Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારત અને ફિજી વચ્ચે હવાઈ સેવા સમજૂતીને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને ફિજી વચ્ચે નવી હવાઈ સેવા સમજૂતી (એએસએ)ને મંજૂરી આપી છે.

આ સમજૂતી બંને દેશો વચ્ચે 28 જાન્યુઆરી, 1974ના રોજ થયેલી પ્રવર્તમાન હવાઈ સેવા સમજૂતી (એએસએ)ને અદ્યતન કરવા માટે થઈ છે. અપડેશન નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં થયેલા વિકાસને ધ્યાનમાં રાખીને અને બંને દેશો વચ્ચે હવાઈ જોડાણ વધારાના ઉદ્દેશ સાથે આધુનિક આઇસીએઓ ટેમ્પ્લેટ મુજબ કરવામાં આવ્યું છે.

હવાઈ સેવા સમજૂતીના મુસદ્દાને અંતિમ સ્વરૂપ કાયદા અને ન્યાય મંત્રાલય (કાયદાકીય બાબતોના મંત્રાલય), નાણાં વિભાગ (આર્થિક બાબતોનો વિભાગ, મહેસૂલ વિભાગ), વિદેશ મંત્રાલય, વાણિજ્ય વિભાગ અને પ્રવાસન મંત્રાલય સાથે ચર્ચા કરીને આપવામાં આવ્યું છે.

હવાઈ સેવા સમજૂતીની મહત્વપૂર્ણ બાબતો નીચે મુજબ છેઃ

1. બંને દેશો એક કે વધારે એરલાઇન નિયુક્ત કરવાનો અધિકાર ધરાવશે.

2. બંનેમાંથી કોઈ પણ દેશની નિયુક્ત એરલાઇન્સ હવાઈ સેવાઓના પ્રોત્સાહન અને વેચાણ માટે અન્ય દેશના વિસ્તારમાં ઓફિસો સ્થાપિત કરવાનો અધિકાર ધરાવશે.

3. બંને દેશોની નિયુક્ત એરલાઇન્સ ચોક્કસ રુટ્સ પર સંમત સેવાઓ કાર્યરત કરવા વાજબી અને સમાન તક ધરાવશે. ત્યારબાદ રુટ્સ અને ફ્રિકવન્સીનો નિર્ણય લેવાશે.

4. નિયુક્ત એરલાઇન વાણિજ્યિક વિચારણાને આધારે વાજબી સ્તરે હવાઈ સેવાઓના સંબંધમાં ભાડાના દર નક્કી કરવા સ્વતંત્ર રહેશે.

5. દરેક પક્ષની નિયુક્ત એરલાઇન સમાન પક્ષ અને અન્ય પક્ષની નિયુક્ત કેરિયર્સ સાથે સહકારી માર્કેટિંગ વ્યવસ્થાઓ કરી શકે છે.

6. ઉપર સિવાય એએસએસ સંમત સેવાઓ, વાણિજ્યિક તકો, સલામતી સંબંધિત જોગવાઈઓ વગેરેના સંચાલનના સિદ્ધાંતો અને ઓપરેટિંગ અધિકૃતતા બરતરફ કરવાનો કે રદ કરવાની જોગવાઈઓ પણ ધરાવે છે, જે ભારતીય મોડલ એએસએ પર સામેલ કરવામાં આવ્યા હતા.

એએસએ માટે પ્રવર્તમાન રુટના પરિશિષ્ટમાં પણ સુધારો કરવામાં આવ્યો છે અને નવા કોલ પોઇન્ટ્સ સંવર્ધિત જોડાણ માટે ઉમેરવામાં આવ્યા છે. હવે ભારતીય કેરિયર્સ ભારતમાં કોઈ પણ પોઇન્ટ્સથી ફિજિમાં કોઈ પણ પોઇન્ટ્સ પર કાર્યરત થઈ શકે છે, જ્યારે ફિજીના વિમાન ભારતમાં દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈ સાથે સીધું જોડાણ સ્થાપિત કરી શકે છે અને તેમણે સીધી કામગીરી માટે આપેલા પોઇન્ટ્સ ઉપરાંત બેંગલોર, કોલકાતા, હૈદરાબાદના ભારતીય કેરિયર્સ સાથે કોડ વહેંચી શકે છે. આ ઉપરાંત કોચી, વારાણસી, અમદાવાદ અને અમૃતસર સ્થાનિક કોડ વહેંચવાની કામગીરી માટે સેવા આપી શકે છે.