. અગાઉ 12-14 ટકા સુધીનું પ્રિમિયમ વસૂલીને લૂંટ ચલાવવામાં આવતી હતી અને અમે બે ટકાની ટોચ મર્યાદા બાંધી દીધી. એમણે શું કર્યું હતું ?

ચૂકવણી પર ટોચમર્યાદા બાંધી દીધી હતી, એક દિવાલ ઊભી કરી હતી કે આનાથી વધુ ચૂકવણી નહીં થાય. અમે પ્રિમિયમ પર તો ટોચમર્યાદા બાંધી દીધી, પરંતુ ખેડૂતને જ્યારે વીમાની રકમ મેળવવાની પરિસ્થિતિ સર્જાય, ત્યારે એની ઉપર કોઈ ટોચમર્યાદા રાખી નહીં. જેટલી રકમનો વીમો તે કરાવશે, એટલા પૈસાનો તેને હક્ક મળશે અને એને આપવામાં આવશે. આ ઘણો મોટો નિર્ણય છે.

બીજી પણ એક વાત. આજે પરિસ્થિતિ એવી છે કે એક ગામમાં જો 100 ખેડૂત છે. 80 ખેડૂતો વીમા યોજના સાથે જોડાતા નથી, માત્ર 20 ખેડૂતો જોડાય છે અને પકાને નુકસાન માટે પણ 12-15-25 ગામોમાં શું સ્થિતિ છે તેનો હિસાબ મંડાતો હતો. અમે આ વખતે નિર્ણય કર્યો – ગામમાં એકલો એક ખેડૂત હશે અને ધારો કે એ જ ખેતરમાં મુસીબત આવી ગઈ, બરફના કરા પડ્યા, પાણી ભરાઈ ગયા, ભૂસ્ખલન થયું, તો આજુબાજુમાં શું થયું છે એ નહીં જોવાય, જે ખેડૂતને નુકસાન થયું છે, વીમા યોજનાનો લાભ એ એકલો હશે, તો પણ તેને મળશે. આ ઘણો મોટો ઐતિહાસિક નિર્ણય અમે લીધો છે.

અગાઉની યોજનામાં ફસલ બીમાનો લાભ ધરાવતો ખેડૂત, જો વરસાદ ન થાય, તો મહેનત નહોતો કરતો, બીજ બગાડતો ન હતો, એ ખેતરમાં જતો જ ન હતો. કારણ કે ખબર હતી કે ભઈ કંઈ થવાનું જ નથી, તો શા માટે જઉં ? આવી સ્થિતિમાં ખેડૂત શું કરશે બીજ વાવ્યા પછી પાક ખરાબ થાય ત્યારે તો વીમાનો લાભ મળી શકતો હતો. પરંતુ હવે એવી વીમા યોજના છે કે જો વરસાદ નથી થયો અને તેના કારણે ખેડૂતે બીજ નથી રોપ્યાં, તો પણ તેને કેટલીક માત્રામાં મદદ કરવાનો પ્રયાસ આ વીમા યોજના દ્વારા કરવામાં આવ્યો છે.

આ વીમા યોજના હેઠળ વધુ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો કે એકવાર લણણી કરી લીધી. ત્યાં સુધી મોસમ સારી હતી, બધું સારું હતું, ખેતરમાં પાકના ઢગલા ખડક્યા છે અને અચાનક વરસાદ આવી ગયો, લણણી કર્યા પછી વરસાદ આવી ગયો. હિન્દુસ્તાનની કોઈ વીમા કંપની એના માટે ખેડૂતની મુશ્કેલી ધ્યાન પર લેવા માટે તૈયાર નથી. પહેલી વાર હિન્દુસ્તાનમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે લણણી પછી પણ જો ખેતરમાં ઢગલા પડ્યા છે અને 14 દિવસની અંદર-અંદર જો વરસાદ આવ્યો, બરફના કરા પડ્યા અને એ પાક બરબાદ થઈ ગયો તો એનો પણ વીમો ઉતારવામાં આવશે, એના માટે પણ ખેડૂતને ચૂકવણી કરવામાં આવશે.

ભાઈઓ-બહેનો, અગાઉ વીમો ઉતરાવતા હતા, તો વીમાના દાવાની રકમ મંજૂર થતા-થતા ચાર-ચાર સીઝન જતી રહેતી હતી, નિર્ણય લેવાતો નહતો, વીમા કંપની, સરકાર અને ખેડૂત વચ્ચે કાગળકામ જ ચાલુ રહેતા હતા. અમે નક્કી કર્યું કે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે, તાત્કાલિક સર્વે કરવામાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે અને 25 ટકા રકમ ખેડૂતને તાત્કાલિક આપવામાં આવશે અને ત્યારપછીની પ્રક્રિયા બનતી ઝડપે પૂરી કરીને ખેડૂતને વીમા સહાયની રકમ આપવામાં આવશે.

