Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની 100મી જન્મજયંતીની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલા વીડિયો સંદેશનો મૂળપાઠ


નમોસ્કાર!! જતિર પિતા, બૉંગબૉંધુ શેખ મુજીબુર રહમાન એર, એક શો બરશ તોમો જૌનમો જોયોંતિર, ઈ મોહાન ઓપોલોક્ખે, સોમોગ્રો બાંગ્લાદેશ કે, અપનાદેર ઇક શો ત્રિશ કોટિ ભારોતિય, ભાઈ બંધુ એર પોક્ખો થેકે, ઓનેક – ઓનેક ઓભીનંદન, ઈબોંગ શુભોકામોના!!!

સાથીઓ,

શેખ હસિનાજીએ મને આ ઐતિહાસિક સમારોહનો ભાગ બનવા માટે વ્યક્તિગત રીતે આમંત્રણ આપ્યું હતું.

પરંતુ કોરોના વાયરસના કારણે તે શક્ય ન થઇ શક્યું. પછી શેખ હસિનાજીએ જ વિકલ્પ આપ્યો અને એટલા માટે હું વીડિયોના માધ્યમથી મને તમારી વચ્ચે આવવાનો મને અવસર મળ્યો છે.

સાથીઓ,

બંગબંધુ શેખ મુજીબુર રહમાન પાછલી સદીના મહાન વ્યક્તિત્વોમાંના એક હતા. તેમનું સંપૂર્ણ જીવન, આપણા સૌના માટે બહુ મોટી પ્રેરણા છે.

બંગબંધુ એટલે…

બહાદૂર નેતા,

દ્રઢ વિશ્વાસ ધરાવતા મનુષ્ય,

શાંતિ દૂત,

ન્યાય, સમાનતા અને આત્મગૌરવના હિમાયતી

ક્રુરતાનો સામનો કરનારો હાથ અને

બળજબરી સામેની ઢાલ..

તેમના વ્યક્તિત્વની આ વિશેષતાઓએ તે સમયના લાખો યુવાનોને બાંગ્લાદેશની મુક્તિ માટે, પ્રત્યેક પડકારનો સામનો કરવા માટે એક નવી ઊર્જા આપી હતી.

આજે મને ઘણી ખુશી થાય છે, જ્યારે હું જોઉં છું કે બાંગ્લાદેશના લોકો, કઈ રીતે દિવસ રાત પોતાના પ્રિય દેશને શેખ મુજીબુર-રહમાનના સપનાઓના ‘સોનાર બાંગ્લા’ બનાવવામાં લાગેલા છે.

સાથીઓ,

બંગબંધુનું જીવન, આજના વૈશ્વિક માહોલમાં, 21મી સદીની દુનિયા માટે પણ એક ખૂબ મોટો સંદેશ આપે છે.

યાદ કરો એક દમનકારી, અત્યાચારી શાસને, લોકશાહી મૂલ્યોને નકારનારી વ્યવસ્થાએ, કઈ રીતે બાંગ્લા ભૂમિની સાથે અન્યાય કર્યો, તેના લોકોને બરબાદ કર્યા, તે આપણે સૌ ખૂબ સારી રીતે જાણીએ છીએ. તેની પીડા, તેનું દર્દ અનુભવ કરીએ છીએ.

તે સમયગાળા દરમિયાન જે તબાહી મચી હતી, જે નરસંહાર થયો હતો, તેમાંથી બાંગ્લાદેશને બહાર કાઢવા માટે હકારાત્મક અને પ્રગતીકારક સમાજના નિર્માણ માટે તેમણે પોતાની ક્ષણે ક્ષણ સમર્પિત કરી દીધી હતી.

તેમનો મત સ્પષ્ટ હતો કે કોઈ પણ દેશની પ્રગતીનો આધાર નફરત અને નકારાત્મકતા ના હોઈ શકે. પરંતુ તેમના આ જ વિચાર, આ જ પ્રયાસ કેટલાક લોકોને પસંદ ન આવ્યા અને તેમને આપણી પાસેથી છીનવી લેવામાં આવ્યા.

તે બાંગ્લાદેશ અને આપણા બધાનું સૌભાગ્ય હતું કે પ્રધાનમંત્રી શેખ હસિનાજી અને શેખ રેહાનાજી પર ઉપરવાળાની કૃપા રહી, નહિતર હિંસા અને ઘૃણાના સમર્થકોએ કોઈ કસર નહોતી છોડી.

આતંક અને હિંસાને રાજનીતિ અને કૂટનીતિનું હથિયાર બનાવવું, કેવી રીતે આખા સમાજને, આખા દેશને બરબાદ કરી દે છે, તે આપણે ખૂબ સારી રીતે જોઈ રહ્યા છીએ.

