Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે વર્ષ 2021માં ભારતની વસતિ ગણતરી હાથ ધરવાની અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરને અદ્યતન કરવા માટે મંજૂરી આપી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ભારતની વસતિ ગણતરી – 2021ની પ્રક્રિયા શરૂ કરવા અને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર – રાષ્ટ્રીય વસતિ રજિસ્ટર)ને અપડેટ કરવાની મંજૂરી આપી હતી. વસતિ ગણતરીની પ્રક્રિયા પર 8754.23 કરોડ રૂપિયા અને એનપીઆરને અપડેટ કરવા પર 3941.35 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

લાભાર્થીઃ

દેશનાં તમામ નાગરિકોને આ વસતિ ગણતરીની સંપૂર્ણ પ્રક્રિયામાં આવરી લેવામાં આવશે, ત્યારે એનપીઆરને અપડેટ બનાવવામાં અસમનો છોડીને દેશની બાકી વસતિને સામેલ કરવામાં આવશે.

વિગતઃ

ભારતની વસતિ ગણતરીની પ્રક્રિયા દુનિયાની સૌથી મોટી વસતિ ગણતરીની પ્રક્રિયા છે. દેશમાં વસતિ ગણતરીનું કામ દર 10 વર્ષ પછી હાથ ધરવામાં આવે છે. એટલે આગામી વસતિ ગણતરી 2021માં થશે. વસતિ ગણતરીનું કામ બે તબક્કામાં હાથ ધરવામાં આવશે.

  1. પ્રથમ તબક્કા અંતર્ગત એપ્રિલથી સપ્ટેમ્બર, 2020 દરમિયાન દરેક ઘર અને એમાં રહેતા વ્યક્તિઓની યાદી બનાવવામાં આવશે. અસમ સિવાય દેશનાં તમામ વિસ્તારોમાં એનપીઆર રજિસ્ટરને અપડેટ કરવાનું કામ પણ સાથે-સાથે કરવામાં આવશે.
  2. બીજા તબક્કામાં 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી, 2021 સુધી સંપૂર્ણ વસતિ ગણતરીનું કામ કરવામાં આવશે.

 

  • રાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ આ મોટા કામને પૂર્ણ કરવા માટે 30 લાખ કર્મચારીઓને દેશનાં વિવિધ વિસ્તારોમાં મોકલવામાં આવશે. વસતિ ગણતરી 2011 દરમિયાન આ પ્રકારનાં કર્મચારીઓની સંખ્યા 28 લાખ હતી.
  • આંકડાના સંકલન માટે મોબાઇલ એપ અને નજર રાખવા માટે કેન્દ્રીય પોર્ટલનો ઉપયોગ વસતિ ગણતરીનું કામ ગુણવત્તા સાથે ઝડપથી પૂર્ણ થશે એવું સુનિશ્ચિત કરશે.
  • એક બટન દબાવતા જ ડેટાના પ્રસારનું કામ વધારે સારી રીતે થશે અને સાથે-સાથે એ ઉપયોગ કરવામાં પણ સરળ હશે, જેથી નીતિ નિર્ધારણ માટે નિર્ધારિત માપદંડોને અનુરૂપ તમામ જરૂરી જાણકારીઓ તરત ઉપલબ્ધ કરાવી શકાય.
  • મંત્રાલયોની વિનંતી પર વસતિ ગણતરી સાથે સંબંધિત જાણકારીઓ એમને સાચી, મશીનમાં વાંચી શકાય એવી અને કાર્યવાહી કરી શકાય એવા સ્વરૂપમાં ઉપલબ્ધ કરાવશે.

રોજગારીનાં સર્જનની ક્ષમતા સાથે વ્યાપક અસર:-

  • વસતિ ગણતરી ફક્ત એક આંકડાકીય પ્રક્રિયા નથી. એના પરિણામો સામાન્ય જનતાને એ રીતે ઉપલબ્ધ કરાવશે, જેથી એમને આ પરિણામો સમજવામાં સરળતા રહેશે.
  • વસતિ ગણતરી સાથે સંબંધિત તમામ આંકડા મંત્રાલયો, વિભાગો, રાજ્ય સરકારો, સંસાધન સંસ્થાઓ સહિત તમામ હિતધારકો અને વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
  • વસતિ ગણતરી સાથે સંબંધિત આંકડાઓને ગામડાઓ અને વોર્ડ જેવા વહીવટી સ્તરનાં પાયાનાં એકમો સાથે વહેંચવામાં આવશે.
  • વસતિ ગણતરી સાથે જોડાયેલા તાલુકા સ્તરનાં આંકડા ડિલિમિટેશન કમિશનને પણ આપવામાં આવશે, જેથી લોકસભા અને વિધાનસભાનાં ચૂંટણી વિસ્તારોનાં સીમાંકનમાં એનો ઉપયોગ થઈ શકે.
  • સર્વેક્ષણો અને અન્ય વહીવટી કાર્યો સાથે સંબંધિત આંકડાઓને જો વસતિ ગણતરીના આંકડાઓ સાથે જોડવામાં આવે, તો આ જનનીતિઓનાં નિર્ધારણનું સશક્ત માધ્યમ બને છે.
  • આ મહત્વપૂર્ણ કામનું એક સૌથી મોટુ પરિણામ અંતરિયાળ વિસ્તારોથી લઈને સમગ્ર દેશમાં પ્રત્યક્ષ અને પરોક્ષ સ્વરૂપે રોજગારીનું સર્જનનું હશે. આ વસતિ ગણતરી અને એનપીઆરનાં કામમાં લગાવવામાં આવેલા કર્મચારીઓને વધારાનું વેતન આપવામાં આવશે. વસતિ ગણતરી અને એનપીઆરનાં કામમાં સ્થાનિક સ્તરે 2900 દિવસો માટે લગભગ 48,000 લોકોને લગાવવામાં આવશે. બીજા શબ્દોમાં કહીએ તો 2 કરોડ 40 લાખ માનવદિવસની રોજગારીનું સર્જન થશે. આંકડાઓનું સંકલન કરવા માટે ડિજિટલ પ્રક્રિયા અને સમન્વય નીતિ અપનાવવાથી જિલ્લા અને રાજ્ય સ્તરે ટેકનિકલ કુશળતા ધરાવતા માનવ સંસાધનોની ક્ષમતા વિકસાવવામાં પણ મદદ મળશે. આગળ જતા આ પ્રકારનાં લોકો માટે એનાથી રોજગારી મળવાની સંભાવના પણ વધશે.

