પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારત અને સ્વિત્ઝર્લેન્ડ વચ્ચે જળવાયુ પરિવર્તન અને પર્યાવરણના ક્ષેત્રે ટેકનિકલ સહકાર માટે થયેલા સમજૂતી કરાર (MoU)ને પાછલી અસરથી મંજૂરી આપી હતી. આ MoU પર 13 સપ્ટેમ્બર 2019ના રોજ સ્વિત્ઝર્લેન્ડમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
મુખ્ય અસરો:
પર્યાવરણમાં સતત થઇ રહેલા પરિવર્તનની સમાજના ઉન્નત વર્ગની તુલનાએ સામાજિક અને આર્થિક રીતે પછાત અને વંચિત વર્ગ પર ઘણી વધુ અસર પડે છે. પર્યાવરણમાં થઇ રહેલી અવનતિને નિષ્ફળ બનાવવા માટે કરવામાં આવેલા કોઇપણ પ્રયાસો સમાજના દરેક વર્ગને ઉન્નત પર્યાવરણીય સંસાધનો ઉપલબ્ધ કરાવવાના સંદર્ભમાં પર્યાવરણીય સમાનતા લાવશે.
લાભો:
આ MoUના કારણે બંને દેશોમાં લાગુ કાયદા અને કાયદાકીય જોગવાઇઓને ધ્યાનમાં રાખીને, બંને દેશો વચ્ચે સમાનતા, અન્યોન્ય અને પારસ્પરિક લાભોના આધાર પર પર્યાવરણીય સુરક્ષા અને કુદરતી સંસાધાનોના વ્યવસ્થાપન ક્ષેત્રે નજીકનો અને લાંબાગાળાનો સહકાર સ્થાપિત કરી શકાશે અને તેને પ્રોત્સાહન મળશે. તેનાથી બંને દેશો વચ્ચે માહિતી અને ટેકનોલોજીના આદાન-પ્રદાનથી જાહેર જવાબદારી વધશે. વધુમાં, પર્યાવરણની વધુ સારી સુરક્ષા, જાળવણી, જળવાયુ પરિવર્તનનું સારું વ્યવસ્થાપન અને વન્યજીવોના સંરક્ષણ/સંવર્ધન માટે નવીનતમ ટેકનોલોજીઓ અને શ્રેષ્ઠ અનુકૂળ પદ્ધતિઓ આનાથી આવશે તેવી આશા રાખવામાં આવે છે.
મહત્વની વિશેષતાઓ:
a. જળવાયુ પરિવર્તન અને સ્થાયી જળ વ્યવસ્થાપનમાં ક્ષમતા નિર્માણ;
b. સ્થાયી વન વ્યવસ્થાપન;
c. પર્વતીય પ્રદેશોનો સ્થાયી વિકાસ;
d. પર્યાવરણીય રીતે સ્થાયી અને અનુકૂળ શહેરી વિકાસ;
e. વાયુ, ભૂમિ અને જળ પ્રદૂષણની સમસ્યાઓનો ઉકેલ લાવવો;
f. સ્વચ્છ અને નવીનીકરણીય ઊર્જા પર ધ્યાન કેન્દ્રિત કરવું: અને
g. જળવાયુ પરિવર્તનનાં જોખમનું વ્યવસ્થાપન.
DS/RP