Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારત અને બેલ્જિયમ વચ્ચે આઇસીટીએન્ડઈ ક્ષેત્રમાં સહકાર પર થયેલા એમઓયુને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળ દ્વારા ભારત અને બેલ્જિયમ વચ્ચે ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી એન્ડ ઇલેક્ટ્રોનિક્સ (આઇસીટીએન્ડઇ)નાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને સહમતી આપવામાં આવી હતી. બેલ્જિયમનાં રાજા ફિલિપની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન આ સમજૂતીકરાર પર 7 નવેમ્બર, 2017નાં રોજ હસ્તાક્ષર થયાં હતાં.

આ એમઓયુનો ઉદ્દેશ ભારત અને બેલ્જિયમ વચ્ચે સાથસહકાર સ્થાપિત કરવાનો છે, જેમાં આઇસીટીએન્ડઇ નીતિનાં ક્ષેત્રમાં શ્રેષ્ઠ પદ્ધતિઓની વહેંચણી, આઇસીટીએન્ડઇ ઉત્પાદન અને સેવાઓનાં વિકાસ પર વિશેષ ભાર સાથે ડિજિટલ એજન્ડા ટેકનોલોજી અને સંશોધન, ઇ-ગવર્નન્સ અને ઇ-પબ્લિક સર્વિસ ડિલિવરી, કોન્ફરન્સમાં સહભાગીદારી, અભ્યાસ માટેનાં વિઝા અને નિષ્ણાતોનું આદાનપ્રદાન, સાયબર સુરક્ષા તથા ડેટા પર્યાપ્તતા, બજારની સુલભતા, વેપાર અને સેવાઓ સાથે સંબંધિત સમસ્યાઓનું સમાધાન સામેલ છે.

પૃષ્ઠભૂમિ:

ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (એમઇઆઇટીવાય)એ આઇસીટીમાં સાથસહકાર સ્થાપિત કરવા માટે ઘણાં દેશો સાથે દ્વિપક્ષીય અને બહુપક્ષીય સમજૂતીઓ મારફતે જોડાણ કર્યું છે. માહિતી અને ટેકનોલોજીનાં વર્તમાન યુગમાં આઇસીટી આર્થિક વૃદ્ધિને વેગ આપવા તેમજ દેશનાં આર્થિક અને સામાજિક વિકાસનાં અન્ય પાસાંઓમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની સંભવિતતા ધરાવે છે. એમઇઆઇટીવાયએ આઇસીટીનાં યુગમાં માહિતીનાં આદાનપ્રદાન માટે અને ગાઢ સહકારને પ્રોત્સાહન આપવા માટે વિવિધ દેશોની સમકક્ષ સંસ્થાઓ/એજન્સીઓ સાથે એમઓયુ/સમજૂતીઓ કરી છે. વિવિધ દેશો સાથે વધુ સાથ-સહકાર વધારવા, ખાસ કરીને ભારત સરકારની “ડિજિટલ ઇન્ડિયા”, “મેક ઇન ઇન્ડિયા” વગેરે જેવી નવી પહેલોને ધ્યાનમાં રાખીને ટેકનોલોજી ક્ષેત્રમાં વ્યાવસાયિક તકો ચકાસવા અને રોકાણને આકર્ષવા માટેની જરૂરિયાતમાં વધારો થયો છે.

ભારત અને બેલ્જિયમ ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે. બેલ્જિયમ યુરોપિયન યુનિયનમાં ભારતનો બીજો સૌથી મોટો વેપારી ભાગીદાર દેશ છે. બેલ્જિયમ કમ્યુનિકેશન ટેકનોલોજીમાં કુશળતા ધરાવે છે, ખાસ કરીને ઇ-કોમર્સ અને ઇલેક્ટ્રોનિક આઇડી કાર્ડ તથા ટેક્ષ ઓન વેબ વગેરે ક્ષેત્રોમાં. પ્રધાનમંત્રીએ માર્ચ, 2016માં બ્રસેલ્સની મુલાકાત લીધી હતી અને યુરોપિયન યુનિયનની બેઠકમાં ભાગ લીધો હતો, જે દરમિયાન બેલ્જિયમમાં દ્વિપક્ષીય સંવાદમાં ભારત અને બેલ્જિયમ વચ્ચે આઇટી અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં એમઓયુ કરવાની દરખાસ્ત રજૂ થઈ હતી. ત્યારબાદ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (એમઇએન્ડઆઇટી)ની બેઠક નવી દિલ્હીમાં 7 ફેબ્રુઆરી, 2017નાં રોજ મળી હતી, જેમાં બેલ્જિયમનાં નાયબ પ્રધાનમંત્રી મહામહિમ શ્રી એલેક્ઝાન્ડર ડી ક્રૂ તથા ડેવલપમેન્ટ કોઓપરેશન, ડિજિટલ એજન્ડા, ટેલીકોમ એન્ડ પોસ્ટ સર્વિસનાં મંત્રીનાં નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળે ભારતનાં પ્રતિનિધિઓ સાથે પારસ્પરિક રસનાં ક્ષેત્રો પર બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન બંને પક્ષોએ ડિજિટલ ઇન્ડિયા અને ડિજિટલ બેલ્જિયમ પર લોકોને ડિજિટલી સક્ષમ બનાવવા સંયુક્તપણે કામ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. 

NP/J.Khunt/GP/RP