પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્નીય મંત્રીમંડળે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ (અધિકારોના સંરક્ષણ) ખરડા, 2016ને મંજૂરી આપી હતી.
આ ખરડા દ્વારા સરકારે ટ્રાન્સજેન્ડર નાગરિકોના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સશક્તિકરણ માટે એક વ્યવસ્થા વિકસાવી છે. આ ખરડો મોટી સંખ્યામાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને લાભદાયક પુરવાર થશે, આ ઉપેક્ષિત વર્ગ સામે ભેદભાવ અને દુર્વ્યવહારમાં ઘટાડો થશે તેમજ તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવશે. તે સર્વસમાવેશકતા તરફ દોરી જશે અને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને સમાજના ઉપયોગી સભ્યો બનાવશે.
ટ્રાન્સજેન્ડર સમુદાય દેશમાં સૌથી વધુ વંચિત અને ઉપેક્ષિત સમુદાયોમાંનો એક સમુદાય છે, કારણ કે તેઓ ‘પુરુષ’ કે ‘સ્ત્રી’ની સામાન્ય કેટેગરીમાં ફિટ બેસતા નથી. તેના પરિણામે તેમને સામાજિક બહિષ્કારથી લઈને ભેદભાવ સુધીની વિવિધ સમસ્યાનો સામનો કરવો પડે છે, તેમને શિક્ષણની સુવિધા મળતી નથી અને પરિણામે બેરોજગારીનો સામનો કરવો પડે છે. વળી તેમને પૂરતી તબીબી સુવિધાઓ મળતી નથી વગેરે સમસ્યાનો સામનો કરવો પડે છે.
ખરડો તેમાં સામેલ તમામ સિદ્ધાંતો જાળવવા તમામ હિતધારકોને સંવેદનશીલ અને જવાબદાર બનાવશે. તે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ સાથે સંબંધિત મુદ્દાઓ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટીતંત્રો પર મોટી જવાબદારી નાંખશે.
TR