પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે વર્તમાન “ડિફેન્સ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ (ડીપીએસયુ-સરકારી ક્ષેત્રના સરકારી સાહસો) દ્વારા સંયુક્ત સાહસ કંપનીઓ સ્થાપિત કરવા માટેની માર્ગદર્શિકા”ને રદ કરવાની મંજૂરી આપી છે. આ માર્ગદર્શિકાને ફેબ્રુઆરી, 2012માં નોટિફાઇડ કરવામાં આવી હતી, જેની ડીપીએસયુ દ્વારા અલગ સંયુક્ત સાહસ માટે જરૂર નહીં હોય. સરકારી સાહસોના વિભાગ (ડીપીઇ) અને નાણાં મંત્રાલય (એમઓએફ) દ્વારા સમયેસમયે માર્ગદર્શિકાઓ ઇશ્યૂ કરવામાં આવી હતી, જે તમામ કેન્દ્રીય સરકારી ક્ષેત્રના સાહસો (સીપીએસઇ)ને એકસમાન રીતે લાગુ પડે છે અને જે હવે સંયુક્ત સાહસ કંપનીઓ સ્થાપિત કરવા ડીપીએસયુ માટે લાગુ પડશે. આ ક્ષેત્રમાં સ્વનિર્ભરતાના લક્ષ્યાંકને પૂર્ણ કરશે.
સંયુક્ત સાહસની હાલની માર્ગદર્શિકા રદ થવાથી ડીપીએસયુ અને ખાનગી ક્ષેત્ર વચ્ચે સ્પર્ધાનું સમાન વાતાવરણ ઊભું થશે. તે ડીપીએસયુને સંરક્ષણ ક્ષેત્રમાં સ્વનિર્ભરતા વધારવા નવીન રીતે ભાગીદારી કરવાની છૂટ આપશે અને તેમના દ્વારા સંયુક્ત સાહસની રચનાની પ્રક્રિયાનું વ્યવસ્થાપન અસરકારક રીતે થાય તેવી સુનિશ્ચિતતા કરવા ડીપીએસયુની જવાબદારી/સ્વાયત્તા પ્રદાન કરશે, જેથી રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં શ્રેષ્ઠ પરિણામો મેળવી શકાય.
તમામ નવ ડીપીએસયુ એટલે કે મઝગાંવ ડોક લિમિટેડ, ગોવા શિપયાર્ડ લિમિટેડ, ગાર્ડન રિચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનીયર્સ લિમિટેડ, હિંદુસ્તાન શિપયાર્ડ લિમિટેડ, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, ભારત અર્થ મૂવર્સ લિમિટેડ, ભારત ડાયનેમિક્સ લિમિટેડ અને મિશ્ર ધાતુ નિગમ લિમિટેડને આ નિર્ણયથી ફાયદો થશે.
આ નિર્ણય ડીપીએસયુની સંયુક્ત સાહસની માર્ગદર્શિકાના સંચાલનમાં ઊભા થયેલા મુદ્દાની પૃષ્ઠભૂમિમાં લેવાયો છે. સંરક્ષણ ઉત્પાદનનો વિભાગ એવા તારણ પર આવ્યો હતો કે સંરક્ષણ ક્ષેત્રમાં ખાનગી ઉદ્યોગની સહભાગીતા વધવાથી અને સંરક્ષણ એક્વિઝિશન ઇકો સિસ્ટમમાં પરિવર્તન થવાની સાથે ડીપીએસયુ માટે અલગ સંયુક્ત સાહસ માર્ગદર્શિકા ધરાવવાની જરૂરિયાત લાંબો સમય નથી. સ્વદેશી ઉત્પાદન/મેક ઇન ઇન્ડિયાને અનુરૂપ બદલાતા પરિદ્રશ્યમાં એકથી વધારે માર્ગદર્શિકાઓ અસ્પષ્ટતા તરફ દોરી જશે તેવું માનવામાં આવે છે.
પૃષ્ઠભૂમિ:
સંરક્ષણ ઉત્પાદન નીતિની જાન્યુઆરી, 2011માં જાહેરાત કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ સંરક્ષણ ઉત્પાદનમાં ડિઝાઇન અને વિકાસ ક્ષમતા સહિત મહત્ત્વપૂર્ણ સ્વનિર્ભરતા હાંસલ કરવાનો છે, જેમાં સંયુક્ત સાહસ સહિત તમામ વ્યવહારિક અભિગમો સંરક્ષણ ઉત્પાદનમાં ઇચ્છિત સ્વનિર્ભરતા હાંસલ કરવા માટે હાથ ધરવામાં આવશે. તેના પરિણામે ડીપીએસયુ માટે સંયુક્ત સાહસ પ્રોટોકોલ્સ/માર્ગદર્શિકાઓ ઘડવાની સાથે ડીપીઇ માર્ગદર્શિકાને પૂરક બનાવવાની જરૂરિયાત અનુભવાઈ હતી, જે સંરક્ષણ ક્ષેત્રની ચોક્કસ જરૂરિયાતો પૂર્ણ કરશે અને ડીપીએસયુના હિતોનું સંરક્ષણ પણ સુનિશ્ચિત કરવામાં આવશે. તે અનુસાર ડીપીએસયુ દ્વારા સંયુક્ત સાહસ કંપનીઓ સ્થાપિત કરવા વર્તમાન માર્ગદર્શિકાઓને 9મી ફેબ્રુઆરી, 2012ના રોજ આયોજિત બેઠક દરમિયાન મંત્રીમંડળે મંજૂરી આપી હતી અને તેને 17 ફેબ્રુઆરી, 2012ના રોજ નોટિફાઇડ કરવામાં આવી હતી. અત્યારે સંરક્ષણ ક્ષેત્રમાં ખાનગી ઉદ્યોગની સહભાગીતા વધારવાના અને સંરક્ષણ એક્વિઝિશન ઇકો સિસ્ટમમાં બદલાતી સ્થિતિના સંદર્ભમાં ડીપીએસયુ માટે સંયુક્ત સાહસની અલગ માર્ગદર્શિકાઓ ધરાવવાની જરૂરિયાતની સમીક્ષા કરવામાં આવી હતી.