– સૌ પહેલાં તો હું રશિયાના નાગરિકોનું હૃદયપૂર્વક અભિવાદન કરું છું, કેમકે રશિયા ભારતનું અતૂટ મિત્ર છે. રશિયાના નાગરિકો પણ ભારત સાથે અતૂટ સંબંધો જાળવી રાખવા માગે છે અને રાજકીય બાબત સિવાય પણ રશિયાના નાગરિકોએ ભારતીય પરંપરાઓ અને ભારતીય સંસ્કૃતિમાં નોંધપાત્ર રસ દર્શાવ્યો છે અને એનાથી અમારાં સંબંધો વધુ મજબૂત થયાં છે. હું પહેલી જ વાર સત્તાવાર મુલાકાતે જઈ રહ્યો છું, પરંતુ હું પ્રેસિડેન્ટ પુતિનને અવારનવાર મળ્યો છું. એક રીતે, મારી અને પ્રેસિડેન્ટ પુતિનની રાજકીય યાત્રા સમાન રીતે આગળ વધી છે. તેમણે વર્ષ 2000માં પદ સંભાળ્યું, મેં વર્ષ 2001માં પદભાર સંભાળ્યો. અને વર્ષ 2001માં મેં પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે મુખ્યમંત્રીની ક્ષમતાએ રશિયાની મુલાકાત લીધી હતી. એ મારી પહેલી મુલાકાત હતી. હું રશિયા ગયો, ત્યારે મારા મનમાં એક વિચાર હતો કે હું મુલાકાત પાછી ઠેલું. બીજું, હું થોડો અચકાતો હતો. પરંતુ મને ખૂબ ઉત્સાહ હતો કે હું મારા મિત્રના ઘેર જઈ રહ્યો છું. અને મિત્રને મળવું, એ ઐક્યની ભાવના, એ લાગણી, હું અનુભવું છું. ભારત અને રશિયા વચ્ચેનાં સંબંધો જળ, જમીન અને અવકાશ દ્વારા જોડાયેલાં છે. આપણાં સંરક્ષણનાં સંસાધનો, સંરક્ષણની તાકાત, બધે જ રશિયા આટલાં વર્ષોથી જોડાયેલું છે. તે જ રીતે, વૈશ્વિક માહોલમાં કટોકટીના સમયે, જ્યારે તમને મિત્રની જરૂર હોય, રશિયા હંમેશા આપણી સાથે રહ્યો છે. આ બાબતે આપણે ક્યારેય રશિયા આપણી સાથે શું કરશે તે જાણવા રાહ જોવી પડી નથી. એટલે, બંને દેશો વચ્ચે આવો વિશ્વાસનો માહોલ જળવાયેલો છે. અને આ સંદર્ભે, અમારાં સંબંધો એવી વ્યૂહાત્મક ભાગીદારીના નવા સ્તરે છે, જે અમને એ દિશામાં લઈ જઈ રહ્યાં છે.
– પ્રધાનમંત્રી જી, તમે ખૂબ વિગતવાર જણાવ્યું કે આપણાં બંને દેશો વચ્ચેનાં સંબંધો કેટલાંક ઘનિષ્ઠ છે. આપણે ઐતિહાસિક જોડાણો અનેક વર્ષોથી ચાલુ રાખ્યાં છે. આજે આ સંબંધોનાં પરિમાણો શાં છે ? આપ પ્રેસિડેન્ટ પુતિનને કેટલીકવાર મળી ચૂક્યા છો. એમની સાથે આપનાં અંગત સંબંધો કેવાં છે ?
– તમે જ્યારે મારું અભિવાદન કર્યું, ત્યારે તમે મને કહ્યું કે તમે રશિયા એવા સમયે આવી રહ્યા છો, જ્યારે ત્યાં અતિશય ઠંડી છે, દિલ્હીમાં એટલી ઠંડી નથી હોતી, તમે ગરમ કપડાં લેતાં આવજો. તમે મને આવું સૂચવ્યું હતું. અને મારો ત્વરિત જવાબ એ હતો કે રશિયાના નાગરિકોના પ્રેમમાં હૂંફ છે, માઈનસ તાપમાનમાં એ ઘણી ઉષ્મા આપશે, આ સંબંધો આપણી વચ્ચે છે.
એ વાત સાચી છે કે મેં પ્રેસિડેન્ટ પુતિન સાથે સારી ઓળખાણ બનાવી છે. દુનિયા એમને મજબૂત નેતા તરીકે ઓળખે છે. તે નિર્ણાયક વ્યક્તિ છે અને સૌથી સારી વાત એ છે કે તેઓ જાણે છે કે સંબંધો કેવી રીતે જણવાય છે. સંબંધો માટે ત્યાગ આપવા તેમની પાસે વિશિષ્ટ શક્તિ છે. એ ભાગ્યે જ જોવા મળે છે. અને એટલે જ, એમના માટે ત્યાગ આપવો, સંબંધો જાળવવાં, એ તેમની વિશિષ્ટ તાકત છે. આને કારણે કોઈ પણ દેશ સાથે અને કોઈ પણ નેતા સાથે વિશ્વાસનું વાતાવરણ તાત્કાલિક સર્જાય છે. મારા અને પ્રેસિડેન્ટ પુતિન વચ્ચે, વિશ્વાસ એ સૌથી મોટી તાકત છે, આત્મવિશ્વાસ એ સૌથી મોટી તાકત છે. બીજું છે, નિખાલસપણું. એવા લોકો હોય છે, જે વિચારે છે કંઇક, પરંતુ બોલે જ જુદું જ. મને પ્રેસિડેન્ટ પુતિન સાથે આવો અનુભવ નથી થયો. તેઓ જે વિચારે છે, તે તેઓ સ્પષ્ટ શબ્દોમાં કહે છે. તમને ગમે કે ન ગમે, તેના વિશે તેઓ ચિંતા કરતા નથી. તેઓ ઐક્યની ભાવના સાથે અને મૈત્રીપૂર્ણ ભાવે રજૂઆત કરે છે. એ હકીકત છે કે તેઓ આટલાં વર્ષોથી રશિયાને શ્રેષ્ઠ નેતૃત્ત્વ પૂરું પાડે છે. એમના નેતૃત્ત્વને કારણે દેશ આર્થિક કટોકટીમાંથી બહાર આવ્યો છે અને છૂટા પડ્યા પછી રશિયામાં શક્તિનો સંચાર થયો છે. આ બધું પ્રેસિડેન્ટ પુતિનના નેતૃત્ત્વને કારણે છે. ભારત હંમેશા રશિયાને મિત્ર તરીકે યાદ રાખે છે. પરંતુ પ્રેસિડેન્ટ પુતિને આ સંબંધોમાં નવી ઊર્જા ભરી છે, નવો ઉત્સાહ ભર્યો છે અને હું એમને મિત્ર તરીકે જોઉં છું.
