પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં વૈકલ્પિક ચિકિત્સાના ક્ષેત્રમાં સહકાર સાથે સંબંધિત ભારત અને જર્મની વચ્ચે ઇરાદાના સંયુક્ત જાહેરનામા (જેડીઆઇ)ને મંજૂરી આપી છે.
જેડીઆઈ પરંપરાગત/વૈકલ્પિક ચિકિત્સાના ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહકાર વધારશે. બંને દેશો વચ્ચે જેડીઆઇ હેઠળ વૈકલ્પિક ચિકિત્સાના ક્ષેત્રમાં સંયુક્ત સંશોધન, તાલીમ અને વૈજ્ઞાનિક ક્ષમતાના નિર્માણની શરૂઆત આયુષ ક્ષેત્રમાં રોજગારીની તકો વધારવામાં પ્રદાન કરશે.
તેમાં વધારાની કોઈ નાણાકીય અસરો સંકળાયેલી નથી. સંશોધન, તાલીમ, કોન્ફરન્સ/બેઠકો હાથ ધરવા જરૂરી નાણાકીય સંસાધનોને આયુષ મંત્રાલયને હાલ ફાળવવામાં આવેલા બજેટ અને વર્તમાન યોજનાઓમાંથી પૂર્ણ કરવામાં આવશે.
પૃષ્ઠભૂમિ:
ભારત પરંપરાગત ચિકિત્સાની સુવિકસિત વ્યવસ્થાઓ ધરાવે છે, જે વૈશ્વિક સ્તરે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં પ્રચૂર સંભવિતતા ધરાવે છે. જર્મનીએ ચિકિત્સાની પરંપરાગત પદ્ધતિઓમાં નોંધપાત્ર રસ લીધો છે. ભારતીય ચિકિત્સા પદ્ધતિઓને વૈશ્વિક સ્તરે આગળ વધારવાની કામગીરીના ભાગરૂપે આયુષ મંત્રાલયે ચીન, મલેશિયા, ત્રિનિદાદ અને ટોબેગો, હંગેરી, બાંગ્લાદેશ, નેપાળ, મોરેશિયસ, મોંગોલિયા અને મ્યાન્માર સાથે એમઓયુ (સમજૂતીકરાર) કરવા અસરકારક પગલાં લીધા છે.
મંત્રાલયે બર્લિનમાં ભારતીય રાજદૂતની ભલામણ અને સહકાર સાથે જર્મનીમાં આયુર્વેદને પ્રોત્સાહન આપવા માટે ઘણા પગલાં લીધા છે. ઘૂંટણના ઓસ્ટિઓઆર્થરાઇટિસ પર કેન્દ્રીય આયુર્વેદિક વિજ્ઞાનમાં સંશોધન માટેની પરિષદ (સીસીઆરએએસ) અને ચેરિટ યુનિવર્સિટી, બર્લીન વચ્ચે સંયુક્તપણે સંશોધન પ્રોજેક્ટ હાથ ધરવાની પહેલ મુખ્ય છે. પરીક્ષણના પરિણામો પ્રોત્સાહનજનક છે અને નૈદાનિક પરીક્ષણો દર્દીઓમાં નોંધપાત્ર સુધારો દર્શાવે છે. અભ્યાસ સફળતાપૂર્વક સંપન્ન થયો છે અને પ્રકાશન હેઠળ છે.
આયુષ મંત્રાલયના રાજ્ય કક્ષાના આદરણીય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી શ્રીપાદ યેસ્સો નાયકના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળે બીજી યુરોપિયન વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસ (ઇડબલ્યુએસી)માં ભાગ લેવા 15થી 19 ઓક્ટોબર, 2016 સુધી જર્મનીની મુલાકાત લીધી હતી અને જર્મનીમાં સત્તામંડળો સાથે આદાનપ્રદાન કર્યું હતું. આ કોંગ્રેસને આયુષ મંત્રાલય દ્વારા સાથસહકાર મળ્યો હતો. મુલાકાત દરમિયાન સંસદીય સ્ટેટ સેક્રેટરી શ્રીમતી ઇન્ગ્રિડ ફિસબેચ સાથે આયુષના રાજ્ય કક્ષાના આદરણીય મંત્રી (સ્વતંત્ર હવાલો) વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી, જેમાં બંને પક્ષો આયુષ અને કુદરતી ચિકિત્સાના ક્ષેત્રમાં જેડીઆઈની રૂપરેખા ઘડવાની અને તેના પર વાટાઘાટ કરવાની પ્રક્રિયા શરૂ કરવા સંમત થયા હતા. જેડીઆઇ ભારત અને જર્મની વચ્ચેના સંબંધોને મજબૂત કરશે તથા બંને દેશો વચ્ચે સહકાર વધારશે તેવી અપેક્ષા છે.
TR