પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે દેશની મહિલાઓના કલ્યાણ માટે ઐતિહાસિક વિધેયક – સહાયક પ્રજોત્પતિ તકનીક નિયમન વિધેયક 2020ને મંજૂરી આપી હતી. સંસદમાં સરોગેસી નિયમન વિધેયક 2020 રજૂ કર્યા પછી અને પ્રેરિત ગર્ભપાત સુધારા વિધેયક 2020ને મંજૂરી બાદ આ પગલું લેવામાં આવ્યું છે. મહિલાઓના પ્રજોત્પતિ અધિકારોના રક્ષણ માટે આ નિર્ણાયક કાયદાકીય પગલાં લેવામાં આવ્યા છે.
એકવાર સંસદ દ્વારા વિધેયક લાવવામાં આવ્યા પછી, કેન્દ્ર સરકાર આ કાયદાના અમલીકરણની તારીખ સંદર્ભે જાહેરનામું બહાર પાડશે. તે પછી, રાષ્ટ્રીય બોર્ડનું ગઠન કરવામાં આવશે.
રાષ્ટ્રીય બોર્ડ દ્વારા આચાર સંહિતા નક્કી કરવામાં આવશે જેનું ક્લિનિકમાં કરતા લોકોને પાલન કરવાનું રહેશે, ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લેબોરેટરી અને નિદાનના ઉપકરણો તેમજ ક્લિનિક અને બેંકો દ્વારા નિષ્ણાત લોકોની નિયુક્તિ માટે લઘુતમ માપદંડો નક્કી કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા જાહેરનામા બહાર પાડ્યા બાદ ત્રણ મહિનાની અંદર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો રાજ્ય બોર્ડ અને રાજ્ય સત્તામંડળની રચના કરશે.
રાજ્યમાં ક્લિનિક્સ અને બેંકો માટે રાષ્ટ્રીય મંડળ દ્વારા રચવામાં આવેલી નીતિઓ અને યોજનાઓનું પાલન કરવાની જવાબદારી રાજ્ય બોર્ડની રહેશે.
કેન્દ્રીય ડેટાબેઝ જાળવવા અને રાષ્ટ્રીય બોર્ડને તેમની કામગીરીમાં મદદ કરવા માટે આ વિધેયકમાં રાષ્ટ્રીય રજિસ્ટ્રી અને નોંધણી સત્તામંડળની પણ જોગવાઇ કરવામાં આવી છે. લિંગ પરીક્ષણ, માનવ ગર્ભ અથવા બીજકોષના વેચાણ, આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે એજન્સી / રેકેટ / સંગઠનો ચલાવતા લોકોને આકરી સજા કરવાનો પણ આ વિધેયકમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
લાભો
આ કાયદાનો મુખ્ય ફાયદો એ હશે કે, આનાથી દેશમાં સહાયક પ્રજોત્પતિ તકનીક સેવાઓનું નિયમન થશે. તેના પરિણામરૂપે, વ્યંધત્વ ભોગવી રહેલા દંપતીઓ ARTમાં નૈતિક કામગીરીઓ થતી હોવા બાબતે વધુ સુનિશ્ચિત થશે/ તેમને વિશ્વાસ બેસશે.
પૃષ્ઠભૂમિ
સહાયક પ્રજોત્પતિ તકનીક નિયમન વિધેયક 2020 કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મહિલાઓના પ્રજોત્પતિના અધિકારોના રક્ષણ અને સલામતી માટે મંજૂર કરવામાં આવેલા કાયદાઓની શ્રેણીમાં સૌથી તાજેતરનું વિધેયક છે. આ વિધેયકમાં દેશમાં સહાયક પ્રજોત્પતિ તકનીક સેવાઓની સલામત અને નૈતિક કામગીરીની જોગવાઇઓ કરવામાં આવી છે. આ વિધેયક દ્વારા, રાષ્ટ્રીય બોર્ડ, રાજ્યના બોર્ડ, રાષ્ટ્રીય રજિસ્ટ્રી અને રાજ્ય નોંધણી સત્તામંડળો સહાયક પ્રજોત્પતિ તકનીક ક્લિનિક અને સહાયક પ્રજોત્પતિ તકનીક બેંકોનું નિયમન અને દેખરેખની કામગીરી સંભાળશે.
સહાયક પ્રજોત્પતિ તકનીક (ART)માં છેલ્લા કેટલાક વર્ષમાં નોંધપાત્ર અને દેખીતો વિકાસ થયો છે. ભારત ART કેન્દ્રો અને દર વર્ષે થતા ART ચક્રોમાં સર્વાધિક વૃદ્ધિ ધરાવતા દેશોમાંથી એક છે. ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) સહિત સહાયક પ્રજોત્પતિ તકનીક (ART)થી વ્યંધત્વથી પીડાતા સંખ્યાબંધ દંપતીઓમાં સંતાનપ્રાપ્તિ માટે આશાનું કિરણ જાગ્યું છે પરંતુ તેની સાથે સાથે સંખ્યાબંધ કાયદાકીય, નૈતિક અને સામાજિક પ્રશ્નો પણ ઉભા થયા છે. ભારતમાં પ્રજોત્પતિ મેડિકલ પર્યટન નોંધપાત્ર પ્રવૃત્તિ બની રહી હોવાથી વૈશ્વિક સ્તરે પ્રજોત્પતિ ઉદ્યોગમાં ભારતની ગણના મુખ્ય કેન્દ્રો પૈકી થાય છે. ભારતમાં રહેલા ક્લિનિકોમાં લગભગ તમામ ART સેવાઓ પૂરી પાડવામાં આવે છે – જેમાં, બીજકોષ દાન, ઇન્ટ્રાઉટરિન ઇન્સેમિશન (IUI), IVF, ICSI, PDP અને ગર્ભાધાન માટે સરોગેસી જેવી સેવાઓ છે. જોકે, ભારતમાં આટલી મોટી સંખ્યામાં પ્રવૃત્તિઓ થતી હોવા છતાં, અત્યાર સુધી પ્રોટોકોલ નિર્ધારિત કરવામાં આવ્યા નથી અને તેના વિશેની જાણકારી કરવાની કામગીરી પણ હજુ ઘણી અપૂરતી છે.