ભાઈઓ-બહેનો, આનાથી મોટી ગેરંટી, રિસ્ક લેવાની ગેરંટી બીજી કોઈ પણ ન હોઈ શકે. આ જે ખેડૂતોએ કરી બતાવ્યું છે. ભાઈઓ-બહેનો, મારે એક અપેક્ષા છે. આઝાદીના આટલા બધાં વર્ષો વીતી ગયાં, ખેડૂત, વીમા પર વિશ્વાસ નથી મૂકી રહ્યા. મને તમારી મદદ જોઈએ છે. તમે વીમા યોજના પર વિશ્વાસ મૂકો. એકવાર પ્રયોગ કરીને જુઓ અને આજે 20 ટકાથી વધુ લોકો વીમો લેતા નથી. શું હિન્દુસ્તાનમાં 50 ટકા ખેડૂતો વીમા યોજના સાથે જોડાવા, આગળ આવવા તૈયાર છે ? જેટલા વધુ ખેડૂતો જોડાશે, એટલો સરકારની તિજોરી પર ભાર વધવાનો છે. જેટલા વધુ ખેડૂતો વીમો લેશે, સરકારની તિજોરીમાંથી એટલા પૈસા વધુ જવાના છે. આમ છતાં પણ હું ખેડૂતોને આગ્રહ કરું છું કે તમે આ વીમા યોજના સાથે જોડાવ. હિન્દુસ્તાનમાં પહેલીવાર ખેડૂતોના કલ્યાણ માટે આટલી મોટી યોજના અમલી બનાવાઈ છે અને એકવાર ખેડૂત આ યોજના સાથે જોડાઈ ગયા, તો આવનારા દિવસોમાં કુદરતી આપત્તિ ખેડૂતનો વાળ પણ વાંકો નહીં કરી શકે, તેને ડરાવી નહીં શકે, સરકાર એની સાથે ખભેખભો મિલાવીને ઊભી રહેશે.

ભાઈઓ-બહેનો, આપણા દેશમાં એવું કોઈ વર્ષ નથી હોતું કે જ્યારે દેશના કોઈને કોઈ પ્રદેશમાં કુદરતી આપત્તિ ન આવી હોય અને ખેડૂતોને ભારે નુકસાન થાય છે. કોઈને કોઈ વિસ્તારમાં આમ બને જ છે, પરંતુ અગાઉ નિયમો એવા હતા કે જો એ વિસ્તારમાં 50 ટકાથી વધુ નુકસાન થયું હોય, તો જ સરકાર ત્યાં હિસાબ-કિતાબ માંડશે. ભાઈઓ-બહેનો, અમે આ નિર્ણયને બદલી નાખ્યો છે અને અમે કહ્યું છે કે 50 ટકા નહીં, એક – તૃતિયાંશ, ત્રીજા ભાગનું, 33 ટકા નુકસાન પણ થયું હોય, તો પણ ખેડૂતને એ નુકસાનનું વળતર આપવામાં આવશે. આ ઘણો મોટો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ ખેડૂતને જે વળતર અપાતું હતું, તેને લગભગ ત્રણ ગણું કરવામાં આવ્યું છે. ભાઈઓ-બહેનો, ખેડૂતનું કલ્યાણ કેવી રીતે થાય, ખેડૂતના જીવનમાં કેવી રીતે પરિવર્તન આવે, ગામની આર્થિક સ્થિતિમાં કેવી રીતે ફેરફાર લાવી શકાય, આ બાબતોને પ્રાથમિકતા આપીને આ સરકારે આ કાર્યોને આગળ વધાર્યાં છે.

સરકારે વધુ એક નવું કામ પણ હાથ ધર્યું છે. આપણા દેશમાં આધુનિક કૃષિની દિશામાં આપણે જવા ઈચ્છીએ છીએ. આપણે કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા ઈચ્છીએ છીએ. આપણે આપણા કૃષિ ક્ષેત્રને મિકેનાઈઝ કરવા માંગીએ છીએ, પરંતુ સાથે સાથે આપણો સદીઓનો જે અનુભવ છે, આપણા ખેડૂતો પાસે જે બુદ્ધિ ધન છે, જે પરંપરાગત નોલેજ છે, તેને ભૂલી ન શકાય. દેશનું સૌથી મોટું નુકસાન થયું છે કે આપણે નવું તો કશું લાવી શક્યા નથી અને જૂનું છોડી દીધું અને એટલે જ હું ખાસ કરીને કૃષિ મંત્રી રાધા મોહન સિંહ જીને અભિનંદન આપવા માંગું છું. આ તેમની કલ્પના હતી કે પરંપરાગત કૃષિ છે, જે વિકાસલક્ષી ખેડૂતો છે, તેમના અનુભવોનો લાભ પણ લેવામાં આવે અને આધુનિક વિજ્ઞાન અને પરંપરાગત કૃષિ, આ બંનેનો સમન્વય કરવામાં આવે અને આ કામ માટે આપણા કૃષિ મંત્રી ઘણું મોટું યોગદાન આપી રહ્યા છે.

