મંત્રીમંડળે રાષ્ટ્રીય વ્યાવસાયિક તાલીમ પરિષદ (એનસીવીટી) અને રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ એજન્સી (એનએસડીએ)ને વિલિન કરીને રાષ્ટ્રીય વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ પરિષદ (એનસીવીઈટી)ની રચનાને મંજૂરી આપી
10 Oct, 2018
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે કૌશલ્ય વિકાસનાં મુદ્દાને ધ્યાનમાં રાખીને હાલની નિયમનકારક સંસ્થા રાષ્ટ્રીય વ્યાવસાયિક તાલીમ પરિષદ (એનસીવીટી) અને રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ સંસ્થા (એનએસડીએ)ને વિલિન કરીને રાષ્ટ્રીય વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ પરિષદ (એનસીવીઈટી)ની રચના કરવાની મંજૂરી આપી દીધી છે.
વિગતઃ
એનસીવીઈટી લાંબા ગાળાનાં અને ટૂંકા ગાળાનાં એમ બંને પ્રકારનાં વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમનાં કાર્યમાં સંલગ્ન સંસ્થાઓનાં કામકાજને આગળ વધારશે અને આ સંસ્થાઓનાં કામકાજ માટે લઘુતમ માપદંડ તૈયાર કરશે. એનસીવીઈટીની મુખ્ય કામગીરીમાં નીચેનાં ક્ષેત્રો સામેલ છેઃ
· નિર્ણાયક સંસ્થાઓ, મૂલ્યાંકન સંસ્થાઓ અને કૌશલ્ય સંબંધિત માહિતી પ્રદાતાઓની માન્યતા અને નિયમન
· નિર્ણાયક સંસ્થાઓ અને પ્રાદેશિક કૌશલ્ય પરિષદો (એસએસસી) દ્વારા વિકસિત લાયકાતોની મંજૂરી
આ પરિષદનાં એક અધ્યક્ષ હશે તથા તેમાં કાર્યકારી અને બિનકાર્યકારી સભ્ય હશે. બે હાલની સંસ્થાઓને વિલિન કરીને એનસીવીઈટીની રચના કરવાનો પ્રસ્તાવ હોવાથી હાલનું માળખું અને સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત કામકાજની સરળતા માટે અન્ય પદો પણ ઊભા કરવામાં આવશે. નિયામક સંસ્થા નિયમન પ્રક્રિયાઓનાં ઉત્કૃષ્ટ વ્યવહારોનું પાલન કરશે, જેથી એનું કામકાજ અને સંચાલન પ્રોફેશનલ રીતે અને હાલનાં કાયદા અનુસાર સુનિશ્ચિત થઈ શકશે.
લાભઃ
આ સંસ્થાગત સુધારાથી ગુણવત્તા વધશે, કૌશલ્ય વિકાસ કાર્યક્રમોની બજારમાં પ્રસ્તુતતા વધશે, જેને ધ્યાનમાં રાખીને વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમની સાખમાં વધારો થશે. આ ઉપરાંત કૌશલ્ય ક્ષેત્રમાં ખાનગી રોકાણને પ્રોત્સાહન મળશે અને કર્મચારીઓની ભાગીદારી વધશે. આ શક્ય થવાથી વ્યાવસાયિક શિક્ષણનાં મૂલ્યો અને કુશળ શ્રમશક્તિ વધારવા સાથે સંબંધિત બેવડા ઉદ્દેશો સિદ્ધ કરવામાં મદદ મળશે. તેનાં કારણે ભારતને વિશ્વની કૌશલ્યની રાજધાની બનાવવાનાં પ્રધાનમંત્રીનાં એજન્ડાને વેગ મળશે.
એનસીવીઈટી ભારતની કૌશલ્ય પ્રણાલીની એક નિયમનકારી સંસ્થા છે, જેની દેશમાં વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમમાં સંલગ્ન તમામ વ્યક્તિઓ પર સકારાત્મક અસર પડશે. કૌશલ્ય આધારિત શિક્ષણનાં વિચારને મહત્ત્વાકાંક્ષી આચરણ સ્વરૂપે જોવામાં આવશે, જેનાથી વિદ્યાર્થીઓને કૌશલ્ય આધારિત શૈક્ષણિક અભ્યાસક્રમોમાં ભાગ લેવા પ્રોત્સાહન મળશે. આ ઉપાયથી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં કુશળ શ્રમશક્તિનાં સ્થિર પુરવઠા મારફતે વેપારની સુગમતાની સુવિધા ઊભી થશે એવી આશા છે.
