પ્રધાનમંત્રી શ્રી નરેદ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ટીઆઇઆર કાર્નેટ્સના આશ્રય હેઠળ ચીજવસ્તુઓના આંતરરાષ્ટ્રીય પરિવહન પર કસ્ટમ્સ કન્વેન્શન (ટીઆઇઆર કન્વેન્શન)ના ભારતના સ્વીકાર માટે મંજૂરી આપવામાં આવી હતી અને તેના પ્રવેશના અમલ માટે મંજૂરી માટે જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવા સંમતિ આપવામાં આવી હતી.
આ કન્વેન્શન ભારતીય વેપારીઓને કન્વેન્શનમાં સામેલ અન્ય પક્ષોના તમામ વિસ્તારોમાં માર્ગ દ્વારા કે પરિવહનના એકથી વધારે માધ્યમો દ્વારા ચીજવસ્તુઓની ઝડપી, સરળ, વિશ્વસનિય અને અવરોધમુક્ત અવરજવર માટે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા સુલભ કરવામાં મદદરૂપ થશે.
કન્વેન્શનમાં સામેલ થવાથી કસ્ટમ નિયંત્રણોને પારસ્પરિક કે અન્યોન્ય માન્યતા આપવાના કારણે મધ્યસ્થી સરહદો પર તેમજ આ પ્રકારના માર્ગો પર ચીજવસ્તુઓની ચકાસણી માટેની અને ભૌતિક સંરક્ષણ આપવાની જરૂરિયાત દૂર થશે. કસ્ટમ્સ ક્લીઅરન્સ આંતરિક કસ્ટમ્સ સ્થાનો પર થઈ શકશે, જેથી બોર્ડર ક્રોસિંગ પોઇન્ટ્સ અને બંદરો પર ક્લીઅરન્સની સમસ્યા દૂર થશે, જ્યાં ઘણી વખત ગીચતા પેદા થાય છે. ટીઆઇઆર હેઠળ ચીજવસ્તુઓની અવરજવર દરમિયાન સીલ અને લોડ કમ્પાર્ટમેન્ટ કે કન્ટેઇનરની બાહ્ય સ્થિતિઓ ચકાસી મંજૂરી આપી શકાશે, જેથી સરહદ પર વિલંબમાં ઘટાડો થશે, પરિવહન અને વ્યવહારના ખર્ચમાં ઘટાડો થશે, જેથી સ્પર્ધાત્મકતા વધશે તથા વેપાર અને પરિવહન ક્ષેત્રો માટે વૃદ્ધિનો માર્ગ મોકળો થશે.
કન્વેન્શનના નીતિનિયમોનું પાલન કરવાથી સપ્લાય ચેઇનની સુરક્ષામાં વધારો સુનિશ્ચિત થશે, કારણ કે કન્વેન્શનની દ્રષ્ટિએ માન્યતા ધરાવતા ટ્રાન્સપોટર્સ અને વાહનોને જ કામગીરી કરવાની મંજૂરી આપવામાં આવે છે. ટીઆઇઆર કાર્નેટ પરિવહનમાં કસ્ટમ્સ ડ્યુટી અને કરવેરા તથા ટ્રાફિક માટે ગેરેન્ટીનું પ્રતિનિધિત્વ કરે છે એટલે ચીજવસ્તુઓની અવરજવર દરમિયાન આ પ્રકારના કરવેરા અને ડ્યુટી ચુકવવાની જરૂર નથી. ટીઆઇઆર કાર્નેટ કસ્ટમની જાહેરાત તરીકે પણ કામ કરે છે એટલે આ પ્રકારના પરિવહનમાં સામેલ વિવિધ દેશોના રાષ્ટ્રીય કાયદાને પૂર્ણ કરતા એકથી વધારે જાહેરનામાને દાખલ કરવા પૂર્વજરૂરિયાત છે. ટીઆઇઆર કન્વેન્શન ઇન્ટરનેશનલ “નોર્થ-સાઉથ” ટ્રાન્સપોર્ટ કોરિડોર (આઇએનએસટીસી)ને સમાંતર ચીજવસ્તુઓની હેરફેર માટે માધ્યમ બની શકશે તથા મધ્ય એશિયાના પ્રજાસત્તાક રાષ્ટ્રો અને કોમનવેલ્થના અન્ય સ્વતંત્ર દેશો (સીઆઇએસ), ખાસ કરીને ચાબહાર બંદર જેવા ઇરાનમાં ઉપયોગ થતા બંદરો સાથે વેપારને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થશે.
આ દરખાસ્તથી ભારત સરકારને કોઈ સીધી નાણાકીય અસર નહીં થાય, કારણ કે તે આંતરરાષ્ટ્રીય કન્વેન્શનના ભારતના સ્વીકાર સાથે સંબંધિત છે.
પૃષ્ઠભૂમિ:
ટીઆઇઆર કાર્નેટ્સના રક્ષણ હેઠળ ચીજવસ્તુઓના આંતરરાષ્ટ્રીય પરિવહન પર કસ્ટમ્સ કન્વેન્શન, 1975 (ટીઆઇઆર કન્વેન્શન) યુરોપ માટે સંયુક્ત રાષ્ટ્ર આર્થિક પંચ (યુએનઇસીઇ)ના નેજા હેઠળ આંતરરાષ્ટ્રીય પરિવહન વ્યવસ્થા છે, જેનો ઉદ્દેશ કન્વેન્શનમાં સામેલ સભ્ય રાષ્ટ્રો વચ્ચે અને તેમની અંદર ચીજવસ્તુઓની સરળ અને સાતત્યપૂર્ણ અવરજવર સુલભ બનાવવાનો છે. ત્યારે કન્વેન્શનમાં યુરોપિયન યુનિયન સહિત 70 પક્ષો સંકળાયેલા છે.
TR