Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત અને ચીનની સરહદે ઉભી થયેલી સ્થિતિ અંગે પ્રધાનમંત્રીનું નિવેદન


 

સાથીઓ,

ભારત માતાના વીર સપૂતોએ ગલવાન વેલીમાં આપણી માતૃભૂમિનું રક્ષણ કરતા કરતા સર્વોચ્ચ બલિદાન આપ્યું છે.

હું દેશની સેવામાં તેમના મહાન બલિદાન બદલ તેમને વંદન કરું છુ, તેમને કૃતજ્ઞતાપૂર્વક શ્રદ્ધાંજલી અર્પણ કરું છુ.

દુઃખની આ મુશ્કેલ ઘડીમાં હું, આપણા તે શહીદોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છુ.

આજે સમગ્ર દેશ તમારી સાથે છે, દેશની લાગણીઓ તમારી સાથે છે.

આપણા આ શહીદનું બલિદાન વ્યર્થ નહીં જાય.

ભલે ગમે તેવી સ્થિતિ હોય, કોઇપણ પરિસ્થિતિ ભલે હોય, ભારત સંપૂર્ણ દૃઢતાથી દેશની એક એક ઇંચ જમીનનું, દેશના સ્વાભિમાનનું રક્ષણ કરશે.

ભારત સાંસ્કૃતિકરૂપે એક શાંતિપ્રિય દેશ છે. આપણો ઇતિહાસ શાંતિનો રહ્યો છે.

ભારતનો વૈચારિક મંત્ર પણ આ જ રહ્યો છે – લોકા: સમસ્તા: સુખીનો ભવન્તુ.

આપણે દરેક યુગમાં સમગ્ર સંસારમાં શાંતિની, સંપૂર્ણ માનવજાતના કલ્યાણની ઇચ્છા રાખી છે.

આપણે હંમેશા આપણા પડોશીઓ સાથે સહકારની અને મૈત્રીની ભાવના સાથે સૌએ જોડે મળીને કામ કર્યું છે. હંમેશા તેમના વિકાસ અને કલ્યાણની ઇચ્છા રાખી છે.

જ્યારે પણ ક્યાંય આપણી વચ્ચે મતભેદ થાય ત્યારે આપણે હંમેશા એવો પ્રયાસ કર્યો છે કે, આવા મતભેદો વિવાદનું સ્વરૂપ ના લે, મતભેદો ક્યારેય વિવાદો ના બને.

આપણે ક્યારેય પણ કોઇને ઉશ્કેરતા નથી, પરંતુ આપણે આપણા દેશની અખંડિતા અને સાર્વભૌમત્વ સાથે ક્યારેય બાંધછોડ કરી શકીએ નહીં.

જ્યારે પણ સમય આવ્યો છે ત્યારે, આપણે દેશની અખંડિતા અને સાર્વભૌમત્વનું રક્ષણ કરવા માટે આપણી શક્તિનું પ્રદર્શન કર્યું છે, આપણી ક્ષમતાઓને પૂરવાર કરી બતાવી છે.

ત્યાગ અને ધૈર્ય આપણા રાષ્ટ્રીય ચરિત્રનો હિસ્સો છે પરંતુ સાથે સાથે વિક્રમ અને વીરતા પણ એટલા જ પ્રમાણમાં આપણા દેશના ચરિત્રનો હિસ્સો છે.

હું દેશને વિશ્વાસ અપાવવા માંગુ છુ કે, આપણા જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય.

આપણા માટે ભારતની અખંડિતા અને સાર્વભૌમત્વ સર્વોપરી છે અને તેનું રક્ષણ કરવાથી આપણને કોઇ અટકાવી શકે તેમ નથી.

આ અંગે કોઇને પણ મનમાં જરાય ભ્રમ અથવા આશંકા હોવા જોઇએ નહીં.

ભારત શાંતિ ઇચ્છે છે. પરંતુ જો ભારતને ઉશ્કેરવામાં આવે તો દરેક સ્થિતિમાં નિર્ણાયક જવાબ પણ આપવામાં આવશે.

દેશને આ વાતનું ગૌરવ થશે કે આપણા સૈનિકો મારતા મારતા શહીદ થયા છે. હું આપ સૌને આગ્રહપૂર્વક કહું છુ કે, આપણે બે મિનિટનું મૌન રાખીને આ સપૂતોને શ્રદ્ધાંજલી અર્પણ કરીએ.

GP/DS