Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

બેંગલુરુ ટેક સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

બેંગલુરુ ટેક સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


ટેક જગતના અગ્રણીઓ, આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ અને મિત્રો,

એલ્લારિગૂ નમસ્કારા, ભારતમાં આપનું સ્વાગત છે! નમ્મ કન્નડા નાડિગે સ્વાગતા, નમ્મ બેંગલુરિગે સ્વાગતા.

બેંગલુરુ ટેક સમિટને ફરી એકવાર સંબોધન કરતા મને ઘણો આનંદ થાય છે. મને ખાતરી છે કે તમને સૌને કર્ણાટકના ઉષ્માપૂર્ણ લોકો અને જીવંત સંસ્કૃતિ ખૂબ જ પસંદ છે.

મિત્રો,

બેંગલુરુ ટેકનોલોજી અને વિચારશીલ નેતૃત્વનું ગૃહસ્થાન છે. આ એક સહિયારું શહેર છે. એક આવિષ્કારી શહેર પણ છે. ઘણા વર્ષોથી, બેંગલુરુ ભારતના ઇનોવેશન ઇન્ડેક્સમાં નંબર વન પર છે.

મિત્રો,

ભારતની ટેકનોલોજી અને ઇનોવેશન પહેલાંથી જ દુનિયાને પ્રભાવિત કરી ચૂક્યા છે. પરંતુ ભવિષ્ય આપણા વર્તમાન કરતા ઘણું મોટું હશે. કારણ કે ભારત પાસે છે: આવિષ્કારી યુવાનો અને ટેકનોલોજીની પહોંચમાં થઇ રહેલી વૃદ્ધિ.

મિત્રો,

ભારતના યુવાનોની શક્તિ દુનિયાભરમાં જાણીતી છે. તેઓએ ટેક ગ્લોબલાઇઝેશન અને ટેલેન્ટ ગ્લોબલાઇઝેશન સુનિશ્ચિત કર્યું છે. હેલ્થકેર, મેનેજમેન્ટ, ફાઇનાન્સ – તમને ઘણા ક્ષેત્રોમાં અગ્રણી યુવા ભારતીયો જોવા મળશે. અમે વૈશ્વિક કલ્યાણ માટે અમારી પ્રતિભાનો ઉપયોગ કરી રહ્યા છીએ. ભારતમાં પણ તેની અસર જોવા મળી રહી છે. ભારત આ વર્ષે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં 40મા ક્રમે પહોંચ્યું છે. 2015માં, આપણે 81મા ક્રમે હતા! ભારતમાં યુનિકોર્ન સ્ટાર્ટ-અપ્સની સંખ્યા 2021થી બમણી થઇ ગઇ છે! અમે હવે દુનિયાનું 3જું સૌથી મોટું સ્ટાર્ટ-અપ હબ બની ગયા છીએ. અમારી પાસે 81,000થી વધુ માન્ય સ્ટાર્ટઅપ્સ છે. એવી સેંકડો આંતરરાષ્ટ્રીય કંપનીઓ છે કે જેઓ ભારતમાં સંશોધન અને વિકાસ કેન્દ્રો ધરાવે છે. આ ભારતના કૌશલ્યપૂર્ણ સમૂહના કારણે છે.

મિત્રો,

ટેક ઍક્સેસમાં વધારો કરીને ભારતીય યુવાનોને સશક્ત બનાવવામાં આવી રહ્યા છે. દેશમાં મોબાઇલ અને ડેટાની ક્રાંતિ થઇ રહી છે. છેલ્લા 8 વર્ષમાં, બ્રોડબેન્ડ કનેક્શનની સંખ્યા 60 મિલિયનથી વધીને 810 મિલિયન સુધી પહોંચી છે, સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા 150 મિલિયનથી વધીને 750 મિલિયન થઇ ગઇ છે. શહેરી વિસ્તારો કરતાં ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ટરનેટનો વિકાસ ઝડપથી થયો છે. નવા ડેમોગ્રાફિકને માહિતીના સુપરહાઇવે સાથે જોડવામાં આવી રહ્યા છે.

