Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

બ્રાઝિલના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીના પ્રેસ વક્તવ્યનો મૂળપાઠ


આદરણીય મહામહિમ બ્રાઝિલના રાષ્ટ્રપતિ શ્રી જેઅર બોલ્સોનારો

બંને દેશોના વરિષ્ઠ મંત્રી અને અધિકારીગણ,

રો

મિત્રો,

નમસ્કાર.

બોઆ ટાર્ડે (શુભ સવાર)

બેમ વિન્ડો આ ઇન્ડિયા

મારા મિત્ર રાષ્ટ્રપતિ બોલ્સોનારો અને તેમના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળનું હું ભારતમાં હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લા આઠ મહિનાઓમાં આ અમારી ત્રીજી મુલાકાત છે. આ આપણી વચ્ચે વધતી મિત્રતા અને બંને દેશોની વચ્ચે રહેલા ઊંડા સંબંધોને દર્શાવે છે.

મહામહિમ,

તે અમારી માટે ખૂબ જ ગર્વની વાત છે કે અમારા 71માં પ્રજાસત્તાક દિવસ પર તમે અમારા મુખ્ય અતિથી છો. આવતીકાલે રાજપથ પર પ્રજાસત્તાક દિવસની પરેડમાં તમે ભારતની વિવિધતાનું રંગબેરંગી અને ઉલ્લાસપૂર્ણ સ્વરૂપ જોશો. બ્રાઝિલ પોતે પણ ઉલ્લાસથી ભરપુર પર્વોનો દેશ છે. એક મિત્રની સાથે આ વિશેષ પર્વ પર અમે અમારી ખુશી વહેંચીશું. ભારતનું આમંત્રણ સ્વિકાર કરવા બદલ હું તમારો આભાર માનું છું. આ ત્રીજો અવસર છે જ્યારે બ્રાઝિલના રાષ્ટ્રપતિએ આ સન્માન અમને આપ્યું છે અને આ ભારત તથા બ્રાઝિલની વચ્ચે મજબૂત મિત્રતાનું પ્રતિક છે.

મિત્રો,

ભારત અને બ્રાઝિલની વ્યુહાત્મક ભાગીદારી આપણી એકસમાન વિચારધારા અને મૂલ્યો પર આધારિત છે. એટલા માટે, ભૌગોલિક અંતર હોવા છતાં પણ આપણે વિશ્વના અનેક મંચો પર એકસાથે છીએ. અને વિકાસમાં એકબીજાના મહત્વપૂર્ણ ભાગીદાર પણ છીએ. એટલા માટે આજે રાષ્ટ્રપતિ બોલ્સોનારો અને હું અમારા દ્વિપક્ષીય સહયોગને તમામ ક્ષેત્રોમાં વધુ આગળ વધારવા માટે સહમત થયા છીએ. અમારી વ્યુહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે એક બૃહદ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. વર્ષ 2023માં બંને દેશોની વચ્ચે રાજદ્વારી સંબંધોની પ્લેટીનમ જ્યુબિલી હશે. મને પૂરો વિશ્વાસ છે કે ત્યાં સુધીમાં આ એક્શન પ્લાન આપણી વ્યુહાત્મક ભાગીદારી, લોકોનો લોકો સાથેનો સંબંધ અનેવ્યવસાયિક સહયોગને વધુ ઊંડો બનાવશે.

મને ખુશી છે કે અમે આજે અનેક મહત્વપૂર્ણ સમજૂતી કરારો પણ કર્યા છે. રોકાણ હોય કે પછી અપરાધી બાબતોમાં કાયદાકીય સહાયતા, આ સમજૂતીઓ અમારા સહયોગને એક નવો આધાર આપશે. વિવિધ ક્ષેત્રો, જેવા કે જૈવ ઊર્જા, કેટલ જીનોમિક્સ, આરોગ્ય અને પરંપરાગત ઔષધી, સાયબર સુરક્ષા, વિજ્ઞાન અને ટેકનોલોજી, તેલ અને ગેસ તથા સંસ્કૃતિમાં અમારો સહયોગ વધારે ઝડપથી આગળ વધશે. ગાયોની સ્વસ્થ અને ઉન્નત પ્રજાતિઓ પર સહયોગ એ આપણા સંબંધોનું એક અનોખુ અને સુખદ પાસું છે. એક સમયે ભારતમાંથી ગીર અને કાંકરેજી ગાયો બ્રાઝિલ ગઈ હતી. અને આજે બ્રાઝિલ તથા ભારત આ વિશેષ પશુધનને વધારવા અને તેના વડે માનવતાને લાભાન્વિત કરવા માટે સહયોગ કરી રહ્યા છે. આ સહયોગના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક મહત્વને કોઇપણ ભારતીય માટે શબ્દોમાં વર્ણન કરી શકવું અઘરું છે.