ભાઈઓ-બહેનો, આપણો ખેડૂત મહેનત કરે છે, પાક લે છે, પરંતુ તેને ભાવ નથી મળતા. આટલો મોટો દેશ છે. એક જ પાકના ભાવ એક સ્થળે ખૂબ નીચા હોય છે, જ્યારે બીજી જગ્યાએ ઊંચો ભાવ હોય છે. પરંતુ ખેડૂત પાસે કોઈ ચોઈસ નથી રહેતી. તેણે તો બિચારાએ પોતાના ગામની નજીકમાં જે મંડી હોય, તેમાં માલ વેચવો પડતો હોય છે. અમે જે ટેકનોલોજીની વાત કરીએ છીએ, ડિજિટલ ઈન્ડિયાની વાત કરીએ છીએ, એ મારા ખેડૂત ભાઈઓ-બહેનો માટે કરીએ છીએ. આવનારા દિવસોમાં અમે એક નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ શરૂ કરી રહ્યા છીએ, જેનો સંપૂર્ણ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ સ્થાપવામાં આવી રહ્યું છે, ડિજિટલ પ્લેટફોર્મ સ્થપાઈ રહ્યું છે. હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણામાં મારો ખેડૂત પોતાના મોબાઈલ ફોન પર જોઈ શકશે કે એની પાસે જો ઘઉં છે, તો આજે હિન્દુસ્તાનના કયા ખૂણાંમાં ઘઉં કયા ભાવે વેચાઈ રહ્યા છે અને એ નક્કી કરી શકે છે. એ અહીં મધ્ય પ્રદેશમાં બેઠા-બેઠા નક્કી કરી શકે છે કે મને મધ્ય પ્રદેશમાં ઘઉં નથી વેચવા, મારે તો તમિલનાડુમાં વધુ ભાવ મળે છે, તમિલનાડુમાં વેચવા છે. એ વેચી શકે ચે. પહેલી વાર સમગ્ર દેશની આશરે સાડા પાંચ સો મંડીને ટેકનોલોજીથી જોડીને ડિજિટલ ઈન્ડિયાનો પહેલો ફાયદો મારા ખેડૂત ભાઈઓ-બહેનોને મળશે. એ માટે આવી મંડીઓનું ઓનલાઈન નેટવર્ક બનાવીને એક નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ સ્થાપવું છે.

ભાઈઓ-બહેનો, 14મી એપ્રિલે ડૉ. ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે. આપણા મધ્ય પ્રદેશમાં આપણા મુખ્યમંત્રી શિવરાજ જીએ બાબા સાહેબ આંબેડતરનું તીર્થ સ્થાપી દીધું છે. આ 14મી એપ્રિલે, બાબા સાહેબ આંબેડકર જીની જયંતિના દિવસે આપણે હિન્દુસ્તાનમાં આ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટનો ઓનલાઈન આરંભ કરીશું. એની શુભ શરૂઆત કરી દઈશું.

ભાઈઓ-બહેનો, આપણા દેશમાં શેરડીના ખેડૂતો માટે હંમેશા ચિંતા વર્તાય છે. જ્યારે અમે સત્તાનાં સૂત્રો સંભાળ્યા, ખેડૂતોને કરોડો રૂપિયા ચૂકવવાના બાકી હતા. જ્યાં ખેડૂત શેરડીનો પાક લેતો હતો, ત્યાં મસમોટાં ચૂકવણાં બાકી હતાં. કોઈ કહેતું હતું કે 50 હજાર કરોડ ચૂકવવાના બાકી છે, કોઈ કહેતું હતું કે 60 હજાર કરોડ બાકી છે, કોઈ કહેતું હતું કે 65 હજાર કરોડ ખેડૂતોને ચૂકવવાનાં બાકી છે. દરરોજ નવા નવા આંકડા સામે આવતા હતા. અમારી સામે પડકાર હતો કે આ શેરડીના ખેડૂતોને નાણાં કેવી રીતે મળે. એક પછી એક યોજનાઓ બનાવવામાં આવી. દુનિયામાં ખાડના ભાવ તૂટી ગયા હતા, ભારતમાં ખાંડનો ભરપૂર જથ્થો હતો. દુનિયા ખાંડ ખરીદવા તૈયાર ન હતી. કારખાનાંઓ પાસે પૈસા ન હતાં. ખેડૂતોના નાણાં કોઈ ચૂકવતું ન હતું. અમે એક પછી એક યોજનાઓ બનાવી અને આજે 18 મહિનાની અંદર-અંદર, હું ખૂબ સંતોષપૂર્વક કહી શકું છું કે જ્યાં 50 હજાર કરોડ, 60 હજાર કરોડ,નાં ચૂકવણાં બાકી હોવાની વાતો થતી હતી, આજે, ગઈકાલ સુધીનો મેં હિસાબ મેળવ્યો, એક હજાર કરોડથી પણ ઓછી રકમનાં ચૂકવણાં હવે બાકી રહ્યાં છે. મારા શેરડીના ખેડૂતોને આ ચૂકવણાં થઈ જશે.

એટલું જ નહીં, ભાઈઓ-બહેનો, અમે ખેડૂતોને તાકાતવાન બનાવવાનો નિર્ણય કરીએ છીએ. શેરડીનો ખેડૂત, ખાંડના કારખાનાવાળાઓની ઈચ્છા પર જીવે કે મરે એ પરિસ્થિતિ યોગ્ય નથી. અમે એક નિયમ બનાવ્યો કે શેરડીમાંથી ઈથેનોલ બનાવવામાં આવે. એ ઈથેનોલ પેટ્રોલ સાથે ભેળવવામાં આવે. 10 ટકા ઈથેનોલ બનાવીને પેટ્રોલમાં ભેળવવાનો નિર્ણય કર્યો. દેશને જે ખાડીના દેશોમાંથી પેટ્રો પેદાશો લાવવી પડી છે, મારા હિન્દુસ્તાનના શેરડીના ખેડૂતો ઝાડીમાંથી એ પેદાશો ઉત્પન્ન કરશે. ખાડીની પેટ્રોપેદાશોની સામે મારી ઝાડીની પેદાશો કામ લાગશે. અને આ પર્યાવરણની દ્રષ્ટિએ શ્રેષ્ઠ રહેશે, આર્થિક દ્રષ્ટિએ દેશનું કલ્યાણ કરનારું બનશે અને ખેડૂતને શેરડીનો વધુ પાક થઈ જાય તો મુશ્કેલીમાં મુકાવું પડતું હતું, તેમાંથી હવે તે બહાર આવી જશે.

