Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મણિપુર પાણી પુરવઠા યોજનાના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


 

મણિપુરનાં રાજ્યપાલ શ્રીમતી નજમા હેપતુલ્લાજી, મણિપુરના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી એન. બિરેન સિંહજી, કેન્દ્રના મંત્રીમંડળના મારા સાથીદારો શ્રી ગજેન્દ્ર શેખાવતજી, શ્રી જીતેન્દ્ર સિંહજી, રતનલાલ કટારિયાજી, મણીપુરના સાસંદ અને વિધાનસભાના તમામ જન પ્રતિનિધિ, મણિપુરના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

આજનો આ કાર્યક્રમ, એ બાબતનું ઉદાહરણ પૂરૂ પાડે છે કોરોનાના આ સંકટ કાળમાં પણ દેશ અટક્યો નથી, દેશ રોકાયો નથી, દેશ થાક્યો નથી. જ્યાં સુધી કોરોનાની રસી નહીં આવે ત્યાં સુધી કોરોના વિરૂધ્ધ આપણે મજબૂતીથી લડતા રહેવાનું છે અને વિજયી પણ થવાનું છે તેમજ વિકાસના કાર્યોને પણ સંપૂર્ણ તાકાત સાથે આગળ ધપાવતા રહેવાનું છે. આ વખતે તો પૂર્વ અને પૂર્વોત્તર ભારતને એક રીતે કહીએ તો, બેવડા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. પૂર્વોત્તર ભારતને ફરી એક વખત ભારે વરસાદ અને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદને કારણે ભારે નુકસાન થયું છે અને અનેક લોકોનાં મૃત્યુ પણ થયા છે. અનેક લોકોને પોતાના ઘર છોડવા પડ્યા છે. હું તમામ અસરગ્રસ્ત પરિવાર તરફ સંવેદનાની લાગણી વ્યક્ત કરૂં છું. મુશ્કેલીના આ સમયમાં હું આપ સૌને વિશ્વાસ આપવા માંગુ છું કે, સમગ્ર દેશ તમારી સાથે ઉભેલો છે. ભારત સરકાર ખભે-ખભા મિલાવીને તમામ રાજ્યોની સાથે, જે પણ આવશ્યકતાઓ હશે તેના માટે દરેક પ્રકારે કામ કરવા સતત પ્રયાસો કરી રહી છે.

સાથીઓ,

મણિપુરમાં કોરોના સંક્રમણની ગતિ અને વ્યાપને નિયંત્રિત કરવા માટે રાજ્ય સરકાર દિવસ રાત કામ કરી રહી છે. લોકડાઉન દરમિયાન મણિપુરના લોકો માટે આવશ્યક વસ્તુઓની વ્યવસ્થા કરવાની હોય કે પછી તેમને પાછા લાવવાની વિશેષ વ્યવસ્થા કરવાની હોય. રાજ્ય સરકારે તમામ આવશ્યક કદમો ઉઠાવ્યા છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મણિપુરના લગભગ 25 લાખ ગરીબ ભાઈ-બહેનો એટલે કે લગભગ 5 લાખ પરિવારો અથવા 6 લાખ ગરીબ ભાઈઓ અને બહેનોને વિના મૂલ્યે અનાજ મળ્યું છે. આવી જ રીતે દોઢ લાખ કરતાં વધુ બહેનો માટે મફત ગેસ સિલિન્ડરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મને વિશ્વાસ છે કે, કેન્દ્ર સરકારની આ યોજનાઓ સંકટના આ સમયમાં ગરીબોને આ રીતે મદદ કરતી જ રહેશે.