મિત્રો,

લાંબા સમયથી, ટેકનોલોજીને એક વિશિષ્ટ ક્ષેત્ર તરીકે જોવામાં આવતી હતી. તે માત્ર ઉચ્ચ અને પરાક્રમી લોકો માટે જ હોવાનું કહેવામાં આવતું હતું. પરંતુ ભારતે ટેકનોલોજીનું લોકશાહીકરણ કેવી રીતે કરવું તે બતાવ્યું છે. ટેકનોલોજીને માનવીય સ્પર્શ કેવી રીતે આપવો તે પણ ભારતે બતાવ્યું છે. ભારતમાં, ટેકનોલોજી એ સમાનતા અને સશક્તિકરણનું બળ છે. વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના આયુષ્માન ભારત લગભગ 200 મિલિયન પરિવારો માટે સુરક્ષાનું નેટવર્ક પ્રદાન કરે છે. તેનો અર્થ એ છે કે, લગભગ 600 મિલિયન લોકોને સમાવ્યા છે! આ કાર્યક્રમ ટેક પ્લેટફોર્મ પર આધારિત છે. ભારતે વિશ્વની સૌથી મોટી કોવિડ-19 વેક્સિન કવાયત ચલાવી છે. તે COWIN નામના ટેક-આધારિત પ્લેટફોર્મ દ્વારા ચલાવવામાં આવી છે. ચાલો આપણે આરોગ્ય ક્ષેત્રથી શિક્ષણ તરફ આગળ વધીએ.

ભારતમાં ઓપન કોર્સનો સૌથી મોટો ઑનલાઇન ભંડાર ઉપલબ્ધ છે. વિવિધ વિષયોમાં હજારો અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. 10 મિલિયનથી વધુ સફળ પ્રમાણીકરણ થયા છે. આ બધું ઑનલાઇન અને મફતમાં થાય છે. સમગ્ર દુનિયામાં અમારા ડેટા ટેરિફ સૌથી ઓછા છે. કોવિડ19 દરમિયાન, ઓછા ડેટા ખર્ચે ગરીબ વિદ્યાર્થીઓને ઑનલાઇન વર્ગોમાં હાજરી આપવામાં મદદ મળી હતી. જો આ ન હોત તો, તેમના બે બહુમૂલ્યવાન વર્ષો તેમણે ગુમાવ્યા હોત.

મિત્રો,

ભારત ગરીબી સામેની લડતમાં ટેકનોલોજીનો ઉપયોગ એક હથિયાર તરીકે કરી રહ્યું છે. સ્વામિત્વ યોજના હેઠળ, અમે ગ્રામીણ વિસ્તારોમાં જમીનોના નકશા માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છીએ. ત્યારબાદ લોકોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે છે. તેના કારણે જમીનના વિવાદોમાં ઘટાડો થાય છે. તે ગરીબોને નાણાકીય સેવાઓ અને ધીરાણ મેળવવામાં પણ મદદ કરે છે. કોવિડ19 દરમિયાન, ઘણા દેશો સમસ્યા સામે સંઘર્ષ કરી રહ્યા હતા. તેઓ જાણતા હતા કે લોકોને મદદની જરૂર છે. તેઓ જાણતા હતા કે લાભ ટ્રાન્સફર કરવાથી મદદ મળશે. પરંતુ તેમની પાસે લોકોને લાભ પહોંચાડવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું. પરંતુ ભારતે બતાવ્યું કે કેવી રીતે ટેકનોલોજી લોક કલ્યાણ માટે બળ પૂરું પાડી શકે છે. અમારા જન ધન આધાર મોબાઇલ ટ્રિનિટીએ અમને સીધા લાભો ટ્રાન્સફર કરવાની તાકાત આપી છે. લાભો સીધા જ પ્રમાણિત અને ચકાસણી કરાયેલા લાભાર્થીઓને મળ્યા છે. ગરીબોના બેંક ખાતામાં અબજો રૂપિયા પહોંચ્યા છે. કોવિડ19 દરમિયાન, દરેક જણ નાના વ્યવસાયો વિશે ચિંતિત હતા. અમે તેમને મદદ તો કરી જ પણ, અમે એક ડગલું તેનાથી આગળ પણ વધ્યા. અમે શેરી વિક્રેતાઓને વ્યવસાય ફરી શરૂ કરવા માટે કાર્યકારી મૂડી ઍક્સેસ કરવામાં મદદ કરીએ છીએ. જે લોકો ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે તેમને પ્રોત્સાહન આપવામાં આવે છે. આના કારણે ડિજિટલ ટ્રાન્ઝેક્શન તેમના માટે જીવનનો માર્ગ બની રહ્યા છે.