ખાંડ માટે નિકાસો માટે યોજનાઓ બનાવી, આયાતો ઓછી કરવાની યોજના બનાવી, બ્રાઉન ખાંડ જે હોય છે, તેના માટે યોજના બનાવી. ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યાર પણ આવી છે, ખેડૂતોનું કલ્યાણ એની પ્રાથમિકતા રહે છે અને એના જ પરિણામે મધ્ય પ્રદેશે એક નવો વિક્રમ સ્થાપ્યો. ગુજરાતમાં જ્યાં રણપ્રદેશ છે, ત્યાંના ખેડૂતોએ કમાલ કરી બતાવી.

ભાઈઓ-બહેનો, આજે કૃષિ ક્ષેત્રે અનેક પ્રયાસ, નવા પ્રયોગોની આવશ્યકતા છે, નવા ઈનોવેશન થવા જોઈએ. અમે એક સ્ટાર્ટ-અપ ઈન્ડિયા, સ્ટેન્ડ-અપ ઈન્ડિયાનું અભિયાન શરૂ કર્યું છે, પરંતુ આ સ્ટાર્ટ-અપ ઈન્ડિયા, સ્ટેન્ડ-અપ ઈન્ડિયા ફક્ત ઈન્ફર્મેશન ટેકનોલોજી માટે નથી. આ કોઈ સાધન બનાવવા માટે સ્ટાર્ટ-અપ ઈન્ડિયા, સ્ટેન્ડ-અપ ઈન્ડિયા નથી. કૃષિ ક્ષેત્રમાં પણ સ્ટાર્ટ-અપ ઈન્ડિયા, સ્ટેન્ડ-અપ ઈન્ડિયાનું કામ થઈ શકે છે. હું નવયુવાનોને આગ્રહ કરું છું કે એક ખૂબ મોટો અવસર આપણી સામે છે. આપણે કૃષિ ક્ષેત્રમાં નવી – નવી શોધ કરીએ, નવાં – નવાં સાધનો બનાવીએ, નવી-નવી ટેકનોલોજીનું ઈનોવેશન કરીએ, ખેડૂતો માટે કરીએ, પાક માટે કરીએ, પશુપાલન માટે કરીએ, મત્સ્ય ઉદ્યોગ માટે કરીએ, ડેરી ફાર્મિંગ માટે કરીએ, પોલ્ટ્રી ફાર્મિંગ માટે કરીએ અને સ્ટાર્ટ-અપ યોજનાનો લાભ ઉઠાવીએ, આ આપણા ખેડૂતોની શક્તિ બનશે.

આજે જો આપણો ખેડૂત ઓર્ગેનિક ફાર્મિંગ (જૈવિક ખેતી) અપનાવે છે, તો દુનિયામાં તેને એક નવું માર્કેટ મળશે. હિન્દુસ્તાનનું સિક્કિમ રાજ્ય દેશનું સૌથી પહેલું ઓર્ગેનિક સ્ટેટ બન્યું છે અને સમગ્ર નોર્થ-ઈસ્ટ – ઉત્તર પૂર્વ, નાગાલેન્ડ હોય, મિઝોરમ હોય, મેઘાલય હોય, આ તમામ વિસ્તાર એ દુનિયાનું ઓર્ગેનિક કેપિટલ બનવાની તાકાત ધરાવે છે. આ કામ પર અમે ભાર મૂક્યો છે.

અમારી એક ઈચ્છા છે – પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. હિન્દુસ્તાનના ખેડૂતને જો પાણી મળી જાય, તો મારા ખેડૂતમાં એટલી તાકાત છે કે તે માટીમાંથી સોનું પેદા કરી શકે છે. અને એટલે જ દિલ્હીમાં અમારી સરકારે સૌથી વધુ બજેટ કૃષિ સિંચાઈ યોજના માટે ફાળવ્યું છે અને તેમાં પાણીના સંગ્રહ પર ભાર મૂકવામાં આવ્યો છે, પાણીની સિંચાઈ પર ભાર મૂકવામાં આવ્યો છે, માઈક્રો ઈરીગેશન પર ભાર મૂકવામાં આવ્યો છે. પર ડ્રોપ, મોર ક્રોપ, એક – એક ટીપાથી વધુમાં વધુ પાક લેવાનો ઈરાદો રાખીને અમે આગળ વધી રહ્યા છીએ અને તેના માટે હું શિવરાજ જીને ખાસ અભિનંદન આપું છું. આ જે કૃષિ ક્રાન્તિ મધ્ય પ્રદેશમાં આવી છે, તેનું મૂળ કારણ છે, તેમણે સિંચાઈ યોજના પર ભાર મૂક્યો છે, ઈરીગેશન પર ભાર મૂક્યો છે અને આંકડો 12 લાખથી 32 લાખ પહોંચાડી દીધો. હું મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ જી અને તેમના નેતૃત્વ હેઠળની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છુે કે તેમણે ખેડૂતોની જરૂરિયાતોને સમજી. તેમણે પ્રાથમિકતા આપી અને આ પરિણામ મળ્યું છે. સમગ્ર દેશમાં આ જ કાર્યને આગળ ધપાવવાનું છે.