– – રશિયા અને ભારતનાં જોડાણોનો લાંબો અને ભવ્ય ઈતિહાસ છે. આપણા દેશો વચ્ચેનાં સંબંધો ઉપર ક્યારેય યુદ્ધો કે ઘર્ષણો દ્વારા વાદળો છવાયાં નથી. આપણા દેશો વચ્ચેનાં સંબંધોની ગતિશીલતાને તમે કેવી રીતે જુઓ છો ?
– ખરું છે, આપણાં સંબંધોનાં મૂળ ઈતિહાસમાં મજબૂત અને ઊંડાં છે. રશિયાના વેપારી એફેનેસી નિકિતિને 1469માં ભારતની મુલાકાત લીધી હતી. ગુજરાતથી ભારતીય વેપારીઓ અસ્ટ્રાખાન આવ્યા હતા અને તેમણે વેપારી સંબંધો સ્થાપ્યાં હતા અને ગતિશીલ ભારતીય સમુદાય 1615થી રશિયાની મુલાકાતે આવે છે. ત્સાર એલેક્સી મિખાઇલોવિચે ભારત અને રશિયા વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપવા 1646માં ભારતના તત્કાલીન સમ્રાટ શાહ જહાંને દૂતો મોકલ્યા હતા.
ભારતીય વિદ્યાઓનો અભ્યાસ શરૂ કરનાર રશિયા કદાચ સૌપ્રથમ યુરોપિયન દેશ હતો. આપણાં બંને દેશોના લોકો વચ્ચે સૈકાઓથી પરસ્પર અસાધારણ રસ જોવા મળે છે. રશિયામાં ભારતીય ફિલ્મો ખૂબ લોકપ્રિય છે, રશિયાના સાહિત્યનો પડઘો ભારતમાં જોવા મળે છે. એટલે, આપણાં જોડાણો ઊંડાં અને લાંબા સમયથી છે.
અંગત રીતે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મારી સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય સમજૂતી અસ્ટ્રાખાન સાથે હતી.
1947માં ભારત આઝાદ થયો ત્યારથી ભારત અને રશિયા વચ્ચે ખરેખર ગાઢ વ્યૂહાત્મક ભાગીદારી રચાઈ છે, જેની લાક્ષણિકતા પરસ્પરનો અતૂટ વિશ્વાસ અને ભરોસો તેમજ એકબીજા પ્રત્યે ઐક્ય છે. રશિયાની મદદથી ભારતને ઉદ્યોગીકરણ કરવામાં સહાય મળી અને અવકાશ સહિત અનેક ક્ષેત્રોમાં વિકાસ કરવામાં સહાય મળી.
જ્યારે દુનિયામાં ભાગ્યે જ કોઈ ભારતનો હાથ પકડવા ઈચ્છતું હતું ત્યારે રશિયાએ ભારતને સંરક્ષણનાં સાધનો પૂરાં પાડ્યાં અને આંતરરાષ્ટ્રીય ટેકો આપ્યો. ભારતને જ્યારે અત્યંત જરૂર હતી, ત્યારે રશિયાએ આપેલા ટેકાને ભારતીયો કદી ભૂલશે નહીં.
શીત યુદ્ધ પૂરું થયા બાદ અને સોવિયેત યુનિયન વિખેરાયા પછી વિશ્વમાં અસાધારણ રાજકીય અને આર્થિક તેમજ ટેકનોલોજીને લગતાં પરિવર્તન થયાં છે.
જોકે, આ ડામાડોળ સમય દરમ્યાન પણ આપણાં સંબંધો સતત મજબૂત રીતે આગળ વધ્યાં છે. છેલ્લા બે દાયકામાં આનો મોટો યશ પ્રેસિડેન્ટ પુતિન અને ભારતના નેતાઓને ફાળે જાય છે.
આપણાં સંબંધો આજે જ્યાં છે, તે જોઈને મને આનંદ થાય છે. રશિયા એ પહેલો દેશ હતો જેની સાથે અમે વ્યૂહાત્મક ભાગીદારી પર ઔપચારિક કરાર કર્યો હતો, જે ત્યારથી અમારી બહુપક્ષીય દ્વિપક્ષીય જોડાણની માન્યતામાં ‘વિશેષ અને વિશેષાધિકૃત’ વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે વિકસ્યો છે. બંને દેશોની પૂરકતાને કારણે હું વધુ વૃદ્ધિના સકારાત્મક સંકેતો જોઉં છું. વિજ્ઞાન અને ટેક્નોલોજી, લશ્કરી ટેકનોલોજી અને પરમાણુ ઊર્જામાં રશિયાની શક્તિઓ, ભારતના વિશાળ બજારને પૂરક બનાવે છે, અર્થતંત્રનું વિસ્તરણ કરે છે અને તેની યુવા વસ્તીની માંગ પૂરી કરે છે. આને કારણે અમને વિશ્વાસ પડે છે કે અમે અમારી હાલની ગતિશીલ ભાગીદારીને આગળ ધપાવી શકીએ છીએ.
– દ્વિપક્ષીય સંબંધોની સમગ્ર શ્રેણીના ગતિશીલ વિકાસે તેમને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીનું સ્વરૂપ આપ્યું છે. રશિયા અને ભારતે વિવિધ ક્ષેત્રોમાં સહકારને આગળ વધારવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. આપણા દ્વિપક્ષીય સહકારના કયા ક્ષેત્રમાં પ્રાપ્ત થયેલ પ્રગતિ સૌથી વધુ છે અને કયા ક્ષેત્રોમાં ચોક્કસ સંભાવનાઓ હજુ સર કરવાની બાકી છે ?
