Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ગંગા નદી (પુનરોદ્ધાર, સંરક્ષણ અને વ્યવસ્થાપન) ઓથોરિટી આદેશ, 2016ને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ગંગા નદી (નવીનીકરણ, સંરક્ષણ અને વ્યવસ્થાપન) સત્તામંડળ આદેશ, 2016ને મંજૂરી આપી છે. આ આદેશ નીતિ માટે નવું સંસ્થાગત માળખું ઊભું કરવા અને ઝડપથી અમલ કરવા તથા રાષ્ટ્રીય ગંગા સ્વચ્છતા અભિયાનને સ્વતંત્ર અને જવાબદારીપૂર્ણ રીતે તેની કામગીરીઓ કરવા સક્ષમ બનાવે છે. બેઠકમાં પર્યાવરણ (સંરક્ષણ) કાયદા, 1986 હેઠળ કથિત કાયદાની જોગવાઈને ધ્યાનમાં લઈને ઓથોરિટીને અભિયાનનો દરજ્જો આપવાનો અને તેને અનુરૂપ અધિકારો સુપરત કરવાનો અને ત્યારબાદ નિયમિત સમયાંતરે તેની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો હતો. તે જ રીતે પર્યાપ્ત નાણાકીય અને વહીવટી અધિકારો સુપરત કરવાનો નિર્ણય લેવાયો છે, જે જવાબદારી અને ઉત્તરદાયિત્વ એમ બંને તરીકે એનએમસીજીને સ્થાપિત કરશે અને ગંગા પુનરોદ્ધાર માટે પ્રોજેક્ટ અમલીકરણની પ્રક્રિયાને અસરકારક રીતે આગળ વધારશે.

મુખ્ય વિશેષતાઓ:

ટૂંકમાં કહીએ તો આદેશની મુખ્ય વિશેષતાઓ આ છેઃ

1.

આદરણીય પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં ઓથોરિટી તરીકે ગંગા નદી (પુનરોદ્ધાર, સંરક્ષણ અને વ્યવસ્થાપન) માટે રાષ્ટ્રીય પરિષદની રચના, જે એનજીઆરબીએનું સ્થાન લેશે તથા ગંગા નદીના તટપ્રદેશમાં પ્રદૂષણ નિવારણ અને પુનરોદ્ધાર પર નજર રાખવાની સંપૂર્ણ જવાબદારી ધરાવશે.

2.

જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા પુનરોદ્ધારના આદરણીય પ્રધાનની અધ્યક્ષતામાં એમ્પાવર્ડ ટાસ્ક ફોર્સની સ્થાપના, જે મંત્રાલયો, વિભાગો અને રાજ્ય સરકારોની સાથે નીચેની બાબતોમાં સંકલન સુનિશ્ચિત કરશેઃ

§ ગંગા નદીના પુનરોદ્ધાર અને સંરક્ષણના ઉદ્દેશ પૂર્ણ કરવા ચોક્કસ પ્રવૃત્તિઓ, સિદ્ધિઓ અને સમયરેખા સાથે કાર્યયોજના,

§ તેની કાર્યયોજનાઓના નિરીક્ષણ અને અમલીકરણની વ્યવસ્થા.

તે નિર્ધારિત સમયગાળામાં કાર્યયોજનાઓના અમલીકરણ માટે મંત્રાલયો અને વિભાગો તથા રાજ્ય સરકારો વચ્ચે સંકલન પણ સુનિશ્ચિત કરશે.

3.

પર્યાવરણ (સંરક્ષણ) કાયદા, 1986 હેઠળ અધિકારોનો ઉપયોગ કરવાની અને સૂચનો જાહેર કરવાની સત્તા સાથે ઓથોરિટી તરીકે નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (એનએમસીજી)ની જાહેરાત થવાથી તે તેની કામગીરી અસરકારકતા સાથે કરવા સક્ષમ બનશે. એનએમસીજી શાસન પરિષદ (જીસી) સાથે દ્વિ-સ્તરીય વ્યવસ્થાપન માળખું ધરાવશે, જેના અધ્યક્ષ ડીજી, એનએમસીજી હશે. જીસીની નીચે કારોબારી સમિતિ (ઇસી) હશે, જેના અધ્યક્ષ ડીજી, એનએમસીજી હશે.