સાથીઓ,

આજે ઈમ્ફાલ સહિત મણિપુરના લાખો સાથીદારો માટે અને ખાસ કરીને આપણી બહેનો માટે ખૂબ મહત્વનો દિવસ છે. અને એ પણ થોડાક દિવસ પછી જ્યારે રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે તેની પહેલાં મણિપુરની બહેનોને એક ખૂબ મોટી ભેટ આપવાની શરૂઆત થઈ રહી છે. આશરે રૂ.3 હજાર કરોડના ખર્ચે પૂર્ણ થનારો મણિપુર પાણી પૂરવઠા પ્રોજેક્ટ અહિંના લોકોની પાણીની અગવડ ઓછી કરનારો બની રહેશે. ગ્રેટ ઈમ્ફાલ સહિત, નાના મોટા 25 શહેરો અને કસબાઓ, 1700 કરતાં વધુ ગામ માટે આ પ્રોજેક્ટમાંથી જળધારા નિકળવાની છે. આ જળધારા જીવનધારાનું કામ કરવાની છે. મોટી વાત તો એ છે કે આ પ્રોજેક્ટ માત્ર આજની જ નહીં, પણ આવનારા વર્ષોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટ મારફતે લાખો લોકોને પીવા માટેનું સ્વચ્છ પાણી લોકોને ઘરે-ઘરે ઉપલબ્ધ તો થશે જ, પણ સાથે-સાથે હજારો લોકોને રોજગારી પણ મળશે. અને તમે જાણો છો કે જ્યારે પીવાનું શુધ્ધ પાણી મળી રહે છે ત્યારે રોગ પ્રતિકારક શક્તિમાં ઘણી મદદ મળતી હોય છે. રોગનો સામનો કરવા માટે ખૂબ મોટી તાકાત મળતી હોય છે. બિમારીઓ દૂર રહેતી હોય છે અને એટલા માટે જ પાણી એ માત્ર નળમાં આવવાનો વિષય જ નથી, પરંતુ ચોક્કસપણે આ પ્રોજેક્ટ ઘેર ઘેર નળથી પાણી પહોંચાડવાના અમારા વ્યાપક ધ્યેયને ઘણી મોટી ગતિ આપનાર બની રહેશે. હું આ વોટર પ્રોજેક્ટ માટે મણિપુરના લોકોને અને ખાસ કરીને મણિપુરની મારી માતાઓ અને બહેનોને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું.

સાથીઓ,

ગત વર્ષે જ્યારે દેશમાં જળ જીવન મિશનની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે મેં કહ્યું હતું કે, આપણે અગાઉની સરકારોની તુલનામાં અનેકગણી ઝડપથી કામ કરવાનું છે. જ્યારે 15 કરોડ કરતાં વધુ ઘરમાં પાઈપથી પાણી પહોંચાડવાનું હોય ત્યારે એક ક્ષણ માટે પણ અટકવાનું વિચારી શકાય નહીં. અને આ જ કારણથી લૉકડાઉનના સમયમાં પણ ગામે-ગામ પાઈપલાઈન લગાડવાનું અને જાગૃતિ વધારવાનું તથા પંચાયતોને સાથે લઈને કામ કરવાનું ચાલુ રાખવમાં આવ્યું છે.

આજે સ્થિતિ એવી થઈ છે કે, દેશમાં લગભગ 1 લાખ પાણીનાં જોડાણો, એટલે કે ઘરમાં પાણીનાં જોડાણો રોજે-રોજ આપવામાં આવી રહ્યા છે. આનો અર્થ એ થાય કે, દરરોજ એક લાખ માતાઓ અને બહેનોના જીવનમાં પાણી માટેની આટલી મોટી ચિંતા આપણે દૂર કરી રહ્યા છીએ. એક લાખ માતાઓ અને બહેનોનું જીવન આસાન બનાવી રહ્યા છીએ. ઝડપ એટલા માટે શક્ય બની છે કે, જળ જીવન મિશન એક લોક આંદોલન તરીકે આગળ વધી રહ્યું છે. તેના કારણે ગામડાઓમાં લોકો અને ખાસ કરીને ગામડાંની બહેનો અને ગામડાંના જન પ્રતિનિધિઓ સાથે મળીને નક્કી કરી રહ્યા છે કે, પાણીની પાઈપ ક્યાં લગાવાશે, પાણીનો સ્રોત ક્યાં ઉભો કરાશે, ક્યાં પાણીની ટાંકી બનશે અને ક્યાં કેટલું બજેટ ખર્ચ કરવામાં આવશે.

સાથીઓ,

સરકારની આ વ્યવસ્થામાં આટલું મોટું વિકેન્દ્રિકરણ, આટલા મોટા પાયે, પાયાના સ્તરે સશક્તિકરણની તમે કલ્પના કરી શકો છો કે તે કેટલી મોટી તાકાત બની રહી છે. સાથીઓ, જીવન જીવવામાં આસાની એ બહેતર જીવન માટે આવશ્યક પૂર્વ શરત છે. પૈસા વધારે કે ઓછા હોઈ શકે છે, પણ જીવન જીવવાની આસાનીમાં દરેકનો હક્ક હોય છે અને ખાસ કરીને આપણાં ગરીબ ભાઈ-બહેનો, માતાઓ, બહેનો, દલિતો, પછાત લોકો અને આદિવાસીઓનો પણ હક્ક બની રહે છે. અને એટલા માટે જ વિતેલા 6 વર્ષમાં ભારતમાં જીવન જીવવામાં આસાની માટે ખૂબ મોટું આંદોલન ચાલી રહ્યું છે.

