રાષ્ટ્રપતિ મેક્રોનના આમંત્રણ પર હું તારીખ 10 થી 12 ફેબ્રુઆરી દરમિયાન ફ્રાન્સની મુલાકાત લઈશ. પેરિસમાં હું AI એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરવા માટે આતુર છું. જે વિશ્વના નેતાઓ અને વૈશ્વિક ટેક સીઈઓનું એક સંમેલન છે. જ્યાં આપણે સમાવિષ્ટ, સુરક્ષિત અને વિશ્વસનીય રીતે નવીનતા અને વ્યાપક જાહેર હિત માટે AI ટેકનોલોજી પ્રત્યે સહયોગી અભિગમ પર વિચારોનું આદાન-પ્રદાન કરીશું.
મારી યાત્રાનો દ્વિપક્ષીય ભાગ મારા મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોન સાથે ભારત-ફ્રાંસ વ્યૂહાત્મક ભાગીદારી માટે 2047 હોરાઇઝન રોડમેપ પર પ્રગતિની સમીક્ષા કરવાની તક પૂરી પાડશે. અમે ફ્રાંસમાં પ્રથમ ભારતીય કોન્સ્યુલેટનું ઉદ્ઘાટન કરવા માટે ઐતિહાસિક ફ્રેન્ચ શહેર માર્સિલેની પણ મુલાકાત લઈશું અને આંતરરાષ્ટ્રીય થર્મોન્યુક્લિયર પ્રાયોગિક રિએક્ટર પ્રોજેક્ટની પણ મુલાકાત લઈશું. જેમાં ભારત ફ્રાંસ સહિત ભાગીદાર દેશોના કન્સોર્ટિયમનો સભ્ય છે. જેથી વૈશ્વિક હિત માટે ઊર્જાનો ઉપયોગ કરી શકાય. હું પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોતાના જીવનનું બલિદાન આપનારા ભારતીય સૈનિકોને મઝારગ્યૂઝ યુદ્ધ કબ્રસ્તાનમાં શ્રદ્ધાંજલિ પણ આપીશ.
ફ્રાંસથી હું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર બે દિવસની યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાતે જઈશ. હું મારા મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળવા માટે ઉત્સુક છું. જો કે જાન્યુઆરીમાં તેમની ઐતિહાસિક ચૂંટણી જીત અને શપથગ્રહણ પછી આ અમારી પહેલી મુલાકાત હશે. તેમ છતાં તેમના પ્રથમ કાર્યકાળમાં ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી બનાવવા માટે સાથે કામ કરવાની ઘણી જ સારી યાદો છે.
આ મુલાકાત તેમના પ્રથમ કાર્યકાળમાં આપણા સહયોગની સફળતાઓને આગળ ધપાવવા અને ટેકનોલોજી, વેપાર, સંરક્ષણ, ઉર્જા અને પુરવઠા શૃંખલા સ્થિતિસ્થાપકતાના ક્ષેત્રો સહિત આપણી ભાગીદારીને વધુ ઉન્નત અને ગાઢ બનાવવા માટે એક એજન્ડા વિકસાવવાની તક હશે. આપણે આપણા બંને દેશોના લોકોના પરસ્પર લાભ માટે સાથે મળીને કામ કરીશું અને વિશ્વ માટે વધુ સારા ભવિષ્યને આકાર આપીશું.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com