આતંક અને હિંસાના તે સમર્થક આજે ક્યાં છે, કઈ હાલતમાં છે અને બીજી બાજુ આ આપણો બાંગ્લાદેશ કઈ ઉંચાઈ પર પહોંચી રહ્યો છે, તે પણ દુનિયા જોઈ જ રહી છે.

સાથીઓ,

બંગબંધુની પ્રેરણા વડે, અને પ્રધાનમંત્રી શેખ હસિનાજીના નેતૃત્વમાં બાંગ્લાદેશ આજે જે પ્રકારે સંકલિત અને વિકાસ લક્ષી નીતિઓ સાથે આગળ વધી રહ્યો છે, તે ખૂબ પ્રશંસનીય છે.

અર્થતંત્ર હોય અને સામાજિક સૂચકાંકો હોય કે પછી ખેલકૂદ, આજે બાંગ્લાદેશ કીર્તીમાંનો સ્થાપિત કરી રહ્યો છે. કૌશલ્ય, શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તીકરણ, માઈક્રો ફાયનાન્સ, આવા અનેક ક્ષેત્રોમાં બાંગ્લાદેશે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે.

મને એ વાતની પણ ખુશી છે કે વીતેલા 5-6 વર્ષોમાં ભારત અને બાંગ્લાદેશે પારસ્પરિક સંબંધોનો પણ શોનાલી અધ્યાય રચ્યો છે, પોતાની ભાગીદારીને નવી દિશા, નવા પરિમાણો આપ્યા છે.

તે આપણા બંને દેશોમાં વધતો વિશ્વાસ જ છે જેના કારણે આપણે દાયકાઓથી ચાલ્યા આવતા જમીન સરહદ, દરિયાઈ સરહદ સાથે સંકળાયેલા જટિલ મુદ્દાઓને શાંતિપૂર્ણ રીતે, સંપૂર્ણ રીતે ઉકેલવા માટે સફળ રહ્યા છીએ.

સાથીઓ,

બાંગ્લાદેશ આજે દક્ષિણ એશિયામાં ભારતનું સૌથી મોટું વ્યાપારી ભાગીદાર પણ છે અને સૌથી મોટું વિકાસનું ભાગીદાર પણ છે.

ભારતમાં બનેલી વીજળી વડે બાંગ્લાદેશના લાખો ઘર અને ફેકટરીઓ પ્રકાશિત થઇ રહી છે. મિત્રતા પાઈપલાઈનના માધ્યમથી એક નવું પરિમાણ આપણા સંબંધોમાં ઉમેરાયું છે.

રોડ હોય, રેલવે હોય, હવાઈ માર્ગ હોય, જળમાર્ગ હોય કે ઈન્ટરનેટ, આવા અનેક ક્ષેત્રોમાં આપણો સહયોગ આપણા બંને દેશોના નાગરિકોને હજુ પણ વધારે જોડી રહ્યો છે.

સાથીઓ,

આપણી વિરાસત ટાગોરની છે, કાઝી નઝરૂલ ઇસ્લામ, ઉસ્તાદ અલાઉદ્દીન ખાન, લાલોન શાહ, જીબાનંદા દાસ અને ઈશ્વર ચંદ્ર વિદ્યાસાગર જેવા મનીષીઓની છે.

આ વિરાસતને બંગબંધુની પ્રેરણા, તેમના વારસાએ વધુ વ્યાપકતા આપી છે. તેમના આદર્શો, તેમના મૂલ્યો વડેભારત ભૂમિ હંમેશાથી જોડાયેલ રહી છે.

ભારત અને બાંગ્લાદેશના આત્મિય સંબંધ, બંગબંધુ દ્વારા ચિંધવામાં આવેલ માર્ગ, આ દાયકામાં પણ બંને દેશોની ભાગીદારી, પ્રગતિ અને સમૃદ્ધિનો મજબૂત આધાર છે.

આવતા વર્ષે બાંગ્લાદેશની ‘મુક્તિના 50 વર્ષ’ પૂરા થશે અને તેના આગામી વર્ષે એટલે કે 2022માં ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે.

મને વિશ્વાસ છે કે આ બંને પડાવો ભારત બાંગ્લાદેશના વિકાસને નવી ઊંચાઈ પર પહોંચાડવાની સાથે સાથે જ બંને દેશોની મિત્રતાને પણ નવી ઊંચાઈ પ્રદાન કરશે.

એક વાર ફરી સંપૂર્ણ બાંગ્લાદેશને બંગબંધુ શતાબ્દી વર્ષની શુભકામનાઓ સાથે હું મારી વાતને સમાપ્ત કરું છું.

આભાર!!

જય બોંગલા, જય હિન્દ!!!

 

RP