એનએમસીજી રાષ્ટ્રીય ગંગા પરિષદના નિર્ણયો અને સૂચનોનું પાલન કરશે તથા તેના દ્વારા મંજૂર કરેલી ગંગા તટપ્રદેશનું વ્યવસ્થાપન કરવાની યોજનાનો અમલ કરશે, ગંગા નદી અને તેની પેટા નદીઓના પુનરોદ્ધાર અને સંરક્ષણ માટે જરૂરી તમામ પ્રવૃત્તિઓ હાથ ધરશે અને તેમનું સંકલન કરશે.

4.

રાજ્ય સ્તરે દરેક પરિભાષિત રાજ્યોમાં પ્રદેશ ગંગા સમિતિની રચના કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે, જે દરેક રાજ્યના સંબંધમાં ઓથોરિટી તરીકે કામ કરશે અને જિલ્લા ગંગા સંરક્ષણ સમિતિઓ તેમના કાર્યક્ષેત્ર પર નજર રાખશે, સૂચના આપશે અને નિયંત્રણ રાખશે.

5.

તે જ રીતે ગંગાના કિનારાના દરેક જિલ્લાઓમાં જિલ્લા ગંગા સમિતિ જિલ્લા સ્તરે ઓથોરિટી તરીકે સુપરત કરાયેલા કાર્યો હાથ ધરશે, સ્થાનિક જોખમોને ધ્યાનમાં લેશે અને ગંગા નદીની જરૂરિયાતો સમજશે તથા ગંગા નદીના પાણીની સંપૂર્ણ ગુણવત્તા સુનિશ્ચિત કરવા આ પ્રકારના જરૂરી પગલાં વિચારશે અને અમલ થતા વિવિધ પ્રોજેક્ટ પર નજર રાખશે.

પ્રસ્તાવિત માળખાનો અમલ પર્યાવરણ (સંરક્ષણ) ધારા, 1986 (1986નો 29)ની કલમ 3 હેઠળ જોગવાઈઓ લાગુ કરીને ઇશ્યૂ કરેલા અધિનસ્થ કાયદાકીય માર્ગે થશે, જે તેના ઉદ્દેશો હાંસલ કરવા ઓથોરિટીની રચના સાથે સંબંધિત છે.

દરખાસ્તની અન્ય મુખ્ય ખાસિયતો નીચે મુજબ છે:

§ આ ગંગા નદીના પુનરોદ્ધાર માટે, પર્યાવરણના સંરક્ષણ માટે ગંગા નદી માટે એનએમસીજીને વધારે સત્તા આપશે. તે સ્થાનિક સંસ્થાઓ સાથે વધારે સારું સંકલન સુનિશ્ચિત પણ કરશે અને ગંગા નદીના પ્રદૂષણ નિયંત્રણ માટે એનજીસીજીની સૂચનાઓનું પાલન કરાવવા કડક અભિગમ અપનાવશે.

§ જોકે એનએમસીજી સીપીસીબી જરૂરી પગલાં નહીં લે એવી સ્થિતિમાં જ કામગીરી હાથ ધરશે. સીપીસીબી પણ કથિત કાયદાની જોગવાઈઓ હેઠળ એનએમસીજી સાથે સંયુક્તપણે કામગીરી હાથ ધરશે.

§ સુધારેલ માળખાનું વિશેષ ધ્યાન ગંગા નદીના આવશ્યક પારિસ્થિતિક પ્રવાહને જાળવવા પર હશે, જેનો ઉદ્દેશ પાણીની ગુણવત્તા અને પર્યાવરણને અનુકૂળ સ્થાયી વિકાસ સુનિશ્ચિત કરવાનો છે.