હું તમને આગ્રહ કરું છું, આપણે ટેકનોલોજીનો ઉપયોગ પણ કરીએ છીએ. આજે સેટેલાઈટ દ્વારા તમારા ગામમાં પાણી ક્યાંથી ક્યાં સુધી જઈ શકે છે, તેનો કોન્ટુઅર પ્લાન સહેલાઈથી બની શકે છે. ગામનું પાણી ગામમાં, આ મંત્ર લઈને આપણે ચાલવું જોઈએ. વરસાદમાં જેટલું પણ પાણી પડે, તેને રોકવા માટેની વ્યવસ્થા હોવી જોઈએ. જો તમારે વધુ ખર્ચ નથી કરવો, તો હું તમને એક સૂચન કરું છું. મારા ખેડૂત ભાઈ-બહેનો આ સૂચનને અનુસરે. ફર્ટિલાઈઝરની જે ખાલી થેલીઓ હોય છે, સિમેન્ટની જે ખાલી થેલીઓ હોય છે, તેમાં પત્થર અને માટી ભરી દો અને જ્યાંથી પાણી વહી જાય છે, ત્યાં પાણીને રોકી લો. 25-50 થેલીઓ રાખી દો, પાણી રોકાઈ જશે. 10 દિવસ-15 દિવસમાં પાણી જમીનમાં ઉતરી જશે. જમીનનું પાણીનું સ્તર ઊંચું આવશે. તમારી ખેતીને ખૂબ લાભ થશે. સમગ્ર મધ્ય પ્રદેશમાં, સમગ્ર હિન્દુસ્તાનમાં, અમારા સામાન્ય પ્રયોગો દ્વારા હવે આપણે પાણીને બચાવવાનું બીડું ઝડપી લઈએ.

આ જ રીતે, આપણે જે ફ્લડ ઈરીગેશન કરીએ છીએ, હું ખેડૂત ભાઈઓને આગ્રહ કરું છું કે ફ્લડ ઈરીગેશનની જરૂર નથી. આપણા મગજમાં એવું ઠસી ગયું છે કે ખેતર જો પાણીથી છલોછલ ભરેલું છે, તો જ પાક સારો ઉપજશે, પણ એવું નથી. હું તમને એક ઉદાહરણ સમજાવવા માંગું છું. જો કોઈ પરિવારમાં કોઈ બાળક, પાંચ વર્ષ – છ વર્ષની વય છે, પરંતુ તેનું શરીર એક વર્ષ કે બે વર્ષની વય જેટલું દેખાય છે, વજન વધતું નથી, મોઢા પર ચેતના નથી. એકદમ ઢીલું-પોચું છે અને માની બહુ ઈચ્છા હોય છે કે એનું સંતાન થોડું હસે- રમે, વજન વધવા લાગે, લોહી વધવા લાગે અને માતા જો એમ વિચારે કે એક ડોલ ભરીને પિસ્તા-બદામ વાળું દૂધ તૈયાર કરીશ અને બાળકને કેસર, પિસ્તા, બદામના દૂધથી દિવસમાં ચાર-ચાર વાર નવડાવીશ, દૂધની ડોલમાં અડધો દિવસ બેસાડી રાખીશ, તો શું એ બાળકના શરીરનું વજન વધશે, લોહી વધશે, શરીરમાં ફેરફાર થશે ? નહીં થાય. દૂધ હોય, બદામ હોય, પિસ્તા હોય, કેસર હોય, એને નવડાવી શકાય, પરંતુ બાળકના શરીરમાં કોઈ ફરક નહીં પડે. પરંતુ સમજદાર માતા બાળકને દિવસમાં ચમચીથી 10 ચમચી – 15 ચમચી દૂધ પીવડાવશે તો સાંજ સુધીમાં ભલે 200 ગ્રામ દૂધ પીધું હોય, વજન વધવા લાગશે, શરીર વધવા લાગશે, લોહી વધવા લાગશે. દૂધથી નવડાવવાથી શરીર નથી વળતું, પરંતુ દૂધ જો બે-બે ચમચી પીવડાવવામાં આવે તો ફરક પડે છે. આ પાકનો સ્વભાવ પણ આવો જ છે, જેવો બાળકનો હોય છે. પાકને પાણીમાં ડુબાડીને રાખશો તો પાક તાકાતવાર બનશે, તેવું વિચારવું ખોટું છે. જો ટીપું-ટીપું પાણી પાકને પિવડાવશો તો પાક ઝડપથી વધશે અને એટલે જ એક એક ટીપું પાણીથી પાક કેવી રીતે લઈ શકાય, તેના પર ધ્યાન આપવું જોઈએ અને એટલે જ પર ડ્રોપ, મોર ક્રોપ, આ ઈરીગેશન પર અમે ભાર મૂકી રહ્યા છીએ.