સહાયક પ્રજોત્પતિ તકનીક સેવાના નિયમનની જરૂરિયાત મુખ્યત્વે અસરગ્રસ્ત મહિલાઓ અને બાળકોને શોષણથી બચાવવા માટે છે. અંડબીજ દાતાને વીમાકવચ, બહુવિધ ગર્ભાધાન સામે રક્ષણની જરૂર છે અને સહાયક પ્રજોત્પતિ તકનીકથી જન્મેલા બાળકને જૈવિક સંતાનો (પોતાની કુખે પોતાના બીજથી જન્મેલા સંતાનો)ની સમકક્ષ તમામ અધિકારો આપવા જોઇએ. ART બેંકો દ્વારા શુક્રાણુ, અંડબીજ અને ગર્ભના ક્રિઓપ્રિઝર્વેશનનું નિયમન કરવાની જરૂર છે અને આ વિધેયકનો આશય સહાયક પ્રજોત્પતિ તકનીકથી જન્મેલા બાળકના લાભાર્થે પ્રિ-જિનેટિક અમલીકરણ પરીક્ષણ ફરજિયાત કરવાનો પણ છે.
સરોગેસી નિયમન વિધેયક 2020
સરોગેસી (નિયમન) વિધેયક, 2020માં કેન્દ્રીય સ્તરે રાષ્ટ્રીય બોર્ડ અને રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાજ્ય બોર્ડ અને નોંધણી સત્તામંડળોની સ્થાપના કરીને ભારતમાં સરોગેસી પર નિયમન લાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. પસંદગી સમિતિ દ્વારા આ વિધેયકની તપાસ કરવામાં આવી છે અને 5 ફેબ્રુઆરી 2020ના રોજ રાજ્યસભામાં અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.
આ કાયદાનો મુખ્ય ફાયદો એ છે કે, આનાથી દેશમાં સરોગેસી સેવાનું નિયમન થશે. માનવ ગર્ભ અને બીજકોષના વેચાણ સહિત વ્યાપારિક ધોરણે સરોગેસી પર પ્રતિબંધ આવશે જ્યારે, ભારતીય વિવાહિત દંપતીઓ, ભારતીય મૂળના વિવાહિત દંપતીઓ અને ભારતીય એકલી મહિલા (માત્ર વિધવા અથવા છૂટાછેડા લીધેલી)ને ચોક્કસ શરતો પૂર્ણ કર્યા પછી નૈતિક સરોગેસીની મંજૂરી આપવામાં આવશે. આ પ્રકારે, આનાથી સરોગેસીમાં તમામ અનૈતિક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ આવશે, સરોગેસીનું વ્યાપારિકરણ બંધ થશે અને સરોગેટ માતા તેમજ સરોગેસી દ્વારા જન્મેલા બાળકોના સંભવિત શોષણ પર પ્રતિબંધ આવશે.
પ્રેરિત ગર્ભપાત સુધારા વિધેયક 2020
પ્રેરિત ગર્ભપાત કાયદો, 1971 (1971નો 34) મૂળરૂપે નોંધણીકૃત તબીબી પ્રેક્ટિશનરો દ્વારા ચોક્કસ પ્રકારના ગર્ભપાતની મંજૂરી માટે અને તેની સાથે સંબંધિત અથવા આનુષંગિત બાબતો માટે લાવવામાં આવ્યો હતો. કથિત કાયદામાં ચોક્કસ પરિસ્થિતિઓમાં ગર્ભપાત કરાવવો જરૂરી હોય તેવી મહિલાઓને સલામત, પરવડે તેવા દરે, સરળતાથી ગર્ભપાત સેવાઓની ઉપલબ્ધીનું મહત્વ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત, સર્વોચ્ચ અદાલત અને વિવિધ ઉચ્ચ અદાલતોમાં કેટલીક રીટ પીટિશન દાખલ કરવામાં આવી હતી અને ભ્રૂણની અસામાન્ય સ્થિતિ અથવા જાતીય હિંસાનો ભોગ બનેલી મહિલાને થયેલા ગર્ભાધાનની સ્થિતિમાં વર્તમાન મંજૂરીપાત્ર મર્યાદાથી આગળના ગર્ભાવસ્થાના સ્તરે ગર્ભપાતની મંજૂરી માંગવામાં આવી હતી.
આ ત્રણેય પ્રસ્તાવિત કાયદાઓને સાથે રાખવાથી બદલાતા સામાજિક સંદર્ભો તેમજ તકનીકની પ્રગતિને અનુલક્ષીને મહિલાઓના પ્રજોત્પતિના અધિકારો માટે સલામતીનો માહોલ સર્જાશે.
**********
RP