– રશિયા સાથે અમારાં સંબંધ અનોખા છે, માનવ પ્રયાસના લગભગ પ્રત્યેક ક્ષેત્ર અમે આવરી લીધાં છે. રાજકીય સ્તરે અમે અસાધારણ સમજદારી ધરાવીએ છીએ. સંરક્ષણ, પરમાણુ ઊર્જા, વિજ્ઞાન અને ટેકનોલોજી તેમજ અન્ય ક્ષેત્રોમાં અમે મજબૂત ભાગીદારી ધરાવીએ છીએ. રશિયા, ભારતને લશ્કરી સાધનોનો સૌથી મોટો સપ્લાયર છે અને રહેશે.
ઊર્જા ક્ષેત્રે આપણે ઘણું કરી શકીએ એમ છે. હાઈડ્રોકાર્બન સંસાધનો માટે રશિયા, સમગ્ર વિશ્વનો સૌથી મોટો સ્ત્રોત છે અને ભારત વિશ્વભરમાં તેનો સૌથી મોટો આયાતકાર છે. આ ક્ષેત્રે અમે નોંધપાત્ર રોકાણો કર્યાં છે. સખાલિનમાં રોકાણો દ્વારા છેલ્લા બે દાયકાથી અમારી હાઇડ્રોકાર્બન કંપનીઓ રશિયાના બજારમાં છે અને હાલમાં વાન્કોર, તાસ યુરીયાખ અને એલએનજી પ્રોજેક્ટોમાં હિસ્સો ખરીદી રહી છે.
પરમાણુ ઊર્જા ક્ષેત્રે ભારતના વૈશ્વિક પુનઃજોડાણ રશિયા સાથે જ શરૂ થયા હતા. ભારતના આર્થિક વિકાસમાં ઊર્જા સુરક્ષા ખૂબ મહત્ત્વની છે અને રશિયા આ ક્ષેત્રે તેનો મુખ્ય ભાગીદાર છે. પરમાણુ ઊર્જા, અમારી ઊર્જા સુરક્ષાની વ્યૂહરચનાનું મહત્ત્વનું અંગ છે. હાલમાં રશિયા અમારો ટોચનો આંતરરાષ્ટ્રીય ભાગીદાર છે. પરમાણુ ઊર્જાના શાંતિપૂર્ણ ઉપયોગ માટે રશિયા સાથે અમારો સહયોગ અમારી વ્યૂહાત્મક ભાગીદારીના પાયાનો પત્થર છે. મને આનંદ છે કે કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ કાર્યરત બન્યો છે અને વિસ્તરણ માટે સજ્જ છે. હું માનું છું કે પરમાણુ ઊર્જા ક્ષેત્રે આપણો સહયોગ વધતો રહેશે. કુડનકુલમ બાદ, અમે ભારતમાં રશિયાએ તૈયાર કરેલાં રિયેક્ટર્સ માટે બીજી જગ્યા વિશે નિર્ણય લઈ રહ્યા છીએ. અમે પરમાણુ ઊર્જા ક્ષેત્રે મહાત્વાકાંક્ષી વિઝન તૈયાર કર્યું છે અને ઓછાંમાં ઓછાં 12 રિયેક્ટર્સ બાંધીશું, જે વિશ્વનાં શ્રેષ્ઠ સલામતીનાં ધોરણો ધરાવતાં હશે. બંને દેશો અદ્યતન ન્યુક્લિયર ટેકનોલોજી ધરાવતા હોવાથી અમે આ સહયોગ પરમાણુ ઊર્જાના શાંતિપૂર્ણ ઉપયોગ માટે આગળ ધપાવવા માગીએ છીએ.
અવકાશ ક્ષેત્રે, ભારતનું સૌપ્રથમ સેટેલાઇટ આર્યભટ્ટ, 1975માં રશિયા દ્વારા તરતું મુકાયું હતું અને રશિયન અવકાશયાનમાં સવાર ભારતીય અવકાશયાત્રી દ્વારા પ્રથમ અવકાશ યાત્રા 1984માં થઈ હતી. ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના સહયોગથી પરસ્પર લાભદાયક રોકાણો થઈ રહ્યાં છે અને પોસાય તેવા ભાવે આંતરરાષ્ટ્રીય ગુણવત્તાની દવાઓનો વિશ્વસનીય પુરવઠો મળી રહ્યો છે.
વેપાર અને રોકાણોના ક્ષેત્રે આપણાં સંબંધોને હજુ વધુ મજબૂત કરી શકાય તેવી સંભાવના છે. આપણા દ્વિપક્ષીય વેપાર વધી રહ્યાં છે, છતાં એમાં પૂરેપૂરી સંભાવનાઓ સર થઈ નથી. આપણે વર્ષ 2025 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 30 અબજ ડોલર સુધી વિસ્તારવા પ્રતિબદ્ધ છીએ. એ જ રીતે, આપણે વર્ષ 2025 સુધીમાં આપણાં પ્રત્યેકનાં રોકાણો 15 અબજ ડોલર સુધી વધારવા માટે પણ પ્રતિબદ્ધ છીએ.
અમારા વેપાર-ધંધા અને સીઈઓને સાથે લાવવા ઉપરાંત અમે યુરેઝિયન ઈકોનોમિક યુનિયન સાથે મુક્ત વ્યાપાર સમજૂતી ઉપર ચર્ચા શરૂ કરવાની પ્રક્રિયા પણ આરંભી છે. અમે ઈન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્ઝિટ કોરિડોર દ્વારા વધુ સીધા વેપાર માર્ગ સ્થાપવા માગીએ છીએ, જેનાથી ભારત અને રશિયા વચ્ચે માલસામાનના પરિવહન માટેનો ખર્ચ અને સમય નોંધપાત્ર રીતે ઘટે. અને, અમે તાજેતરમાં ભારતમાં ડાયમંડ ટ્રેડિંગ સેન્ટર સ્થાપવાની પણ જાહેરાત કરી છે, જેના પગલે રશિયા કાચા હીરા પ્રોસેસિંગ માટે ત્રીજા દેશો દ્વારા ભારત મોકલવાને બદલે સીધા જ ભારત મોકલી શકશે.
