પ્રધાનમંત્રીએ ‘લઘુતમ સરકારી હસ્તક્ષેપ, શ્રેષ્ઠ વહીવટ’નો મંત્ર આપ્યો છે, જેને સાકાર કરવાની દિશામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે એક વધુ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. મંત્રીમંડળે સરકારી કંપનીઓ (પીએસયુ)માં વેપારવાણિજ્યની સરળતા વધારવા અને ખાનગી ક્ષેત્ર જેવી કાર્યદક્ષતા લાવવા આજે મિની-રત્ન કેટેગરી-2નો દરજ્જો ધરાવતી કેન્દ્ર સરકારની કંપની (સીપીએસઇ) ‘સેન્ટ્રલ રેલસાઇડ વેરહાઉસિંગ કંપની લિમિટેડ’ (સીઆરડબલ્યુસી)ને એની હોલ્ડિંગ કંપની ‘સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન’ (સીડબલ્યુસી)માં વિલિન કરવાની તથા એની તમામ અસ્કયામતો, જવાબદારીઓ અને અધિકારો હસ્તાંતરિત કરવાની મંજૂરી આપી હતી. સીઆરડબલ્યુસીની રચના વર્ષ 2007માં કંપની ધારા, 1956 અંતર્ગત થઈ હતી. આ વિલિનીકરણથી બંને કંપનીઓની એકસમાન કામગીરીઓ (એટલે કે વેરહાઉસિંગ, સંચાલન, પરિવહન)નો વહીવટ એક જ વહીવટીતંત્ર દ્વારા થશે, જેથી કાર્યદક્ષતા વધશે, બંનેની ક્ષમતાનો અસરકારક રીતે ઉપયોગ થશે, તમામ સ્તરે પારદર્શકતા અને જવાબદારી વધશે, નાણાકીય બચત થશે અને નવી વેરહાઉસિંગ ક્ષમતાઓ માટે રેલવે સાઇડિંગનો ઉપયોગ થશે.
એક અંદાજ મુજબ, રેલસાઇડ વેરહાઉસ સંકુલો (આરડબલ્યુસી)ના વ્યવસ્થાપનનો ખર્ચ રૂ. 5 કરોડ સુધી ઘટશે, કારણ કે કોર્પોરેટ ઓફિસના ભાડા, કર્મચારીઓના પગાર અને અન્ય વહીવીટ ખર્ચમાં બચત થશે. આરડબલ્યુસીની વપરાશક્ષમતા પણ વધશે, કારણ કે સીડબલ્યુસી અત્યારે સંગ્રહ થતી સિમેન્ટ, ખાતર, ખાંડ, મીઠું અને સોડા જેવી ચીજવસ્તુઓ ઉપરાંત અન્ય ચીજવસ્તુઓનો સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવશે. આ વિલિનીકરણથી હાલ ચીજવસ્તુઓના શેડ ધરાવતા સ્થળોની નજીક ઓછામાં ઓછા 50 જેટલા વધારે રેલસાઇડ વેરહાઉસ સ્થાપિત કરવામાં મદદ મળશે. એનાથી કુશળ કામદારો માટે 36,500 માનવદિવસને સમકક્ષ તથા અકુશળ કામદારો માટે 9,12,500 માનવદિવસને સમકક્ષ રોજગારીની તકો ઊભી થશે એવી શક્યતા છે. આ વિલિનીકરણ નિર્ણય લીધાની તારીખથી 8 મહિનાની અંદર પૂર્ણ થશે એવી અપેક્ષા છે.
સીડબલ્યુસી એક મિની-રત્ના કેટેગરી-1 સીપીએસઈ છે, જેની સ્થાપના વર્ષ 1957માં કેન્દ્ર સરકાર દ્વારા અધિસૂચિત કૃષિ ઉત્પાદન અને ચોક્કસ અન્ય ચીજવસ્તુઓના સંગ્રહના ઉદ્દેશ માટે વેરહાઉસિંગ કોર્પોરેશનની રચના અને નિયમન તથા એની સાથે સંબંધિત બાબતો માટે થઈ હતી. સીડબલ્યુસી અધિકૃત મૂડી રૂ. 100 કરોડ અને પેઇડ અપ મૂડી રૂ. 68.02 કરોડ ધરાવતું નફાકારક જાહેર ક્ષેત્રનું સાહસ (પીએસઇ) છે. સીડબલ્યુસીએ રેલવે પાસેથી ભાડાપટ્ટે જમીન લઈને અથવા અન્ય કોઈ રીતે સંપાદિત કરેલી જમીન પર રેલસાઇડ વેરહાઉસિંગ સંકુલો/ટર્મિનલો/મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ કેન્દ્રોની યોજના બનાવવા, વિકસાવવા, પ્રોત્સાહન આપવા, એક્વાયર કરવા અને કાર્યરત કરવા 10 જુલાઈ, 2007ના રોજ ‘સેન્ટ્રલ રેલસાઇડ વેરહાઉસ કંપની લિમિટેડ’ (સીઆરડબલ્યુસી) નામની એક અલગ પેટાકંપનીની રચના કરી હતી. સીઆરડબલ્યુસી 50 કર્મચારીઓ અને 48 આઉટસોર્સ કરેલા કર્મચારીઓનો સ્ટાફ ધરાવતી નાની કંપની છે. અત્યારે આ કંપની દેશભરમાં 20 રેલસાઇડ વેરહાઉસનું સંચાલન કરે છે. 31 માર્ચ, 2020 સુધી કંપનીની નેટવર્થ (પેઇડ અપ મૂડી + ફ્રી અનામત) રૂ. 137.94 કરોડ હતી. સીઆરડબલ્યુસીએ આરડબલ્યુસીને વિકસાવવા અને કામગીરીમાં વિશેષતા, કુશળતા અને સાખ વિકસાવી હતી, પણ મૂડીની ખેંચ અને રેલવે મંત્રાલય સાથે એના એમઓયુ (સમજૂતીકરાર)માં કામગીરીના કેટલાંક નિયંત્રણની જોગવાઈને કારણે એનો અપેક્ષા મુજબ વિકાસ થયો નથી.
સીડબલ્યુસી એ સીઆરડબલ્યુસીની એકમાત્ર શેરધારક હોવાથી તથા તમામ અસ્કયામતો અને જવાબદારીઓ અને અધિકારોનું સીડબલ્યુસીને હસ્તાંતરણ થશે એટલે વિલિનીકરણથી નુકસાન નહીં થાય, પણ બંને વચ્ચે કામગીરીનો વધારે સમન્વય થશે. આરડબલ્યુસીની કામગીરીઓ અને માર્કેટિંગનું સંચાલન કરવા માટે સીડબલ્યુસી ‘આરડબલ્યુસી ડિવિઝન’ નામે એક અલગ ડિવિઝન બનાવશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com