ભારત પોતાના નાગરિકોને તેમના જીવનમાં તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. વિતેલા 6 વર્ષમાં દરેક સ્તરે અને દરેક ક્ષેત્રમાં કદમ ઉઠાવવામાં આવ્યા છે, જેના કારણે ગરીબ વ્યક્તિ હોય કે સામાન્ય વ્યક્તિ હોય, તેમને આગળ ધપવા માટે પ્રોત્સાહન પ્રાપ્ત થઈ રહ્યું છે. આજે મણિપુર સહિત સમગ્ર ભારત ખૂલ્લામાં શૌચથી મુક્ત થવાની જાહેરાત કરી ચૂક્યું છે. આજે ભારતના દરેક ગામ સુધી વિજળીનાં જોડાણો પહોંચી ગયા છે. લગભગ તમામ પરિવારો વિજળીના જોડાણથી જોડાઈ ચૂક્યા છે. આજે એલપીજી ગેસ ગરીબમાં ગરીબ માણસના રસોડા સુધી પહોંચી ચૂક્યો છે. દરેક ગામને સારી સડકથી જોડવામાં આવી રહ્યું છે. ઘર વગરના દરેક ગરીબ માણસ માટે સારા ઘર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. એક મોટી ખામી સ્વચ્છ પાણીની રહેતી હતી તેની જરૂરિયાત પૂર્ણ કરવા માટે મિશન મોડમાં પાણી પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે.

સાથીઓ,

બહેતર જીવનનો, પ્રગતિ અને સમૃધ્ધિનો સીધો સંબંધ કનેક્ટીવિટી સાથે રહેતો હોય છે. પૂર્વોત્તરની કનેક્ટીવિટી અહિંના લોકોનું જીવન આસાન બનાવવા માટે જરૂરી છે અને એક રીતે કહીએ તો સુરક્ષિત અને આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય પૂર્ણ કરવા માટે ખૂબ જ જરૂરી છે. એક તરફ મ્યાનમાર, ભૂતાન, નેપાળ અને બાંગ્લાદેશ સાથે આપણાં સામાજીક અને વ્યાપારી સંબંધોને મજબૂતી પ્રાપ્ત થઈ રહી છે અને તે ભારતની એક્ટ ઈસ્ટ નીતિને સશક્ત બનાવે છે.

આપણો પૂર્વોત્તર વિસ્તાર એક રીતે કહીએ તો પૂર્વ એશિયા સાથે આપણાં પ્રાચીન સાંસ્કૃતિક સંબંધો અને ભવિષ્યના વ્યાપાર, પ્રવાસ અને પ્રવાસન પ્રવૃત્તિના સંબંધોનો ગેટ વે છે. આવા જ વિચારોની સાથે મણિપુર સહિત સમગ્ર પૂર્વોત્તરને કનેક્ટીવિટી સાથે જોડીને માળખાગત સુવિધાઓ વધારવા તરફ નિરંતર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. માર્ગો હોય કે ધોરિમાર્ગો હોય, હવાઈ માર્ગો હોય કે જળમાર્ગો હોય કે પછી આઈ-વેઝ હોય, તેની સાથે-સાથે ગેસ પાઈપ લાઈનની આધુનિક માળખાગત સુવિધાઓ, ઓપ્ટીકલ ફાઈબરની સુવિધાઓ, પાવર ગ્રીડની વ્યવસ્થા જેવા અનેક કામ, એક રીતે કહીએ તો પૂર્વોત્તર વિસ્તારમાં માળખાગત સુવિધાઓની વ્યવસ્થા વિસ્તારી રહ્યા છે.

વિતેલા 6 વર્ષમાં સમગ્ર પૂર્વોત્તર વિસ્તારમાં માળખાગત સુવિધાઓના નિર્માણ માટે હજારો કરોડ રૂપિયાનું મૂડી રોકાણ કરવામાં આવ્યું છે અને અમારો પ્રયાસ એ પણ રહ્યો છે કે, પૂર્વોત્તરના રાજ્યોના પાટનગરોને ચાર લેન, જીલ્લા વડામથકોને બે લેન અને ગામડાંઓને બારમાસી રોડથી જોડવામાં આવે. આ યોજના હેઠળ લગભગ 3000 કી.મી.ની સડકો તૈયાર થઈ ચૂકી છે અને લગભગ 1000 કી.મી.ના પ્રોજેક્ટસ ઉપર ઝડપથી કામ ચાલી રહ્યું છે.