– – રશિયા અને ભારત વચ્ચે લશ્કરી – ટેકનિકલ સહકારિતા એક સદીથી વધુ સમયથી ચાલે છે અને એનો વ્યાપ પણ પરંપરાગત રીતે વિશાળ છે. એ ક્ષેત્રમાં સહકારનાં પરિણામોને તમે કેવી રીતે જુઓ છો અને તેનું ભાવિ શું જણાય છે ?
– અમારાં મોટા ભાગનાં સંરક્ષણ સાધનો રશિયાથી આયાત થાય છે અને તે દાયકાઓથી અમારો સૌથી અગ્રણી સંરક્ષણ ભાગીદાર રહ્યો છે. જ્યારે વિશ્વમાં અમારા માટે ઝાઝા દરવાજા ખુલ્લા ન હતા, તે સમય દરમ્યાન રશિયાએ આપેલો ટેકાની અમને કદર છે. હાલના માહોલમાં પણ અને વૈશ્વિક બજાર સુધી ભારતની પહોંચ વધી હોવા છતાં, રશિયા જ અમારો મુખ્ય ભાગીદાર રહ્યો છે. એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રમાદિત્ય, સુખોઈ ફાઇટર જેટ્સ અને બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલ્સ અમારા સંરક્ષણ સહયોગના મહત્ત્વપૂર્ણ પ્રતીકો છે.
પરસ્પરના અડગ વિશ્વાસ અને ભરોસાના તે પરિણામ છે અને તે અમારી વ્યૂહાત્મક ભાગીદારીની તાકાત પ્રતિબિંબિત કરે છે.
અમારી સંરક્ષણ ભાગીદારી ગ્રાહક- વિક્રેતાના સંબંધોમાંથી રૂપાંતરિત થયા છે જેમાં સંયુક્ત સંશોધન, વિકાસ અને ભારતમાં બ્રહ્મોસ મિસાઈલ સિસ્ટમ જેવી અદ્યતન પ્રણાલીઓના ઉત્પાદન તેમજ સુખોઈ-30 MKI એરક્રાફ્ટ અને T-90 ટેન્કનું ભારતમાં લાઇસન્સ પ્રાપ્ત ઉત્પાદન સામેલ છે. અમારા વિસ્તૃત સૈન્ય સહયોગના ભાગરૂપે, બંને દેશોના સશસ્ત્ર દળો દ્વારા નિયમિતપણે સંયુક્ત સૈન્ય કવાયત હાથ ધરવામાં આવે છે. અમે મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ ભારતમાં સંરક્ષણ સાધનો અને ઘટકોના સંયુક્ત ઉત્પાદન માટે પણ સાથે મળીને કામ કરી રહ્યા છીએ.
– પ્રધાનમંત્રીજી, તમે એક વર્ષથી ભારત સરકારનું નેતૃત્વ કરી રહ્યા છો. તમે ઘણાં સારાં કામ કર્યાં છે અને ઘણું બધું કરવાનો તમારો ઇરાદો છે. તમે ઘણા સુધારા કર્યા છે અને વધુ આયોજન કરી રહ્યા છો. તમે ભારતનું ભવિષ્ય શું જુઓ છો? મુખ્ય ધ્યેયો શું છે? તમે બીજું શું કરવા માંગો છો ?
– હું એવો પહેલો જ પ્રધાનમંત્રી છું, જે જેને 14 વર્ષ સુધી મુખ્ય પ્રધાન તરીકે કામ કરવાની તક મળી હતી. અને આના કારણે હું ભારતમાં રાજ્યોની ઉપયોગિતા, તેમનું મહત્વ, સંઘીય માળખાની મજબૂતાઈ અને ભાવનાને સારી રીતે સમજું છું. એટલે, શાસનમાં મારો પહેલો વિચાર હતો કે આ દેશ એક સ્તંભ ઉપર ઊભો રહી શકશે નહીં. દરેક રાજ્ય પોતે જ એક મજબૂત સ્તંભ છે અને એ દેશની સૌથી મોટી તાકત છે. એટલે, મેં ટીમ ઈન્ડિયાના અભિગમ ઉપર ભાર મૂક્યો છે. અમે સહકારી સંઘવાદ, સહકારી સ્પર્ધાત્મક સંઘવાદ પર ખૂબ ભાર મૂક્યો છે જે નજીકના ભવિષ્યમાં સારા પરિણામો બતાવશે. બીજું, દરેક દેશનો ધ્યેય હોય છે કે તેના દેશવાસીઓ ખુશ રહે, દેશવાસીઓ સંતુષ્ટ રહે. અમારા દેશવાસીઓનાં જીવન કેવી રીતે બદલાય ? જીવનની ગુણવત્તામાં કેવી રીતે સુધારો લાવી શકાય ? જો તેમને શિક્ષણ આપવામાં આવે તો દરેકને તે મળે. ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપવું અનિવાર્ય છે. પ્રગતિશીલ શિક્ષણમાં ગુણાત્મક પરિવર્તન આવવું જોઈએ. આરોગ્ય સંભાળની સુવિધાઓ બધાને મળવી જોઈએ પરંતુ ગુણાત્મક ફેરફારો જરૂરી છે. આરોગ્ય સંભાળની સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ. તમામ સામાન્ય માનવતાવાદી જરૂરિયાતોને પૂર્ણ કરવી આવશ્યક છે. નાગરિકના પોતાના સપનાં હોય છે અને તે સપનાંઓને પૂરા કરવા માટે તકો પૂરી પાડવી જોઈએ અને તકો પૂરી પાડવાની જવાબદારી રાજ્ય સરકારની હોવી જોઈએ. પછી નાગરિક પોતાની મેળે આગળ વધવાનું શરૂ કરે છે.
