Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે રેલવેનાં કર્મચારીઓ માટે ઉત્પાદકતા સાથે સંબંધિત બોનસની મંજૂરી આપી 


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નાણાકીય વર્ષ 2017-18 માટે તમામ નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓ (આરપીએફ/આરપીએસએફ કર્મચારીઓને બાદ કરતાં)ને 78 દિવસનાં વેતનને સમકક્ષ ઉત્પાદકતા સાથે જોડાયેલું બોનસ (પીએલબી) ચુકવવાની મંજૂરી આપી દીધી છે. રેલવે કર્મચારીઓને 78 દિવસોનાં પીએલબીની ચુકવણી પર રૂ. 2044.31 કરોડનો ખર્ચ થશે. લાયકાત ધરાવતા નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓને પીએલબીની ચૂકવણી માટે પગારની ગણતરીની મર્યાદા દર મહિને રૂ. 7000 નક્કી છે. 78 દિવસ માટે દરેક લાયક રેલવે કર્મચારીને મહત્તમ રૂ. 17,951ની ચૂકવણી થશે. આ નિર્ણયથી લગભગ 11.91 લાખ નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓને લાભ મળશે.

રેલવેની ઉત્પાદકતા સાથે સંબંધિત બોનસ સંપૂર્ણ દેશનાં તમામ નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓ (આરપીએફ/આરપીએસએફ કર્મચારીઓને બાદ કરતાં)ને આવરી લે છે. લાયકાત ધરાવતા રેલવે કર્મચારીઓને પીએલબીની ચૂકવણી દર વર્ષે દશેરા/પૂજાની રજા અગાઉ કરવામાં આવે છે. મંત્રીમંડળનો આ નિર્ણય પણ આ વર્ષે રજાઓ અગાઉ લાગુ થઈ જશે. વર્ષ 2017-18 માટે 78 દિવસનાં વેતનને સમકક્ષ ઉત્પાદકતા સાથે સંબંધિત બોનસ આપવા રેલવેનું કામકાજ સુધારવાથી કર્મચારીઓનું મનોબળ વધશે.

પૃષ્ઠભૂમિઃ

રેલવે ભારત સરકારનું સાહસ છે, જ્યાં 1971-80માં ઉત્પાદકતા સાથે જોડાયેલું બોનસ દેવાની શરૂઆત થઈ હતી. એ સમયે તેની પાછળનો આશય એ હતો કે, અર્થતંત્રની કામગીરીમાં માળખાગત ટેકો પ્રદાન કરવામાં રેલવેની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. રેલવેનાં સંપૂર્ણ કામકાજને ધ્યાનમાં રાખીને બોનસ ચૂકવણી ધારો, 1965ને અનુરૂપ બોનસની ધારણાને બદલે ઉત્પાદકતા સાથે સંબંધિત બોનસ ચૂકવણીને ઇચ્છનીય સમજવામાં આવી.

 

NP/J.Khunt/GP/RP