સાથીઓ,

રેલ કનેક્ટીવિટીના ક્ષેત્રે તો પૂર્વોત્તરમાં ખૂબ મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે. એક તરફ નવા-નવા સ્ટેશનો સુધી રેલવે પહોંચી રહી છે, તો બીજી તરફ પૂર્વોત્તરના રેલવે નેટવર્કનું બ્રોડગેજમાં રૂપાંતર કરવામાં આવી રહ્યું છે. આપ સૌને આ પરિવર્તનનો અનુભવ થઈ રહ્યો હશે. આશરે 14 હજાર કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલી જીરીબામ-ઈમ્ફાલ રેલવે લાઈન જ્યારે તૈયાર થઈ જશે ત્યારે મણિપુરમાં ખૂબ મોટું પરિવર્તન આવવાનું છે. આવી જ રીતે પૂર્વોત્તરના દરેક રાજ્યની રાજધાનીઓને આગામી વર્ષોમાં બહેતર રેલવે નેટવર્કથી જોડવાનું કામ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે.

સાથીઓ,

રોડ અને રેલવે ઉપરાંત પૂર્વોત્તરની એર કનેક્ટીવિટી પણ એટલી જ મહત્વની છે. આજે પૂર્વોત્તરમાં નાના મોટા લગભગ 13 એરપોર્ટનું સંચાલન થઈ રહ્યું છે. ઈમ્ફાલ એરપોર્ટ સહિત પૂર્વોત્તરના હાલના જે એરપોર્ટ છે તેનું વિસ્તરણ કરવા માટે ત્યાં આધુનિક સુવિધાઓ તૈયાર કરવા માટે રૂ.3000 કરોડ કરતાં વધુનું ખર્ચ કરવામાં આવી રહ્યું છે.

સાથીઓ,

પૂર્વોત્તર માટે એક મોટું કામ થઈ રહ્યું છે અને તે છે- આંતરરાષ્ટ્રીય જળમાર્ગોની રચના કરવાનું. મને એક ખૂબ મોટી ક્રાંતિ દેખાઈ રહી છે. હાલમાં 20 કરતાં વધુ રાષ્ટ્રીય જળમાર્ગો ઉપર કામ ચાલી રહ્યું છે. ભવિષ્યમાં અહિંની કનેક્ટીવિટી માત્ર સિલીગુડી કોરિડોર સુધી જ સિમીત રહેવાની નથી. હવે સમુદ્ર અને નદીઓનાં નેટવર્ક મારફતે એક અપાર કનેક્ટીવિટી માટે કામ શરૂ કરવામાં આવી રહ્યું છે. કનેક્ટીવિટી વધવાનો ખૂબ મોટો લાભ આપણાં ઉદ્યોગોને અને આપણાં ખેડૂતોને મળી રહ્યો છે. તેનાથી પૂર્વોત્તરમાં થનારા પરિવહનના સમયમાં પણ ઘટાડો થવાનો છે. બીજો લાભ એ થવાનો છે કે પૂર્વોત્તરના ગામડાંને, ખેડૂતોને, દૂધ, શાકભાજી અને ખનિજ જેવી ચીજો દેશ-વિદેશના મોટા બજારો સુધી પહોંચાડવાની વ્યવસ્થા ઉભી થઈ રહી છે.

