પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે વર્ષ 2017-2018થી વર્ષ 2019-2020નાં સમયગાળા માટે રાષ્ટ્રીય યુવા સશક્તીકરણ કાર્યક્રમ યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે. ઈએફસીની મંજૂરીને અનુરૂપ આ માટે રૂ. 1160 કરોડનાં બજેટની જોગવાઈ કરવામાં આવી છે.
વિશેષતાઓ –
12મી પંચવર્ષીય યોજના દરમિયાન નાણાં મંત્રાલય અને નીતિ આયોગની સલાહથી યોજનાને તર્કસંગત બનાવવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. આ અંતર્ગત 8 યોજનાઓને ઉપયોજનાઓ સ્વરૂપે રાષ્ટ્રીય યુવા સશક્તીકરણ કાર્યક્રમને આધિન કરવામાં આવી છે. એનાં કારણે યોજનાઓ વચ્ચે શ્રેષ્ઠ તાલમેળ સ્થાપિત કરવામાં મદદ મળી છે. આ ઉપરાંત યોજનાઓની કુશળતામાં સુધારો આવ્યો છે અને ઉપલબ્ધ સંસાધનોનાં આધારે શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત થયાં છે. યોજનાનાં લાભાર્થીઓમાં 15-29 વર્ષની વયજૂથનાં યુવાનો સામેલ છે, જે રાષ્ટ્રીય યુવા નીતિ 2014માં ‘યુવાનો’ની પરિભાષાને અનુરૂપ છે. ખાસ કરીને કિશોરો સાથે સંબંધિત કાર્યક્રમનાં ઘટકોનું વયજૂથ 10-19 વર્ષની છે.
રાષ્ટ્રીય યુવા સશક્તીકરણ કાર્યક્રમ અંતર્ગત નીચેની 8 ઉપયોજનાઓ છે –
i. નેહરુ યુવા કેન્દ્ર સંગઠન
ii. રાષ્ટ્રીય યુવા વાહિની
iii. રાષ્ટ્રીય યુવા અને કિશોર વિકાસ કાર્યક્રમ
iv. આંતરરાષ્ટ્રીય સહયોગ
v. યુવા છાત્રાલય
vi. સ્કાઉટ અને ગાઇડ સંગઠનોને સહાયતા
vii. રાષ્ટ્રીય અનુશાસન યોજના
viii. રાષ્ટ્રીય યુવા નેતૃત્વ કાર્યક્રમ
પૃષ્ઠભૂમિ –
રાષ્ટ્રીય યુવા સશક્તીકરણ કાર્યક્રમ યોજના, યુવા બાબતો અને ખેલ મંત્રાલય દ્વારા સંચાલિત કેન્દ્રીય ક્ષેત્રીય યોજના છે અને આ 12મી પંચવર્ષીય યોજનાનાં સમયથી ચાલી રહી છે. યોજનાનો ઉદ્દેશ યુવાનોમાં વ્યક્તિત્વ અને નેતૃત્વ ગુણોને વિકસાવવાનો તથા યુવાનોને રાષ્ટ્રનિર્માણ માટેની કામગીરીઓમાં જોડવાનો છે.
RP