એટલે આપણું ફોકસ તકો ઉપલબ્ધ કરાવવાનું હોવું જોઈએ. કૌશલ્ય વિકાસ અને માનવ સંસાધન વિકાસ મારા મુખ્ય ધ્યેય છે. મેઇક ઈન ઈન્ડિયા – ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર બનાવવાનો મારો પ્રયાસ છે. કૌશલ્ય વિકાસ આપણા યુવાનોને તકો પૂરી પાડે છે, જેથી દરેક નાગરિક અર્થવ્યવસ્થાનો હિસ્સો બનશે. એનાથી અર્થવ્યવસ્થાને નવું જોમ મળશે. હું આ દિશામાં પ્રયાસરત છું. આપણે માળખાકીય સવલતોને અપગ્રેડ કરવી પડશે. મારો મતલબ ફક્ત માર્ગો અદ્યતન કરવાનો નથી. હું એને ફક્ત ધોરીમાર્ગો સુધી મર્યાદિત રાખવા નથી માગતો. હું આઈ-વેઝ મારફતે પ્રવાસ કરવા ઈચ્છું છું, જેને માહિતીનો આધાર હોય. હું ફક્ત વૉટર ગ્રિડની દિશામાં કામ નથી કરી રહ્યો, પરંતુ ગેસ ગ્રિડ, ડિજિટલ નેટવર્ક અને ડિજિટલ ઈન્ડિયાના સ્વપ્ન માટે પણ કાર્યરત છું. એટલે, મારા છેલ્લા દોઢ વર્ષના અનુભવ ઉપરથી હું કહી શકું છું કે ભારતે ઘણું પ્રાપ્ત કર્યું છે. આ દિવસોમાં તમે જોયું હશે કે ભારત આર્થિક સત્તા તરીકે વૈશ્વિક રેન્કિંગમાં જોવા મળે છે. આજે ભારત, વિશ્વમાં સૌથી મોટું અર્થતંત્ર ગણાય છે અને તે સૌથી ઝડપથી વિકાસ પામી રહેલી અર્થવ્યવસ્થા છે. વિશ્વની તમામ રેટિંગ એજન્સીઓ ભારતનું ભવિષ્ય ઉજ્જ્વળ હોવાનું જણાવે છે. ભારતમાં વિકાસ અત્યંત વેગવાન છે. તેની સમગ્ર વિશ્વ નોંધ લઈ રહ્યું છે. જો 21મી સદી એશિયાની સદી ગણાતી હોય, તો ભારતની જવાબદારી વધે છે. લોકશાહી દેશ હોવાને કારણે ભારતની જવાબદારી વધુ છે. અને અમે એ વિશે સજાગ છીએ.
લોકશાહી દેશના રૂપમાં વિકાસ અને માનવીય મૂલ્યો એ બેને ઉમેરીને અમે વિશ્વમાં અમારી ભૂમિકા કેવી રીતે ભજવી શકીએ? મૂક પ્રેક્ષક તરીકે નહીં પણ વૈશ્વિક ખેલાડી તરીકે માનવતા, લોકશાહી માટે કેવી રીતે કામ કરવું, સૌથી ગરીબ દેશોની મદદ કરવી, એમાં અમારી તાકાત રહેલી છે.
– પ્રધાનમંત્રી શ્રી, તમે જાણો છો, રશિયા, ભારત અને સમગ્ર વિશ્વ એક મહાન અનિષ્ટ, આતંકવાદનો સામનો કરી રહ્યું છે. આપણે તેને દરેક જગ્યાએ જોઈએ છીએ. હવે આ ઈસ્લામિક સ્ટેટે સમગ્ર સીરિયા પર કબજો જમાવી લીધો છે. ઘણા દેશો તેની સામે લડી રહ્યા છે. ભારતે તેના નાગરિકો પણ આતંકવાદી હુમલામાં ગુમાવ્યા છે અને આતંકવાદ સામે લડવાનો તેનો પોતાનો અનુભવ છે. તમારા મતે, વિશ્વએ તેની સામે કેવી રીતે લડવું જોઈએ? રશિયા અને ભારતે સાથે મળીને આતંકવાદ વિરોધી કયા પ્રયાસો કરવા જોઈએ ?
– સૌથી પહેલાં તો તાજેતરમાં ઈજિપ્તમાં હવાઈ જહાજ ઉપર થયેલા આતંકવાદી હુમલાને કારણે પોતાનાં જીવ ગુમાવનારા રશિયાના નિર્દોષ નાગરિકો માટે હું મારી દિલસોજી વ્યક્ત કરવા માગું છું. હું રશિયાના નાગરિકોને દિલાસો આપવા માગું છું. ભારત છેલ્લાં ચાળીસ વર્ષોથી આતંકવાદનો ભોગ બની રહ્યું છે. અમે આતંકવાદનું સૌથી ભયાવહ સ્વરૂપ જોયું છે. અને તે નિર્દોષ નાગરિકો માટે ભારે ખતરારૂપ બને છે. આજે તે વિશ્વભરમાં ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે.
જ્યારે અમે આતંકવાદને વેઠી રહ્યાહતા, ત્યારે અમે વિશ્વને કહેતા હતા કે આતંકવાદને કોઈ સીમાડા નથી હોતા. આજે એ અમારે ત્યાં છે, તો આવતીકાલે તે ગમે ત્યાં હોઇ શકે છે. પરંતુ કમનસીબે વિશ્વ અમારી દલીલ સ્વીકારવા તૈયાર જ નહોતું. તે સમજવા જ તૈયાર ન હતું. તેઓ સમજતા કે આ ભારતની સમસ્યા છે. પરંતુ અમને દુખ છે કે અમે જે કહ્યું હતું તે આજે સાચું ઠર્યું છે. અમને એ વાતનું દુઃખ છે.
આતંકવાદ એ માનવતાનો દુશ્મન છે. જે લોકો માનવતામાં શ્રદ્ધા ધરાવે છે, તે તમામ દેશોએ આતંકવાદનો સામનો કરવા એક થવું જોઈએ. માનવતા એ ફક્ત રાજકીય સરહદોમાં મર્યાદિત નથી. રાજકીય ફિલસૂફી માનવતાનું કદ આંકી શકે નહીં. માનવતાનું મૂલ્ય ફક્ત માનવતા જ આંકી શકે. અને જે લોકો માનવતામાં શ્રદ્ધા ધરાવે છે, તે પછી ગમે તે રાજકીય માન્યતા ધરાવતા હોય, તેમણે સાથે મળીને આતંકવાદ સામે લડત આપવી પડશે અને તો જ તેને મ્હાત કરી શકાશે.
