Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત અને ન્યુઝીલેન્ડના સંયુક્ત પ્રેસ વક્તવ્ય દરમિયાન પ્રધાનમંત્રીના અખબારી નિવેદનનો મૂળપાઠ

ભારત અને ન્યુઝીલેન્ડના સંયુક્ત પ્રેસ વક્તવ્ય દરમિયાન પ્રધાનમંત્રીના અખબારી નિવેદનનો મૂળપાઠ


મહામહિમ, પ્રધાનમંત્રી લક્સન, બંને દેશોના પ્રતિનિધિઓ, મીડિયાના મિત્રો, નમસ્કાર! કિયા ઓરા!

હું ભારતમાં પ્રધાનમંત્રી લક્સન અને તેમના પ્રતિનિધિમંડળનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રધાનમંત્રી લક્સનને ભારત સાથે લાંબા સમયથી સંબંધો છે. આપણે બધાએ જોયું કે, કેવી રીતે થોડા દિવસો પહેલા, તેમણે ઓકલેન્ડમાં હોળીનો આનંદદાયક તહેવાર ઉજવ્યો હતો! પ્રધાનમંત્રી લક્સનનો ન્યુઝીલેન્ડમાં વસતાં ભારતીય મૂળનાં લોકો પ્રત્યેનો સ્નેહ એ વાત પરથી પણ જોઈ શકાય છે કે, સમુદાયનું એક મોટું પ્રતિનિધિમંડળ તેમની સાથે ભારત આવ્યું છે. આ વર્ષે રાયસીના ડાયલોગના મુખ્ય અતિથિ તરીકે તેમના જેવા યુવા, ઊર્જાવાન અને પ્રતિભાશાળી નેતા આવ્યા તે આપણા માટે ખૂબ જ આનંદની વાત છે.

મિત્રો,

 આજે અમે આપણા દ્વિપક્ષીય સંબંધોના વિવિધ ક્ષેત્રો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે. અમે અમારા સંરક્ષણ અને સુરક્ષા સહયોગને મજબૂત અને સંસ્થાકીય બનાવવાનો નિર્ણય લીધો છે. સંયુક્ત કવાયતો, તાલીમ અને બંદર મુલાકાત ઉપરાંત દ્વિપક્ષીય સંરક્ષણ ઉદ્યોગ જોડાણ માટે એક રોડમેપ વિકસાવવામાં આવશે. હિંદ મહાસાગરમાં દરિયાઈ સુરક્ષા માટે આપણી નૌસેનાઓ કમ્બાઈન્ડ ટાસ્ક ફોર્સ-150માં સાથે મળીને કામ કરી રહી છે. અને, અમને ખુશી છે કે ન્યુઝીલેન્ડનું નૌકાદળનું જહાજ બે દિવસમાં મુંબઈમાં પોર્ટ કોલ કરી રહ્યું છે.

મિત્રો,

 અમે બંને દેશો વચ્ચે પારસ્પરિક લાભદાયક મુક્ત વેપાર સમજૂતી માટે ચર્ચા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. તેનાથી દ્વિપક્ષીય વેપાર અને રોકાણની સંભવિતતામાં વધારો થશે. ડેરી, ફૂડ પ્રોસેસિંગ અને ફાર્મા જેવા ક્ષેત્રોમાં પારસ્પરિક સહકાર અને રોકાણને પ્રોત્સાહન આપવામાં આવશે. અમે પુનઃપ્રાપ્ય ઊર્જા અને મહત્ત્વપૂર્ણ ખનીજોનાં ક્ષેત્રોમાં પારસ્પરિક સહકારને પ્રાથમિકતા આપી છે. વન્ય અને બાગાયતી ખેતીમાં સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવશે. મને વિશ્વાસ છે કે પ્રધાનમંત્રીની સાથે આવનારા વિશાળ વ્યાવસાયિક પ્રતિનિધિમંડળને ભારતમાં નવી શક્યતાઓ શોધવાની અને સમજવાની તક મળશે.