સાથીઓ,

પૂર્વોત્તર ભારત કુદરતી અને સાંસ્કૃતિક વૈવિધ્યનું, સાંસ્કૃતિક તાકાતનું ખૂબ મોટું પ્રતિક છે. તે ભારતની આન, બાન અને શાન છે. આવી સ્થિતિમાં જ્યારે આધુનિક માળખાગત સુવિધાઓનું નિર્માણ થાય છે ત્યારે પ્રવાસન પ્રવૃત્તિને પણ ખૂબ જ ગતિ પ્રાપ્ત થાય છે. મણિપુર સહિત પૂર્વોત્તરની પ્રવાસન ક્ષમતા હજુ પણ વણખેડાયેલી રહી છે. હવે તો હું જોઈ શકું છું કે, સોશ્યલ મિડીયા અને વીડીયો સ્ટ્રીમીંગના માધ્યમોથી દેશ અને વિદેશ સુધી પૂર્વોત્તરની આ તસવીર, આ ક્ષમતા ઘરે-ઘરે પહોંચાડવાનું શક્ય બન્યું છે અને પૂર્વોત્તરના વણસ્પર્શ્યા સ્થળોના વીડીયો લોકોમાં નવાઈ પેદા કરી રહ્યા છે. લોકોને મનમાં થાય છે કે, આ બધું આપણાં દેશમાં છે. આ લોકોના મનમાં એવું થાય છે કે, પૂર્વોત્તરની આપણી આ તાકાતનો પૂરો લાભ લેવામાં આવે, અહિંના યુવાનોને રોજગારીની તકો મળે તે દિશામાં સરકારના અનેક કામ આગળ વધારવામાં આવી રહ્યા છે.

સાથીઓ,

પૂર્વોત્તરમાં દેશના વિકાસનું ગ્રોથ એન્જીન બનવાની ક્ષમતા છે. દિવસે-દિવસે મારો આ વિશ્વાસ ગાઢ બનતો જાય છે, કારણ કે હવે સમગ્ર પૂર્વોત્તરમાં શાંતિની સ્થાપના થઈ રહી છે. અગાઉ જ્યાંથી માત્ર નકારાત્મક સમાચાર આવતા હતા ત્યાંથી શાંતિ, પ્રગતિ અને સમૃધ્ધિના મંત્ર ગૂંજી રહ્યા છે.

એક તરફ મણિપુરનો બ્લોકેજ ઈતિહાસનો એક હિસ્સો બની ચૂક્યો છે અને હમણાં આપણાં મુખ્યમંત્રીજી કહી રહ્યા હતા તે મુજબ હું પણ મારા તરફથી અને ખાસ કરીને પૂર્વોત્તરના નાગરિકોના અને ખાસ કરીને મણિપુરના નાગરિકોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. તમે અમને સાથ આપ્યો, મારા શબ્દોને તાકાત આપી અને એક બ્લોકેજ વિતેલી ગઈ કાલની વાત બની ગઈ. આ જ આસામમાં દાયકાઓથી ચાલી રહેલી હિંસાનો દોર અટકી ગયો છે. ત્રિપૂરા અને મિઝોરમમાં પણ યુવાનોએ હિંસાનો માર્ગ ત્યજી દીધો છે. હવે બ્રૂ-રિયાંગ શરણાર્થી એક બહેતર જીવનની શોધ માટે આગળ વધી રહ્યા છે.

સાથીઓ,

બહેતર માળખાગત સુવિધાઓ, કનેક્ટીવિટી અને શાંતિમાં જ્યારે વધારો થાય છે ત્યારે આ ત્રણેય ચીજોને કારણે ઉદ્યોગો માટે મૂડી રોકાણની શક્યતાઓ અનેકગણી વધી જતી હોય છે. પૂર્વોત્તર પાસે તો અનેક ઓર્ગેનિક પ્રોડક્ટસ અને વાંસ એ બે એવા માધ્યમો છે કે જે આત્મનિર્ભર ભારતને બળ આપવાનું સામર્થ્ય ધરાવે છે. અને આજે જ્યારે હુ તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે પૂર્વોત્તરના ખેડૂત ભાઈ-બહેનોને એક ખાસ વાત કરવા માંગુ છું. હું સતત કહેતો રહ્યો છું કે પૂર્વોત્તર દેશની ઓર્ગેનિક રાજધાની બની શકે તેમ છે. આજે હું વધુ એક વાત કરવા માંગુ છું. પાછલા દિવસોમાં મારે કેટલા વૈજ્ઞાનિકોને મળવાનું થયું, કૃષિ વૈજ્ઞાનિકોને મળવાનું થયું, અર્થશાસ્ત્રીઓને મળવાનું થયું ત્યારે તેમણે મને એક મજાની વાત કહી. તેમણે કહ્યું કે, અમારે ત્યાં પૂર્વોત્તરમાં ખેડૂત જો પામોલીનની ખેતી કરે તો દેશને અને પૂર્વોત્તરના વિસ્તારના ખેડૂતોને તેનાથી ખૂબ મોટી મદદ મળી શકે તેમ છે. આજે પામોલીન તેલ, પામોલીન ઓઈલ ભારતનું એક ખાત્રીપૂર્વકનું બજાર છે. જો પૂર્વોત્તરનો ખેડૂત ઓર્ગેનિક ખેતી કરતો હોય તો તેની સાથે તે પામોલીનની ખેતી પણ કરે. તમે કલ્પના કરી શકો છો કે, આનાથી ભારતની કેટલી મોટી સેવા થશે. તેનાથી આપણાં અર્થતંત્રને એક નવી ગતિ મળશે. હું અહિંના તમામ રાજ્ય સરકારોને આગ્રહ કરૂં છું કે, તે પોતાના રાજ્યોમાં પામોલિન મિશનની રચના કરે, ખેડૂતોને માહિતગાર કરે, તેમને પ્રેરણા આપે અને ભવિષ્યમાં ખેડૂતોને આ માટે દરેક પ્રકારે મદદ કરવાની જરૂરિયાત ઉભી થશે અને આ અંગે પણ આપણે સાથે બેસીને યોજના તૈયાર કરી શકીએ તેમ છીએ. વિચાર કરીને આગળ વધી શકીએ તેમ છીએ. અને એટલા માટે જ હું આજે મણિપુરના ભાઈઓ અને બહેનોને એક ખાસ વાત કરવા માંગુ છું.