બે વિશ્વ યુદ્ધો બાદ સંયુક્ત રાષ્ટ્રોનો જન્મ થયો. એ પછી યુદ્ધો નથી થયાં, પરંતુ ભયાનક આતંકવાદ નિર્દોષોને મારી રહ્યો છે. યુદ્ધો સરહદો ઉપર જવાનો વચ્ચે થાય છે. આતંકવાદમાં હથિયારધારી લોકો નિર્દોષ નાગરિકોનો ભોગ લે છે. વિશ્વ યુદ્ધો કરતાં પણ આ વધુ ભયંકર છે. પરંતુ કમનસીબી છે કે આપણે સહુ સાથે મળીને આતંકવાદને સંયુક્ત રાષ્ટ્રો સમક્ષ રજૂ કરી શકતા નથી. આપણે આતંકવાતને વ્યાખ્યાયિત કરી શકતા નથી. આતંકવાદી કોણ છે અને કોણ આતંકવાદને ટેકો આપનાર ગણાશે. કોને આતંકવાદનો સહાયક ગણવો જોઈએ? આવા દેશોનું શું કરવું જોઈએ ? સંયુક્ત રાષ્ટ્રો આ મુદ્દા ચર્ચા માટે ધ્યાન ઉપર લેવા જેટલું સાહસ પણ દાખવતા નથી. કેમકે કેટલાક દેશો વિશ્વમાં કેટલીક જગ્યાએ સંડોવાયેલા છે અને તેમાં અવરોધો નાખ્યા કરે છે. વિશ્વએ આ સમજવું પડશે.
સીરિયાને લાગેવળગે છે ત્યાં સુધી અને સમગ્ર પશ્ચિમ એશિયા માટે, પશ્ચિમ એશિયા સમૃદ્ધિ તરફ આગળ ધપી રહ્યો હતો. પરંતુ આપણે જોઈ રહ્યા છીએ કે સમૃદ્ધિ, સંતોષ અને ખુશહાલી લાવે એવું નથી. સમૃદ્ધિ એટલે કે માત્ર સંપત્તિ, પૈસા, પ્રોપર્ટી અને મજબૂત સત્તા દેશમાં શાંતિ અને ખુશહાલી લાવે – એ સાચું નથી. પશ્ચિમ એશિયા આ હકીકતમાંથી પસાર થઈ રહ્યો છે. એટલે, માનવજાતે પોતાના વિકાસમાંથી આ પાઠ શીખવવો પડશે, એવો પાઠ કે આપણે આપણા સમાજને ફક્ત સંપત્તિ અને વૈભવ દ્વારા ખુશ રાખી શકીશું નહીં. બીજી પણ કેટલીક ચીજો આવશ્યક છે, જેને મૂલ્યો કહેવાય છે.
બીજી એક બાબત આપણે આજે જોઈ રહ્યા છીએ, તે એ છે કે દરેક જણ કહે છે કે આતંકવાદનો અંત આવવો જોઈએ. પરંતુ દરેકની પ્રાથમિકતા તો કંઇક જુદી જ છે, દરેકનું વલણ તો કંઇક અલગ જ છે. આ પરિસ્થિતિ આતંકવાદીઓને શક્તિ આપે છે. બીજું, એક પણ આતંકવાદી જૂથ, હથિયારો બનાવવા માટે પોતાની ફેક્ટરી ધરાવતું નથી. એનો મતલબ કે એવા દેશો, જેની પાસે હથિયારો છે, તે એમને આપી રહ્યા છે. આ હથિયારો કયા રસ્તે તેમને પહોંચે છે ? એ રસ્તો બંધ કેમ નથી કરાતો ? આતંકવાદીઓ કોઈ નાણાં છાપવાનું મશીન નથી ચલાવતા. વિશ્વભરમાંથી એમની પાસે નાણાં ક્યાંથી આવે છે ? આટલા મોટા હુમલાઓ માટે તેમની પાસે તાકાત ક્યાંથી આવે છે ? કોઈ નાણાં પૂરાં પાડી રહ્યું છે તો કોઈ કમ્યુનિકેશન ટેકનોલોજી, વિશ્વના દેશોની સરકારો જ આમાંથી કોઈને કોઈ ભૂમિકા ભજવી રહી છે. પરંતુ પરિણામો ત્યારે જ જોવા મળશે, જ્યારે વિશ્વના તમામ લોકો સાથે મળીને આતંકવાદને નેસ્તનાબૂદ કરવા સંકલિત પ્રયાસ કરશે. કોઈ છૂટીછવાઇ લડતથી કશું વળવાનું નથી. તેથી જ માનવતાવાદી દેશો આમ કહે છે.
બીજું, કેટલાક લોકોએ ધર્મમાં ઈમોશનલ બ્લેકમેલનો રસ્તો શોધી કાઢ્યો છે. વિશ્વના તમામ લોકો, તમામ સમાજો, તમામ સમુદાયો અને તમામ ધર્મગુરુઓએ એક અવાજે આતંકવાદને ધર્મથી દૂર કરવો જોઈએ. ધર્મને આતંકવાદ સાથે કોઈ લેવાદેવા નથી, તેનો સ્પષ્ટ ઉચ્ચાર અને સતત ફેલાવો થવો જોઈએ, જેથી કેટલાક લોકોને ઈમોશનલ બ્લેકમેઈલિંગ દ્વારા ટેકો મળતો હોય તેને અને કેટલાક બાળકો જે ઈમોશનલ કારણોસર ભટકી જાય છે, તેને અટકાવી શકાય. અને એક વધુ વાત – આ દિવસોમાં કેટલાક બાળકો સોશિયલ મીડિયા દ્વારા ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે, ત્યારે સમાજે તેમને શિક્ષિત કરવા જોઈએ. તેઓ જેના પર વિશ્વાસ કરે છે તેવા લોકો દ્વારા તેમને સમજાવવા જોઈએ. જો આપણે પ્રચાર કરવાનું ચાલુ રાખીએ, તો તેઓ આપણું સાંભળશે નહીં અને તેનાથી કોઈ હેતુ પૂરો થશે નહીં. માત્ર એક જ બાબત એ છે કે તેઓ જેના પર આધાર રાખે છે તેમના દ્વારા તેમની સાથે વાત કરવી. આવા લોકોને શોધવા પડશે. બાળકોને સતત તેમના દ્વારા શાળામાં ભણાવવું પડે છે. તો જ આપણે આપણી ભાવિ પેઢીઓને વિનાશક સંકટમાંથી બચાવી શકીશું.