મિત્રો,

પરંપરાગત ક્ષેત્રો સિવાય અનેક નવા ક્ષેત્રો પણ આપણા સંબંધોમાં જોડાઈ રહ્યા છે. અમે સંરક્ષણ ઔદ્યોગિક સહયોગને વધારવા માટે નવી પદ્ધતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. રક્ષા સહયોગમાં અમે બ્રોડ બેઝ્ડ ભાગીદારી ઈચ્છીએ છીએ. આ સંભાવનાઓને જોતા અમને ખુશી થાય છે કે આવતા મહીને લખનઉમાં ડેફએક્સ્પો 2020માં બ્રાઝિલનું એક મોટું પ્રતિનિધિ મંડળ ભાગ લેશે. મને ખુશી છે કે જૈવ ઊર્જા, આયુર્વેદ અને એડવાન્સ કમ્પ્યુટીંગ પર સંશોધનમાં સહયોગ વધારવા પર અમારા શૈક્ષણિક અને સંશોધન સંસ્થાનોની વચ્ચે સહમતી સધાઈ છે.

મહામહિમ,

ભારતના આર્થિક પરિવર્તનમાં બ્રાઝિલ એક મૂલ્યવાન ભાગીદાર છે. ખાદ્ય અને ઊર્જાના ક્ષેત્રોમાં આપણી જરૂરિયાતો માટે અમે બ્રાઝિલને એક વિશ્વસનીય સ્રોતના સ્વરૂપમાં જોઈએ છીએ. આપણો દ્વિપક્ષીય વેપાર જોકે વધી રહ્યો છે. બંને મોટી અર્થવ્યવસ્થાઓની વચ્ચે પૂરકતાઓને જોતા આપણે આને ખૂબ જ વધુ વધારી શકીએ છીએ. તમારી સાથે બ્રાઝિલના પ્રભાવશાળી વ્યવસાયિક પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરતા અમને ખુશી થાય છે. મને વિશ્વાસ છે કે ભારતીય ઉદ્યોગપતિઓ અને વેપારીઓની સાથે તેમની મુલાકાતોના સારા પરિણામો આવશે.

મિત્રો,

બંને દેશો તરફથી રોકાણને સુગમ બનાવવા માટે જરૂરી કાયદાકીય માળખું તૈયાર કરવામાં આવ્યું છે. આજના આંતરિક રીતે જોડાયેલ વિશ્વમાં ભારત અને બ્રાઝિલની વચ્ચેસામાજિક સુરક્ષા સંધી એ વ્યવસાયિકોના સરળ આવાગમનની માટે એક મહત્વપૂર્ણ પગલું છે.

મિત્રો,

બે મોટા લોકશાહી અને વિકાસશીલ દેશો હોવાના નાતે મહત્વપૂર્ણ વૈશ્વિક અને દ્વિપક્ષીય મુદ્દાઓ ઉપર ભારત અને બ્રાઝિલના વિચારોમાં ઊંડી સમાનતા છે. પછી ભલે તે આતંકવાદની ગંભીર સમસ્યા હોય કે પછી પર્યાવરણનો પ્રશ્ન. વિશ્વની સમક્ષ વર્તમાન પડકારો પર આપણો દ્રષ્ટિકોણ ખૂબ એકસમાન છે. બ્રાઝિલ અને ભારતના હિતો સમાન છે. ખાસ કરીને બ્રિકસ અને આઈબીએસએમાં આપણી ભાગીદારી, ભારતની વિદેશ નીતિનું એક મહત્વપૂર્ણ પાસું છે. આજે અમે નક્કી કર્યું છે કે બંને દેશો દ્વિપક્ષીય મુદ્દાઓ ઉપર અમારા સહયોગને વધુ દ્રઢ બનાવીશું. અને અમે સુરક્ષા પરિષદ, સંયુક્ત રાષ્ટ્ર તથા અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં જરૂરી સુધારા માટે સાથે મળીને પ્રયાસરત રહીશું.

સાથીઓ,

હું એકવાર ફરી રાષ્ટ્રપતિ બોલ્સનારો અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરું છું. તેમની આ યાત્રા ભારતબ્રાઝિલ સંબંધોમાં એક નવા અધ્યાયની શરૂઆત છે.

મુઈતો ઓબ્રીગાદો

આભાર!

RP