મિત્રો,

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઇ સરકાર સફળ ઇ-કોમર્સ પ્લેટફોર્મ ચલાવી રહી છે? ભારતમાં આવું થયું છે. અમારી પાસે સરકારી ઇ-માર્કેટપ્લેસ છે, જેને GeM પણ કહેવામાં આવે છે. આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં નાના વેપારીઓ અને વ્યવસાયો સરકારની જરૂરિયાતો પૂરી કરે છે. ટેકનોલોજીએ નાના વ્યવસાયોને મોટા ગ્રાહક શોધવામાં મદદ કરી છે. સાથે સાથે આનાથી ભ્રષ્ટાચાર થવાની સંભાવનાઓમાં પણ ઘટાડો થયો છે. તેવી જ રીતે, ટેકનોલોજીએ ઑનલાઇન ટેન્ડરિંગમાં પણ મદદ કરી છે.આનાથી પ્રોજેક્ટ્સને વેગ મળ્યો છે અને પારદર્શિતામાં વધારો થયો છે. તે ગયા વર્ષે આના કારણે એક ટ્રિલિયન રૂપિયાના મૂલ્યની ખરીદી કરવામાં આવી છે.

મિત્રો,

આવિષ્કાર થાય તે મહત્વનું છે. પરંતુ જ્યારે એકીકરણ દ્વારા સમર્થન મળે છે, ત્યારે તે એક બળ બની જાય છે. ટેકનોલોજીનો ઉપયોગ વિવિધ વિભાગો દ્વારા સંકલન વગર એકલા કામ કરવાની પ્રથા સમાપ્ત કરવામાં, તાલમેલ સક્ષમ કરવામાં અને સેવા પહોંચાવાનું સુનિશ્ચિત કરી શકાય તે માટે આવી રહ્યો છે. સહિયારા પ્લેટફોર્મ પર, ક્યાંય પણ કોઇ એકલા કામ કરતા નથી. ઉદાહરણ તરીકે પ્રધાનમંત્રી ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટરપ્લાનની જ વાત કરો. ભારત આગામી કેટલાક વર્ષોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રૂ. 100 ટ્રિલિયનનું રોકાણ કરી રહ્યું છે. કોઇપણ ઇન્ફ્રા પ્રોજેક્ટમાં હિતધારકોની સંખ્યા મોટી હોય છે. પરંપરાગત રીતે, ભારતમાં, મોટા પ્રોજેક્ટ્સમાં ઘણીવાર વિલંબ થતો હતો. અંદાજિત ખર્ચ વધી જવો અને સમય મર્યાદા લંબાવવી એ સામાન્ય બાબત હતી. પરંતુ હવે, અમારી પાસે ગતિ શક્તિ નામનું સહિયારું પ્લેટફોર્મ છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, જિલ્લા વહીવટીતંત્ર, વિવિધ વિભાગો સંકલન કરી શકે છે. આમાંના દરેક જાણે છે કે, અન્ય લોકો શું કરી રહ્યા છે. પ્રોજેક્ટ્સ, જમીનનો ઉપયોગ અને સંસ્થાઓ સંબંધિત માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ થાય છે. આના કારણે, દરેક હિતધારક સમાન ડેટા જોઇ શકે છે. આનાથી સંકલનમાં સુધારો થાય છે અને સમસ્યાઓ માથું ઉંચકે તે પહેલાં જ તેનું નિરાકરણ લાવવામાં આવે છે. તેનાથી પરવાનગીઓ અને મંજૂરીઓ મેળવવાનું ઝડપી થઇ રહ્યું છે.

મિત્રો,

ભારત હવે લાલ ફિતાશાહી માટે જાણીતું સ્થાન નથી રહ્યું. તે રોકાણકારો માટે પાથરવામાં આવતી લાલ જાજમ માટે જાણીતું છે. FDIમાં સુધારાની વાત હોય, કે પછી ડ્રોનને લગતા નિયમોનું ઉદારીકરણ હોય, અથવા સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં લેવામાં આવતા પગલાંની વાત હોય, અથવા તો વિવિધ ક્ષેત્રોમાં ઉત્પાદન પ્રોત્સાહક યોજનાઓ હોય, કે પછી ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં વધારો કરવાનો હોય.

મિત્રો,

ભારતમાં ઘણા ઉત્તમ પરિબળો એક સાથે આવી રહ્યા છે. તમારું રોકાણ અને અમારા આવિષ્કારો અજાયબીઓ કરી શકે છે. તમારો વિશ્વાસ અને અમારું ટેક કૌશલ્ય વિચારોને સાકાર કરી શકે છે. હું તમને બધાને અમારી સાથે કામ કરવા માટે આમંત્રિત કરું છું કારણ કે અમે વિશ્વની સમસ્યાઓના ઉકેલમાં નેતૃત્વ કરીએ છીએ. મને ખાતરી છે કે બેંગલોર ટેક સમિટમાં તમારી ચર્ચા રસપ્રદ અને ફળદાયી રહેશે. હું તમને શુભેચ્છા પાઠવું છું.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com