અમલીકરણની નીતિ અને લક્ષ્યાંક:-

  • વસતિ ગણતરીની પ્રક્રિયામાં દરેક પરિવારોને મળવું, દરેક ઘર અને એમાં રહેતા લોકોની યાદી તૈયાર કરવી અને બધાને મળીને વસતિ ગણતરી કરવા માટે અલગ-અલગ પ્રશ્રાવલી તૈયાર કરવાનું સામેલ છે.
  • સામાન્ય રીતે વસતિ ગણતરી કરનાર રાજ્ય સરકારો દ્વારા નિયુક્ત કર્મચારી અને સરકારી શિક્ષક હોય છે. એમને પોતાની નિયમિત કામગીરી ઉપરાંત વસતિ ગણતરીની સાથે એનપીઆરનું કામ પણ કરવાનું હોય છે.
  • આ લોકો ઉપરાંત વસતિ ગણતરીનું કામ કરવા માટે જિલ્લા, પેટાજિલ્લા અને રાજ્ય સ્તર પર રાજ્યો અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અન્ય કર્મચારીઓની નિમણૂક પણ કરવામાં આવે છે.
  • આ વખતે વસતિ ગણતરી 2021 માટે થોડી નવી પહેલ હાથ ધરવામાં આવી છે, જેમાં :-
  1. પહેલી વાર આંકડાઓનું સંકલન કરવા માટે મોબાઇલ એપનો ઉપયોગ થશે
  2. વસતિ ગણતરીના કામમાં લગાવવામાં આવેલા અધિકારીઓ અને પદાધિકારીઓને વિવિધ ભાષાઓમાં જાણકારી ઉપલબ્ધ કરાવવા માટે વસતિ ગણતરી પર નજર રાખવા અને મેનેજમેન્ટ પોર્ટલની વ્યવસ્થા કરવામાં આવશે.
  3. સામાન્ય લોકોને પોતાના તરફથી વસતિ ગણતરીનાં આંકડા ઉપલબ્ધ કરાવવા માટે ઓનલાઇન સુવિધા આપવા તથા કોડ ડાયરેક્ટરીની વ્યવસ્થા કરવી, જેથી વિસ્તારપૂર્વક આપેલી જાણકારીઓનું સંકલન કરીને આકંડાઓને સુધારવાના કામમાં સમયની બચત થઈ શકશે.
  4. વસતિગણતરી અને એનપીઆરનાં કામમાં લાગેલા લોકોને આપવામાં આવતું માનદ વેતન પબ્લિક ફાઇનાન્સ મેનેજમેન્ટ સિસ્ટમ (પીએફએમએસ) તથા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી)ના માધ્યમથી સીધી એમના બેંક ખાતામાં મોકલવાની વ્યવસ્થા છે. આ વસતિ ગણતરી અને એનપીઆર પર થનાર કુલ ખર્ચનો 60 ટકા હિસ્સો હશે.
  5. વસતિ ગણતરીનાં કામ માટે પાયાનાં સ્તરે કામ કરનાર 30 લાખ કર્મચારીઓની ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા અને આ માટે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે તાલીમાર્થીઓ તૈયાર કરવા માટે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની તાલીમ સંસ્થાઓની સેવાઓ લેવામાં આવશે.

પૃષ્ઠભૂમિ:-

દેશમાં દર 10 વર્ષ પછી વસતિ ગણતરીનું કામ 1872થી થઈ રહ્યું છે. વસતિ ગણતરી 2021 દેશની 16મી અને આઝાદી પછી આઠમી વસતિ ગણતરી હશે. વસતિ ગણતરી મકાનની સ્થિતિ, સુવિધાઓ અને સંપત્તિઓ, વસતિ ગણતરીનું માળખું, ધર્મ, અનુસૂચિત જાતિ/જનજાતિ, ભાષા, સાક્ષરતા અને શિક્ષણ, આર્થિક કામગીરી, વિસ્થાપન અને પ્રજનન ક્ષમતા જેવા વિવિધ માપદંડો પર ગામડાઓ, શહેરો અને વોર્ડ સ્તર પર લોકોની સંખ્યાનાં નાનામાં નાનાં આંકડા ઉપલબ્ધ કરાવવાનો સૌથી મોટો સ્ત્રોત છે. વસતિ ગણતરી કાયદા 1948 અને વસતિ ગણતરી નિયમ 1990 વસતિ ગણતરી માટે કાયદેસર માળખું ઉપલબ્ધ કરાવે છે.

નાગરિકતા કાયદો 1955 અને નાગરિકતા નિયમ 2003 અંતર્ગત નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર) પહેલી વાર 2010માં તૈયાર કરવામાં આવ્યું હતું. આધાર સાથે જોડ્યા પછી 2015માં એને અપડેટ કરવામાં આવ્યું હતું.

 

NP/RP/DS