પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ગોરખપુર, સિંદરી અને બરૌનીમાં ખાતરના બંધ એકમોને ફરી કાર્યરત કરવાની મંજૂરી આપી છે. તેમાં સિંદરી (ઝારખંડ) અને ગોરખપુર (ઉત્તરપ્રદેશ) ખાતે ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઇન્ડિયા લિમિટેડ (એફસીઆઇએલ)ના યુરિયાના બે બંધ એકમ તથા હિંદુસ્તાન ફર્ટિલાઇઝર્સ કોર્પોરેશન લિમિટેડ (એચએફસીએલ)ના બરૌની (બિહાર)નું એકમ સામેલ છે.
‘નામાંકનના માર્ગે’ સરકારી ક્ષેત્રના એકમો (પીએસયુ)ના સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ (એસપીવી) બનાવીને ખાતરના આ ત્રણ એકમોને ફરી કાર્યરત કરવામાં આવશે. આ માટેના સરકારી ક્ષેત્રના એકમોમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (એનટીપીસી), કોલ ઇન્ડિયા લિમિટેડ (સીઆઇએલ), ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (આઇઓસીએલ) અને એફસીઆઇએલ/એચએફસીએલ સામેલ છે.
સિંદરી, ગોરખપુર અને બરૌનીના નવા એકમોની સ્થાપના બિહાર, પશ્ચિમ બંગાળ અને ઝારખંડની યુરિયાની વધતી જતી માગને પૂર્ણ કરશે. વળી પશ્ચિમ અને મધ્ય વિસ્તારોમાંથી યુરિયાના લાંબા અંતરના પરિવહનના કારણે રેલવે અને રોડ માળખા પરનું ભારણ પણ ઘટાડશે, જેથી નૂર પર સરકારી સહાયમાં બચત થશે. તે પ્રદેશના આર્થિક વિકાસને પણ વેગ આપશે. પ્રાદેશિક અર્થતંત્રની વૃદ્ધિ ઉપરાંત આ એકમ 1200 પ્રત્યક્ષ અને 4500 પરોક્ષ રોજગારી માટે તક ઊભી કરશે.
મેસર્સ ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડે હલ્દિયાથી જગદીશપુર સુધી ગેસ પાઇપલાઇન પાથરવાની યોજના બનાવી છે. આ એકમો આ પાઇનલાઇન માટે એન્કર ગ્રાહક તરીકે સેવા આપશે અને તેની વ્યવહારિકતા સુનિશ્ચિત કરશે. પૂર્વ ભારતમાં માળખાના વિકાસ માટે જગદીશપુર-હલ્દિયા ગેસ પાઇપલાઇન (જેએચપીએલ) મહત્ત્વપૂર્ણ છે અને પ્રદેશના આર્થિક વૃદ્ધિ પર બહુસ્તરીય અસર કરશે.
અગાઉ સીસીઇએ (આર્થિક બાબતો પરની કેન્દ્રીય મંત્રીમંડળ)એ યુરિયા ક્ષેત્ર માટે ગેસ પૂલિંગની મંજૂરી આપી હતી, જે આ એકમો ફરી કાર્યરત થતા પૂર્વનિર્ધારિત કિંમતે ગેસ મેળવી શકશે, જે યુરિયાના એકમોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવશે.
પૃષ્ઠભૂમિ:
આ એકમો 1990થી 2002 દરમિયાન બંધ થયા અને નિષ્ક્રિય છે. એટલે એકમો અને તેની સાથે સંબંધિત સુવિધાઓ બિનઉપયોગી હતી. અહીં ઉલ્લેખ કરવો મહત્ત્વપૂર્ણ છે કે દેશના પૂર્વ ભારતમાં નામરૂમ (અસમ)માં બે નાનાં એકમો સિવાય યુરિયાનું અન્ય કોઈ એકમ કાર્યરત નથી. વર્ષ 2015ની શરૂઆતમાં સરકારે ‘બિડિંગ માર્ગ’ મારફતે આ ત્રણ એકમોને પુનઃકાર્યરત કરવાની મંજૂરી આપી હતી. જોકે એફસીઆઇએલના ગોરખપુર અને સિંદરી એકમોને પુનઃકાર્યરત કરવા દરેક ‘રિક્વેસ્ટ ફોર ક્વોલિફિકેશન્સ’ (આરએફક્યુ) સામે ફક્ત એક અરજી મળવાના કારણે બિડિંગ પ્રક્રિયા આગળ વધી શકી નહોતી.
દેશમાં યુરિયાનો વાર્ષિક વપરાશ અંદાજે 320 એલએમટી છે, જેમાંથી 245 એલએમટીનું ઉત્પાદન દેશમાં થાય છે અને બાકીના જથ્થાની આયાત કરવામાં આવે છે. દેશમાં યુરિયાનું ઉત્પાદન વધારવા અગાઉ સરકારે ‘નામાંકનના માર્ગે’ પીએસયુ દ્વારા તાલ્ચેર (ઓડિશા) અને રામાગુન્ડમ (તેલંગાણા)માં સ્થિત એફસીઆઇએલના એકમોને પુનઃકાર્યરત કરવાની મંજૂરી આપી હતી.
AP/TR/GP