Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારતના સ્વતંત્રતા સંગ્રામ (1857-1947)ના શહીદોના નામોના કોશનું લોકાર્પણ થયું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીનાં લોક કલ્યાણ માર્ગ પર આયોજિત એક કાર્યક્રમમાં ભારતનાં સ્વતંત્રતા સંગ્રામનાં શહીદોનાં કોશનું લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે બોલતાં તેમણે કહ્યું હતું કે, આ પાંચ ખંડમાં તૈયાર થયેલો કોશ ભારતનાં 1857નાં પ્રથમ સ્વતંત્રતા સંગ્રામથી વર્ષ 1947માં ભારતની આઝાદી સુધીનાં શહીદોની જાણકારી ધરાવે છે.

તેમણે જણાવ્યું હતું કે, આ કોશમાં જલિયાંવાલા બાગનાં હત્યાકાંડનાં શહીદો, અસહકાર આંદોલન, ભારત છોડો આંદોલન અને આઝાદ હિંદ ફૌજનાં સૈનિકો વિશેની જાણકારી સામેલ છે, જેમણે અન્ય ઘણાં લોકોની સાથે શહીદી વહોરી હતી. તેમણે કહ્યું હતું કે, આટલા મોટા પાયે શહીદોનાં નામો અને જાણકારીઓનું સંકલન કરવાનો પ્રયાસ પહેલી વાર થયો હતો. તેમણે આ સંકલનમાં સંકળાયેલા તમામ લોકો અને આ માટે પ્રયાસ કરનાર લોકોની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જે રાષ્ટ્ર એનાં ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર એનાં નાયકોનું સન્માન કરતો નથી અને એમને યાદ કરતો નથી એનું ભવિષ્ય ઘણી વાર અસુરક્ષિત થઈ જાય છે. આ અર્થમાં તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રકારનો પ્રયાસ ભૂતકાળને યાદ કરવાની સાથે ભવિષ્યને સુરક્ષિત કરવાનો પણ પ્રયાસ છે. તેમણે કહ્યું હતું કે, આ પ્રયાસની જાણકારી યુવા પેઢી સુધી પહોંચવી જોઈએ.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારનો પ્રયાસ આપણાં સ્વતંત્રતા સંગ્રામનાં નાયકોનાં સાહસિક કાર્યોને યાદ કરવાનો અને એને હંમેશા જાળવવાનો પ્રયાસ છે. તેમણે કહ્યું હતું કે, એનાથી ભવિષ્યની પેઢીઓ પર સકારાત્મક અસર થાય છે અને તેમનાં હૃદયમાં “ભારતને સર્વોપરી” માનવાની પ્રેરણા મળે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતને આઝાદી મળી પછી અત્યાર સુધી યુદ્ધ સ્મારક નહોતું. તેમણે જણાવ્યું હતું કે, તાજેતરમાં તેમણે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક કે રાષ્ટ્રીય સમર સ્મારક દેશને અર્પણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, એ જ રીતે રાષ્ટ્રીય પોલીસ સ્મારકનું નિર્માણ થઈ રહ્યું છે. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલનાં માનમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યૂનિટીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફૌજની યાદમાં લાલ કિલ્લામાં ક્રાંતિ મંદિરની સ્થાપના થઈ છે. તેમણે કહ્યું હતું કે, આ સંગ્રહાલયોનું નિર્માણ આદિવાસી નાયકોનાં સાહસિક કાર્યોની યાદમાં બની રહ્યું છે, જેમણે આપણી આઝાદીની લડતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

આ પ્રસંગે કેન્દ્રીય સંસ્કૃતિ (સ્વતંત્ર હવાલો) રાજ્યમંત્રી ડૉ. મહેશ શર્મા ઉપસ્થિત રહ્યાં હતાં.

