પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રિય મંત્રીમંડળે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)ને ભારત ઓમાન રિફાઈનરીઝ લિમિટેડ (બીઓઆરએલ)માં રોકાણ વધારવાની મંજૂરી આપી છે. તારીખ 05.08.2005ના રોજની ડીપીઈ માર્ગદર્શિકા ઉપરાંત, બીપીસીએલ, બીઓઆરએલમાં પોતાનાં રોકાણો મહત્તમ રૂ. 3000 કરોડ સુધી વધારી શકશે. આ રોકાણો કન્વર્ટિબલ વોરંટ્સના સબસ્ક્રિપ્શન દ્વારા અથવા તો, જેમાં બીઓઆરએલ દ્વારા ઈસ્યુ કરવામાં આવનારા ઈક્વિટી શેરોમાં કન્વર્ટ કરવાનો અધિકાર મળતો હોય તેવાં અન્ય સાધનો દ્વારા કરી શકાશે.
બીપીસીએલ દ્વારા લાવવામાં આવતું ભંડોળ, બીઓઆરએલને નેટવર્થમાં થયેલા ઘટાડાને કારણે પડેલી પ્રતિકૂળ અસરોમાંથી બહાર આવવામાં મદદગાર નીવડશે. ઉપરાંત, બીપીસીએલ રોકાણ વધારશે તેના પગલે, દેશના ઉત્તર અને મધ્ય વિસ્તારોમાં પેટ્રોલિયમ પેદાશોની ઉપલબ્ધિ વધશે, મધ્યપ્રદેશના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે અને રાજ્યમાં રોજગાર અને વેરાની આવકમાં નોંધપાત્ર વધારો થશે.
પશ્ચાદ્ ભૂમિકાઃ
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (બીપીસીએલ), પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય હેઠળનું જાહેર ક્ષેત્રનું એકમ છે. તેણે ઓમાન ઓઈલ કંપની લિમિટેડ (ઓઓસીએલ) સાથેના સંયુક્ત સાહસમાં ભારત ઓમાન રિફાઈનરીઝ લિમિટેડ (બીઓઆરએલ) નામે કંપની પ્રમોટ કરી છે. બીઓઆરએલ દ્વારા મધ્યપ્રદેશમાં બિના ખાતે 6 એમએમટીપીએ (120 હજાર બેરલ્સ પ્રતિદિન) ઉત્પાદન ક્ષમતા ધરાવતી રિફાઈનરી જૂન, 2011માં શરૂ કરવામાં આવી, જેનો પ્રોજેક્ટ ખર્ચ આશરે રૂ. 12,754 કરોડ હતો. હાલમાં આ રિફાઈનરી તેની 100 ટકા સ્થાપિત ક્ષમતાએ કાર્યરત છે.
હવે કંપની રિફાઈનરીની ક્ષમતા 6 એમએમટીપીએથી વધારીને 7.8 એમએમટીપીએ કરવા માટે પ્રોજેક્ટ આડેના અવરોધો દૂર કરવા માંગે છે. આ માટે પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 3,072 કરોડ છે તેમજ પર્યાવરણને લગતી મંજૂરીઓ મળ્યાની તારીખ (ઝીરો ડેટ)થી 36 મહિનામાં એકંદર અમલીકરણ હાથ ધરવાનું આયોજન છે. પ્રોજેક્ટ આડેના અવરોધો દૂર કરવાની દરખાસ્ત હેઠળ મુખ્યત્વે નવી ઓટો ફ્યુઅલ પોલિસી સાથે સુસંગત ઉત્પાદનો હાથ ધરવા માટે કેટલાંક આધુનિકીકરણો સામેલ છે.
એટલે, બીઓઆરએલમાં શેરહોલ્ડરો દ્વારા ભંડોળ લાવવાની તાત્કાલિક જરૂરિયાત છે. ઓઓસીએલે પ્રોજેક્ટને પોતાનો ટેકો જાહેર કરતા એવો નિર્દેશ આપ્યો હતો કે આ તબક્કે પ્રોજેક્ટમાં વધુ ભંડોળ લાવવા માટે તે સજ્જ નથી. એટલે, બીપીસીએલના બોર્ડે પ્રોજેક્ટ આડેના અવરોધો દૂર કરવા માટે તેમજ ક્રૂડ ઓઈલ અને ફિનિશ્ડ પ્રોડક્ટ્સના ભાવમાં ધરખમ ઘટાડાને પગલે બીઓઆરએલને થયેલા અસાધારણ નુકસાનની ભરપાઈ કરવા માટે રૂ. 3000 કરોડનું ભંડોળ લાવવાનો નિર્ણય કર્યો હતો.
આને પગલે, સરકારે પ્રોજેક્ટ આડેના અવરોધો દૂર કરવા માટેની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે રૂ. 3,000 કરોડ સુધીની વધારાની રકમનાં બીઓઆરએલમાં રોકાણ વધારવા અંગેની બીપીસીએલની દરખાસ્તને મંજૂરી આપી છે.
AP/J.khunt/GP