પૃષ્ઠભૂમિઃ
ભારતની વસતિની વિશેષતાનો ઉપયોગ કરવા સાથે સંબંધિત પ્રયાસોને ધ્યાનમાં લઈને એની શ્રમશક્તિને રોજગારી મેળવવા યોગ્ય કૌશલ્યો અને માહિતીથી સજ્જ કરવામાં આવે એ જરૂરી છે, જેથી આ શ્રમશક્તિ નક્કર રીતે આર્થિક વિકાસમાં યોગદાન આપી શકે. અગાઉ દેશની કૌશલ્ય તાલીમ જરૂરિયાતોને ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (આઇટીઆઇ) દ્વારા સંચાલિત અભ્યાસક્રમો દ્વારા પૂર્ણ કરવામાં આવતી હતી. આ ઉપરાંત આ જરૂરિયાતને એનસીવીટી દ્વારા સંચાલિત મોડ્યુલર એજ્યુકેશન સ્કિમ (એમઇએસ) મારફતે પૂર્ણ કરવામાં આવતી હતી, કારણ કે આ વ્યવસ્થા દેશમાં કૌશલ્યની વધતી જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પર્યાપ્ત નથી અને શ્રમશક્તિની કૌશલ્ય જરૂરિયાતો પણ વધી હતી. એટલે સરકારે કૌશલ્ય માટેનાં પ્રયાસો વધારવા માટે અનેક પહેલો હાથ ધરી હતી. આ પ્રયાસોનાં પરિણામે તાલીમ માટે માળખું વિકસ્યું છે, જેમાં મોટાં ભાગે ખાનગી ક્ષેત્રમાં હતું. અત્યારે કૌશલ્ય વિકાસ કાર્યક્રમો લાગુ કરવા માટે 20 મંત્રાલય/વિભાગ કાર્યરત છે, જેમાં મોટાં ભાગનાં કાર્યક્રમો ખાનગી ક્ષેત્રનાં તાલીમ પ્રદાતાઓની સહાયતાથી ચાલી રહ્યાં છે.
જોકે પર્યાપ્ત નિયમનકારક દ્રષ્ટિનાં અભાવમાં ઘણાં બધાં હિતધારકો વિવિધ માપદંડો ધરાવતાં તાલીમ કાર્યક્રમોની રજૂઆત કરતાં રહ્યાં છે. આ હિતધારકોની મૂલ્યાંકન અને પ્રમાણીકરણની વ્યવસ્થાઓ જુદી-જુદી છે, જેની વ્યાવસાયિક શૈક્ષણિક વ્યવસ્થા પર ગંભીર અસર પડે છે. આ રીતે દેશનાં યુવાનોની રોજગાર માટેની લાયકાત પર પણ અસર પડે છે. વર્ષ 2013માં રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ એજન્સી (એનએસડીએ)ની રચના મારફતે નિયમનકારક ઉપાયનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેથી સરકાર અને ખાનગી ક્ષેત્રનાં કૌશલ્ય વિકાસ પ્રયાસોમાં સમન્વય સ્થાપિત થઈ શકે. એનએસડીએની મુખ્ય ભૂમિકા રાષ્ટ્રીય કૌશલ્ય લાયકાત માટેનાં માળખાને સંચાલિત કરવાની હતી, જેથી ક્ષેત્ર મુજબ જરૂરિયાતો માટે ગુણવત્તા અને માપદંડોને સુનિશ્ચિત કરી શકાય.
છતાં એક સંપૂર્ણ નિયમનકારી સત્તામંડળની જરૂરિયાત અનુભવવામાં આવી હતી, જે ટૂંકા ગાળાનાં અને લાંબા ગાળાનાં કૌશલ્ય પર આધારિત તાલીમનાં તમામ પાસાંઓને આવરી શકે. એનસીવીઈટી એક એવી સંસ્થા સ્વરૂપે પ્રસ્તુત કરવામાં આવી છે, જે તમામ નિયમનકારક કાર્યો કરશે, જે એનસીવીટી અને એનએસડીએ કરતાં હતાં. અત્યારે પ્રાદેશિક કૌશલ્ય પરિષદો મારફતે નિયમનકારક કામકાજ રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ (એનએસડીસી) દ્વારા થઈ રહ્યું છે. આ પણ એનસીવીઈટીમાં વિલિન થઈ જશે.