મારા ભાઈઓ-બહેનો, હું વર્ષ 2014માં પ્રધાનમંત્રી બન્યો, ત્યારે મુખ્યમંત્રીની મને જે સૌથી વધુ ચિટ્ઠીઓ મળી, તેમાં સૌથી વધુ ચિટ્ઠીઓ એવી મળી કે, પ્રધાનમંત્રી જી, અમારા રાજ્યમાં યુરિયાની ખોટ છે, તાત્કાલિક અમને યુરિયા મોકલો. અમને યુરિયાની આવશ્યકતા છે. ભાઈઓ-બહેનો, વર્ષ 2015માં હિન્દુસ્તાનના એક પણ મુખ્યમંત્રી તરફથી મને યુરિયાની માંગણી માટે ચિટ્ઠી ન આવી, હિન્દુસ્તાનના કોઈ ખૂણેથી ન આવી. અગાઉના છાપાં તમને કાઢો અને જોઈ લો કે કોઈ પણ રાજ્યમાં કોઈને કોઈ જિલ્લામાં, યુરિયા લેવા માટે ખેડૂતો હરોળબંધ ઊભા રહ્યા હોય તેવા ફોટોગ્રાફ છપાતા હતા. ખેડૂત યુરિયાને બ્લેક માર્કેટમાંથી ખરીદતો હતો અને કેટલીક જગ્યાઓ પર તો યુરિયા લેવા આવતા હતા, ઝઘડો થઈ જતો હતો, પોલીસે લાઠી ચાર્જ કરવો પડતો હતો. આ બહુ વર્ષો પહેલાંની વાત નથી કરતો. વર્ષ 2014 પહેલાં સુધી આવું થતું હતું. પહેલી વાર મારા ભાઈઓ-બહેનો, હિન્દુસ્તાનના ખેડૂતે યુરિયા માટે રાહ ન જોવી પડી, મુખ્યમંત્રીએ ચિટ્ઠી નહીં લખવી પડે. પોલીસે ડંડો નહીં ચલાવવો પડે, ખેડૂતે હરોળમાં ઊભા નહીં રહેવું પડે. આ કામ આ સરકારે કરી બતાવ્યું છે, ભાઈઓ-બહેનો. અને એટલું જ નહીં, દેશ સ્વતંત્ર થયા પછી સૌથી વધુ યુરિયાની પેદાશ, દેશ આઝાદ થયા પછી સૌથી વધુ યુરિયા ખાતરની પેદાશ જો ક્યારેય થઈ હોય, તો એ વર્ષ 2015માં થઈ છે, ભાઈઓ અને બહેનો ! કાળાં બજાર બંધ થઈ ગયાં, બેઈમાનીનો ધંધો બંધ થઈ ગયો, ખેડૂતની હક્કની ચીજ ખેડૂત સુધી પહોંચે એ માટે વ્યવસ્થા કરવામાં આવી અને એના કારણે યુરિયા ખેડૂતો સુધી પહોંચી ગયું.

ભાઈઓ-બહેનો ! અમે આટલેથી અટક્યા નથી. અમે સત્તાનાં સૂત્રો સંભાળ્યા કે તરત યુરિયાનું ઉત્પાદન વધારવા માટે યુરિયાનાં જે કારખાનાં બંધ પડ્યા હતાં, તે ચાલુ કરવાનો નિર્ણય લીધો, જ્યાં નવાં કારખાનાં સ્થાપવાની આવશ્યકતા છે, એ સ્થાપવા માટે પણ સરકાર તૈયાર છે, પરંતુ સાથે – સાથે અમે બીજું પણ એક કામ કર્યું છે, જે ઉદ્દેશ સાથે યુરિયાનું નીમ કોટિંગ કરી રહ્યા છીએ, લીમડાનું જે ઝાડ હોય છે, તેમાં જે ફળમાંથી તેલ નીકળે છે, તે યુરિયા પર ચઢાવવામાં આવે છે. લીમડાના તેલને કારણે યુરિયાની તાકાત વધી જાય છે. ખેડૂત જો અગાઉ 10 કિલો યુરિયા લેતો હતો, તો લીમડાના કોટિંગ પછી છ કિલો કે સાત કિલોથી પણ કામ ચલાવી શકે છે. ખેડૂતના ત્રણ – ચાર કિલો યુરિયાના પૈસા બચે છે. બીજું, લીમડાના કોટિંગવાળું યુરિયા નાખવાથી પાકને વધુ ફાયદો થાય છે, જમીનને વધુ ફાયદો થાય છે, જમીનને જે નુકસાન થયું છે, તેમાં મદદરૂપ થવાનું કામ લીમડાના કોટિંગવાળું યુરિયા કામ લાગે છે અને ત્રીજો સૌથી મોટો ફાયદો એ કે, અગાઉ જે યુરિયા આવતું હતું, એ ખેડૂતોના ખેતરમાં ઓછું જતું હતું અને કેમિકલનાં કારખાનાંઓમાં ચોરી થઈને ચાલી જતું હતું. સબસીડીવાળું યુરિયા કેમિકલ કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતું હતું. હવે, લીમડાના કોટિંગને કારણે એક ગ્રામ યુરિયા પણ ખેતી સિવાય ક્યાંય કામે લાગતું નથી. માત્ર ખેડૂતોના ઉપયોગમાં જ આવી શકે છે, આટલું મોટું કામ સરકારે કરી દીધું.