– રશિયા અને ભારત મોટાભાગના વર્તમાન આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર નજીકના અથવા સમાન મંતવ્યો ધરાવે છે. દાખલા તરીકે, આપણા દેશો બહુ–ધ્રુવીય વિશ્વના હિમાયતી છે જ્યાં તમામ દેશો અને લોકોના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં લેવામાં આવે છે. આ મુદ્દા પર અમારા સહકાર વિશે તમારો શું અભિપ્રાય છે ?
– મજબૂત આંતરરાષ્ટ્રીય ભાગીદારી અમારા સંબંધોની ઓળખ રહી છે. દાયકાઓથી યુએન સિક્યુરિટી કાઉન્સિલ સહિત આંતરરાષ્ટ્રીય મંચોમાં રશિયાનું સમર્થન ભારત માટે ખૂબ મૂલ્યવાન રહ્યું છે. આજે, અમારો આંતરરાષ્ટ્રીય સહયોગ વિસ્તર્યો છે. અમે BRICS, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (જ્યાં આ વર્ષે ભારતના સંપૂર્ણ સભ્યપદ અંગે નિર્ણય લેવામાં રશિયન સમર્થને મદદ કરી), G20 અને પૂર્વ એશિયા સમિટ સહિત અનેક આંતરરાષ્ટ્રીય મંચો ઉપર સાથે મળીને કામ કરીએ છીએ.
પ્રેસિડેન્ટ પુતિન દ્વારા શરૂ કરાયેલ BRICS આંતરરાષ્ટ્રીય નાણાં અને વેપાર, વિકાસ માટેનાં ધિરાણો, આંતરરાષ્ટ્રીય આતંકવાદ, આબોહવા પરિવર્તન, ખાદ્ય સુરક્ષા અને સાતત્યપૂર્ણ વિકાસમાં મુખ્ય યોગદાન આપી રહ્યું છે. વધુ ન્યાયી અને સમાવિષ્ટ વૈશ્વિક વ્યવસ્થાને આગળ વધારવા માટે BRICS એક મહત્વપૂર્ણ અવાજ બની શકે છે. SCO અને પૂર્વ એશિયા શિખર સંમેલનમાં, અમે વિશ્વના બે મુખ્ય પ્રદેશોમાં શાંતિ અને સમૃદ્ધિને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરી શકીએ છીએ, જ્યાં અમારી બંનેની મહત્વપૂર્ણ ભાગીદારી છે.
બહુધ્રુવીયતા એ વૈશ્વિક વાસ્તવિકતા છે. ભારત અને રશિયા બહુ-ધ્રુવીય વિશ્વના બે ચહેરાનું પ્રતિનિધિત્વ કરે છે. અમે રશિયા સાથે માત્ર અમારા દ્વિપક્ષીય હિતો માટે જ નહીં પરંતુ શાંતિપૂર્ણ, સ્થિર અને સાતત્યપૂર્ણ વિશ્વ માટે પણ કામ કરવા માંગીએ છીએ.
– પ્રધાનમંત્રી શ્રી, મને જ્યાં સુધી જાણ છે, સપ્ટેમ્બરમાં આપ 65 વર્ષના થશો, પરંતુ આપ ઘણા યુવાન દેખાવ છો. શું આ વધુને વધુ લોકપ્રિય બની રહેલા યોગને કારણે છે ? અને આપ યોગાભ્યાસ કરી રહેલા રશિયનોને શું સલાહ આપશો ? રશિયામાં યોગને ઉત્તેજન મળે તે માટે તેમણે શું કરવું જોઈએ ? અને મેં સાંભળ્યું છે કે પ્રેસિડેન્ટ પુતિનને તમે જણાવ્યું તે પછી તેઓ પણ યોગમાં રસ લઈ રહ્યા છે.
– તમે ખૂબ સારો સવાલ કર્યો છે. પહેલું તો, આપના માધ્યમથી હું વિશ્વના તમામ દેશો, સંયુક્ત રાષ્ટ્રો અને વિશ્વના તમામ નગારિકોનું હૃદયપૂર્વક અભિવાદન કરવા માગું છું કે જ્યારે મેં સંયુક્ત રાષ્ટ્રો સમક્ષ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે 100 જ દિવસમાં વિશ્વના લગભગ તમામ દેશોએ એના ઉપર મંજૂરીની મહોર મારી હતી અને 192 દેશોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો હતો અને મને આનંદ છે કે રશિયામાં 200થી વધુ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો હતો અને તેમાં 45,000થી વધુ લોકોએ જાહેરમાં ભાગ લીધો હતો. આ વાત પોતે જ એટલી મહત્ત્વપૂર્ણ છે. એ વાત સાચી છે કે યોગનો ઉદ્ભવ ભારતમાં થયો, એટલે હું એમ કહી શકું કે તે માત્ર ભારતનો છે, પરંતુ એવું નથી. આ વિશ્વની સંપત્તિ છે, માનવજાતની સંપત્તિ છે, વિશ્વની ધરોહર છે. અને વિશ્વની દરેક સભ્યતાએ તેને પ્રોત્સાહન આપવું છે અને પોતાની રીતે તેને આગળ વધારી છે. અને એટલે યોગનું હાલનું સ્વરૂપ ઘણું બદલાયેલું છે, તે ખૂબ વ્યાપક છે અને દરેકે તેમાં ભાગ ભજવ્યો છે. એટલે, હું પણ તમારા સહુનો આભારી છું. છેવટે યોગ લોકપ્રિય શા માટે બની રહ્યો છે? યોગનું મહત્ત્વ શા માટે વધી રહ્યું છે? યોગનું મહત્ત્વ એટલે વધી રહ્યું છે, કેમકે તમે જોશો કે આપણી સૌથી મોટી ભૂલ એ છે કે આપણે જ્યારે સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરીએ, આપણે બીમારી તરફ ધ્યાન આપીએ છીએ. આપણે સમજીએ છીએ કે આરોગ્યનો હેતુ બીમારી દૂર કરવી – એવો છે. એ મહત્ત્વનું છે કે આપણે