Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે (1) ઓડિશાની અનુસૂચિત જાતિઓની યાદીમાં સુધારો કરવા બંધારણીય (અનુસૂચિત જાતિઓ) આદેશ, 1950, અને (2) કેન્દ્રશાસિત પ્રદેશ પોંડિચેરીનું નામ બદલીને પુડુચેરી કરવા બંધારણીય (પોંડિચેરી) અનુસૂચિત જાતિઓના આદેશ, 1964માં સુધારાને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં (1) ઓડિશા રાજ્યની અનુસૂચિત જાતિઓની યાદીને સુધારવા બંધારણીય (અનુસૂચિત જાતિઓ) આદેશ, 1950, અને (2) બંધારણીય (પોંડિચેરી) અનુસૂચિત જાતિઓના આદેશ, 1964માં સુધારા કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી, જેથી આદેશમાં કેન્દ્રશાસિત પ્રદેશ પોંડિચેરીનું નામ બદલીને પુડુચેરી કરવામાં આવશે. ઉપરોક્ત ફેરફારોને સમાવતા આ બંધારણીય (અનુસૂચિત જાતિઓ) આદેશ (સુધારા) ખરડો, 2017 નામ ધરાવતા આ ખરડાને હવે સંસદમાં રજૂ કરવામાં આવશે.

 

સરકારે મંજૂર કરેલી પદ્ધતિઓ મુજબ, સુઆલગિરી, સ્વાલગિરી જાતિને અનુસૂચિત જાતિઓની યાદીમાં સમાવવાની દરખાસ્ત લાયક જણાઈ હતી, કારણ કે આ બંને જાતિઓ ઓડિશાની અનુસૂચિત જાતિઓની યાદીમાં એસઆઇ નંબર 79 ધરાવતી સબાખિયા જાતિ સમાન છે. ઉપરાંત પોંડિચેરી (નામમાં પરિવર્તન) ધારા, 2006 મુજબ કેન્દ્રશાસિત પ્રદેશ પોંડિચેરીનું નામ બદલાઈને પુડુચેરી થયું છે, જે 01.10.2006થી લાગુ થયું છે. તે મુજબ, આ પ્રકારની અસર માટે બંધારણીય (પોંડિચેરી) અનુસૂચિત જાતિઓના આદેશ, 1964માં સુધારો કરવાની જરૂર છે.

 

સરકારે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની યાદીમાં સુધારાવધારા કરવા સાથે સંબંધિત દરખાસ્તોનો વિચાર કરવાની પદ્ધતિઓને જૂન, 1999માં મંજૂરી આપી હતી, જેમાં જૂન, 2002માં સુધારો કરવામાં આવ્યો હતો. સરકારે મંજૂર કરેલી પદ્ધતિઓ મુજબ સંબંધિત બંધારણીય આદેશમાં બંધારણીય સુધારા પર વિચાર કરવામાં આવશે, પણ જો સંબંધિત રાજ્ય સરકાર/કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટીતંત્રની આ પ્રકારની દરખાસ્તને રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા (આરજીઆઈ) અને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિઓ માટેના પંચ (એનસીએસસી) એમ બંનેએ મંજૂરી આપી હોય તો જ.

 

ભારતનું બંધારણ અનુસૂચિત જાતિઓના સભ્યોને ચોક્કસ વિશેષાધિકારો/પ્રોત્સાહનો પૂરા પાડે છે, જેને ભારતીય બંધારણની કલમ 341ની જોગવાઈઓ હેઠળ નોટફાઇ કરવામાં આવ્યા છે. રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત અનુસૂચિત જાતિઓની પ્રથમ યાદી સંબંધિત રાજ્ય સરકાર સાથે ચર્ચાવિચારણા કર્યા પછી રાષ્ટ્રપતિએ મંજૂર કરેલા આદેશ દ્વારા બહાર પાડવામાં આવશે. ત્યારબાદ અનુસૂચિત જાતિઓની યાદીમાંથી કોઈ પણ જાતિના સમાવેશ કે કોઈ પણ જાતિને કમી કરવાનો નિર્ણય કલમ 341ની જોગવાઈ (2) હેઠળ સૂચિત સંસદીય કાર્યવાહી મારફતે લઈ શકાશે.

 

વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે અનુસૂચિત જાતિઓ નક્કી કરવા 1950થી 1978 વચ્ચે રાષ્ટ્રપતિએ છ આદેશો બહાર પાડ્યા હતા. ત્યારબાદ વર્ષ 1956થી વર્ષ 2016 વચ્ચે બંધારણની કલમ 341(2) મુજબ સંસદીય કાર્યવાહી દ્વારા સમયેસમયે આ આદેશોમાં સુધારા કરવામાં આવ્યા છે.

 

ખરડો સંસદમાં પસાર થયા પછી કાયદો બનશે અને તેના પગલે અનુસૂચિત જાતિઓમાં સામેલ સમુદાયોને વર્તમાન યોજનાઓ હેઠળ અનુસૂચિત જાતિઓ માટેના ફાયદા પ્રાપ્ત થશે. આ પ્રકારની કેટલીક મુખ્ય યોજનાઓમાં મેટ્રિક પછી શિષ્યાવૃત્તિ, નેશનલ ઓવરસીઝ સ્કોલરશિપ, રાજીવ ગાંધી નેશનલ ફેલોશિપ, ટોપ ક્લાસ એજ્યુકેશન, નેશનલ શીડ્યુલ્ડ કાસ્ટ્સ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (રાષ્ટ્રીય અનુસૂચિત જાતિઓ માટે ધિરાણ અને વિકાસ નિગમ) પાસેથી પ્રોત્સાહક દરે લોન, અનુસૂચિત જાતિઓના કુમારો અને કન્યાઓ માટે હોસ્ટેલ્સની સુવિધા વગેરે સામેલ છે. ઉપરોક્ત યોજનાઓ ઉપરાંત અનુસૂચિત જાતિઓના ઉમેદવારોને વિવિધ સેવાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશમાં અનામતનો લાભ પણ મળે છે.

 

AP/JKhunt/TR/GP