ભાઈઓ અને બહેનો ! ખેડૂતોને મારો આગ્રહ છે કે તમે માત્ર યુરિયાના ફર્ટિલાઈઝરથી કામ ન ચલાવી લો. સરકારે એક ઘણી મોટી યોજના બનાવી છે. આ જે શહેરોનો કચરો છે, તેમાંથી ફર્ટિલાઈઝર બનાવવાનું અને તે પણ ખેડૂતો સુધી પહોંચાડવાનું અને તે પણ સસ્તામાં મળે, તેના માટે કેટલુંક કન્સેશન આપવાનું જેથી મારા ખેડૂતોની જમીન બરબાદ ન થઈ જાય.

ભાઈઓ-બહેનો, અમે સોઈલ હેલ્થ કાર્ડ કાઢ્યા છે. સમગ્ર દેશમાં ખેડૂતો પાસે સોઈલ હેલ્થ કાર્ડ પહોંચાડવાનું સ્વપ્ન છે. જો તમે બ્લડ ટેસ્ટ કરાવો અને ડોક્ટર કહે કે તમને ડાયાબિટિસ છે, રિપોર્ટ લાવો પરંતુ મિઠાઈ ખાવાનું બંધ ન કરો, તો એ રિપોર્ટનો કોઈ ઉપયોગ છે… કોઈ ઉપયોગ નથી, જો તમે બ્લડ ટેસ્ટ કરાવો છો, યુરિન ટેસ્ટ કરાવો છો અને રિપોર્ટ આવે છે તો એ રિપોર્ટ મુજબ શરીરમાં ખાવા-પીવાની આદત પાડો તો જ બીમારી કન્ટ્રોલમાં રહે ચે. જમીનનું પણ એવું જ છે. સોઈલ હેલ્થ કાર્ડ આપણી જમીનની તબિયત કેવી છે, ક્યાંક આપણી આ ભારત માતા બીમાર તો નથી, આ જમીન, એમાં કોઈ નવી બીમારી તો નથી પેસી ગઈ, એ આ સોઈલ હેલ્થ કાર્ડથી ખબર પડે છે. મારા ખેતરની જમીન કયા પાક માટે લાયક નથી, મારા પિતાજી જ્યારે જીવતા હતા, ત્યારે શક્ય છે કે એ ઘઉંનો પાક લેવા માટે સારી રહી હોય, પરંતુ આટલાં વર્ષોમાં ઘસાતી ઘસાતી હવે એ ઘઉંનો પાક લેવા માટે લાયક નથી રહી, એ કઠોળને લાયક થઈ ગઈ છે, એ તેલિબિયાંને લાયક થઈ ગઈ છે, તો મારે ઘઉંને ત્યાં શિફ્ટ કરવા પડશે. આ સલાહ સોઈલ હેલ્થ કાર્ડથી મળે છે અને એટલે સોઈલ હેલ્થ કાર્ડનો ભરપૂર ઉપયોગ મારા ખેડૂત ભાઈ, બહેન કરે. મારા ખેડૂત કયા પાક માટે મારી જમીન યોગ્ય છે, તેના આધારે જો પાક લેવાનું નક્કી કરશે તો ક્યારેય ખેડૂતને રોવાનો વારો નહીં આવે. આ ફસલ બીમા સાથે સાથે સોઈલ હેલ્થ કાર્ડ તમને ઘણી મોટી સુરક્ષા આપે છે.

અને એટલે મારા ભાઈઓ-બહેનો, હું તમને આગ્રહ કરવા આવ્યો છું કે તમે આ આ કામ અવશ્ય કરો. મને આનંદ થયો, સ્વચ્છ ભારતનું જે અભિયાન શરૂ કરાયું છે, તેમાં અહીં નજીકમાં જ્યાંથી આપણા મુખ્યમંત્રી ચૂંટણી જીત્યા છે, તે બુધની, ખુલ્લામાં શૌચાલય મુક્ત બની ગયું છે અને તેના માટે હું અભિનંદન આપું છું અને જેમણે આ કામ કર્યું છે તે તમામ ગામના લોકોને તમામ અધિકારીઓને જાહેરમાં શૌચાલય નહીં જવાનો જે નિર્ણય કર્યો છે, તેના માટે હું અભિનંદન આપું છું. ઈંદોરના વિસ્તારમાં પણ આ કામ થયું છે એમ મને અમારા સ્પીકર મહોદયા સુમિત્રા જી જણાવી રહી હતી. હું તેમને અને ઈન્દોરના વિસ્તારના લોકોને પણ અભિનંદન આપું છું કે ખુલ્લામાં શૌચાલય જવાનું બંધ થઈ રહ્યું છે. હું મધ્ય પ્રદેશના તમામ ગામના લોકોને જેઓ અહીં આવ્યા છે, તેમને કહું છું કે આપણે સંકલ્પ લઈએ, આપણા ગામની આપણી બહેન, દીકરીને ખુલ્લામાં કુદરતી હાજતે જવું ન પડે. આપણે શૌચાલય બનાવીશું પણ ખરા અને તેનો ઉપયોગ પણ કરીશું. અને આ ખુલ્લામાં શૌચાલય મુક્ત બનવાનું કામ પૂરું કરવામાં મધ્યપ્રદેશના ગામના લોકોએ બીડું ઝડપ્યું છે, ઝડપથી આ કામ પૂરું કરો એવી મારી અપેક્ષા છે.