પૂર્વોત્તરના મારા ભાઈઓ-બહેનો હંમેશા લોકલ માટે વૉકલ (સ્થાનિક ચીજો માટે આગ્રહી) રહ્યા છે. માત્ર એટલું જ નહીં, પૂર્વોત્તરની એક વિશેષતા એ પણ છે કે, તેમને સ્થાનિક ચીજો માટે ગર્વ હોય છે. મને યાદ છે કે, હું જ્યારે આ પ્રકારનો સ્કાર્ફ લગાવું છું તો આ પ્રદેશના લોકો ગૌરવ સાથે તેને ઓળખી જાય છે. આ ઘણી મોટી બાબત છે અને એટલા માટે જ પૂર્વોત્તરની એવી સમજ કે લોકલ જ વૉકલ બને, કદાચ મને લાગે છે કે, મારે નહીં કહેવું જોઈએ કે તમે તો ચાર કદમ આગળ છો, તમે તો સ્થાનિક ચીજો પ્રત્યે ખૂબ જ ગૌરવ દાખવો છો. તમે ગૌરવનો અનુભવ કરો છો. હા, આ આપણું જ છે અને તે જ આપણી તાકાત બનવાનું છે.

જે પ્રોડક્ટસ પૂર્વોત્તરમાં બને છે તે વિશેષ પ્રમાણમાં મૂલ્યવૃધ્ધિ, પ્રોત્સાહન અને બજાર ઉપલબ્ધિથી વંચિત રહી જાય છે. લોકોને એ પણ ખબર નથી કે, હવે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સ્થાનિક ઉત્પાદનોમાં મૂલ્યવૃધ્ધિ અને તેના માર્કેટીંગ માટે ક્લસ્ટર્સ વિકસાવવામાં આવી રહ્યા છે. આ ક્લસ્ટર્સમાં એગ્રો-સ્ટાર્ટ-અપ્સ અને અન્ય ઉદ્યોગોને તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આવી પરિસ્થિતિમાં પૂર્વોત્તરની ઓર્ગેનિક પ્રોડક્ટસને દેશ અને વિદેશનું બજાર પ્રાપ્ત થાય તે માટેની જરૂરી સુવિધાઓ નજીકમાં જ ઉભી કરવામાં આવશે.

સાથીઓ,

પૂર્વોત્તરના સામર્થ્યને અને ખાસ કરીને ભારતને વાંસની આયાતથી મુક્ત કરી સ્થાનિક ઉત્પાદન તરફ વાળવાનું સામર્થ્ય છે. દેશમાં અગરબત્તીનું એટલું મોટું બજાર છે કે તેના માટે આપણે કરોડો રૂપિયાના વાંસની આયાત કરી રહ્યા છીએ. આ સ્થિતિને બદલવા માટે દેશમાં ઘણું કામ ચાલી રહ્યું છે અને તે પ્રયાસોનો લાભ પણ પૂર્વોત્તરના રાજ્યોને મળવાનો છે.