પૃષ્ઠભૂમિ

કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે ભારતનાં સ્વતંત્રતા સંગ્રામનાં “શહીદોનાં કોશ”નાં સંકલન માટેનો પ્રોજેક્ટ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ હિસ્ટોરિકલ રિસર્ચ (આઇસીએચઆર)ને સુપરત કર્યો હતો. આ કોશ 1857નાં પ્રથમ સ્વતંત્રતા સંગ્રામની 150મી જયંતિની ઉજવણી કરવાનાં ભાગરૂપે શરૂ કરવામાં આવ્યો હતો.

આ કોશમાં શહીદનો દરજ્જો એવી વ્યક્તિને આપવામાં આવ્યો છે, જેઓ આઝાદી માટેની લડતમાં મૃત્યુ પામ્યાં હતાં અથવા અંગ્રેજોનાં કબજામાં એમની હત્યા કરવામાં આવી હતી અથવા ભારતની મુક્તિ માટે રાષ્ટ્રીય આંદોલનમાં સહભાગી થયેલા લોકોને બ્રિટિશ સરકારે મૃત્યુદંડની સજા કરી હતી.

એમાં બ્રિટિશ સામે લડતાં આઇએનએ કે મિલિટરીનાં ભૂતપૂર્વ સૈનિકોને સમાવેશ કરવામાં આવ્યો છે.

એમાં 1857નાં પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ, જલિયાંવાલા બાગ હત્યાકાંડ (1919), અસહકારનું આંદોલન (1920-22), સવિનય કાનૂનભંગની ચળવળ (1930-34), ભારત છોડો આંદોલન (1942-44), ક્રાંતિકારી આંદોલનો (1915-34), ખેડૂત આંદોલનો, આદિવાસી આંદોલનો, રજવાડાઓમાં જવાબદાર સરકારની સ્થાપના માટે આંદોલન (પ્રજામંડળ), ઇન્ડિયન નેશનલ આર્મી (આઇએનએ, 1943-45), રૉયલ ઇન્ડિયન નેવીનું આંદોલન (આરઆઇએન, 1946) વગેરેનાં શહીદો સામેલ છે. આ રીતે આ તમામ ખંડમાં આશરે 13,500 શહીદોની માહિતી આપવામાં આવી છે.

આ માટે કુલ પાંચ ખંડ (ક્ષેત્ર મુજબ) પ્રકાશિત કરવામાં આવ્યાં છે, જે નીચે મુજબ છેઃ

• “શહીદકોશઃ ભારતનો સ્વતંત્રતા સંગ્રામ”, ખંડ 1, ભાગ 1 અને 2. આ ખંડમાં દિલ્હી, હરિયાણા, પંજાબ અને હિમાચલપ્રદેશનાં 4400થી વધારે શહીદોની યાદી સામેલ છે.

• “શહીદકોશઃ ભારતનો સ્વતંત્રતા સંગ્રામ (1857-1947)”, ખંડ 2, ભાગ 1 અને 2. આ ખંડમાં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, છત્તિસગઢ, રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરનાં 3500થી વધારે શહીદોની યાદી સામેલ છે.

• “શહીદકોશઃ ભારતનો સ્વતંત્રતા સંગ્રામ (1857-1947)”, ખંડ 3. આ ખંડમમાં 1400થી વધારે શહીદોને આવરી લેવામાં આવ્યાં છે. તેમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને સિંધ પ્રાંતનાં શહીદોની યાદી સામેલ છે.

• “શહીદકોશઃ ભારતનો સ્વતંત્રતા સંગ્રામ (1857-1947)”, ખંડ 4. આ ખંડમાં 3300થી વધારે શહીદોને આવરી લેવામાં આવ્યાં છે. તેમાં બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, અસમ, અરૂણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરાનાં શહીદોની યાદી સામેલ છે.

• “શહીદકોશઃ ભારતનો સ્વતંત્રતા સંગ્રામ (1857-1947)”, ખંડ 5. આ ખંડમાં 1450થી વધારે શહીદોને આવરી લેવામાં આવ્યાં છે. તેમાં આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ અને કેરળનાં શહીદોની યાદી સામેલ છે.

RP