ભાઈઓ-બહેનો, શું આપણે એક સંકલ્પ કરી શકીએ છીએ, શું એ સંકલ્પ પ્રધાન મંત્રી પણ કરે, એ સંકલ્પ મુખ્ય મંત્રી પણ કરે, એ સંકલ્પ કૃષિ મંત્રી પણ કરે, એ સંકલ્પ દેશના ખેડૂત પણ કરે, એ સંકલ્પ દેશના સવા સો કરોડ નાગરિક પણ કરે. વર્ષ 2022માં ભારતની આઝાદીના 75 વર્ષ થશે. આપણા દેશની આઝાદીના 75 વર્ષ થશે, શું આપણે બધા સાથે મળીને એક સંકલ્પ કરી શકીએ છીએ કે વર્ષ 2022માં જ્યારે ભારતની આઝાદીનાં 75 વર્ષ થાય, 2022માં જ્યારે આપણે પહોંચીએ, આપણા ખેડૂતોની જે આવક છે, આપણા ખેડૂતોની જે ઈન્કમ છે, તે વર્ષ 2022 સુધીમાં આપણે બમણી કરી દઈએ, ડબલ કરીને જ જંપીશું, એ સંકલ્પ કરીએ. મારા ખેડૂત ભાઈ, સંકલ્પ કરે, રાજ્ય સરકાર સંકલ્પ કરે, બધા મુખ્યમંત્રી, કૃષિ મંત્રી સંકલ્પ કરે, એક બીડું ઝડપી લઈએ કે 2022માં જ્યારે આઝાદીનાં 75 વર્ષ થશે, મારા દેશના ખેડૂતોની આવક બમણી હશે, એના માટે જે કંઈ કરવું પડશે, એ અમે કરીશું, આજે આ સંદેશ અમે લઈને જઈએ. આ સંકલ્પ લઈને જઈએ.

હું ફરી એકવાર તમારા બધાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને હું આશા રાખું છું કે તમે ચારવાર એવોર્ડ જીત્યા છો, આવનારા વર્ષોમાં પણ આ એવોર્ડ બીજા કોઈના હાથમાં જવા ન દેશો. કંઈક કમાલ કરીને બતાવજો. હજુ થોડા દિવસ અગાઉ અબુધાબીથી, યુએઈથી ત્યાંના ક્રાઉન પ્રિન્સ અહીં આવ્યા હતા. તેમની સાથે હું વાત કરી રહ્યો હતો. આ ખેડૂતોએ સમજવા જેવી વાત છે. ક્રાઉન પ્રિન્સ અહીં આવ્યા હતા તો અમે બંને બેઠા હતા, વાતો કરી રહ્યા હતા. તેમણે મારી સામે એક ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે મોદી જી, અમારા યુએઈ પાસે ઘણા મોટા પ્રમાણમાં તેલ – પેટ્રો પેદાશોનો ભંડાર છે, પૈસા પણ અઢળક છે, પરંતુ અમારા નસીબમાં વરસાદ નથી અને જમીન પણ રેગીસ્તાન સિવાય કંઈ નથી. અમારી વસતી વધી રહી છે. દસ-પંદર વર્ષ પછી અમારે અમારા દેશના લોકોના પેટ ભરવા માટે અનાજ પણ બહારથી લાવવું પડશે, શાકભાજી પણ બહારથી લાવવી પડશે, કઠોળ, તેલિબિયાં પણ બહારથી લાવવા પડશે. શું ભારતે વિચાર્યું છે કે ગલ્ફ કન્ટ્રીની માંગ પૂરી કરવા માટે કેવી રીતે તૈયાર કરવી. હું પરેશાન હતો. યુએઈના ક્રાઉન પ્રિન્સ ઈચ્છે છે કે દસ-પંદર વર્ષ પછી ત્યાંની જનતાની જે આવશ્યકતા છે, તેની આપૂર્તિ માટે ભારત આજથી તૈયારી કરે, ભારત પોતાનું પેટ ભરે પરંતુ ભારત યુએઈનું પણ પેટ ભરે એ દરખાસ્ત તેમણે મારી સામે મૂકી.

મારા ખેડૂત ભાઈઓ-બહેનો, વિશ્વ આજે આપણી પાસેથી અપેક્ષા રાખી રહ્યું છે. સમગ્ર દુનિયાને ભારત કામ આવી શકે તેમ છે. જો આપણે કોશિષ કરીએ, આપણે આપણાં ઉત્પાદનો વધારીએ, આપણે દુનિયાનું બજાર સર કરી શકીએ છીએ. એ સ્વપ્ન લઈને આગળ ચાલીએ, એ જ અપેક્ષા સાથે હું તમને સહુને હૃદયપૂર્વક નમન કરું છું અને જય જવાન, જય કિસાન – જે મંત્રએ હિન્દુસ્તાનના ખેડૂતોના ભારતના અન્નના ભંડાર ભરી દીધા હતા, એ મારા ખેડૂતો હિન્દુસ્તાનને આર્થિક ઊંચાઈઓ પર લઈ જવાની પણ એક ઘણી મોટી તાકાત બનીને આગળ આવશે. ખૂબ – ખૂબ ધન્યવાદ. ખૂબ – ખૂબ શુભેચ્છાઓ.

J.Khunt