પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ઓઇલ અને ગેસનું સ્થાનિક ઉત્પાદન વધારવા માટે હાઇડ્રોકાર્બનનાં હાલનાં ભંડોળની રિકવરી વધારવા માટે એન્હાન્સ્ડ રિકવરી (ઇઆર)/ઇમ્પ્રૂવ્ડ રિકવરી (આઇઆર)/બિનપરંપરાગત હાઇડ્રોકાર્બન (યુએચસી)નાં ઉત્પાદનની પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનાં નીતિગત માળખાને મંજૂરી આપી છે. ઇઆરમાં એન્હાન્સ્ડ ઓઇલ રિકવરી (ઇઓઆર) અને એન્હાન્સ્ડ ગેસ રિકવરી (ઇજીઆર), બિનપરંપરાગત હાઇડ્રોકાર્બન (યુએચસી) ઉત્પાદનની પદ્ધતિઓમાં શેલ ઓઇલ અને ગેસ ઉત્પાદન, ટાઇટ ઓઇલ અને ગેસ ઉત્પાદન, ઓઇલ શેલમાંથી ઉત્પાદન, ગેસ હાઇડ્રેટ અને ભારે ઓઇલ સામેલ છે. એન્હાન્સ્ડ રિકવરી, ઇમ્પ્રૂવ્ડ રિકવરી તથા બિનપરંપરાગત હાઇડ્રોકાર્બનનું સંશોધન અને ઉત્ખન્નમાં મોટા પાયે મૂડી, જટિલ ટેકનોલોજીની જરૂર છે તેમજ આ કામગીરી પડકારજનક છે. આ માટે માળખાગત સુવિધાઓ, માલપરિવહન આધાર, રાજકોષીય પ્રોત્સાહન અને સક્ષમ વાતાવરણની જરૂર છે.
નીતિનો વ્યૂહાત્મક ઉદ્દેશ શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ, ઉદ્યોગ-શૈક્ષણિક સંસ્થાઓનાં જોડાણ મારફતે સહાયક પ્રણાલી ઊભી કરવાનો તેમજ ઇઆર/આઇઆર/યુએચસી પદ્ધતિઓ સ્થાપિત કરવા એક્સપ્લોરેશન એન્ડ પ્રોડક્શન (ઇએન્ડપી) કોન્ટ્રાક્ટરોને ટેકો અને પ્રોત્સાહન આપવાનો છે. આ નીતિ કરારની તમામ વ્યવસ્થાઓ અને નિયુક્ત ક્ષેત્રોને લાગુ થશે. આ નીતિગત પહેલ નવું રોકાણ આકર્ષશે, આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપશે અને રોજગારીની વધારે તકો ઊભી કરશે એવી અપેક્ષા છે. નીતિ નવી, ઇનોવેટિવ અને અત્યાધુનિક ટેકનોલોજીનાં ઉપયોગની સુવિધા આપશે તેમજ હાલનાં ક્ષેત્રોની ઉત્પાદકતા વધારવા ટેકનોલોજી આધારિત જોડાણ કરવાની સુવિધા આપશે એવી અપેક્ષા છે.
નીતિમાં એની ઇઆર સંભવિતતા, ઉચિત ઇઆર ટેકનિકોનું મૂલ્યાંકન તથા રોકાણને વ્યવહારિક બનાવવા ઇઆર પ્રોજેક્ટમાં સંકળાયેલા ખર્ચનું જોખમ ઘટાડવા રાજકોષીય પ્રોત્સાહનો માટે દરેક ક્ષેત્રની વ્યવસ્થિત આકારણીની કલ્પના કરવામાં આવી છે. નિયુક્ત સંસ્થાઓ મારફતે ક્ષેત્રોની ફરજિયાત ચકાસણી, સરકાર દ્વારા એનું નોટિફિકેશન અને વાણિજ્યિક સ્તરે ઇઆર પ્રોજેક્ટનાં વાસ્તવિક અમલ અગાઉ પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવા – એ નીતિની મુખ્ય વિશેષતાઓ છે. એન્હાન્સ્ડ રિકવરી (ઇઆર) સમિતિમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય, ડિરેક્ટોરેટ જનરલ ઑફ હાઇડ્રોકાર્બન (ડીજીએચ), અપસ્ટ્રીમ સેક્ટરનાં નિષ્ણાતો અને શૈક્ષણિક સંસ્થાઓનાં પ્રતિનિધિઓ સામેલ હશે, જેઓ નીતિનું નિરીક્ષણ કરશે અને અમલીકરણ પર ધ્યાન રાખશે. આ નીતિ નોટિફિકેશનની તારીખથી આગામી 10 વર્ષનાં ગાળા માટે અમલમાં રહેશે. જોકે રાજકોષીય પ્રોત્સાહન ઈઆર/યુએચસી યોજનાઓમાં ઉત્પાદન શરૂ થવાની તારીખથી 120 મહિનાનાં ગાળા માટે ઉપલબ્ધ રહેશે. આઈઆર યોજનાનાં મામલામાં પ્રોત્સાહન નિર્ધારિત માપદંડ હાંસલ કરવાની તારીખથી ઉપલબ્ધ રહેશે. આ નીતિ અંતર્ગત વિવિધ પ્રક્રિયાઓ પૂર્ણ કરવા માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. નિર્ધારિત કૂવાઓમાં ઈઆર ટેકનિક લાગુ થવાથી વધારાનાં ઉત્પાદન પર સેશ/રોયલ્ટીમાં આંશિક છૂટ સ્વરૂપે રાજકોષીય પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
ઓઇલનાં જૂનાં કૂવાઓમાં શ્રેષ્ઠ ટેકનોલોજીનો ઉપયોગ કરીને હાઇડ્રોકાર્બનનાં ઉત્પાદનમાં ઝડપ લાવી શકાશે. તેનાથી મૂળ ઉત્પાદનમાં 5 ટકાનાં વૃદ્ધિદરથી આગામી 20 વર્ષમાં વધુ 120 એમએમટી ઓઇલ ઉત્પાદનની કલ્પના કરવામાં આવી છે. ગેસનાં મામલે મૂળ ઉત્પાદનમાં 3 ટકાનાં વૃદ્ધિદરથી આગામી 20 વર્ષ દરમિયાન વધુ 52 બીસીએમ ઉત્પાદનની કલ્પના કરવામાં આવી છે.
NP/J.Khunt/GP/RP