Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે જીએસટી સાથે સંબંધિત ચાર ખરડાને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં જીએસટી સાથે સંબંધિત ચાર ખરડાને મંજૂરી આપવામાં આવી છે:

1. કેન્દ્રીય ચીજવસ્તુઓ અને સેવાઓના વેરાનો ખરડો, 2017 (સીજીએસટી બિલ)

2. સંકલિત ચીજવસ્તુઓ અને સેવાઓના વેરાનો ખરડો, 2017 (આઇજીએસટી બિલ)

3. કેન્દ્રશાસિત પ્રદેશ ચીજવસ્તુઓ અને સેવાઓના વેરાનો ખરડો, 2017 (યુટીજીએસટી બિલ)

4. ચીજવસ્તુઓ અને સેવાઓનો વેરો (રાજ્યને વળતર) બિલ 2017 (વળતર બિલ)

છેલ્લાં છ મહિનામાં જીએસટી કાઉન્સિલે 12 બેઠકોમાં એક પછી એક જોગવાઈનો વિસ્તૃત વિચાર કર્યા બાદ ઉપરોક્ત ચાર ખરડાઓને મંજૂરી આપી છે.

સીજીએસટી ખરડો રાજ્યની અંદર ચીજવસ્તુઓ કે સેવાઓના પુરવઠા પર કેન્દ્ર સરકાર દ્વારા કરવેરો અને લેવી એમ બંને ઉઘરાવવાની જોગવાઈ કરે છે. બીજી તરફ, આઇજીએસટી બિલ રાજ્યો વચ્ચે ચીજવસ્તુઓ કે સેવાઓના સપ્લાય પર લેવી અને કરવેરો કે બંને કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવવાની જોગવાઈ કરે છે.

યુટીજીએસટી ખરડો ધારાસભા વિનાના કેન્દ્રશાસિત પ્રદેશોની અંદર ચીજવસ્તુઓ અને સેવાઓના પુરવઠાના પ્રદાન પર કરવેરાની વસૂલાતની જોગવાઈ કરે છે. કેન્દ્રશાસિત પ્રદેશનો જીએસટી કાયદો રાજ્યોના જીએસટી જેવી જ જોગવાઈઓ ધરાવે છે, જે રાજ્યની અંદર ચીજવસ્તુઓ કે સેવાઓ કે બંનેના પુરવઠા પર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા લાદવામાં અને ઉઘરાવવામાં આવશે.

વળતર ખરડો ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સના અમલીકરણને કારણે આવકમાં થનાર નુકસાન માટે પાંચ વર્ષ માટે રાજ્યોને વળતર પ્રદાન કરવાની જોગવાઈ બંધારણીય (101મો સુધારો) કાયદા, 2016ની જોગવાઈ 18 મુજબ પ્રદાન કરશે.

પૃષ્ઠભૂમિ:

સરકાર દેશમાં સૌથી મોટા આર્થિક સુધારામાં સામેલ જીએસટીનો શક્ય તેટલી વહેલી તકે અમલ કરવા પ્રતિબદ્ધ છે. જીએસટી કાઉન્સિલે 1 જુલાઈથી જીએસટીનો અમલ કરવાનો નિર્ણય લીધો છે. નાણાં મંત્રીએ તેમના બજેટ ભાષણમાં ઉલ્લેખ કર્યો છે કે વેપાર અને ઉદ્યોગ સમુદાયને જીએસટીની જોગવાઈ સમજાવવા રાષ્ટ્રીય સ્તરે પહોંચવાના પ્રયાસો કરવામાં આવશે.

AP/JKhunt/TR/GP