પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે બેઠકે આજે પંજાબની રાવી નદી પરના શાહપુરકંડી ડેમ પ્રોજેક્ટના અમલીકરણની મંજૂરી આપી દીધી છે. તે માટે 2018-19થી લઈને 2022-23 સુધી પાંચ વર્ષ માટે 485.38 કરોડ રૂપિયાની (સિંચાઈ ઘટકો માટે) કેન્દ્રીય સહાયતા પૂરી પાડવામાં આવશે.
આ પરિયોજનાના અમલીકરણથી રાવી નદીના પાણીની માત્રાને ઘટાડવામાં સહાયતા મળશે કે જે વર્તમાન સમયમાં માધોપૂરી હેડવર્કસ થઈને પાકિસ્તાનમાં વહી જાય છે.
વિગતો:
• આ પરિયોજના પૂર્ણ થવાથી પંજાબ રાજ્યમાં 5000 હેક્ટર અને જમ્મુ કાશ્મીર રાજ્યમાં 32,173 હેક્ટર જમીન પર સિંચાઈની સુવિધા પ્રાપ્ત થશે.
• શાહપુરકુંડી ડેમ પરિયોજના માટે કેન્દ્રીય સહાયતા માટેનું નાણાભંડોળ LTIF અંતર્ગત 99 PMKSY-AIBP પ્રોજેક્ટના નાણાભંડોળ માટે વર્તમાન સમયની પદ્ધતિ અંતર્ગત નાબાર્ડના માધ્યમથી કરવામાં આવશે.
• કેન્દ્રીય જળ આયોગ દ્વારા પરિયોજનાઓ માટે વર્તમાન સમયમાં ઉપસ્થિત દેખરેખ તંત્ર ઉપરાંત કેન્દ્રીય જળ આયોગના સભ્યની અધ્યક્ષતામાં અને પંજાબ તથા જમ્મુ કાશ્મીરના સંલગ્ન મુખ્ય એન્જિનિયરોને તેમજ સંલગ્ન અધિકારીઓને સમાવી લેતી એક સમિતિની રચના કરવામાં આવશે, જે પરિયોજનાના અમલીકરણ પર દેખરેખ અને નિયંત્રણ રાખશે.
• એમઓડબ્લ્યુઆર, આરડીએન્ડજીઆર સિંચાઈ પર, પુર નિયંત્રણ ને બહુહેતુકીય પરિયોજનાઓની સલાહકાર સમિતિએ 31.10.2018ના રોજ યોજાયેલી તેમની 138મી બેઠકમાં 2715.70 કરોડ રૂપિયાની (ફેબ્રુઆરી, 2018 કિંમત સ્તર) કિંમતના પુનરાવર્તિત ખર્ચ અંદાજને સ્વીકાર કર્યો હતો.
• આ પરિયોજના પંજાબ સરકાર દ્વારા 485.38 કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાયતાના માધ્યમથી અમલીકૃત કરવામાં આવશે. આ પરિયોજના જુન 2022 સુધીમાં પૂર્ણ થશે.
અસરો:
• વર્તમાન સમયમાં રાવી નદીના કેટલાક પાણીનો માધોપુર હેડવર્કસથી પાકિસ્તાનમાં વહીને બરબાદ થઇ રહ્યો છે જ્યારે પંજાબ અને જમ્મુ અને કાશ્મીરમાં આ જ પાણીની તાતી જરૂરિયાત છે. આ પરિયોજનાના અમલીકરણ વડે નકામા વહી જતા પાણીની બરબાદી ઓછી થશે.
• આ પરિયોજના પૂર્ણ થયા બાદ પંજાબ રાજ્યમાં 5000 હેક્ટર અને જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં 32,173 હેક્ટર જમીનમાં વધારાની સિંચાઈ ક્ષમતાનું નિર્માણ થશે.
• આ ઉપરાંત, આ પરિયોજના વડે પંજાબમાં યુબીડીસી પદ્ધતિ અંતર્ગત1.18 લાખ હેક્ટર જમીનમાં સિંચાઈની સુવિધાને અસરકારક રીતે સુવ્યવસ્થિત કરવામાં અને નિયંત્રિત કરવામાં પણ સહાયતા મળશે અને તેનાથી આ ક્ષેત્રમાં સિંચાઈને લાભ મળશે. તેની પૂર્ણાહુતી થતા પંજાબ પણ 206 મેગાવોટના હાયડ્રોપાવરનું નિર્માણ કરવામાં સક્ષમ બની શકશે.
