આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં કેન્દ્ર સરકારનાં જાહેર સાહસો (સીપીયુ) માટે ફાર્માસ્યુટિકલ્સ ખરીદીની નીતિ (પીપીપી)ને આ સાહસોને બંધ કરવા/વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટનો નિર્ણય લેવાય ત્યાં સુધી લંબાવવાની/રિન્યૂ કરવાની મંજૂરી આપી હતી.
મુખ્ય અસર
આ નીતિને લંબાવવાથી/રિન્યૂ કરવાથી ફાર્મા સીપીયુને તેમની હાલની સુવિધાઓનો મહત્તમ ઉપયોગ કરવામાં મદદ મળશે, જેથી તેઓ તેમના કર્મચારીઓને પગાર ચુકવવા માટે આવક કરવા સક્ષમ બનશે, તેમને ખર્ચાળ, અત્યાધુનિક મશીનરી ચાલુ સ્થિતિમાં જાળવવામાં મદદ મળશે. પરિણામ સીપીયુના ડિસઇન્વેસ્ટમેન્ટના કેસમાં વધારે મૂલ્ય મળશે અને સીપીયુ બંધ થાય તો આ મશીનરીઓ નિકાલ કરવાથી સારું વળતર મળશે.
પૃષ્ઠભૂમિ
મંત્રીમંડળે 30.10.2013નાં રોજ ફાર્મા સીપીયુ અને તેમની પેટાકંપનીઓ દ્વારા બનાવવામાં આવતી 103 દવાઓના સંબંધમા પાંચ વર્ષના ગાળા માટે ફાર્માસ્યુટિકલ ખરીદી નીતિ (પીપીપી)ને મંજૂરી આપી હતી. આ નીતિ કેન્દ્ર/રાજ્ય સરકારનાં વિભાગો અને તેમના જાહેર ક્ષેત્રનાં સાહસો વગેરે દ્વારા ખરીદી કરવા માટે લાગુ છે. ઉત્પાદનોની કિંમત રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કિંમત સત્તામંડળ (એનપીપીએ) નક્કી કરે છે. ખરીદ કરનારી કંપની દવાઓ અને કોસ્મેટિક્સ નિયમોના પરિશિષ્ટ ‘એમ’ હેઠળ ગૂડ મેનુફેક્ચરિંગ પ્રેક્ટિસ (જીએમપી)નું પાલન કરવા ફાર્મા સીપીયુ અને તેમની પેટાકંપનીઓ પાસેથી દવાની ખરીદી કરી શકે છે. નીતિની મુદ્દત 09.12.2018ના રોજ પૂર્ણ થઈ હતી.
મંત્રીમંડળે 28.12.2016નાં રોજ ઇન્ડિયન ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડ (આઇડીપીએલ) અને રાજસ્થાન ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (આરડીપીએલ) બંધ કરવાનો તથા હિંદુસ્તાન એન્ટિબાયોટિક્સ લિમિટેડ (એચએએલ) અને બેંગાલ કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડ (બીસીપીએલ)નું વ્યૂહાત્મક વેચાણ કરવાનો નિર્ણય લીધો હતો. આ કંપનીઓની વધારાની જમીનનું વેચાણ સરકારી સંસ્થાઓને કરીને વેચાણમાંથી પ્રાપ્ત થનારી રકમમાંથી તેમની નાણાકીય જવાબદારીઓ અદા કરવામાં આવશે. પરિણામે મંત્રીમંડળે તારીખ 14.06.2018નાં રોજ જાહેર સાહસ વિભાગોની સંશોધિત માર્ગદર્શિકાઓ મુજબ વધારાની જમીનનું વેચાણ કરવાની મંજૂરી 17.10.2019નાં રોજ આપી હતી. ફાર્મા ક્ષેત્રની પાંચમી સીપીયુ કર્ણાટક એન્ટિબાયોટિક્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (કેએપીએલ)માં ભારત સરકારના 100 ટકાનું વેચાણ કરવા માટે અલગથી આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ 01.11.2017નાં રોજ નિર્ણય લીધો હતો.
આ નીતિ ફાર્મા સીપીયુને બંધ કરવા સુધી/વેચાણ સુધી લંબાવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
RP/DS