સુખાકારી તરફ ધ્યાન આપીએ. એટલે, માંદગી કે સુખાકારી? યોગ આપણને સુખાકારી તરફ લઈ જાય છે. આજે વિશ્વ સર્વગ્રાહી આરોગ્ય સંભાળ તરફ આગળ વધી રહ્યું છે અને યોગ એના માટે સચોટ વિજ્ઞાન છે. ત્રીજું, માનવીય જીવન પણ પડી ભાંગ્યું છે. માનવીય મન વિચારે છે કંઈક અને શરીર કરે છે કંઇક જુદું જ, બુદ્ધિ તેનો વિરોધ કરે છે. શરીર, મન અને બુદ્ધિ, ભાંગી પડેલી દશામાં છે અને આપણને તેની ખબર સુદ્ધાં નથી. મન, બુદ્ધિ અને શરીર, આ ત્રણેય સંકલન, તાલમેળ સાથે કામ કરતાં હોવાં જોઈએ. તે યોગ દ્વારા જ હાંસલ કરી શકાશે. યોગ તમને આંતરિક શક્તિ આપે છે. યોગ કોઈ શારીરિક કસરત નથી. કેટલાક લોકો માને છે કે યોગ એટલે શરીરને વાળવું. જે લોકો સરકસમાં કામ કરે છે, તેઓ શરીરને ઘણું સારી રીતે વાળી શકે છે અને રશિયા તો સરકસના ક્ષેત્રે વિશ્વભરમાં અવ્વલ છે. પરંતુ એનો અર્થ યોગ નથી. યોગનો વિષય, મન, બુદ્ધિ અને આત્મા સાથે જોડાયેલો છે અને યોગનું આ સ્વરૂપ જાણવું ખૂબ લાભદાયક છે. મેં પણ સાંભળ્યું છે કે આ દિવસોમાં પ્રેસિડેન્ટ પુતિને યોગમાં રસ દર્શાવ્યો છે અને હું વિશ્વમાં જ્યાં પણ જાઉં ત્યાં વિશ્વના નેતાઓ સાથે યોગ વિશે ખૂબ વાતચીત કરું છું. તમે સાચું કહ્યું, હું પોતે યોગ સાધક છું અને જો મને મારી જાત માટે થોડો સમય મળે તો તે યોગને આપું છું અને તેનો મને લાભ થયો છે.
– પ્રધાનમંત્રી શ્રી, અમારા કાર્યક્રમનું શીર્ષક “સત્તાની ફોર્મ્યુલા” છે અને કદાચ તમે “સત્તાની ફોર્મ્યુલા”નો વાસ્તવિક અર્થ કહેવા માટે અન્ય લોકો કરતા શ્રેષ્ઠ સ્થિતિમાં હશો? તમારું “શક્તિનું સૂત્ર” શું છે? તમે તેને કેવી રીતે સમજો છો ?
– અમારો દેશ આધ્યાત્મિક વિચારધારા પણ ધરાવે છે. ઈશ્વરે અમારા દેશમાં જન્મ લીધો છે. હું કાયમ કહું છું – જનતા જનાર્દન. આ ઈશ્વરનું એક સ્વરૂપ છે અને એટલે જ હું લોકશક્તિને મારા ઈશ્વર ગણું છું. હું માનું છું કે માનવજાત જ મારી પોતાની શક્તિ છે. હું માનું છું કે લોકો મારા દેશની તાકત છે અને એટલે જ જો મારા માટે કોઈ સર્વોચ્ચ શક્તિ હોય તો તે મારા 1.25 અબજ દેશવાસીઓ છે. જો આપણા દેશના ભાવિ માટે કોઈ શક્તિ હોય, તો તે મારા 1.25 અબજ દેશવાસીઓ છે અને એટલે જ મારું સંપૂર્ણ સમર્પણ તેમના પ્રત્યે છે, હું તેમને શક્તિ તરીકે જોઉં છું. અને હું તેમના માટે જેટલું જીવીશ, તેઓ એટલા જ વધુ દેશ માટે જીવશે અને તે જ મારી સાચી શક્તિ છે. ભારતમાં શક્તિ – તાકતનો ખૂબ નકારાત્મક અર્થ અપાય છે, એટલે હું ખૂબ સાવચેત છું. પરંતુ હું મારી જનતા જનાર્દનને, 1.25 અબ દેશવાસીઓને, 2.5 અબજ હાથોને મારી તાકત, મારી શક્તિ ગણું છું. જો ભારત સામે દસ લાખ પ્રશ્નો છે, તો અમારી પાસે એક અબજ ઉકેલો પણ છે. હું તેને સૌથી મહત્ત્વપૂર્ણ બાબત ગણું છું.
– પ્રધાનમંત્રી શ્રી, નવું વર્ષ થોડા જ દિવસોમાં આવસે. રશિયામાં તેની બારે ઉત્સાહપૂર્વક, ભવ્ય ઉજવણી થાય છે અને અમે એની રાહ જોઈ રહ્યા છીએ. નવા વર્ષ નિમિત્તે આપ રશિયાના લોકોને શું સંદેશો આપવા માગશો ?
– નવા વર્ષ નિમિત્તે હું રશિયાના નાગરિકોને શુભેચ્છા પાઠવું છું. અને તે જ્યારે મન્કી – બંદર સ્વરૂપે આવે છે, ત્યારે તમે એનું વિશેષ મહત્ત્વ સમજો છો, એની મને જાણ છે. આ અત્યંત શુભ છે. હું માનું છું કે રશિયા પોતાની વૈશ્વિક ભૂમિકા ચાલુ રાખશે, તે વધુને વધુ મોટી ભૂમિકા નિભાવવાનું જાળવી રાખશે. રશિયાની સત્તા અને શક્તિ વૈશ્વિક શાંતિ માટે ઉપયોગી નીવડશે – આ મારું માનવું છે – અને રશિયાના નાગરિકો ભારત સાથે અતૂટ સંબંધોથી જોડાશે. નવા વર્ષે, આતંકવાદ મુક્ત વિશ્વ માટે સાથે મળીને કામ કરવાનું પ્રણ લઈએ, માનવ જાત તરીકે આપણી જવાબદારીઓ પૂરી કરવા આપણા શ્રેષ્ઠ પ્રયાસો કરી છૂટીએ. હું ફરી એકવાર રશિયાના નાગરિકોને રૂબરૂમાં નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવીશ, પરંતુ આજે, માધ્યમો દ્વારા હું તમને સહુને મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું.