ભારતની જી20ની અધ્યક્ષતા પર સંકલન સમિતિની છઠ્ઠી બેઠક આજે નવી દિલ્હીમાં પ્રગતિ મેદાનમાં સ્થિત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન-કમ-કન્વેન્શન સેન્ટર (IECC) ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ભારતના પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ ડૉ. પી કે મિશ્રાની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં 9 અને 10 સપ્ટેમ્બર, 2023ના રોજ નવી દિલ્હીમાં આયોજિત જી20ની બેઠકની તૈયારી સાથે સંબંધિત વિવિધ પાસાંની સમીક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
આ સંદર્ભમાં સમિતિએ શિખર સંમેલનના સ્થાન પર વિવિધ પ્રકારની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી તેમજ દિલ્હી અને પડોશી રાજ્યોમાં આચારસંહિતા, સુરક્ષા, એરપોર્ટ પરથી સંકલન, મીડિયા, માળખાગત સુવિધામાં વધારો અને વ્યવસ્થાઓ વગેરે સાથે સંબંધિત પાસાંનો વિચાર કર્યો હતો. ડૉ. મિશ્રાએ જી20ના શિખર સંમેલનને સફળ બનાવવા “સરકારનાં સંપૂર્ણ” અભિગમ સાથે કામ કરવા તમામ સંસ્થાઓને અપીલ કરી હતી.
સમિતિના સભ્યોએ વિવિધ બેઠકો માટે સૂચિત વિવિધ સ્થાનોની મુલાકાત લીધી હતી અને નાની-નાની વિગતો પણ મેળવી હતી. મૂક કવાયતો/મૂક તૈયારીઓ હાથ ધરવાનો નિર્ણય પણ લેવાયો હતો, જેથી વિવિધ સંસ્થાઓ સાતત્યપૂર્ણ રીતે કામ કરે. સમિતિએ જી20ના આગામી શિખર સંમેલન માટે તૈયારીના વિવિધ પાસાં પર કામ કરવા માર્ગદર્શન અને દિશા પણ પ્રદાન કરી હતી તથા આગામી બે અઠવાડિયાઓમાં વધારે સમીક્ષા કરવા માટે એક વાર ફરી બેઠક યોજવાનો નિર્ણય લીધો હતો.
સંકલન સમિતિની બેઠકે ભારતની જી20ની અધ્યક્ષતા અંતર્ગત અત્યાર સુધી યોજાયેલી જી20ની બેઠકો અને આયોજીત બાકીની બેઠકોની સમીક્ષા માટે એક તક પૂરી પાડી હતી. સમિતિએ નોંધ્યું હતું કે, પોતાની જી20ની અધ્યક્ષતા અંતર્ગત ભારતે અત્યાર સુધી સમગ્ર દેશમાં વિવિધ 55 સ્થાનોમાં 170 બેઠકોનું આયોજન કર્યું છે. જુલાઈ અને ઓગસ્ટ, 2023ના મહિનાઓમાં આયોજિત મંત્રીસ્તરની ઘણી બેઠકો યોજાશે.
મંત્રીમંડળે જી20ની ભારતની અધ્યક્ષતા સાથે સંબંધિત તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ પર નજર રાખવા સંકલન સમિતિને અધિકૃત કરી છે. અત્યાર સુધી સંકલન સમિતિની પાંચ બેઠકો યોજાઈ છે. આ ઉપરાંત ભારતની જી20ની અધ્યક્ષતા સાથે સંબંધિત ચોક્કસ અર્થપૂર્ણ અને તર્કબદ્ધ મુદ્દાઓની ચર્ચા કરવા અનેક બેઠકો યોજાઈ છે.
આ બેઠક દરમિયાન ઉપસ્થિત અન્ય મહાનુભાવો અને વરિષ્ઠ અધિકારીઓમાં એનએસએ (રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર) શ્રી અજિત દોવલ, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી વી કે સક્સેના, કેબિનેટ સચિવ શ્રી રાજીવ ગૌબા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com