મિત્રો,

 ક્રિકેટ હોય, હોકી હોય, પર્વતારોહણ હોય, બંને દેશો વચ્ચે રમતગમતમાં લાંબા સમયથી નાતો છે. અમે સ્પોર્ટ્સ કોચિંગ, ખેલાડીઓના આદાનપ્રદાન અને રમત વિજ્ઞાન, મનોવિજ્ઞાન અને ચિકિત્સા જેવા ક્ષેત્રોમાં સહયોગને મજબૂત કરવા માટે સંમત થયા છીએ. અમે વર્ષ 2026માં આપણાં બંને દેશો વચ્ચેનાં રમતગમતનાં સંબંધોનાં 100મા વર્ષની ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે.

મિત્રો,

ન્યુઝીલેન્ડમાં રહેતા ભારતીય સમુદાયે દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં મૂલ્યવાન યોગદાન આપ્યું છે. અમે કુશળ કામદારોની ગતિશીલતાને સરળ બનાવવા અને ગેરકાયદે સ્થળાંતરથી સંબંધિત મુદ્દાઓને ધ્યાનમાં લેવા માટેના કરાર પર ઝડપથી કામ કરવા સંમત થયા છીએ. અમે યુપીઆઈ કનેક્ટિવિટી વધારવા, ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા અને પર્યટનને પ્રોત્સાહન આપવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરીશું. શિક્ષણના ક્ષેત્રમાં અમારા સંબંધો લાંબા સમયથી ચાલી રહ્યા છે, અને અમે ભારતમાં કેમ્પસ સ્થાપિત કરવા માટે ન્યુઝીલેન્ડની યુનિવર્સિટીઓને આમંત્રણ આપીએ છીએ.

મિત્રો,

 અમે આતંકવાદ સામે એકજૂથ થઈને ઊભા છીએ. 15 માર્ચ, 2019નો ક્રાઇસ્ટચર્ચ આતંકવાદી હુમલો હોય કે પછી 26 નવેમ્બર, 2008નો મુંબઇ હુમલો હોય, આતંકવાદ કોઇ પણ સ્વરૂપે અસ્વીકાર્ય છે. આવા હુમલાઓ માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થવી જ જોઇએ. અમે આતંકવાદ, અલગતાવાદી અને ઉગ્રવાદી તત્વોનો સામનો કરવામાં સહકાર આપવાનું ચાલુ રાખીશું. આ સંબંધમાં અમે ન્યુઝીલેન્ડમાં કેટલાક ગેરકાયદે તત્વો દ્વારા ભારત વિરોધી પ્રવૃત્તિઓ અંગે પણ અમારી ચિંતાઓ વ્યક્ત કરી છે. અમને વિશ્વાસ છે કે અમે આવા ગેરકાયદે તત્વો સામે ન્યુઝીલેન્ડ સરકારનો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત કરવાનું ચાલુ રાખીશું.

મિત્રો,

અમે બંને મુક્ત, ખુલ્લા, સુરક્ષિત અને સમૃદ્ધ ઇન્ડોપેસિફિકને ટેકો આપીએ છીએ. અમે વિકાસની નીતિમાં માનીએ છીએ, વિસ્તારવાદમાં નહીં. અમે ઇન્ડોપેસિફિક મહાસાગર પહેલમાં જોડાવા માટે ન્યુઝીલેન્ડનું સ્વાગત કરીએ છીએ. આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં તેના સભ્યપદ પછી, અમે સીડીઆરઆઈમાં જોડાવા બદલ ન્યુઝીલેન્ડને પણ અભિનંદન આપીએ છીએ.

મિત્રો,

 છેલ્લે, રગ્બીની ભાષામાં, હું કહીશ અમે બંને અમારા સંબંધોમાં ઉજ્જવળ ભવિષ્ય માટે ફ્રન્ટ અપમાટે તૈયાર છીએ. અમે સાથે મળીને આગળ વધવા અને તેજસ્વી ભાગીદારીની જવાબદારી લેવા માટે તૈયાર છીએ! અને, મને વિશ્વાસ છે કે, આપણી ભાગીદારી બંને દેશોના લોકો માટે મેચ વિનિંગ પાર્ટનરશિપ સાબિત થશે.

તમારો ખૂબ ખૂબ આભાર!

AP/IJ/GP/JD