મહાનુભાવ, નમસ્કાર!
સૌ પ્રથમ, હું લક્ઝમબર્ગમાં કોવિડ-19 રોગચાળાના લીધે થયેલી જાનહાનિ માટે મારા તરફથી અને 130 કરોડ ભારતવાસીઓ વતી હ્રદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું. અને આ મુશ્કેલ સમયમાં તમારા કુશળ નેતૃત્વને પણ અભિનંદન આપું છું.
મહાનુભાવ,
આજની વર્ચ્યુઅલ સમિટ મારા માટે ખૂબ મહત્વની છે. તમે અને હું વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો પર મળતા રહ્યા છીએ, પરંતુ છેલ્લા બે દાયકામાં ભારત અને લક્ઝમબર્ગ વચ્ચે આ પહેલું ઔપચારિક શિખર સંમેલન છે.
આજે વિશ્વ કોવિડ-19 રોગચાળાના આર્થિક અને આરોગ્ય પડકારોથી ઝઝૂમી રહ્યું છે, ભારત-લક્ઝમબર્ગની ભાગીદારી બંને દેશો તેમજ બંને પ્રદેશોના પુનઃસ્થાપન માટે ઉપયોગી થઈ શકે છે. લોકશાહી, કાયદાનું શાસન અને સ્વતંત્રતા જેવા સમાન આદર્શો આપણા સંબંધો અને પરસ્પર સહયોગને મજબૂત બનાવે છે. ભારત અને લક્ઝમબર્ગ વચ્ચે આર્થિક આદાનપ્રદાન વધારવાની મોટી સંભાવના છે.
સ્ટીલ, નાણાકીય તકનીક, ડિજિટલ ડોમેન જેવા ક્ષેત્રોમાં આપણી વચ્ચે સારો સહયોગ છે – પરંતુ તેને આગળ લઈ જવાની અપાર સંભાવના છે. મને ખુશી છે કે થોડા દિવસો પહેલા અમારી અવકાશ એજન્સીએ લક્ઝમબર્ગના ચાર ઉપગ્રહો પ્રક્ષેપિત કર્યા હતા. અવકાશ ક્ષેત્રમાં પણ આપણે પરસ્પર વિનિમય વધારી શકીએ છીએ.
લક્ઝમબર્ગને આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ – આઇએસએમાં જોડાવાની ઘોષણાને અમે આવકારીએ છીએ. અને આપત્તિ નિવારક માળખાકીય જોડાણમાં જોડાવા આમંત્રણ આપીએ છીએ.
મહામહિમ ગ્રાન્ડ ડ્યુકની આ વર્ષે એપ્રિલમાં ભારતની મુલાકાત કોવિડ-19ને કારણે મુલતવી રાખવામાં આવી હતી. અમે જલ્દીથી તેમનું ભારતમાં સ્વાગત કરવા માંગીએ છીએ. હું પણ ઈચ્છું છું કે તમે જલ્દીથી ભારત આવો.
મહાનુભાવ,
હવે હું તમને પ્રારંભિક સંબોધન માટે આમંત્રિત કરું છું.
SD/GP/BT
Speaking at the first ever India-Luxembourg bilateral summit with PM @Xavier_Bettel. https://t.co/xL3M2UJGCv
— Narendra Modi (@narendramodi) November 19, 2020