ખર્ચ:
શાહપુરકંડી ડેમ પરિયોજનાના ઘટકોના કાર્યનો બાકીનો ખર્ચ 1973.53 કરોડ રૂપિયા (સિંચાઈ ઘટક: 564.63 કરોડ, ઊર્જા ઘટક: 1408.90 કરોડ રૂપિયા) છે. આ બધામાંથી 485.38 કરોડ રૂપિયા કેન્દ્રીય સહાયતા તરીકે પુરા પાડવામાં આવશે.
લાભાર્થીઓ:
પંજાબમાં 5000 હેક્ટર જમીનમાં અને જમ્મુ કાશ્મીરમાં 32172 હેક્ટર જમીનમાં સિંચાઈ પુરી પાડવામાં આવશે. આ યોજનાના અમલીકરણથી બિનકુશળ કારીગરો માટે 6.2 લાખ માનવ દિવસની રોજગારી, અડધી કુશળતા ધરાવતા કારીગરો માટે 6.2 લાખ માનવ દિવસની રોજગાર અને કુશળતા ધરાવતા કારીગરો માટે 1.67 લાખ માનવ દિવસોની રોજગારીનું નિર્માણ થશે.
પૂર્વભૂમિકા:
સિંધુ નદીના પાણીની વહેંચણી માટે 1960માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ નદી જળ સંધી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સંધી અનુસાર ભારત પાસે રાવી, બિયાસ અને સતલુજ નામની ત્રણ નદીઓના પાણીનો ઉપયોગ કરવા માટેના સંપૂર્ણ અધિકાર મળેલા હતા.
વર્તમાન સમયમાં રાવી નદીનું કેટલુક પાણી માધોપુર હેડવર્કસથી પાકિસ્તાનમાં વહી જઈને બાતલ જઈ રહ્યું છે. આ પરિયોજનાના અમલીકરણ વડે પાણીનો થતો આ બગાડ ઘટશે.
જાન્યુઆરી 1979માં પંજાબ અને જમ્મુ કાશ્મીર વચ્ચે એક દ્વિપક્ષીય સંધી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સંધી અનુસાર રણજીતસાગર ડેમ (થીન ડેમ) અને શાહપુરકંડી ડેમનું નિર્માણ પંજાબ સરકાર દ્વારા હાથ ધરવામાં આવશે. રણજીતસાગર ડેમનું નિર્માણ કાર્ય ઓગસ્ટ 2000માં પૂરું કરવામાં આવ્યું હતું. શાહપુર કંડી ડેમ પરિયોજના રાવી નદી ઉપર રણજીતસાગર ડેમથી 11 ડી/એસ અને માધોપુર હેડવર્કસથી 8 કિલોમીટર યુ/એસ પર સ્થિત છે.
આ પરિયોજનાને અગાઉ આયોજન પંચ દ્વારા નવેમ્બર 2001 દરમિયાન શરૂઆતમાં મંજૂર કરવામાં આવી હતી અને તેને તેના સિંચાઈ ઘટકને નાણાકીય ભંડોળ પૂરું પાડવા માટે આઆ મંત્રાલયના ત્વરિત સિંચાઈ લાભ યોજના (એઆઈબીપી) અંતર્ગત સમાવિષ્ટ કરવામાં આવી હતી.
શાહપુરકંડી ડેમ નેશનલ પ્રોજેક્ટનો સુધારેલ ખર્ચ એમઓડબ્લ્યુઆર, આરડી એન્ડ જીઆરની સલાહકાર સમિતિ દ્વારા 24 ઓગસ્ટ, 2009ના રોજ 2285.81 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યો હતો. 2009-10થી 2010-11ના સમયગાળા દરમિયાન 26.04 કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાયતા આપવામાં આવી હતી. આમ છતાં, પંજાબ સરકારના પક્ષે ઊર્જા ઘટક માટે નાણાના અભાવના કારણે અને ત્યારબાદ જમ્મુ કાશ્મીર સાથેના આંતર રાજ્યને લગતી સમસ્યાઓના લીધે આ પરિયોજનાનું કામ આગળ વધી શક્યું નહી.
બેઠકોની શ્રુંખલા બંને પક્ષ દ્વારા અને સાથે સાથે ભારત સરકારના સ્તરે પણ ચાલતી રહી હતી. આખરે, 8 સપ્ટેમ્બર, 2018ના રોજ નવી દિલ્હી ખાતે એમઓડબ્લ્યુઆર, આરડીએન્ડજીઆરની દેખરેખ હેઠળ પંજાબ અને જમ્મુ કાશ્મીર રાજ્યો વચ્ચે એક સહમતિ વ્યક્ત કરવામાં આવી હતી.
RP