પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય બિલ્ડિંગ નિર્માણ નિગમ લિમિટેડ (એનબીસીસી) મારફતે સરોજીની નગર, નેતાજી નગર, નવરોજી નગર અને કેન્દ્રીય જાહેર કાર્ય વિભાગ (સીપીડબલ્યુડી) મારફતે કસ્તુરબા નગર, ત્યાગરાજ નગર, શ્રીનિવાસપુરી અને મોહમ્મદપુર એમ કુલ સાત સાધારણ સામૂહિક રહેણાંક આવાસ (જીપીઆરએ)ના નવીનીકરણને મંજૂરી આપી છે. આ સાત જીપીઆરએમાં અત્યારે ટાઇપ 1થી 4ના 12,970 મકાનો છે, જેનો બિલ્ડ અપ એરિયા (બીયુએ) અંદાજે 7.49 લાખ ચોરસ મીટર છે, જ્યારે ટાઇપ 2થી 6ના અંદાજે 25,667 રહેણાંક મકાનોનો બીયુએ 29.18 લાખ ચોરસ મીટર છે, જેમાં સહાયક સામાજિક માળખાકીય સુવિધાઓ સામેલ છે.
આ પ્રોજેક્ટમાં નેતાજી નગરમાં આશરે 2.42 લાખ ચોરસ મીટર ના વિસ્તારમાં સરકારી ઓફિસના મકાનો પણ વિકસાવવામાં આવશે.
પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ રૂ. 32,835 કરોડ છે, જેમાં 30 વર્ષ માટે જાળવણી અને કાર્યકારી ખર્ચ સામેલ છે. પ્રોજેક્ટનો અમલ નવરોજી નગર અને સરોજિની નગરમાં રિંગ રોડને અડીને આવેલા વિસ્તારોમાં વ્યાવસાયિક બીયુએના વેચાણ દ્વારા સ્વધિરાણના ધોરણે થશે.
પ્રોજેક્ટ તબક્કાવાર રીતે પાંચ વર્ષમાં પૂર્ણ થશે.
પૃષ્ઠભૂમિ:
અત્યારે રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર (એનસીઆર)માં સરકારી મકાનોની ખેંચ છે. તેના પરિણામે સરકારી અધિકારીઓને લાયક મકાન મેળવવા રાહ જોવી પડે છે. શહેરી વિકાસ મંત્રાલયે માસ્ટર પ્લાન દિલ્હી (એમપીડી) – 2021 મુજબ જમીનના સંસાધનોના મહત્તમ ઉપયોગ દ્વારા મકાનનો પુરવઠો વધારવા જૂની, જર્જરિત હાઉસિંગ કોલોનીઓનું નવીનીકરણ કરવા તથા ગ્રીન બિલ્ડિંગના નિયમો અને ઘરની અંદર ઘન/પ્રવાહી કચરાના નિકાલની સુવિધાઓ સાથે આધુનિક નિર્માણ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની દરખાસ્ત રજૂ કરી હતી.
TR