ભારત અને ભૂતાન અનુકરણીય દ્વિપક્ષીય સંબંધ ધરાવે છે, જે તમામ સ્તરે વિશ્વાસ, સદ્ભાવના અને પારસ્પરિક સમજણ, મૈત્રીપૂર્ણ સંબંધોને મજબૂત કરે છે અને લોકો વચ્ચે ગાઢ સંપર્કો ધરાવે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને પ્રધાનમંત્રી દશો શેરિંગ તોબગે વચ્ચે થિમ્ફુમાં ફળદાયક અને વિસ્તૃત ચર્ચા થઈ હતી, જેમાં બંને નેતાઓએ ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ અસાધારણ દ્વિપક્ષીય ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવાની કટિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી.
બંને નેતાઓએ ભૂતાનનાં હાઇડ્રો-પાવર ક્ષેત્રનાં વિકાસમાં અને આ વિસ્તારને ઊર્જા સુરક્ષા પ્રદાન કરવામાં સ્વચ્છ ઊર્જા ભાગીદારીનાં ઉત્કૃષ્ટ પ્રદાનની નોંધ લીધી હતી. પ્રધાનમંત્રી મોદીએ ઊર્જા પ્રોજેક્ટ્સના અમલીકરણમાં ભૂતાનની કંપનીઓ અને તકનીકી એજન્સીઓની વધતી સ્થાનિક ક્ષમતાની પ્રશંસા કરી. પ્રધાનમંત્રી તોબગેએ પ્રધાનમંત્રી મોદીને તાજેતરનાં વર્ષોમાં ભારતનાં પુનઃપ્રાપ્ય ઊર્જાનાં ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ કરવા બદલ તથા આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન અને ભારતનાં રાષ્ટ્રીય હરિત હાઇડ્રોજન મિશન જેવી પહેલોને પ્રોત્સાહન આપવામાં એમનાં નેતૃત્વ માટે અભિનંદન પાઠવ્યાં હતાં.
બંને પ્રધાનમંત્રીઓએ દ્વિપક્ષીય ઊર્જા સહકારના તમામ પાસાઓની સમીક્ષા કરી હતી અને સંતોષ વ્યક્ત કર્યો હતો કે સંયુક્ત રીતે અમલમાં મૂકાયેલી યોજનાઓ ભૂતાનમાં આર્થિક વિકાસમાં ફાળો આપી રહી છે અને સારી રીતે કામ કરી રહી છે. 720 મેગાવોટની ક્ષમતા ધરાવતા મંગદેછુ જળવિદ્યુત પરિયોજનાની સફળતાના આધારે બંને નેતાઓ ચાલુ વર્ષે 1020 મેગાવોટની ક્ષમતા ધરાવતો પુનાત્સાંગછુ-2 હાઇડ્રો-ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ શરૂ કરવા આતુર છે. બંને પક્ષોએ 1200 મેગાવોટ પુનત્સાંગછુ – આઇ એચઇપી માટે ટેકનિકલ રીતે મજબૂત અને ખર્ચ – અસરકારક માર્ગ પર નિષ્ણાત-સ્તરની સકારાત્મક ચર્ચાને આવકારી હતી.
4. બંને પ્રધાનમંત્રીઓ સંમત થયા હતા:
(i) ભારત-ભૂતાન ઊર્જા ભાગીદારી બંને દેશોને ઊર્જા સુરક્ષામાં વધારો કરીને, તેમના અર્થતંત્રોને મજબૂત કરીને, રોજગારીનું સર્જન કરીને, નિકાસની આવક વધારીને અને ઔદ્યોગિક અને નાણાકીય ક્ષમતાઓના વધુ વિકાસમાં પ્રદાન કરીને લાભની સંભવિતતા ધરાવે છે.
(ii) આ પારસ્પરિક લાભદાયક દ્વિપક્ષીય સ્વચ્છ ઊર્જા ભાગીદારીને વધુ મજબૂત કરવાની અભૂતપૂર્વ તકો રહેલી છે, જેમાં નવી ઊર્જા પરિયોજનાઓના વિકાસ અને વીજળીના વેપારનો સમાવેશ થાય છે.
(iii) હાઇડ્રો-પાવર, સૌર અને ગ્રીન હાઇડ્રોજનના ક્ષેત્રોમાં નવી ઊર્જા પરિયોજનાઓના વિકાસમાં જોડાવું, જેમાં વ્યૂહાત્મક ભાગીદાર તરીકે ભારતીય કંપનીઓની ભાગીદારી સામેલ છે.
(iv) બંને સરકારો જળાશયોના જળ પ્રોજેક્ટ્સ સહિત નવી યોજનાઓ માટે પ્રોજેક્ટ- વિશિષ્ટ અમલીકરણ પદ્ધતિઓની સમીક્ષા કરશે અને તેને અંતિમ સ્વરૂપ આપશે.
(v) ભારત સરકાર ભારતમાં નાણાકીય સંસ્થાઓ પાસેથી ધિરાણ મેળવવા માટે જરૂરી સુલભતાની સુવિધા આપશે તેમજ ભૂતાનમાં નવા અને આગામી જળવિદ્યુત પ્રોજેક્ટ્સ માટે વીજ વેચાણ માટેનાં બજારને સુલભ કરશે.
(vi) બંને દેશો વચ્ચે વીજળીનું આદાન-પ્રદાન આ વિસ્તારમાં ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરવાનું ચાલુ રાખશે. આ સંબંધમાં, ભૂતાનના વીજ ઉત્પાદકોને પારસ્પરિક સંમત વ્યવસ્થાઓ અને ડિલિવરી પોઇન્ટ્સ મારફતે લાગુ સ્થાનિક નિયમો અને પ્રક્રિયાઓ અનુસાર બજારમાં પ્રવેશ સુલભ કરવામાં આવશે.
(vii) વિકસતા ઊર્જા બજારોને ધ્યાનમાં રાખીને ભૂતાનના ઊર્જા પ્રોજેક્ટ્સમાં રોકાણને સક્ષમ બનાવવા અને વીજળીમાં સરહદ પારનો અવિરત વેપાર સુનિશ્ચિત કરવા માટે નિયમિત ચર્ચાવિચારણા હાથ ધરવી.
(viii) પેટા-પ્રાદેશિક ઊર્જા સહકાર વધારવા માટે કામ કરવું, જે તમામ હિતધારકોનાં પારસ્પરિક લાભ માટે અર્થતંત્રો વચ્ચે આંતરજોડાણો વધારવા તરફ દોરી જશે.
(ix) ક્ષમતા વિકાસ, નીતિઓ અને ટેકનોલોજીઓ પર માહિતીનું આદાન-પ્રદાન તથા ઊર્જાદક્ષ ટેકનોલોજીઓ પર સંશોધન અને વિકાસ મારફતે ઊર્જા દક્ષતા અને ઊર્જા સંરક્ષણનાં ક્ષેત્રમાં ઊર્જા સહકારને મજબૂત કરવો.
બંને પ્રધાનમંત્રીઓ પરસ્પરના લાભ માટે સંયુક્ત વિઝન સ્ટેટમેન્ટના આધારે પ્રોજેક્ટ્સ અને પહેલો પર ગતિ ઝડપી બનાવવા સંમત થયા હતા.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com