પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે દિલ્હી મેટ્રોના ચોથા તબક્કાના બે નવા કોરિડોરને મંજૂરી આપી હતી, જે રાષ્ટ્રીય રાજધાનીમાં મેટ્રો કનેક્ટિવિટીમાં વધુ સુધારો કરશે તેવી અપેક્ષા છે.
બે કોરિડોર છે;
એ) ઇન્દ્રલોક – ઇન્દ્રપ્રસ્થ 12.377 કિ.મી.
બી) લાજપત નગર – સાકેત જી બ્લોક 8.385 કિ.મી.
પ્રોજેક્ટ ખર્ચ અને ભંડોળ
દિલ્હી મેટ્રોના ચોથા તબક્કાના આ બંને કોરિડોરના પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ.8,399 કરોડ થયો છે, જે ભારત સરકાર, દિલ્હી સરકાર અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ સંસ્થાઓ પાસેથી મેળવવામાં આવશે.
આ બંને લાઇન 20.762 કિલોમીટરની હશે. ઇન્દ્રલોક– ઇન્દ્રપ્રસ્થ કોરિડોર ગ્રીન લાઇનનું વિસ્તરણ હશે અને રેડ, યલો, એરપોર્ટ લાઇન, મેજેન્ટા, વાયોલેટ અને બ્લૂ લાઇન્સ સાથે ઇન્ટરચેંજ પ્રદાન કરશે, જ્યારે લાજપત નગર–સાકેત જી બ્લોક કોરિડોર સિલ્વર, મેજેન્ટા, પિંક અને વાયોલેટ લાઇન્સને જોડશે.
લાજપત નગર– સાકેત જી બ્લોક કોરિડોર સંપૂર્ણપણે એલિવેટેડ હશે અને તેમાં આઠ સ્ટેશનો હશે. ઇન્દ્રલોક– ઇન્દ્રપ્રસ્થ કોરિડોરમાં 11.349 કિલોમીટરની અંડરગ્રાઉન્ડ લાઇન્સ અને 1.028 કિલોમીટરની એલિવેટેડ લાઇન હશે, જેમાં 10 સ્ટેશનો સામેલ હશે.
ઇન્દ્રલોક – ઇન્દ્રપ્રસ્થ લાઇન હરિયાણાનાં બહાદુરગઢ વિસ્તારને વધારે સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે, કારણ કે આ વિસ્તારોમાંથી પ્રવાસીઓ ગ્રીન લાઇન પર મુસાફરી કરીને સીધા ઇન્દ્રપ્રસ્થ તેમજ મધ્ય અને પૂર્વ દિલ્હીનાં વિવિધ વિસ્તારોમાં પહોંચી શકશે.
આ કોરિડોર પર ઇન્દરલોક, નબી કરીમ, નવી દિલ્હી, દિલ્હી ગેટ, ઇન્દ્રપ્રસ્થ, લાજપત નગર, ચિરાગ દિલ્હી અને સાકેત જી બ્લોકમાં આઠ નવા ઇન્ટરચેંજ સ્ટેશનો બનશે. આ સ્ટેશનો દિલ્હી મેટ્રો નેટવર્કની તમામ ઓપરેશનલ લાઇનો વચ્ચેના ઇન્ટરકનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો કરશે.
દિલ્હી મેટ્રો તેના વિસ્તરણના ચોથા તબક્કાના ભાગ રૂપે પહેલાથી જ 65 કિલોમીટરનું નેટવર્ક બનાવી રહી છે. આ નવા કોરિડોર તબક્કાવાર માર્ચ 2026 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. હાલમાં, ડીએમઆરસી 391 કિલોમીટરનું નેટવર્ક ચલાવે છે, જેમાં 286 સ્ટેશનોનો સમાવેશ થાય છે. દિલ્હી મેટ્રો હવે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા મેટ્રો નેટવર્કમાંનું એક છે.
દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (ડીએમઆરસી)એ પ્રી–બિડ પ્રવૃત્તિઓ અને ટેન્ડર દસ્તાવેજો તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે.
AP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
This decision of the Cabinet will strengthen Delhi’s infrastructure, improve connectivity and ‘Ease of Living.’ https://t.co/0hWUdCkDcH https://t.co/dPCsN6YenT
— Narendra Modi (@narendramodi) March 14, 2024