Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત અને યુનાઈટેડ કિંગડમ વચ્ચે જાહેર વહીવટ અને વહીવટી સુધારા અંગે સમજૂતી કરાર થયા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રિય મંત્રીમંડળે ભારત અને યુનાઈટેડ કિંગડમ વચ્ચે જાહેર વહીવટ અને વહીવટી સુધારા ક્ષેત્રે સહયોગ માટે નવેમ્બર, 2015માં કરેલા સમજૂતી કરારને કાર્યોત્તર મંજૂરી આપી છે.

આ સમજૂતી કરાર હેઠળ જાહેર વહીવટમાં કુશળ વહીવટની પદ્ધતિઓની આપ-લે, વપરાશકાર સંચાલિત સેવા વ્યવસ્થાની રચના, સેવાઓ પૂરી પાડવામાં અમલદારશાહીના હસ્તક્ષેપમાં ઘટાડો, સરકારી કાર્યવાહીને નવેસરથી ઘડવી, કર્મચારીઓના ક્ષમતા નિર્માણ અને ક્ષમતા વિકાસ, જાહેર ફરિયાદ નિવારણ તંત્ર, સ્થાનિક સરકારી તંત્રમાં સુધારા, સામાજિક સુરક્ષા વધુ મજબૂત કરવા અંગેના સુધારા, સરકારમાં નીતિમત્તાને પ્રોત્સાહન આપતી વ્યૂહરચનામાં સહભાગિતા, કર્મચારીઓના વહીવટ અંગે સરકાર અને ઉદ્યોગ વચ્ચે જોડાણ, જનભાગીદારી, કટોકટી અને આપત્તિ વ્યવસ્થાપન તેમજ સરકારના ડિજિટલ ટ્રાન્સફર્મેશન માટે તંત્ર સ્થાપવા વગેરે ક્ષેત્રે પરસ્પર સહકાર આપવામાં આવશે.

જાહેર વહીવટ અને અમલ અંગે સંયુક્ત કાર્યકારી જૂથ આ સમજૂતીના અમલ માટે જવાબદાર રહેશે.

આ સમજૂતી કરારને કારણે યુનાઈટેડ કિંગડમમાં ગ્રાહક આધારિત જાહેર સેવા વિતરણ વ્યવસ્થાને જાહેર સેવા વ્યવસ્થાપનના ક્ષેત્રમાં ઝડપથી બદલાતા જતા માહોલને સમજવામાં સહાય મળશે અને તે મુજબનું તંત્ર સ્થાપવામાં, અપનાવવામાં અને ભારતની જાહેર સેવા વિતરણ વ્યવસ્થામાં કેટલીક શ્રેષ્ઠ પદ્ધતિઓ અને પ્રક્રિયાઓમાં નવિનીકરણ કરવામાં મદદ મળશે. આને પગલે ભારતમાં જાહેર સેવા વિતરણની વ્યવસ્થા સુધરશે.

સમજૂતી હેઠળ, સંયુક્ત કાર્યકારી જૂથ (જેડબલ્યુજી)ની પ્રથમ બેઠક ચાલુ મહિનાને અંતે લંડન ખાતે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.

પૃષ્ઠભૂમિકા:
નાગરિક-કેન્દ્રિત ઓનલાઈન સર્વિસીઝ પૂરી પાડવી એ કાર્યક્ષમ જાહેર વહીવટી વ્યવસ્થાનો પાયો છે. આને કારણે શાસનમાં પારદર્શિતા અને ઉત્તરદાયિત્વ આવે છે અને ન્યાયપૂર્ણ વિકાસ સંભવ બને છે.

ભારત સરકારે સમગ્ર દેશમાં સરકારી સેવાઓના ઓનલાઈન વિતરણમાં નોંધપાત્ર પરિવર્તનનું લક્ષ્ય નક્કી કર્યું છે. આને પગલે, જાહેર વહીવટી વ્યવસ્થા અને જાહેર ફરિયાદ નિવારણ તંત્રના નવિનીકરણ, ઈ-ગવર્નન્સ દાખલ કરવું, ડિજિટલ ઈન્ડિયા વગેરે જેવા સરકારના પ્રયત્નોને ટેકો મળે છે. વળી, ઈ-ગવર્નન્સ આધારિત નાગરિક-કેન્દ્રિત એન્ડ-ટુ-એન્ડ ઓન-લાઈન સેવાઓ દ્વારા મિનિમમ ગવર્નમેન્ટ વિથ મેક્ઝિમમ ગવર્નન્સ – ઓછામાં ઓછા સરકારી હસ્તક્ષેપ સાથે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શાસનનું લક્ષ્યાંક પણ સધાય છે.

સુશાસન અને વહીવટી સુધારાનાં પગલાં માટે આંતરરાષ્ટ્રીય સહયોગ મેળવવાના પ્રયત્નોના ભાગરૂપે વહીવટી સુધારા અને જાહેર વ્યવસ્થા વિભાગે અત્યાર સુધીમાં ચીન, મલેશિયા, સિંગાપોર સાથે દ્વિપક્ષીય તેમજ બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા સાથે ત્રિપક્ષીય સમજૂતી કરાર કર્યા છે.સંયુક્ત રાષ્ટ્રોના ઈ-ગવર્નન્સ સર્વેમાં યુનાઈટેડ કિંગડમ ઉચ્ચ ક્રમ ધરાવે છે, જેના પગલે તાજેતરમાં યુનાઈટેડ કિંગડમ સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે.

UM/AP/J.Khunt/GP