સાથીઓ,

પૂર્વોત્તરમાં વાંસ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે આ અગાઉ એક બામ્બુ ઈન્ડસ્ટ્રીયલ પાર્કને મંજૂરી આપવામાં આવી ચૂકી છે. અને આટલું જ નહીં, નુમાલીગઢમાં વાંસમાંથી બાયો ફ્યુઅલ બનાવવાની ફેક્ટરી પણ તૈયાર થઈ રહી છે. નેશનલ બામ્બુ મિશન હેઠળ વાંસની ખેતી કરતા ખેડૂતોને હસ્તકલા સાથે જોડીને તથા કસબીઓ અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે સેંકડો કરોડ રૂપિયાનું મૂડી રોકાણ કરવામાં આવી રહ્યું છે. આનાથી પૂર્વોત્તરના યુવાનો અને અહિંના સ્ટાર્ટ-અપ્સને ઘણો લાભ મળવાનો છે.

સાથીઓ,

પૂર્વોત્તરમાં થઈ રહેલા આ જંગી પરિવર્તનનો લાભ જે રાજ્યો વધુ સક્રિય હશે તેમને મળવાનો છે. મણિપુર સામે અપાર અવસરો પડેલા છે અને મને પાકો વિશ્વાસ છે કે, મણિપુર આ તક જવા નહીં દે. અહિંના ખેડૂતો, અહિંના ઉદ્યોગકારોને તેનાથી ઘણો મોટો લાભ થવાનો છે. અમારો એ પ્રયાસ રહેશે કે, મણિપુરના યુવાનોને સ્થાનિક સ્તરે જ રોજગારીની તકો ઉપલબ્ધ થાય. આરોગ્ય, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, સ્ટાર્ટ-અપ્સ અને અન્ય તાલિમો માટે અનેક સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી રહી છે.

સ્પોર્ટસ યુનિવર્સિટી અને વિશ્વસ્તરના સ્ટેડિયમ્સ બનવાને કારણે મણિપુર દેશની રમત પ્રતિભાઓને નિખારવા માટેનું એક મોટું હબ બનવા જઈ રહ્યું છે. દેશના અન્ય ભાગોમાં પણ મણિપુર સહિત પૂર્વોત્તરના તમામ યુવકોને આજે હોસ્ટેલ સહિતની બહેતર સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. વિકાસ અને વિશ્વાસના માર્ગે જ આપણે રાષ્ટ્રને વધુ મજબૂત બનાવીને આગળ ધપવાનું છે. ફરી એક વખત હું આપ સૌને આ નવા વોટર પ્રોજેકટ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

ખાસ કરીને, આપણી માતાઓ અને બહેનોના આશીર્વાદ, આપણને શક્તિ આપે કે જેથી ઘરે-ઘરે પાણી પહોંચાડવાના આપણાં સપનામાં કોઈ ખલેલ ના પહોંચે. સમય સીમા પૂરી થાય તે પહેલાં આપણે આ કામ કરી શકીએ તે માટે માતાઓ અને બહેનો આપણને આશીર્વાદ આપે. આપણે કામ કરવાનું છે, કામ કરવા માટે આશીર્વાદ આપો. તમારા આશીર્વાદમાં ખૂબ મોટી તાકાત પડેલી છે અને રક્ષાબંધનનું પર્વ આવી રહ્યું છે ત્યારે હું આગ્રહ રાખું છું કે, તમારા આશીર્વાદની સતત ખેવના કરતો રહું. આપ સૌ પોતાનું ધ્યાન રાખજો. સ્વચ્છતા માટે આમ પણ પૂર્વોત્તર હંમેશા ખૂબ જ ગંભીર રહ્યું છે, ખૂબ સતર્ક રહ્યું છે. દેશના એક મોડેલ તરીકે કામ કરી રહ્યું છે, પરંતુ આપણે આજે જ્યારે કોરોના સામે લડત આપી રહ્યા છીએ ત્યારે બે ગજનું અંતર, ફેસ માસ્ક અને હેન્ડ સેનિટાઈઝેશન અને તેવી જ રીતે બહાર થૂંકવું નહીં, ગંદકી કરવી નહીં વગેરે બાબતોનું આપણે ધ્યાન રાખવાનું છે. આજે કોરોનાથી લડાઈ લડવા માટેનું સૌથી શક્તિશાળી હથિયાર એ જ છે અને એ જ આપણને કોરોના સામેની લડાઈમાં મદદ કરતું રહેશે.

ખૂબ ખૂબ ધન્યવાદ !!!

SD/GP/DS/BT