ગંગાના તટપ્રદેશમાં સુએઝ ટ્રીટમેન્ટનું માળખું ઝડપથી ઊભું કરવા હાઇબ્રિડ એન્યુઇટી પર આધારિત નવીન મોડલને મંજૂર કરવામાં આવ્યું છે. આ સુનિશ્ચિત કરશે કે પ્રોજેક્ટ હેઠળ રચિત માળખાગત સુવિધા સ્થાયી ધોરણે કાર્યરત છે.

પારદર્શકતા અને ખર્ચ અસરકારકતા સુનિશ્ચિત કરવા સમવર્તી હિસાબ, સલામતીની કામગીરી, સંશોધન સંસ્થાઓ અને નાણાકીય માળખાની જોગવાઈ કરવામાં આવી છે.

પૃષ્ઠભૂમિ:

ગંગા એક્શન પ્લાન (જીએપી) તબક્કો-1 1985માં શરૂ થયો હતો અને પછી 1993માં જીએપીનો બીજો તબક્કો હાથ ધરવામાં આવ્યો હતો. તેનો ઉદ્દેશ ગંગા નદીના પાણીની ગુણવત્તા સુધારવાનો છે. ત્યારબાદ તેમાં ગંગાની પેટાનદીઓને પણ તેમાં ઉમેરવામાં આવી હતી. સરકારે મે, 2015માં નમામી ગંગે કાર્યક્રમને મંજૂરી આપી હતી. તેનો ઉદ્દેશ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ તરીકે ગંગા અને તેની પેટાનદીઓના પુનરોદ્ધાર માટે વિસ્તૃત પહેલો હાથ ધરવાનો છે, જેનું સંપૂર્ણ ભંડોળ કેન્દ્ર સરકાર પ્રદાન કરશે. પાણીની ગુણવત્તામાં ઘટાડાને મધ્યમસર નિયંત્રણમાં લેવા છતાં કાર્યક્રમના અમલીકરણની કેટલીક ચોક્કસ મર્યાદાઓ છે.

એનએમસીજી વર્ષ 2012થી રજિસ્ટર્ડ સોસાયટી તરીકે કાર્યરત છે. તેની ભૂમિકા મુખ્યત્વે પ્રોજેક્ટ માટે ભંડોળ પૂરું પાડવાથી લઈને અમલીકરણ સંસ્થા પૂરતી મર્યાદિત છે. તે ગંગા નદીને પ્રદૂષિત કરવા વિવિધ જોખમોની નોંધ લેવાની કામગીરી ધરાવે છે, અને સંબંધિત સત્તામંડળ/પ્રદૂષકોને સૂચના આપવાની સત્તા ધરાવે છે. જ્યારે સંસ્થા જાહેર જનતાની નજરમાં અને વિવિધ અદાલતો એમ બંને પક્ષોની નજરમાં ગંગા નદીના સંરક્ષણ તરીકેની જવાબદારી ધરાવે છે, ત્યારે એ આ પ્રકારની અપેક્ષાઓ પૂર્ણ કરવા પર્યાપ્ત રીતે સમર્થન નથી.

તેથી અપેક્ષા છે કે આ પગલું ગંગા નદીના પ્રદૂષણને અસરકારક રીતે નિયંત્રણમાં લેશે અને તેનો પુનરોદ્ધાર કરશે, નદીના પારિસ્થિતિક પ્રવાહોને જાળવશે, પ્રદૂષિત ઉદ્યોગો પર નિયંત્રણ લાદશે અને પાલન સુનિશ્ચિત કરવા ચકાસણી હાથ ધરશે. ઉપરાંત તે નદીની સ્થિતિ પર હાથ ધરવામાં આવેલા સંશોધનમાં પ્રાપ્ત થયેલા ડેટાને જાળવશે અને વહેંચશે.

TR